આજે કેમ તમે અલગ અલગ લાગો છો?

શિવ રહસ્ય -ભરત પટેલ
પ્રવાસ દરમિયાન રાજા ઋતુપર્ણ પાસેથી પાસાંઓનાં દ્યુતકલાનું વિજ્ઞાન મેળવી રાજા નળ વધુ વેગે રથ હંકારે છે. બપોરનો સમય થતાં રાજા ઋતુપર્ણની આજ્ઞાથી સારથિ બાહુક રથ થોભાવે છે અને અશ્ર્વોને ચારા પાણી માટે છૂટા કરે છે. રાજા નળ અશ્ર્વોને ઝરણામાંથી બહાર કાઢવા જાય છે. રાજા નળનો પડછાયો ઝરણામાં પડતાં જ કર્કોટક સર્પનું વિષ ઓકતાં ઓકતાં કળિયુગ બહાર આવેલો જોઈ રાજા નળ તેને શાપ આપવા જાય છે પણ કળિયુગ તેને રોકે છે અને વરદાન આપે છે કે ‘જે કોઈ માનવ કળિયુગમાં તમારું ચરિત્ર પઠન કે શ્રવણ કરશે તેને હું ક્યારેય નહીં નડું, તેને મારો કોઈ ભય નહીં રહે.’ આનંદિત રાજા નળ અશ્ર્વોને ફરી જોડે છે અને પવનવેગે રથને કુંડિનપુર તરફ દોડાવે છે. ઋતુપર્ણના રથના રણકારનો અવાજ રાજમહેલ સુધી પહોચતાં દમયંતી વિચારે છે કે તેનો પતિ હવે કુંડિનપુર આવી ગયો છે અને હવે જો એ મને નહીં ઓળખે તો હું ધગધગતી અગ્નિમાં કૂદી પડીશ. રાજા ઋતુપર્ણ જુએ છે કે અહીં સ્વયંવરની કોઈ જ તૈયારી નથી. રાજા ભિમ ઋતુપર્ણને કહે છે, ‘રાજન મારી પુત્રી દમયંતી રાજા નળની પત્ની છે અને અમને ખાતરી છે કે તમારો સારથિ જ રાજા નળ છે, તમે રાજસભામાં બોલાવી શકો તો ઉત્તમ છે.’ ધ્રૂસકે ધ્રૂસકે રડતી દમયંતી અને તેની બાજુમાં તેના બે બાળકોનાં લોચનમાંથી ટપકતાં આંસુઓ જોઈ રાજા નળ પોતાને રોકી ન શકયો અને પોતાની ઓળખ રાજા નળ તરીકે આપે છે. દમયંતી માફી માગતા કહે છે કે, આ યુક્તિ ફક્ત તમને અહીં સુધી લઈ આવવાની હતી, મારા સ્વયંવરના સમાચાર સાંભળી 100 યોજનનું અંતર એક દિવસમાં ફક્ત તમે જ કાપી શકો એ વાતની ખાતરી અમને હતી. જો મેં તમારા સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર સુદ્ધાં કર્યો હોય તો સૂર્યદેવ, ચંદ્રદેવ અને અગ્નિદેવને વિનંતી કરું છું કે મારા જીવનનો તુરંત નાશ કરે.’ એ જ ક્ષણે પવનદેવે આકાશસ્થિત કહ્યું કે, ‘દમયંતીએ કોઈ પાપ કર્યું નથી, તેના સતિત્વનું રક્ષણ અમે કર્યું છે, તેના પર શંકા કરશો નહીં, તેની વરણી કરો.’ આવું અદ્ભુત વાતાવરણ જોઈ રાજા નળે કર્કોટક સર્પે આપેલા વસ્ત્રો ધારણ કરી નાગરાજ કર્કોટકનું સ્મરણ કર્યું. બીજી જ ક્ષણે રાજા નળે પૂર્વવત સ્વરૂપ ધારણ કરી લીધું. રાજા ઋતુપર્ણએ રાજા નળની માફી માગી વિદાય લીધી. રાજા નળ નિષધદેશ પહોંચતાં જ નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નળરાજ તુરંત રાજમહેલ પહોંચ્યા. નળરાજાએ ભાવહિન શબ્દોમાં ભ્રાતા પુષ્કરને પડકાર ફેંકયો, પાસાંઓ ફેકાતા ગયાં, દાવ પર દાવ રમાતાં ગયાં. દરેક દાવમાં રાજા ઋતુપર્ણે શિખવેલા પાસાં વિજ્ઞાન પોતાનું કૌશલ દેખાડવા માંડતા અંતે ભ્રાતા પુષ્કર બધું જ હારી ગયા અને રાજ્ય છોડી વનવાસનો સ્વીકાર કર્યો. રાજા નળે સૈન્ય મોકલી રાણી દમયંતીને બોલાવી. રાજા નળ અને દમયંતીએ ખૂબ આનંદથી પ્રજા પાલન કરવા લાગ્યાં. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી અનંત કાળ સુધી ફેલાઈ. (નાગરાજ કર્કોટક, નળ, દમયંતી અને રાજા ઋતુપર્ણની આ કથાનું શ્રવણ કે પઠન કરશે તેને કળિયુગ ક્યારેય નડી નહીં શકે અને માનવ ધૈર્ય પ્રાપ્ત કરે છે.)
