સફેદ ચહેરો (ભાગ-૧૧)
દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
એ એમ માનશે-કિરણ મને છોડીને ચાલી ગઈ. એનો પ્રેમ, પ્રેમ નહિ ફરેબ હતો, દગાબાજી હતી, બેઈમાની હતી. પોતાની દોલતને ખાતર જ તે પ્રેમનું નાટક કરતી હતી અને આવી વિકટ સ્થિતિમાં પણ પોતે એ માસૂમ ઈન્સાનને કેવી રીતે સમજાવી શકશે કે દિવાકર, હું બેવફા હતી.
વાસ્તવમાં હું તને ચાહતી જ નહોતી કોઈ પણ સંજોગોમાં પોતે ક્યારે આ ખુલાસો કદાપિ કરી શકવાની નથી… એ તો એમ જ માનશે કે કિરણ ફરેબી, મક્કાર અને સ્વાર્થી હતી…!
અને ત્યારે એ કમભાગી ઈન્સાનનું કાચ જેવું હૃદય ભાંગીને ભુક્કો થઈ જશે. એને થયું કે પોતે દિવાકર વિશે વધુ વિચારશે તો બેહોશ થઈ જશે. વિચારોને એણે બીજી દિશામાં દોર્યા.
હા, બધુ જ શાંતિથી-ખામોશીથી ચુપચાપ ચાલતું હતું ત્યાં સુધી કે પોતે કંટાળી ગઈ હતી અને પાછી ફરવા માગતી હતી અને પછી એ સાંજે દિવાકરનો ફોન આવ્યો. એ વખતે જ પોતાને એમ થયું હતું કે હવે ફરી એકવાર હમેશની જેમ કામકાજનું બહાનું કાઢીને થોડા દિવસો માટે ક્યાંક ગુમ થઈ જશે અને જ્યારે પાછો ફરશે ત્યારે પોતે તેને કશી એ પૂછપરછ ન કરે એટલા ખાતર ખૂબ જોરજોરથી બેહદ રોમેન્ટિક વાતો શરૂ કરી દેશે.
-ધીમે ધીમે એક એક કરીને તેને બધી વાતો યાદ આવવા લાગી.
દિવાકરના ફોન પછી એ એક પણ પળ ગુમાવ્યા વગર ચૂપચાપ કમરાને તાળું લગાવીને હોસ્ટેલમાં કોઈકને ખબર ન પડે એ રીતે બહાર નીકળી ગઈ અને વીશ જ મિનિટમાં ટેક્સી મારફતે તે દિવાકરના બંગલે-વરલી પહોંચી ગઈ. એ ત્યાં બગીચામાં કામ કરનાર માળી તથા મિસ્ત્રીઓની નજર ચૂકવી તે ચૂપચાપ ઉઘાડા ગેરેજમાં ઘૂસી ગઈ અને ત્યારબાદ દિવાકરની કારમાં પાછલી સીટની નીચે છુપાઈ ગઈ. ત્યાર બાદના પ્રસંગો પણ તેને યાદ આવ્યા.
દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો.
ના, આ સ્વપ્ન નહિ સત્ય છે, પછી…? પછી રેલિંગ પાસે એને એકલી મૂકીને દિવાકર દેશાઈભાઈની બહેન વિદ્યાને મળવા માટે એના મકાન તરફ ગયો હતો એ અમસ્તી જ ખાડીમાં નજર કરવા માટે રેલિંગ પર સહેજ નમી ગઈ હતી અને બરાબર એ જ પળે ઘટાટોપ અંધકારમાંથી એક પડછાયાએ તેના પર હુમલો કર્યો હતો અને એ એકલી ખાડીમાં ઊથલી પડવા જેવી વિકટ સ્થિતિમાં આવી પડી હતી…
પરંતુ બરાબર એ જ ઘડીએ હુમલો કરનાર વ્યક્તિએ પોતાને તેના ખભા પર ઊંચકી લીધી અને પછી તે વ્યક્તિ એકદમ ગાઢ અંધકારમાં પણ સડસડાટ દોડવા લાગી. પોતે બેહોશ થવાની તૈયારીમા જ હતી.
