ધર્મતેજ

કોણ બાળે અને કોણ બળે

ચિંતન -હેમુ ભીખું

આ પ્રશ્ર્નની અંદર જ ઉત્તર છુપાયેલો છે. પ્રશ્ર્ન જ એમ કહેવા માંગે છે કે અહીં કોઈ બાળતું નથી અને અહીં કોઈ બળતું નથી. છતાં પણ ચર્ચા-વિચારણાની સંભાવના તો છે જ. ગીતાની એ વાત તો બધાને ખબર જ છે કે આત્માને બાળી શકાતો નથી. જેમ આત્મા બાળી શકાતો નથી તેમ આત્મા બાળી પણ ન શકે. જે બાળે છે અને જે બળે છે એ બંને, માત્ર એક પ્રપંચ છે.

દેખીતી બધી ક્રિયાઓ સ્થૂળ વિશ્ર્વમાં થાય છે અને આ બધી જ ક્રિયાઓ માટે વિરોધી, બે અંતિમ ચરણ બિંદુ હોય છે. દીવો પ્રગટે છે અને સમય થયે બુઝાઈ જાય છે. ઝાડ ઉગે છે અને નાશ પામે છે. જળાશયોમાં પાણી ભરાઈ છે અને બાષ્પીભવન થાય છે. પૃથ્વી પર ખાડો ખોદાય છે અને ખાડો પુરાય છે. જે તે માપદંડ વાળા, પગથિયાં ચડાય છે અને ઉતરાય છે. અગ્નિ પ્રગટે છે અને શાંત થાય છે. શ્ર્વાસ પછી ઉચ્છવાસ સ્વાભાવિક છે. સંસાર ઉદ્ભવે છે અને લય પામે છે. ઈશ્ર્વરની લીલા અસ્તિત્વમાં આવે છે અને કાર્યસિદ્ધિ બાદ ઈશ્ર્વરમાં જ પરત સંમિલિત થઇ જાય છે. દરેક પ્રકારના પુષ્પ તથા ફળ પાંગરે છે અને ખરી પડે છે. શરીર ધારણ કરી બાળક જન્મે છે અને વૃદ્ધત્વને પામી સમયાંતરે નિષ્ક્રિય બની જાય છે. તે પરમ પૂર્ણતાના સહારે પ્રપંચ, અવિદ્યા, માયા, પ્રકૃતિ તથા સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે અને કાલચક્ર – નિયતિના નિયમ અનુસાર ફરીથી પરમમાં લુપ્ત થઈ જાય છે. જાણે પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે અને અંતે પાછું પૂર્ણમાં સમાઈ જાય છે.

આત્મા શાશ્ર્વત છે, તે નથી હણી શકાતો કે તે નથી હણી શકતો. ઘણીવાર આ બધી વાતો માત્ર જાણકારી બનીને રહે છે. મા ફલેષુ કદાચન ગોખાઈ ગયા પછી પણ ફળની આશા તો રહે જ છે. આ બધા વિધાન માત્ર જાણવા જ માટે હોય તે પ્રકારનો વ્યવહાર થતો રહ્યો છે. એમ જણાય છે કે દુનિયામાં પ્રત્યેક માનવી જે તે પ્રકારના ફળ માટે જ કાર્ય કરે છે. મારી સમજ પ્રમાણે દરેક વ્યક્તિના મનમાં પાંચ પ પ્રવર્તમાન છે – પૈસો, પ્રતિષ્ઠા, પદ, પરિવાર કે પ્રેમ. આ પાંચમાંથી એક ના સંદર્ભમાં કોઈક ફળની આશા પ્રત્યેક કાર્ય પાછળ રહેલી હોય છે. ફળની આશા ન રાખવી, એ વાત તો માત્ર કહેવા માટે જ રહી ગઈ છે. અહીં તો બાળવા પાછળ પણ કોઈક અપેક્ષા છે અને બળવા સાથે પણ કોઈક અપેક્ષા જોડાયેલી છે.

મૃત્યુ પછી સ્થૂળ દેહ અગ્નિને સુપરત કરાય છે. વ્યક્તિ મૃત્યુ બાદ ક્યારેય પોતાના શરીરને જાતે અગ્નિદાહ દઈ શકતો નથી. તે કાર્ય અન્ય વડે જ સંપન્ન કરાય છે. મૃત્યુ બાદ વ્યક્તિનું શરીર બળી શકે છે, બાળી શકતું નથી. તેવી જ રીતે જે શરીર અગ્નિદાહ આપે તે બાળી શકે છે પરંતુ તે સમયે પ્રવર્તમાન અગ્નિમાં બળી શકતું નથી. જે તે સમયે જે બાળે છે તે બળતું નથી અને જે બળે છે તે બાળતું નથી. બળવાની – બાળવાની પ્રક્રિયા અન્ય સહારે જ હકીકતમાં પરિણમે છે. જે શરીર આજે બાળે છે તે કાલે બળશે અને જે આજે બળે છે તે કાલે અન્ય સ્વરૂપ ધારણ કરી કોઈકને બાળશે. બળવા – બાળવાનું આ ચક્ર શરીર દ્વારા સંપન્ન થાય છે. જે વાસ્તવમાં છે એ નથી બળતું કે નથી બાળતું.