બીજી તરફ કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ વાર્તાલાપ કરતા હોય છે.
માતા પાર્વતી: ‘સ્વામી તમારી કૃપાથી માનવી ધારે તો દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે છે, તો તમે તેમને એવી સદ્બુદ્ધિ આપો કે તેઓ દાનવ ન બને.’
ભગવાન શિવ: ‘મારી કૃપા અને વરદાન મેળવી માનવી પોતાની પ્રકૃત્તિ પ્રમાણે વર્તે છે, તેને દાનવ બનતાં હું કેમ રોકી શકું.’
માતા પાર્વતી: ‘એટલે?’
ભગવાન શિવ: ‘હું તમને મારા બે ભક્તની કથા કહીશ, એક ભક્ત પોતાનું સમગ્ર જીવન સમાજ ઘડતર અને ગૌસેવામાં વિતાવે છે જ્યારે બીજો ભક્ત પોતાના સ્વાર્થ માટે સમાજને કેટલું નુકસાન પહોંચાડે છે તે તમને જ્ઞાત થશે.’
માતા પાર્વતી: ‘તો પ્રથમ તમે મને ગૌસેવામાં રત રહેનાર ભક્ત વિશે જણાવો.’
ભગવાન શિવ: ‘હિમાલયના પર્વતોની હારમાળામાં અલકાપુરી આવેલું છે. એ અલકાપુરીમાં મારા અસંખ્ય ગણ ત્યાં વાસ કરે છે. ત્યાંના પદ્મ સરોવરના જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોવાથી અમાસના દિવસે પણ અંધારું થતું નથી, ત્યાં રાત્રે ચાંદરણું (અજવાળુ) પથરાયેલું જ હોય છે. મારો પ્રખર ભક્ત એટલે ગણ મૂળનાથ અલકાપુરીના પદ્મ સરોવરના કિનારે નિવાસ કરે છે. તેણે પંચાક્ષર મંત્રના જાપ દ્વારા અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સિદ્ધિઓમાં અનેરી એવી પરકાયા પ્રવેશ પણ છે. મૂળનાથ કોઈપણ મૃત પ્રાણીની કાયામાં પ્રવેશી શકવાનું સામર્થ્ય ધરાવે છે. એક દિવસ મૂળનાથે અસંખ્ય ગાયોને ભાંભરતી અને આંસુ સારતી જોઈ. તેઓ ગૌસેવાના પ્રખર હિમાયતી હોવાથી વિમાસણમાં પડી ગયા. ગાયોની વચ્ચે જતાં જોયું કે એ ગાયોનો રખેવાળ ગોવાળિયો ત્યાં મૃત્યુ પામ્યો હતો, મૃત ગોવાળિયાને જોઈ તેની બધી ગાયો આંસુ સારતી હતી. આટલું દયામણું દૃશ્ય નિહાળી મૂળનાથે પરકાયા પ્રવેશ કરવાની જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે અજમાવવા દૃઢ સંકલ્પ કર્યો કે તે ગોવાળિયાની કાયામાં પ્રવેશી ગૌમાતાને દુ:ખમાંથી ઉગારશે. મૂળનાથનો પરકાયા પ્રવેશ કોઈને દૃશ્યમાન થતો નથી અને તે ગોવાળિયાની કાયામાં પ્રવેશ કરે છે. ગોવાળિયાની કાયામાં પ્રાણ પૂરાતાં તેના શરીરમાં સળવળાટ થવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ગોવાળિયો આંખો ચોળતો ચોળતો ઊભો થઈ ગયો. પોતાના રખેવાળને ફરી ઊભેલો જોઈ ગૌમાતાઓ આનંદિત થઈ ઉઠી. સંધ્યાવેળા થઇ હોવાથી ગાયમાતાઓને લઈ ગોવાળિયો પોતાના ઘરે પહોંચ્યો. સાંજે વાળુ કરવાનો સમય થઈ ગયો હોવાથી ગોવાલણી દલી ભોજન પીરસે છે.
