જગત આકસ્મિક ઘટના નથી
ચિંતન -હેમુ ભીખુ
બે વિચારધારા છે. એક, જગત શાશ્વત છે અને તે સ્વયંભૂ છે અને બીજી, જગત સર્જિત થાય છે અને પ્રલય પામે છે અને આ સર્જન અને પ્રલય માટે કોઈ ઈશ્વર-શક્તિ કારણભૂત છે. જો જગત શાશ્વત છે, કાયમી છે તો તે સમય આધારિત નથી એમ કહેવાય. પરંતુ સમય અનુસાર જગતનું સ્વરૂપ બદલાયા કરે છે. તેથી એમ કહી શકાય કે જગત સમય આધારિત છે. તો પછી પ્રશ્ન એ થાય કે શું સમય શાશ્વત છે, જો સમય શાશ્વત હોય તો જગત પણ શાશ્વત હોઈ શકે. સમયનું ચક્ર પણ ફર્યા કરે છે. એમ પ્રતીત થાય છે કે સમય આવે છે અને જાય છે. સમયની આવી આવજાની અનુભૂતિ પાછળ જગતમાં થતો બદલાવ કારણભૂત હોય તેમ જણાય છે. પૃથ્વી ગોળ ફરે છે એટલા માટે દિવસ-રાતની પ્રતીતિ થાય છે. એમ જણાય છે કે સમય અને જગત પરસ્પર આધારિત છે. જગતમાં થતા બદલાવને કારણે સમય પ્રતીત થાય છે અને સમયને કારણે જગતનો બદલાવ અનુભવાય છે. તેથી જગત જો શાશ્વત હોય તો તેનું કારણ સમયની શાશ્વતતા છે તેમ કહેવાય.
એવો તર્ક આપી શકાય કે સમયમાં બદલાવ આવે છે પણ સમય શાશ્વત છે, તેવી જ રીતે જગતમાં બદલાવ આવે છે પણ જગત શાશ્વત છે. અર્થાત જગત ઉત્પન્ન થયું નથી અને તેથી તેનો અંત નથી. આ વિચારધારા પ્રમાણે, જગતનું દરેક તત્ત્વ નાશ નથી પામતું પણ માત્ર અન્ય તત્વમાં રૂપાંતરિત થાય છે, તેમ જગત નાશ નથી પામતું પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય. સમય પર રૂપાંતરિત થાય છે. જો આમ હોય તો આ શાશ્વત-અજન્મા જગતમાં જડ અને ચૈતન્ય બંને કાર્યરત છે અને બંને માટે ઉત્પત્તિ અને પ્રલય નથી. જળ અને ચૈતન્યના સમન્વયથી જે કંઈ થઈ રહ્યું છે તે બધું ચોક્કસ ભૌતિક નિયમોને આધીન છે. આ નિયમો પણ શાશ્વત છે. આ વિચારધારામાં જગતના સર્જકની, ઈશ્વરની સંભાવનાનો છેદ ઉડાડી દેવાય છે.
રોજિંદા જીવનની કેટલીક ઘટનાઓ સમજવા જેવી છે. એમ જોવા મળે છે કે જો મન સંમિલિત ન થાય તો ઘણી ભૌતિક ઘટના ધ્યાનમાં નથી આવતી. તેનાથી વિપરીત પણ શક્ય છે. મને જો નિર્લેપ રહે તો ભૌતિક વિશ્વના નિયમો અસર ન કરે. મનની શક્તિ અપાર છે. મન જો અપાર દ્રઢતાથી જગતના નિયમોનો અસ્વીકાર કરે તો તે નિયમો કાર્યરત ન થઈ શકે. અર્થાત જગત અને સમયના સ્થાપિત નિયમો મનની શક્તિ આગળ લાચાર હોય છે. આ સમજવા માટે કોઈ યોગીની મનોભૂમિની માહિતી જરૂરી નથી, સામાન્ય માનવી પણ જીવનમાં આવા નાના નાના અનુભવ કરતો જ હોય છે. સામાન્ય માનવી જગતની નાની ઘટનાની અસ્વીકૃતિ તો કોઈ યોગી સમગ્ર જગતનો અસ્વીકાર પણ કરી શકે.
