શું છે યજ્ઞ ને હવન? બંને એક છે કે અલગ?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક
સનાતન ધર્મમાં પ્રત્યેક ધાર્મિક-વ્યવહારિક કાર્યોમાં યજ્ઞ અને હવનનું ખૂબ મહત્ત્વ છે. બાળકને યજ્ઞોપવીત આપવાની હોય, લગ્ન હોય, ગૃહપ્રવેશ હોય કે અન્ય અનેક કાર્યોમાં અગ્નિદેવની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવી છે. સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ ‘યજ્ઞ, દાન અને તપ’ આ ત્રણ શબ્દોમાં સમાહિત છે. તેમાં પણ યજ્ઞનું વિશેષ મહત્ત્વ છે. છાન્દોગ્ય ઉપનિષદમાં ધર્મના ત્રણ આધારસ્તંભોમાં સૌ પ્રથમ સ્થાન યજ્ઞને આપવામાં આવ્યું છે, પણ મોટે ભાગે આપણે યજ્ઞ અને હવનને એક જ માનીએ છીએ, પરંતુ હકીકતમાં બંને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. જો આપણે તે જાણીએ તો આપણે કરેલા યજ્ઞાદિ કર્મ સમજણપૂર્વક થશે.
યજ્ઞ વિષે યજુર્વેદમાં વિસ્તારપૂર્વક વર્ણન અને સમજણ મળે છે. જો તેના વિશે વિસ્તારથી લખવા બેસીએ તો એક નાનકડું પુસ્તક લખી શકાય તેટલી વિગતવાર સમજણ તેમાં અપાઈ છે. તેના ઉપરથી સમજી શકાય કે યજ્ઞ જેવાં અનુષ્ઠાનો આપણા ઋષિ-મુનિઓએ સમજ્યા-વિચાર્યા વિના બનાવ્યા નથી. યજ્ઞ મુખ્યત્વે કેટલાક મોટા અને સામાજિક હેતુઓ માટે કરવામાં આવે છે જેમ કે યુદ્ધ જીતવા, અનિષ્ટને ટાળવા, વરસાદ વગેરે.
ભગવાનની પૂજાની સાથે લોકકલ્યાણ માટે પણ યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞમાં આપવામાં આવેલ આહુતિ સંકલ્પ સાથે સંબંધિત છે. યજ્ઞ એ વૈદિક પ્રક્રિયા છે. જેનો ઉલ્લેખ વૈદિક ગ્રંથોમાં જોવા મળે છે. યજ્ઞ પણ વ્યાપક રીતે યોજાય છે, પરંતુ આ આયોજન કરવામાં ઘણો સમય લાગે છે. યજ્ઞમાં દેવતા, અર્પણ, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા હોવી અનિવાર્ય છે. યજ્ઞ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યો હતો. યજ્ઞ એક ધાર્મિક વિધિ જેવો છે જે સંતો અથવા પંડિતો દ્વારા કરવામાં
આવે છે. વેદો અનુસાર યજ્ઞના મુખ્યત્વે બે પ્રકાર છે. શ્રૌત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ. આ યજ્ઞો વિશે માત્ર ટૂંકમાં જાણીએ.
શ્રૌત યજ્ઞ:
શ્રુતિ અથવા વેદ દ્વારા પ્રતિપાદિત યજ્ઞ. આમાં, વૈદિક મંત્રોનો ઉપયોગ કરીને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. મુખ્ય વૈદિક યજ્ઞો છે – અશ્વમેધ, રાજસૂય, વાજપેય, અગ્નિષ્ટોમ, સોમયજ્ઞ.
સ્માર્ત યજ્ઞ:
સ્મૃતિઓ દ્વારા પ્રતિપાદિત યજ્ઞ. આમાં વૈદિક, પૌરાણિક અને તાંત્રિક મંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય સ્માર્તા યજ્ઞો – ગૃહસ્થો દ્વારા કરવામાં આવતા પંચ મહાયજ્ઞો (બ્રહ્મા, દેવ, પિતૃ, ભૂત અને અતિથિ યજ્ઞો) હવનને યજ્ઞનું નાનું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કે ઘરમાં જે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞ નથી, પણ હવન છે. પરિવારનો કોઈ પણ સભ્ય હવન કરી શકે છે. હવન સંતો દ્વારા કરાવવાનો કોઈ નિયમ નથી. હિંદુ ધર્મમાં, હવન શુદ્ધીકરણની વિધિ માનવામાં આવે છે. હવનમાં મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. હવનના મંત્રો યજ્ઞ મંત્રોથી અલગ છે. હવનના મંત્રો બીજમંત્ર નથી પરંતુ, સામાન્ય મંત્રો છે જે શુદ્ધીકરણ અને ઘરગુથ્થી સમસ્યાઓથી સંબંધિત છે. હવન ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને હવન જનકલ્યાણને બદલે વ્યક્તિગત સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવે છે.
હવન ભગવાનની ભક્તિ અને ઘરની સમૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે, જોકે હવનની આહુતિ સાથે કોઈ સંકલ્પ જોડાયેલો હોય તેવું જરૂરી નથી. યજ્ઞ કે હવન, બંને માટે કુંડ બનાવવામાં આવે છે. હવન માટે મોટે ભાગે ચોરસ કુંડ બને છે. પરંતુ યજ્ઞમાં વિશિષ્ટ હેતુ રાખીને અલગ અલગ આઠ પ્રકારના યજ્ઞ કુંડ બનાવવાની વિધિ છે. જોકે, કુંડ હંમેશાં 3 પગથિયાંના જ બને છે. એવું કહેવાય છે કે તેનાં ત્રણ પગથિયાંમાં ત્રણ દેવતાઓનો વાસ થાય છે. પહેલે પગથિયે ભગવાન વિષ્ણુ, બીજા પગથિયે બ્રહ્માજી અને ત્રીજા પગથિયે મહાદેવનો વાસ થાય છે.
Also read: નિષ્કુળા નંદનં સ્વા મી : વૈરાવૈરાગ્યભા વ ને ભક્તિ તત્ત્વના તર્કપૂતપૂ ઉદ્ગાતા
બીજી મહત્ત્વની વાત જે મોટા ભાગના લોકો નથી જાણતા અને આજકાલ તેની જાણકારી આપવામાં પણ નથી આવતી તે એ છે કે યજ્ઞકુંડમાં કેટલી આહુતિઓ આપવાની છે, તે અનુસાર કુંડનું કદ અથવા માપ નક્કી કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રોએ કેટલા ઊંડાણપૂર્વક અને આયોજનબદ્ધ રીતે મંત્ર, તંત્ર, પૂજા, કર્મકાંડ વગેરેનું નિયોજન કર્યું છે તે યજ્ઞ અને હવનની આ વિગત ઉપરથી સમજાય છે. માટે, આપણાં શાસ્ત્રો કથિત વાતોને તેના ખરા અર્થમાં અને વૈજ્ઞાનિક રીતે જો આપણે સમજીએ તો ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા ચોક્કસપણે વધુ દૃઢ થઈ શકે છે.