ડેની ઉર્ફે કિરણના દિમાગમાં વિચારોની પરંપરા ચાલુ જ હતી.
અને અચાનક તેને યાદ આવ્યું કે પોતે સમગ્ર તાકાતથી મદદ માટે ચીસ પાડી હતી. દિવાકરે જરૂર એ ચીસ સાંભળી જ હશે. તો પછી…? એનું શું થયું ? એ પોતાને છોડીને થોડો જ ચાલ્યો ગયો હશે ? એ મદદ માટે કેમ ન આવ્યો ? કદાચ…કદાચ એના પર પણ હુમલો થયો હોવો જોઈએ. અત્યારે તે ક્યાં હશે ? એ જીવતો તો હશે જ ને ?
આ બધું શા માટે થયું છે તે પોતે બરાબર જાણે છે. દિવાકર તો ભોળો છે…ભોળો ! એ કહેતો હતો કે એ દેશાઈભાઈને હંમેશને માટે છોડી દેશે. આજનું તેનું કામ છેલ્લું જ છે. બિચારો દિવાકર ! આટલા દિવસો પછી પણ એટલું એ નથી સમજતો કે દાણચોરો કે બદમાશોની ટોળીમાં એક સભ્ય તરીકે દાખલ થયા બાદ ક્યારેય નથી છૂટી શકાતું. એકવાર જે ઈન્સાન આવી ટોળીમાં ફસાયા છે તે પછી લાખ પ્રયાસ કર્યા બાદ પણ નથી નીકળી શકતો. દિવાકર પોતાનાથી છૂટો પડવા માગે છે. હંમેશને માટે એ વાતનો સ્પષ્ટ આભાસ ચોક્કસ જ દેશાઈભાઈને થઈ ગયો હતો. એટલે જ એણે એક ખોટી વાત, ખોટું બહાનું કાઢીને તેને રંગપુર મોકલ્યો. આ એનું જ કાવતરું છે. એ કદાચ પોતાના માર્ગમાંથી દિવાકરનો કાંટો હંમેશને માટે જ કાઢી નાખવા માગતો હતો અને એ એણે કાઢી જ નાખ્યો લાગે છે. પેલી હુમલાખોર કાળી આકૃતિ પોતાને ઉઠાવીને ક્યાં ગઈ છે અને ક્યારે શું બન્યું છે એ વિશે કંઈ જ યાદ નથી આવતી. પોતે ચીસ પાડ્યા પછી તરત જ બેહોશીના ઝુલા પર ઝૂલતી હતી. ચીસ પાડવાની શક્તિ પણ પોતાનામાં નહોતી રહી. માથા પર પડેલા ફટકાના કારણે વેદનાની તીખી ઝણઝણાટી થતી હતી.
પછી એવું લાગ્યું હતું કે એ કોઈક સાગરનાં ઊછળતાં મોજાં પણ વહેતા વહાણ કે હોડીમાં પડી છે. એ ભાન ગુમાવવાની તૈયારીમાં જ હતી અને પ્રયાસ કરવા છતાં પણ અવાજ મોંમાંથી નહોતો નીકળી શકતો.
થોડીવાર માટે તો તે ચેતનાશૂન્ય બની ગઈ હતી અને સમયનો બરાબર ખ્યાલ નહોતો આવ્યો, પરંતુ પછી એવું લાગ્યું કે એ જમીન પર ધૂળમાં પડી છે અને એની આસપાસ કેટલાયે માણસોના ચાલવાનો અવાજ સંભળાય છે, પછી કોઈનો અવાજ કાને ટકરાયો હતો, ‘કોણ છે આ ?’ ‘ઉપાધિ’. બીજો અવાજ, ‘આ એની સાથે હતી.’ પહેલો અવાજ ‘તો એને નહીં શા માટે લાવ્યો ? ભારે કરી…’ બીજો અવાજ, ‘કહો તો એ લોકોની સાથે આને પણ મોકલી આપીએ.’ અને ફરીથી પહેલો અવાજ, ‘ના…હવે ઘણું થઈ ચૂક્યું છે, વધુ નહિ.’ બીજો અવાજ, ‘તો હવે આનું શું કરવું છે ?’ પહેલો સ્વર, ‘રહેવા દે, હું પોતે એની વ્યવસ્થા કરી લઈશ…’
ત્યાર પછી વાતચીત બંધ પડી ગઈ હતી અને ફરી એકવાર એ બેહોશીના અથાગ ઊંડાણમાં ઊતરી ગઈ હતી. અને હવે…? હવે અહીંયા એ કેદી છે. વિચારવાનું પડતું મૂકીને એણે ફરીથી દરવાજાને જોરથી ધક્કો માર્યો. એ વાતચીતનો અર્થ શું હતો ?