મનની શક્તિ સામે જગત અને સમય બંને લાચાર છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાત માને છે. એનો અર્થ એ થાય કે જગત અને સમય પર કોઈ ચૈતન્યનું પ્રભુત્વ છે. આ ચૈતન્ય અપાર ક્ષમતા ધારણ કરે તો તેના દ્વારા જગતનો નાશ પણ સંભવી શકે. તેનાથી વિપરીત તે અન્ય જગતનું સર્જન પણ કરી શકે. એની કોઈ ખાતરી નથી કે જે જગતમાં આ લખાઈ રહ્યું છે અને વંચાઈ રહ્યું છે તે જગત આવા કોઈ નવસર્જન સમાન નહીં હોય. સંભાવના તો છે જ. ત્રિપુરા-રહસ્યમાં જણાવાયું છે તેમ યોગિક ક્રિયાથી નવા વ્યક્તિગત બ્રહ્માંડનું સર્જન પણ થઈ શકે છે અને તે વાસ્તવિક હોય તે પ્રમાણે અનુભવી પણ શકાય છે. અર્થાત ક્યાંક કોઈ જગતનો ઈશ્વર તો હોઈ શકે. આ ઈશ્વર એટલે મહાન સિદ્ધ યોગી છે કે જેના નિર્વિકલ્પ સંકલ્પથી નવા જ જગતની પ્રતીતિ થાય. આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આ બાબત સિદ્ધ થઈ ચૂકી છે.
તો પછી પ્રશ્ન એ થાય કે આ જે જગત આપણી સમક્ષ છે તે મૂળ શાશ્વત જગત છે કે કોઈ યોગી દ્વારા સંકલ્પિત જગત છે. સંભાવના બંને પ્રકારની છે. આગળ પ્રશ્ન એ થાય કે જેને આપણે મૂળ શાશ્વત જગત કહીએ છીએ તે પણ કોઈ યોગીના સંકલ્પ દ્વારા સ્થાપિત ન થયું હોય એમ કેવી રીતે કહી શકાય. જગતની આવી પરંપરા – શૃંખલા જો સર્જાતી હોય તો પ્રશ્ન વધુ જટિલ બને. પણ અહીં એક વાત તો સિદ્ધ થાય છે કે જગત કોઈના મનના ભાવને કારણે માનસિક ક્રિયાને પરિણામે – મદ્ભાવા માનસા જાતાના ન્યાય પ્રમાણે અસ્તિત્વમાં આવ્યું પણ હોય. આ પ્રકારનો માનસિક ભાવ અને માનસિક ક્રિયા જે તે જગતના નાશ માટે પણ સમર્થ હોય. આમ કરી શકનાર પુરુષને સામાન્ય રીતે ઈશ્વર કહેવાય.
મૂળ જગત પણ આવા કોઈ સંકલ્પને આધારિત હોવાની પૂરેપૂરી સંભાવના છે. એક તર્ક પ્રમાણે એમ કહી શકાય કે સંકલ્પના અભાવે કોઈપણ પરિસ્થિતિ અસ્તિત્વમાં જ ન આવે. જગતની ગતિવિધિ મનના ખેલને આધારિત હોય છે. મન સાથે અહંકાર જોડાય ત્યારે જગતની જરૂરિયાત ઊભી થાય. પછી બુદ્ધિ પોતાની બુદ્ધિ અજમાવે અને સર્જન માટેની ભૂમિકા ઊભી થાય. ચૈતન્યના ચિત્તમાં સંગ્રહાયેલ સ્મૃતિના આધારે જગતની રૂપરેખા નક્કી થાય.
જો ભૌતિક જગતમાં કશું જ આકસ્મિક ન હોય, તો ભૌતિક જગતની રચના પણ આકસ્મિક ન હોઈ શકે. જો કોઈપણ ભૌતિક બાબત સ્વયં અસ્તિત્વમાં ન આવી શકે તો જગતનું સ્વયંભૂપણું પણ શક્ય નથી. જો ભૌતિક જગતથી બહારની કોઈ શક્તિ તેને અસર કરી શકે તેમ હોય તો તે શક્તિ ભૌતિક જગતનો પ્રલય અને ફરીથી તેનું સર્જન કરવા પણ સક્ષમ હોય જ. જો બધું નિયમોને આધીન હોય તો આ નિયમો અકસ્માત ન હોઈ શકે. તેથી જગતના મોટાભાગના લોકો ઈશ્વરનું સત્ય સ્વીકારતા હોય છે.
જગતમાં જે રીતે નિયમબદ્ધતા જોવા મળે છે, જગતની દરેક બાબતનું જે રીતે ઝીણવટ ભર્યું વિગતિકરણ થયું છે, જગતમાં વિવિધતા વચ્ચે જે રીતે એકસૂત્રતા સ્થાપિત થઈ છે, જગતના નિયમો વચ્ચે જે નિયમબદ્ધ અપવાદ ઊભરે છે, જગતમાં જે પ્રકારે સંતુલન જળવાયેલું રહે છે અને જગતમાં જે પરસ્પરનો સહકાર, સુ-સંવાદિતતા, સંકલન અને સુંદરતા સ્થાપિત થઈ છે તેની પાછળ કોઈ ઐશ્વરીય ઉદ્દેશ હોવો જોઈએ – આ ઐશ્વરીય ઉદ્દેશના સ્થાપક અને પાલક એટલે જ ઈશ્વર.