ધર્મતેજ

સંગ કોનો કરવો?

ગીતા મહિમા -સારંગપ્રીત

ભગવાન કૃષ્ણ આત્મા અને ઇન્દ્રિયોના સંબંધોની છણાવટ કરે છે.જ્યારે કોઈ શરીરનો જન્મ થાય છે તે ભેગો જ આત્માનો પ્રવેશ થાય છે કે તે પહેલાં ગર્ભમાં જ તેનો પ્રવેશ થઈ ગયો છે? વળી શરીરમાં રહેનાર ઇન્દ્રિયો અને અંત:કરણને કોણ લઈ આવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગીતા સમજાવે છે કે ‘ગૃહીત્વા એતાનિ’(15/8) એટલે કે શરીરના જન્મના પૂર્વ ઉદ્દેશ્ય અને મૂળમાં જ આત્મા છે. વળી ઇન્દ્રિયો અને અંત:કરણ પણ આત્મા પોતાની સાથે લાવે છે. આમ ઇન્દ્રિયો અને અંત:કરણને આત્માનો સંગ છે. હા, ઇન્દ્રિયો અને આત્માને જૂનો સંબંધ છે. જ્યાં સુધી આત્મા મુક્ત નથી થતો ત્યાં સુધી તેની સાથે સૂક્ષ્મ શરીર જોડાયેલું છે. તે જ આગળ સ્થૂળ શરીરમાં પરિણમે છે. જોકે આત્મા શુદ્ધ, પ્રબુદ્ધ અને જ્ઞાનમય છે. જો ઇન્દ્રિયો પણ આત્માના સંગથી શુદ્ધ અને પવિત્ર આચરણ કરે તો આ સંગ સાચો! પરંતુ આ સંસારના મલીન પંચવિષયોનો સંગ જો ઇન્દ્રિયોને થાય તો તે અપવિત્ર અને અશુદ્ધ આચરણ તરફ ગતિ કરે છે. આના પરિણામે જીવને પણ બંધન થાય.

હા, આ લોકમાં પણ સંગ મહત્ત્વનો છે. ન્યૂરોસર્જરી ક્ષેત્રનું એક પ્રખ્યાત નામ છે ડૉ. બેન કાર્સન. તેઓ પોતાના પુસ્તક ‘ગિફ્ટેડ હેન્ડસ’માં જણાવે છે કે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે ખૂબ જ હિંસક સ્વભાવનો હતો. કિશોર વયમાં તો હું લોકોને પથ્થરો, ઈંટો, બેસબોલના બેટથી મારતો. એક વખત કપડાંની બાબતે થયેલ સાવ સાધારણ ઝઘડામાં મેં મારી માતાને માથામાં હથોડો મારી દીધો.

9મા ધોરણમાં મારા એક મિત્ર સાથે રેડિયો સાંભળતો હતો અને એક મિત્રે મને હેરાન કરવા ચેનલ બદલી નાખી તો મેં તેને ચપ્પુ મારી દીધું. મને સ્કૂલમાંથી બરતરફ કરવામાં આવ્યો.’ કાર્સનના પિતા હતા નહીં. તેની મા 2-3 જૉબ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ કાર્સનની જવાબદારી તેની માતાએ લીધી અને તેના જીવનમાં એવો રંગ ભર્યો કે જે કાર્સન લોકોને મારવામાં કે મારી નાખવા સુધી ખચકાતો ન હતો, તે લોકોને નવું જીવન આપવા માંડ્યો. માથાથી જોડાયેલા બે ટ્વિન્સને અલગ કરનાર તે પ્રથમ ન્યૂરોસર્જન બન્યો. 1984ની સાલમાં અમેરિકાની વિખ્યાત જોન્સ હોપક્ધિસ ચિલ્ડ્રન સેન્ટરમાં પીડિયાટ્રિક્સ ન્યૂરોસર્જરીના સૌથી યુવા ડિરેક્ટર બન્યા, માત્ર 33 વર્ષની ઉંમરે. તો એવું તો શું કર્યું તેની અભણ માતાએ કે જેને કારણે હિંસક રંગે રંગાયેલો કાર્સન માનવતાનો અને મહાનતાનો રંગ પામી શક્યો? શાળાએથી બરતરફ થયેલ કાર્સનને તેની માતાએ કહ્યું કે તારે દર અઠવાડિયે બે પુસ્તકો વાંચીને તેનો રિપોર્ટ લખીને મને બતાવવાનો. બસ આ એક ટેવથી કાર્સનના જીવને પલટો માર્યો, પણ આશ્ર્ચર્ય તો એ હતું કે તે જે રિપોર્ટ બતાવતો હતો તે તેની માતા વાંચી પણ શકતી ન હતી કારણ તે અભણ હતી, પણ પુસ્તકોના સંગે કાર્સનના વિચાર, આચાર અને વ્યવહાર બદલાઈ ગયા. આ છે સંગનો રંગ. અને સામે ખરાબ સંગની અસર પણ એટલી જ તીવ્ર અને ઘાતક હોઈ શકે છે.

24 માર્ચ,1989 બ્રિટિશ સમાચાર ધ ડેલી એક્સપ્રેસમાં એક ચોંકાવી દેનાર ઘટના છપાઈ, બ્રાયન બ્રિટન, 16 વર્ષનો છોકરો. ‘રેમ્બો’ નામની ફિલ્મથી પ્રભાવિત આ બાળકે પોતાના બેડરૂમને જાણે રેમ્બોનું મંદિર બનાવી દીધું હતું. તે પથારીમાં બંદૂક, બારૂદ-ગોળા અને સ્મોક ગ્રેનેડ રાખતો અને ફિલ્મનું ઝનૂન ત્યાં સુધી ચઢી ગયું કે એક દિવસ સવારમાં માતા-પિતા સાથેના ઝઘડામાં બ્રાયને તેના મા-બાપ અને ભાઈ જેસન ત્રણેયની ગોળી મારી હત્યા કરી નાખી. આ છે સંગતનો પ્રભાવ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ એક સુંદર દૃષ્ટાંત આપતા કે આપણું જીવન પાણી જેવુ નહીં, પણ અગ્નિ જેવું હોવું જોઈએ. પાણીમાં જે રંગ નાખો તે રંગ તે ધારણ કરી લે અને અગ્નિમાં જે પણ કંઈ નાખો તેને અગ્નિ પોતાનો રંગ આપી દે.

સિદ્ધાંતોની બાબતમાં આપણું જીવન અગ્નિ જેવું હોવું જોઈએ. જેથી કોઈ અભદ્ર રંગ આપણા જીવનને કલંકિત ના કરી શકે. સાથે સાથે આપણી ભીતરનો ચારિત્ર્યનો, નૈતિક્તાનો, પવિત્રતાનો રંગ એવો ઘેરો હોય કે આપણી સાથે જીવનારને તે રંગ લાગે તો તેનું જીવન પણ ઊર્ધ્વગામી બને. જીવનની રંગોળીમાં એવા રંગો પૂરીએ જેની શોભા જીવનને વધુ જીવવાલાયક બનાવે. હા, સાચા સંગી એ છે જે આપણને ભગવાન, સંત અને સાચાં મૂલ્યો તરફ લઈ જાય. આ સંગ જ જીવનનું સાચું લક્ષ્ય સિદ્ધ કરાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button