એફરીથી વિચારવા લાગી. ‘આ એની સાથે જ હતી.’ ચોક્કસ જ એ લોકો દિવાકર અંગે જ કહેતા હતા. દિવાકર કદાચ એના કરતાં પણ વધું તકલીફમાં છે… અને એને બીજું શું કહેતા હતા એ લોકો ?…કોની સાથે એને મોકલવાની વાત એ લોકો કરતા હતા ? શું થઈ ગયું છે ?
સાહસા એ ધ્રુજી ઊઠી. એ ભારે ભરખમ અવાજ…! તો એને અહીં શા માટે લાવ્યો: ઉપાધિ…ઉપાધિ…! ભારે કરી…! અને પછી સાહસા એની યાદદાસ્તને જોરદાર આંચકો લાગ્યો એ દેશાઈભાઈને બેત્રણ વખત જ મળી છે.
પરંતુ એનો ભારે-ભરખમ અવાજ એને બરાબર યાદ છે. એ જ અવાજ એ જ તીખો તરવરાટ ! અને વાતની પૂર્ણાહુતિમાં એના બે પેટન્ટ શબ્દો-ઉપાધિ…ભારે કરી…
-તો એ દેશાઈભાઈ જ હતો.
- દેશાઈભાઈ ! જે દિવાકરને પોતાનો જિગરજાન દોસ્ત… હૈયાનો હાર અને કલેજાનો ટુકડો કહેતો હતો. એનાં વખાણ કરતાં એની જીભ થાકતી નહોતી એ જ અને દેશાઈભાઈ ! અને આ તેનું સાચું, વાસ્તવિક રૂપ !
હવે કેટલીયે શક્યતાઓ એના દિમાગમાં ઊપસતી હતી. એ દેશાઈભાઈ જ હતો અને એ અત્યારે તેના કબજામાં છે-તેની કેદમાં છે. બીજા અર્થમાં હવે બહુ જલદીથી એનો અંત પણ નજીકમાં જ છે. એને ફૂલોની સેજ પર બેસાડવા માટે તો કેદી બનાવવામાં નહિ જ આવી હોય !
એની પાછળ દિવાકર કેટલો બધો પાગલ છે એ વાત દેશાઈભાઈ જાણતો જ હતો. એણે કદાચ વિચાર્યું હશે કે દિવાકરે એના બિઝનેસ અંગેની વાતચીત અને બિઝનેસમાં રહસ્યો લાગણીના આવેશમાં આ છોકરી પાસે બકી નાખ્યાં હશે. માટે તેને પણ મોતને ઘાટ ઉતારી દેવી પડશે.
વિચારતાં વિચારતાં એ થાકી. એણે એક લાંબો શ્ર્વાસ લીધો અને પછી ચૂપચાપ પડી રહી.
સહસા બહાર કોઈકનો પગરવ સંભળાયો. શ્ર્વાસ રોકીને તે ઊભી થઈ અને દ્વાર નજીક પહોંચી કાન સરવા કરીને સાંભળવા લાગી. બહાર કોઈકનો ચાલવાનો અવાજ સંભળાયો. કોઈક દ્વાર પાસે આવ્યું અને પછી અવારનવાર વ્યક્તિ ફરીથી દૂર જવા લાગી.
