ધર્મતેજ

દોષ અહીં કોને દેવો

પ્રાસંગિક – હેમુ ભીખુ

જે કંઈ થઈ રહ્યું છે તેની માટે જાતજાતના સિદ્ધાંતો વહેતા મુકાયા છે. જેમ દરેક સિદ્ધાંતનો એક આધાર હોય તેમ દરેક સિદ્ધાંત પાછળ કોઈક હેતુ પણ હોય. આ હેતુ અનુસાર સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય. સમગ્રતામાં એમ જણાય છે કે માનવી જે કંઈ કરી રહ્યો છે તેનો દોષ સીધો જ બીજા પર ઢોળી દેવાના કેટલા પ્રયત્ન થઈ રહ્યા છે. આ પ્રયત્નો સમજવા જેવા છે અને તેનાથી બચવું જરૂરી છે.

પંચમહાભૂત પોતપોતાની રીતે કાર્યરત રહે છે. તેઓ ક્યાંક સંલગ્ન થાય છે અને ક્યાંક વિમુખ. તેઓ ક્યાંક પોતાનું પ્રભુત્વ સ્થાપે છે અને ક્યાંક ઈતર ભૂમિકામાં સરકી જાય છે. તેમની સાથે સંલગ્ન ભાવ પોતાની અસર છોડે છે. તેમની સાથે સંકળાયેલી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં કાર્યરત થઈ ચોક્કસ બાબતોની અનુભૂતિ કરે છે. આ બધું જ વ્યવસ્થિત છે. જે કંઈ થઈ રહ્યું છે તેના મૂળમાં પંચમહાભૂત, તેને સંલગ્ન ઇન્દ્રિયો અને તેના વિષયો છે. ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે પંચમહાભૂત જ કર્તા છે.

તેની આગળ વિચારીએ તો સૂક્ષ્મ અસ્તિત્વને કાર્ય પાછળનું મુખ્ય કારણ કહેવામાં આવે છે. અંત:કરણની ચાર અવસ્થા, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના કારણે કાર્ય ઉદભવે છે. મનની એક સ્થિતિ એક પ્રકારના કાર્યનું કારણ બને તો અન્ય સ્થિતિ અન્ય પ્રકારના કાર્ય માટે શરીરને પ્રેરણા આપે. તેવું જ બુદ્ધિ, ચિત્ત અને અહંકાર માટે પણ કહી શકાય. દરેક સૂક્ષ્મ અવસ્થા ચોક્કસ કાર્ય ક્ષેત્રમાં કાર્યરત રહે છે. આ વિચારધારા પ્રમાણે સૂક્ષ્મ અસ્તિત્વની સ્થિતિને કારણે જ બધું જ ઘટિત થઈ રહ્યું છે. તો પછી અહીં દોષ વ્યક્તિનો કેમ.

એક તરફ કહેવામાં આવે છે કે બધું જ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો વિવિધ પ્રકારે પરિણામલક્ષી બને છે – કાર્યરત રહે છે. આ પ્રકૃતિના ગુણો મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય; સત, રજ અને તમ. આ દરેક ગુણ એક વિશેષ પ્રકારે વ્યવહાર કરતો હોય છે. તેનાથી ચોક્કસ પ્રકારની ભાવાત્મકતા તથા કાર્યશીલતા અસ્તિત્વમાં તો આવે પણ સાથે સાથે એનાથી ઉદ્ભવતા પરિણામ પણ સ્પષ્ટ હોય છે. સાત્ત્વિક કાર્ય જે પ્રકારનું પરિણામ આપી તે રાજસી તથા તામસી કર્મથી ભિન્ન હોય તે સ્વાભાવિક છે. અહીં ગુણ જ પ્રેરક છે, ચાલક છે, પ્રભાવક છે, નિયંતા છે અને નિર્ણાયક છે. એક ગુણ અન્ય ગુણમાં પ્રવૃત્ત થઈ અને પરિણામ આપે છે. અહીં ગુણને જ કર્તા માનવામાં આવે છે.

ત્રિગુણાત્મક સંસારમાં દરેક ગુણ અન્ય ગુણ પર હાવી થઈ પોતાનું પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરે છે. સત્ત્વગુણ રજ અને તમ પર હાવી થવા પ્રયત્નશીલ હોય છે તો રજોગુણ સત્ત્વ અને તમ પર. તેવી જ રીતે તમોગુણ અન્ય બે ગુણને દબાવી પોતાની વધુ અસરકારક અસર છોડવા પ્રયત્ન કરે છે. જો સંસારના વ્યવહારનું આ સત્ય હોય, તો દોષિત તો આ ત્રણ ગુણો છે. આ ત્રણ ગુણો જ બધાને નચવે છે અને પોતાના અસ્તિત્વને સાર્થક કરે છે. અહીં દોષ કોને દેવો.

