ધર્મતેજ

જે શ્ર્વાસનો પણ શ્ર્વાસ છે

ચિંતન -હેમંત વાળા

કેન ઉપનિષદમાં કોના આધારે, કોની પ્રેરણાથી, કોને કારણે આ બધું પ્રવર્તમાન છે તેની ચર્ચા કરવામાં આવી છે. કોની ઈચ્છા વડે, કોના માર્ગદર્શન દ્વારા મન પોતાના વિષયો પ્રત્યે આકર્ષાય છે, કોના વડે જીવન-શક્તિ પ્રગટ થાય, કોની પ્રેરણાથી ઇન્દ્રિયો કાર્યરત થાય છે, કોના પ્રકાશને કારણે આંખ જોઈ શકે છે, શેના તરંગોને કારણે કાન સાંભળી શકે છે, કોની ઈચ્છાથી બધું જ પ્રવર્તે છે અને પ્રવર્તમાન થાય છે – આ બધા પ્રશ્ર્નોના ઉત્તર સ્વરૂપે બ્રહ્મની કલ્પના, બ્રહ્મની ધારણા, બ્રહ્મ સત્યને સ્થાપિત કરાય છે.

અહીં કહેવાયું છે કે જે કાનનો પણ કાન છે, આંખની પણ આંખ છે, મનનું પણ મન છે, જે વાણીની પણ વાણી છે, શ્ર્વાસનો પણ શ્ર્વાસ છે તે બધાનો પ્રેરક, ચાલક, પોષક, સંહારક, રક્ષક તથા નિયંત્રક છે. તે બ્રહ્મ છે. તે સત્ય છે. તે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. તે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાનું સત્ય છે, પ્રવર્તમાન સ્થિતિનો આધાર છે, અને પ્રલય બાદનું અસ્તિત્વ છે. તે બ્રહ્મ છે.

જે સાંભળતો નથી પણ જેના કારણે સંભળાય છે, જે જોતો નથી પણ જેના કારણે દેખાય છે, જે અનુભવતો નથી પણ જેના કારણે અનુભવાય છે, જે વિચારતો નથી પણ જેના કારણે વિચાર અસ્તિત્વમાં આવે છે, જે નિર્ણય લેતો નથી પણ જેના કારણે બુદ્ધિની નિર્ણય શક્તિ સ્થાપિત થાય છે, જે શ્ર્વાસ લેતો નથી પણ જેને કારણે શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા શરૂ થાય છે અને ચાલુ રહે છે, ટૂંકમાં, જે કશું જ કરતો નથી પરંતુ જેને કારણે બધું જ શક્ય બને છે તે બ્રહ્મ છે.

આની માટે ઉદાહરણ ઇલેક્ટ્રિસિટી અર્થાત વીજળીનું આપી શકાય છે. વીજળી ફરતી નથી પરંતુ તેને કારણે પંખો ફરે છે, વીજળી પ્રકાશતી નથી પરંતુ તેને કારણે બલ્બ પ્રકાશીને પ્રકાશ પ્રસારી શકે છે, વીજળી કશું પણ ઉઠાવી શકતી નથી પરંતુ તેને કારણે પાણીનો પંપ પાણીને ઊંચકી શકે છે – વીજળી શક્તિ છે જેને કારણે પ્રત્યેક ઉપકરણ કાર્યરત થઈ પરિણામ આપે છે. બ્રહ્મ પણ આ જ પ્રમાણે છે.

બ્રહ્મ શક્તિ છે. તે શાશ્ર્વત શક્તિ છે. તે શાશ્ર્વત, અપાર શક્તિ છે. તે શાશ્ર્વત, અપાર, નિર્વિકલ્પ શક્તિ છે. બ્રહ્મ તટસ્થ છે. બ્રહ્મ સાક્ષી ભાવમાં તટસ્થ છે. બ્રહ્મ અલિપ્તતાથી સાક્ષી ભાવમાં તટસ્થ છે. બ્રહ્મ સદાકાળ અલિપ્તતાથી સાક્ષી ભાવમાં તટસ્થ છે. બ્રહ્મ નિર્દોષ છે. બ્રહ્મ સહજતાથી નિર્દોષ છે. બ્રહ્મ સહજતાથી મૂળભૂત રૂપે નિર્દોષ છે. બ્રહ્મ સ્વતંત્ર છે. બ્રહ્મની સ્વતંત્રતા સ્વભાવગત છે. બ્રહ્મની સ્વભાવગત સ્વતંત્રતા સ્વયંભૂ છે. બ્રહ્મ અધ્યક્ષ છે. તેની અધ્યક્ષતા સકારાત્મક છે. આ સકારાત્મક અધ્યક્ષતા સાથે આધ્યાત્મિકતા
વણાયેલી છે.