આમ પણ પુરુષાર્થ ચાર પ્રકારના કહેવાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભલે એમ કહેવાય કે નિષ્કામ કર્મ કરવા જોઈએ, પરંતુ શાસ્ત્ર એમ પણ સ્થાપિત કરે છે કે આ ચારમાંથી એક પ્રકારના હેતુ માટે પુરુષાર્થ આદરવામાં આવે છે. જે તે કાર્ય પાછળ ધર્મની ભૂમિકા હોય કાં તો ક્યારેક મુમુક્ષુ ભાવ પ્રવર્તમાન હોય. ક્યારેક કંઈક પ્રાપ્ત કરવાની ભાવના હોય તો ક્યારેક ઈચ્છા સંતોષવાની તાલાવેલી.

ચારમાંથી એક પ્રકારના ફળની આશા તો રહે જ. આવા સંજોગોમાં કોઈ ના મૃત્યુ બાદ તે શરીરને અગ્નિદાહ દેવાના પુરુષાર્થ પાછળ પણ આ ચારમાંથી કોઈક ભાવના કાર્યરત હોઈ શકે. અગ્નિદાહ આપવાની ક્રિયા સામાન્ય સંજોગોમાં નિયત કર્મ અર્થાત ધર્મના અનુસંધાનમાં ઘટીત થઈ હોય છે. તે એક ઉત્તરદાયિત્વના ભાગ સ્વરૂપ હોય. અહીં આ ધર્મ છે.

જોકે આજકાલ તો, ખાસ કરીને પશ્ર્ચિમી દેશોમાં, આની માટે પણ વ્યવસાયિક સેવાઓ ઉપલબ્ધ હોય છે. તેવા સંજોગોમાં અગ્નિદાહ આપવાની ક્રિયા પાછળ અર્થ-વ્યવસ્થા કામ કરી જાય. બહુ ઓછા લોકોને અગ્નિદાહ આપવા થકી મોક્ષ પ્રાપ્તિની સંભાવના રહે છે. આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે સમર્થ ગુરુને અગ્નિદાહ આપવાનું ઉત્તરદાયિત્વ કોઈ લાયક શિષ્યને ફાળે આવે. આમાં ગુરુ સાથે શિષ્યને પણ જે તે સમયે મોક્ષ પ્રાપ્તિ
થાય.

એક રીતે જોતાં, બળવાની પ્રક્રિયા એ રૂપાંતરની પ્રક્રિયા છે. લાકડાને જ્યારે બાળવામાં આવે ત્યારે લાકડું પ્રથમ અગ્નિમાં અને ત્યારબાદ ભસ્મમાં રૂપાંતરિત થાય છે. એક ભૌતિક તત્વ અન્ય તત્ત્વમાં તબદીલ થવાની આ પ્રક્રિયા છે. એ સંદર્ભમાં કશું જ નાશ પામતું નથી. બળવાની પ્રક્રિયાથી તત્ત્વનો લોપ થતો નથી, પરંતુ માત્ર તેના અણુનો પ્રકાર અને તેની ગોઠવણ બદલાય છે. એ સંદર્ભમાં પણ એમ કહેવાય કે કોઈ કોઈને બાળતું નથી.

વેદાંત દર્શન મુજબ બ્રહ્મ સિવાય કશું અસ્તિત્વમાં જ નથી. જે કંઈ પ્રતીત થાય છે તે અજ્ઞાનનું પરિણામ છે. અહીં દર્શન, દૃષ્ટા તથા દૃશ્ય વચ્ચે ભેદ નથી હોતો. બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. માયાવાદમાં પણ આવી જ વાત કરવામાં આવે છે. ત્રિપુરા રહસ્યની સમજ પ્રમાણે જે કંઇ પ્રતીત થાય છે તે સંકલ્પનું પરિણામ છે. જે અનુભવાય છે તે અનુભવવાની ઈચ્છા ને કારણે અનુભવાય છે. આત્માના બુદ્ધિ તથા મન સાથેના સંયોગથી ઇન્દ્રિયોને જુદી જુદી અનુભૂતિ થાય છે. વાસ્તવમાં અનુભૂતિ કરનાર માધ્યમ અને અનુભૂતિનો પદાર્થ અસ્તિત્વમાં જ નથી હોતો. જે હોય છે તે તે પરમ તત્વ હોય છે. પછી કોણ બાળે અને કોણ બળે.

એક દ્રષ્ટિકોણથી જોતા એમ લાગે છે કે, લૌકિક દૃષ્ટિએ બાળવું-બળવું એ સ્વાભાવિક છે. દીવાસળી બળે છે અને પછી બાળે છે. આ લૌકિક કાર્ય માટે સાધન જરૂરી છે, કર્તા જરૂરી છે, અનુકૂળ સંજોગો જરૂરી છે. ક્યારેક આ ક્રિયામાં હેતુ પણ જરૂરી બની રહે છે, હેતુ પૂર્વ નિર્ધારિત ન હોય તો પણ તે પરિણામને તો પામે છે. લૌકિક વ્યવહાર પ્રમાણે બળવું અને બાળવું બંને જરૂરી છે. જ્યારે સ્થૂળ વિશ્ર્વથી પર થઈ કારણ વિશ્ર્વના સંદર્ભમાં સમજીએ તો લાગે કે કોઈ બાળતું નથી અને કોઈ બળતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button