ધર્મતેજ

દુ:ખ શા માટે?

અલૌકિક દર્શન -ભાણદેવ

એક બુદ્ધિશાળી પણ દુ:ખી યુવાને પ્રશ્ર્ન પૂછયો:
“ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી છે?

“આ સૃષ્ટિની રચના દ્વારા ભગવાનને પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવો નથી. જે પૂર્ણ છે, તેને પોતાનો શો હેતુ સિદ્ધ કરવાનો હોય? આ સૃષ્ટિરચના તો ભગવાનની નિરુદ્દેશ આનંદલીલા છે.
“જો આ સૃષ્ટિ ભગવાનની આનંદલીલા છે, તો આ સૃષ્ટિમાં દુ:ખ શા માટે છે? ભગવાન પોતે આનંદસ્વરૂપ છે, તો તેમની રચેલી આ સૃષ્ટિમાં આટલું દુ:ખ, આટલી વેદના શા માટે છે?
વાત સાચી છે. ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે:
आनन्दो ब्रह्मेति व्यजानात्। आनन्दाद्धयेव खल्विमानि भूतानि जायन्ते।
आनन्देन जातानि जीवन्ति। आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति।

तैत्तिरीयोपनिषदः 3-6
“આનંદ બ્રહ્મ છે. તેમ નિશ્ર્ચયપૂર્વક જાણો. આનંદમાંથી જ આ સર્વ ભૂતો ઉત્પન્ન થાય છે. આનંદ દ્વારા જ આ ઉત્પન્ન થયેલાં જીવો જીવન ધારણ કરી શકે છે. આ લોકમાંથી પ્રયાણ કરીને આનંદમાં જ પ્રવેશ પામે છે.

બ્રહ્મ, બ્રહ્મમાંથી નિ:સ્ત્રુત આ સૃષ્ટિ અને સૃષ્ટિમાં આવેલાં જીવો- આ સમગ્ર અસ્તિત્વ આનંદરૂપ છે. આવી આનંદરૂપ સૃષ્ટિમાં આવા આનંદસ્વરૂપ જીવોને દુ:ખ શા માટે છે? જીવનમાં દુ:ખ ક્યા કારણથી છે?
આ સમસ્યાનો ઉત્તર નથી મળતો, તેમ માનીને અસ્તિત્વવાદીઓ કહે છે:
Life is absurd.
“જીવન અર્થહીન છે.
અસ્તિત્વવાદીઓ ભલે જીવનને અર્થહીન ગણે, પરંતુ સદ્ભાગ્યે જીવન અર્થહીન નથી. જીવન અર્થપૂર્ણ, સુસંવાદી અને સુયોજિત છે.
આ અસ્તિત્વમાં, આપણા જીવનમાં એવું કશું જ નથી. જે અર્થહીન અને અનાવશ્યક હોય.

તો શું જીવનમાં દુ:ખ પણ અર્થપૂર્ણ છે? દુ:ખ પણ આવશ્યક તત્ત્વ છે? હા, જીવનમાં દુ:ખનું પણ અર્થપૂર્ણ સ્થાન છે. જીવનમાં દુ:ખનું પણ વિધાયક મૂલ્ય છે.
જીવનમાં દુ:ખના વિધાયક મૂલ્યને સમજવા માટે આપણે આ તત્ત્વને ઊંડાણથી સમજવું જોઈએ.

આનંદ એટલે શું?
પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. આત્મસ્વરૂપે આપણે પરમાત્માનો જ અંશ કે સ્વરૂપ છીએ. તેથી સ્વરૂપત: જ આનંદ આપણા અસ્તિત્વનો પાયો છે; આનંદ આપણા જીવનનું કેન્દ્ર છે; આનંદ આપણું સ્વરૂપ છે. માનવચિત્તમાં આનંદ પ્રત્યે સતત અને તીવ્ર આકર્ષણ રહે છે. જે જેનું સ્વરૂપગત તત્ત્વ હોય તેના પ્રત્યે તેને આકર્ષણ રહે જ છે. આપણાં ચિત્તમાં આનંદ પ્રત્યે જે તીવ્ર આકર્ષણ રહે છે, તેનું કારણ એ છે કે આનંદ આપણો સ્વરૂપગત ધર્મ છે; આનંદ આપણા જીવનું કેન્દ્ર છે.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…