બ્રહ્મ અકર્તા છે, છતાં કર્તાપણાનો ભાવ તેને કારણે અસ્તિત્વમાં આવે છે. બ્રહ્મ પ્રેરણા છે અને આ પ્રેરણા પાછળ કોઈ પ્રયોજન નથી. બ્રહ્મને કારણે સૃષ્ટિ છે, સૃષ્ટિને કારણે બ્રહ્મ નથી. બ્રહ્મ માયાથી પર છે તે છતાં તેની સૃષ્ટિના નિયમોમાં માયાનું વર્ચસ્વ જોવા મળે છે. બ્રહ્મની સ્થિતિ ની:સંકલ્પમયી છે પરંતુ માયા વડે પરિકલ્પિત કરાતાં સંકલ્પ તેને કારણે શક્ય બને છે. જેને કોઈ પ્રિય-અપ્રિય નથી, છતાં સાત્ત્વિક અને સાત્ત્વિકતાને જે સદંતર પ્રોત્સાહે છે, આમ જોતા,
એકંદરે આ બ્રહ્મ ગૂઢ છે પરંતુ તેને કારણે જે પ્રસાર જોવા મળે છે તેમાં રહેલા તત્ત્વોને જોતા બ્રહ્મ વિશે ધારણા બાંધી
શકાય છે.

જે ન્યાય આપતો નથી પરંતુ જેને કારણે પ્રકૃતિમાં ન્યાયની સત્તા રહે છે, જે ચાલક છે પણ જે ચાલતો નથી, જે ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, મૃત્યુ-અમૃત, દેવ-દાનવ, ભૂત-ભવિષ્ય જેવા અનેક દ્વંદ્વથી પર છે, જે ઇન્દ્રિયો મન બુદ્ધિથી પર છે, અને જે અહંકારયુક્ત હોવા છતાં પણ અહંકાર મુક્ત છે તે બ્રહ્મ. બ્રહ્મનો અહંકાર આધ્યાત્મિક સાત્ત્વિક અને
બ્રહ્મનિષ્ઠ છે.

એમ માનવામાં આવે છે કે વિશ્ર્વમાં કોઈપણ બાબત આપમેળે અસ્તિત્વમાં નથી આવતી. ઘડો છે કારણ કે માટી છે. માટી છે કારણ કે પૃથ્વી છે. પૃથ્વી છે કારણ કે સૂર્ય છે. આ કાર્ય અને પરિણામની શૃંખલા બહુ લાંબી ચાલી શકે. જો આ જ રીતે વિચારવામાં આવે તો તેનો ક્યારેય અંત ન આવે. અંતે તો એવી કોઈ સ્થિતિ – બાબતનો સ્વીકાર કરવો જ પડે કે જે સ્વયંભૂ હોય. જેની ઉત્પત્તિનું કારણ સ્વયં હોય. જે પોતાને કારણે અસ્તિત્વમાં આવ્યું હોય. જે અસ્તિત્વમાં આવ્યું હોય તેમ પણ ન હોય. બસ માત્ર તે હોય, કાયમ, સર્વત્ર અને યથાર્થ.્ અંતે આ ધારણા કરવી જ પડે તો જ સંપૂર્ણતામાં પરિસ્થિતિને સ્વીકારી શકવાની સંભાવના ઊભી થાય. સનાતની સંસ્કૃતિમાં આ ધારણા એટલે બ્રહ્મ.

પણ વાત ધારણા પર નથી અટકતી. આગળ જતાં જુદા જુદા દર્શન શાસ્ત્રમાં આ ધારણાને સત્ય તરીકે સ્થાપિત કરાઈ છે. જો સૃષ્ટિનું અસ્તિત્વ સ્વીકારીએ તો બ્રહ્મનું અસ્તિત્વ સ્વીકારવું પડે. જો સૃષ્ટિને કલ્પના માત્ર ગણીએ તો પણ તે કલ્પના કરનાર તરીકે બ્રહ્મનું અસ્તિત્વ સ્વીકારવું પડે. જો સૃષ્ટિને આકસ્મિક ગણીએ તો પણ તે અકસ્માતના કારણરૂપ બ્રહ્મની સ્થાપના જરૂરી બને. જો સૃષ્ટિને પ્રાયોજિત હેતુના પરિણામ તરીકે જોવામાં આવે તો પણ તે પ્રયોજનના ઈચ્છુક તરીકે પણ બ્રહ્મ જરૂરી બને. સૃષ્ટિને સમજવાનો કોઇ પણ માર્ગ અપનાવવામાં આવે, અંતે તો બધું જ બ્રહ્મમાં જ પરિણામે. કોઈપણ વિચારધારા અંતે તો બ્રહ્મ સુધી જ પહોંચે. પ્રત્યેક ઉપનિષદમાં આ સત્ય-ધારણા વ્યવસ્થિત રીતે સ્થાપિત કરાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…