એક ચીસ એના કંઠમાં આવીને અટકી ગઈ. પસાર થનાર વ્યક્તિ ધીમે ધીમે દૂર થતો ગયો. લગભગ બે મિનિટ પછીથી ફરથી એ જ પગરવ નજીક આવ્યો અને પછી વળતી જ પળે કિરણને આભાસ થયો કે એ વ્યક્તિ બહારથી દ્વારનો આંગળીઓ ઉઘાડી રહી છે. એ પાછળ ખસીને દીવાલ સરસી ઊભી રહી ગઈ. એ ભારે વજનદાર લાકડાંનો દરવાજો ચી…ઈ…ઈ…અવાજ સાથે ધીમે ધીમે ઊઘડ્યો.
સવારના સૂરજનાં ઝળહળતાં તાજાં કિરણો ઉઘાડા દ્વારમાં તાજગી સાથે અંદર ધસી આવ્યાં. અને પછી વળતી જ પળે એક ભારે-ભરખમ છ હાથ ઊંચો દેખાવમાં તગડો અને માતેલા આખલા જેવો બળવાન ભીમકાય દેહ ધરાવતો માનવી અંદર આવ્યો, એના વાળ અસ્તવ્યસ્ત અને ચહેરો બેહદ કઠોર-નઠોર નિર્દયી ભાસતો હતો. કિરણે એને ઓળખ્યો.
-એ દેશાઈભાઈ હતો.
શ્ર્વાસ રોકીને તે દીવાલ સરસી જ ઊભી રહી ગઈ. દેશાઈભાઈના હાથમાં સળગતી ટોર્ચ હતી. અને ટોર્ચના પ્રકાશ ફરતો ફરતો તેની સામે આવતો હતો. એ ધીમે ધીમે દ્વાર તરફ સરકવા લાગી. પછી અચાનક એ પ્રકાશ એના પર પથરાયો. એ ઊછળીને દરવાજા સમીપ પહોંચવા જતી હતી કે તરત જ દેશાઈભાઈ તેની સામે હરણફાળ કરતો એકદમ કૂદ્યો. એણે તેનું બાવડું પકડ્યું અને તેને ઢસડીને પ્રકાશમાં ખેંચી લાવ્યો.
‘કોણ…કિરણ…? ઉપાધિ…ભારે કરી…! તું અહીં શું કરે છે ?’
કિરણ એકદમ નીડરતાથી એની સામે ટટ્ટાર ઊભી રહી ગઈ…એની આંખોમાંથી દેશાઈભાઈ તરફ જાણે કે રોષનાં ધગધગતા અંગારા છૂટતા હતા.
‘એ જ તો હું તમને પૂછવા માંગું છું કે હું અહીં ક્યાંથી ?’ એ ક્રોધથી થરથરતા અવાજે બોલી, ‘મને અહીં લાવીને શા માટે બંદી બનાવવામાં આવી છે? શા માટે મારા પર હુમલો કરીને મને બેહોશ કરવામાં આવી ? અને… દિવાકરનું શું કર્યું છે તમે તથા તમારા ચમચાઓએ…?’
‘તારા પર હુમલો થયો હતો ?’
‘અભિનયની જરૂર નથી.’ એ કડવા અવાજે બોલી, ‘દુનિયાભરની તમામ કળાઓ ભલે તમને આવડતી હોય, પણ મારે કહેવું જોઈએ દેશાઈભાઈ કે અભિનયકલામાં તમે એકદમ નબળા માણસ છો. અભિનય તમારા વશની વાત નથી. મેં તમારો અવાજ સાંભળીને જ તમને ઓળખી લીધા હતા. જે બહાના હેઠળ ભયંકર ષડ્યંત્રના ચક્કરમાં ફસાવીને તમે મુંબઈથી અહીં દિવાકરને મોકલ્યો હતો એ પણ હું બરાબર જાણું છું. તમારું સ્વરૂપ હું ઓળખી ગઈ છું…’
‘એક..? લે કર વાત…!’ દેશાઈભાઈનો અવાજ નર્યોનીતર્યો ઠાવકો હતો, કહે તો ખરી…! મારા ષડ્યંત્રની જાણ તને કેવી રીતે થઈ ગઈ…? ઉપાધિ…થઈ આ તો…! ભારે કરી…!’