ગોવાલણ દલી: ‘હું તમને રોજ શિરામણ કરતા નિહાળું છું, આજે કેમ તમે અલગ અલગ લાગો છો, તમારા મુખ પર કંઈક અલગ છટા દેખાય આવે છે, તમારો સ્વર પણ બદલાયેલો કેમ લાગે છે?’
ગોવાળિયો: ‘આજે હું ખૂબ જ થાકી ગયો છું, મારે વિશ્રામ કરવો છે. તારે જે કહેવું હોય તે કાલે કહેજે.’
ગોવાલણ દલીએ પોતાની હઠ ચાલુ રાખી, આજે તો મારે તમારી સાથે ખૂબ ખૂબ વાતો કરવી છે, મન ભરીને તમને ભેટવાનું મન થયું છે એમ કહી ગોવાલણ દલી આલિંગન આપવા આગળ વધી.
ગોવાળિયો: ‘અરે! શિવશંભો… શિવશંભો કહેતા મૂળનાથ પથારીમાંથી ઊભો થઇ ડેલી તરફ દોડયો.
ગોવલણ દલીએ વધુ કંઈ ન પૂછતાં કહ્યું કે, ‘તમે તો વિષ્ણુ ભક્ત છો તો શિવશંભુ… શિવશંભો કહીને ભગવાન શિવને કેમ યાદ કર્યા.’
ગોવાળિયાની મનસ્થિતિનો તાક ન મળતાં ગોવાલણ દલી રાત્રે પોતે ઓરડામાં સૂતી અને ગોવાળને ઓસરીમાં ખાટલો પાથરી આપ્યો. મૂળનાથે આખી રાત ‘ૐ નમ: શિવાય’નો જાપ કર્યો, તેને ઉંઘ આવતી નહોતી કે હવે પરકાયા પ્રવેશની વાત ગોવાલણ દલીને કઈ રીતે કહેવી.
મૂળનાથ આખરે બધી કહીકત કહી સંભળાવી અને ત્યાંથી પેલા એકાંત સ્થળે જ્યાં પોતાનું શરીર મૂકયું હતું ત્યાં ગયો પણ તેને પોતાનું શરીર ન મળ્યું. (ભગવાન શિવે તેને આકાશવાણી દ્વારા આદેશ આપ્યો કે , ‘દૂર પૂર્વ દિશામાં એક અપૂજ્ય શિવમંદિર છે તે ખંડિયેર અવસ્થામાં છે એ મંદિરનો ર્જીણોધ્ધાર કર અને ગૌસેવામાં જીવન વ્યતીત કર.’
ભગવાન શિવનો આદેશ સ્વીકારી પૂર્વ દિશામાં આવી એ ખંડિયેર મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો અને અનેક ગૌશાળા બનાવી હજારો ગૌમાતાની સેવામાં જીવન વ્યતીત કર્યું.
વૃદ્ધાવસ્થામાં અંત સમયે મૂળનાથે પીપળાના વૃક્ષ નીચે સમાધી લગાવી, પંચાક્ષરી મંત્રનો જાપ કરી પરકાયા પ્રવેશ કરેલ ગોવાળના શરીરનો ત્યાગ કર્યો અને કૈલાસ લોકને પામ્યો. (ક્રમશ:)