ગીતામાં જણાવ્યા પ્રમાણે ગુણા ગુણેષુ વર્તન્તેનો ન્યાય પ્રવર્તે છે. દરેક તત્ત્વના કેટલાક ગુણ હોય છે. આ ગુણ ચોક્કસ પ્રકારનું પરિણામ લાવી શકે. જુદાં જુદાં તત્ત્વોના જુદા જુદા પરસ્પર એકબીજા સાથે કાર્યરત થાય અને પરિણામ ઉદ્ભવે. પાણી અને મીઠાને સાથે રાખવામાં આવે તો પાણી ખારું થાય અને મીઠું ઓગળે. મીઠું અને પાણી પોતાના ગુણોને પરસ્પર વ્યવહાર કરવા દે. આમાં નથી મીઠું પાણીને ખારું કરતું કે નથી પાણી મીઠાને ઓગાળી દેવી દેતું. મીઠા અને પાણીના ગુણો પરસ્પર કાર્યરત થાય છે અને પરિણામ આપણી સામે આવે છે. દરેક તત્ત્વના ગુણો જ્યારે પોતાની પ્રકૃતિ અનુસાર કાર્યરત થતા હોય ત્યારે દોષ કોને દેવો.

માનવીનો જન્મ તેનાં કર્મોને આધારે હોય છે. માનવી પોતાનું સમીકરણ પૂરું કરવા જન્મ લે છે. જો તેનો જન્મ સમીકરણની પૂર્તિતા માટે જ હોય તો પછી તે જે કંઈ કરે છે તેની પાછળ નિયતિ અને કર્મના સિદ્ધાંતો કાર્યરત હોય, માનવી તો કંઈ કરતો જ ના હોય. તેના ભૂતકાળના કર્મ પ્રમાણે જે લખાયેલું હોય તે પ્રમાણેના કર્મ તેના દ્વારા થતા જાય. આ સિદ્ધાંત મુજબ એમ કહેવાય છે કે બધું જ કરનાર કર્મ છે. એમ પણ કહેવાય છે કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હલતું. જો એમ જ હોય તો કર્તા ભગવાન છે. એવા સંજોગોમાં માનવીને દોષ કેમ આપવો.
સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ. માનવી હંમેશાં તર્કને ગોઠવી કાઢે છે. આ બધી ગોઠવેલા તર્કની વાતો છે. માનવી પોતાને અનુકૂળ તર્ક શોધી કાઢે છે. પોતાની જાતને નિર્દોષ તેમજ યોગ્ય સાબિત કરવા તેની પાસે અનેક પ્રકારની દલીલ હોય છે. અહીં જણાવેલ બાબતો આ પ્રકારની દલીલ છે. આ દલીલ મૂળ સુધી નથી પહોંચતી.

સમજવાની વાત એ છે કે દોષ ત્યારે લાગે જ્યારે પ્રકૃતિ પોતાનું કામ કરતી હોય અને માનવી એમ માને કે હું કરું છું. ત્રિગુણાત્મક સંસારમાં બંધન ત્યારે ઉદભવે જ્યારે ગુણના સ્થાને વ્યક્તિ પોતાને કર્તા માને. એક ગુણ બીજા ગુણમાં પ્રવૃત્ત થવાથી જે પરિણામ આવે તે પરિણામ પોતાને કારણે આવ્યું છે એમ જ્યારે માનવી માનવા લાગે ત્યારે પ્રશ્ર્નો ઊભા થાય. મૂળમાં અહંકારને કારણે ઉદ્ભવતો કર્તાપણાનો ભાવ છે. મૂળમાં રાગ અને દ્વેષને કારણે ઊભી થતી અપેક્ષા છે. આ બધા ભાવાત્મક વિકાર છે. તેની ઓળખ થયા બાદ તેનાથી વિમુખ થઈ શકાય. જે તે પરિસ્થિતિ સાથે પોતાનું જોડાણ છે એ માન્યતા જ જોડાણને ટકાવી રાખે છે. આમને આમ તે જોડાતો જ જાય છે. આ જોડાણને કારણે તેને પરિણામ ભોગવવું પડે છે. પરિણામ નિયમબદ્ધ છે. એકવાર જોડાણ સ્થપાયા પછી જે કંઈ થાય તેની જવાબદારી અને માલિકી તે માનવીની બની જાય છે. પછી કાર્ય-કારણ-પરિણામનું ચક્ર ચાલ્યા કરે છે. પછી કર્તા માનવી ન હોવા છતાં પણ તે કર્તા બની રહે છે અને તેને કર્મોનું ફળ ભોગવવું પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…