‘દેશાઈભાઈ, જ્યારે તમે એ સીધા-સાદા માણસને રંગપુર મોકલવાની વાત કરતા હતા ત્યારે હું કારના પાછલા ભાગમાં છુપાઈ તમારી વાતો સાંભળતી હતી.’
‘તો તું અમારી પાછળ જાસૂસી કરતી હતી એમ ?’ દેશાઈભાઈનો અવાજ બેહદ ઝેરી અને કઠોર બની ગયો, ‘તો તું દિવાકર સાથે રંગપુર આવી હતી એમ…?’
‘હા…’
‘અને પછી ત્યાં શું થયું ?’
દેશાઈભાઈના આ સવાલમાં એટલી બધી સાદગી હતી કે જેણે કિરણને ઘડીભર આશ્ર્ચર્યચકિત બનાવી દીધી, એણે આંચકો મારીને દેશાઈભાઈની પકડમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને તીખા અવાજે બોલી, ‘તમે ફરીથી અભિનય ચાલુ કર્યો એમને? જનાબ, આ કળા તમને હાંસિલ નથી. રંગપુરમાં શું બન્યું છે એની માહિતી તો મારી કરતાં તમને હોવી જોઈએ. સાચે જ તમારો પ્લાન તો બેહદ જડબેસલાક અને ફૂલપ્રૂફ હતો. રંગપુરમાં ન તો તમારી બહેન હતી કે ન તો તમારા ભાઈ ! અને દિવાકર જ્યારે મને રેલિંગ પાસે એકલી મૂકીને એ ઊંચાઈ પર આવેલા મકાન તરફ આગળ વધ્યો-તમારી સૂચના પ્રમાણે-કે તરત જ મારા પર અંધારામાં જ હુમલો કરવામાં આવ્યો અને બેહોશ બનાવીને મને અહીં લાવી, કેદ કરવામાં આવી. આ બધું કદાચ કોઈક બીજાના કહેવાથી જ થયું હશે કેમ ?’
‘બીજું કંઈ ?’
‘હવે શું બાકી રહી ગયું છે ?’
‘દિવાકર ગધેડો છે, ગધેડો…! યુવતીઓની પાછળ પાછળ રખડવાથી આવાં જ પરિણામો આવે છે. ખેર, રંગપુરમાં શું હતું ? તે શું શું જોયું ત્યાં ?’
‘દેશાઈભાઈ…!’ ડેની હસી પડતાં ‘આ દશ મિનિટમાં તમે ત્રીજીવાર નિષ્ફળ અભિનયનો મારી પાસે પ્રયાસ કર્યો છે. ખેર, સાંભળો જો હું ભાનમાં હોત તો ચોક્કસ જ તમારા સવાલોનો જવાબ આપી શકત.’
‘ઠીક છે.’ દેશાઈભાઈએ પીઠ ફેરવી. અને પછી તે જવા લાગ્યો.
‘દેશાઈભાઈ…!’એ બરાડી ઊઠી, ‘તમે મને આ રીતે અહીં મૂકીને નહિ જઈ શકો.’
દેશાઈભાઈ એકદમ મશીનની જેમ એની સામે ફર્યો.
એના હાથમાં કાળના દૂત જેવી એક રિવોલ્વર ચમકતી હતી.
‘બેવકૂફ છોકરી…!’ દેશાઈભાઈના ગળામાંથી ઝેરી સર્પના સુસવાટા જેવો નીકળ્યો, ‘જો તે આ મામલામાં માથું ન માર્યુ હોત તો સ્થિતિ આટલી બધી ન વણસી હોત ! હવે જે કંઈ તેં કર્યું છે, એનું પરિણામ ભોગવ. આ જ તારો ઈલાજ છે સમજી?’
રિવોલ્વર જોઈને ડેની ત્યાં જ ઊભી રહી.
એની પાસે કોઈ જ હથિયાર નહોતું, તેમ એનામાં સામનો કરવાની શક્તિ પણ નહોતી.
દેશાઈભાઈ બહાર નીકળી ગયો અને એની પાછળ દરવાજો ચીં ઈ…ઈ…કરતો બંધ થઈ ગયો. (વધુ આવતી કાલે)