દરેક અવાજમાં કૃષ્ણની મુરલી ન સાંભળી શકે તો એ વૈષ્ણવ ક્યાંના?
માનસ મંથન -મોરારિબાપુ
પૂરું જગત વૈષ્ણવ છે. વૈષ્ણવની વ્યાખ્યા શું ? જે સર્વ જગતને વિષ્ણુરૂપ સમજે છે તે વૈષ્ણવ. વલ્લભાચાર્યનો આદેશ છે કે જેને સુવિધા હોય એ વધુમાં વધુ સમય ભગવદ્ સ્મરણમાં ગાળે. પરિવારના સદસ્યોને પણ ભગવદ્ સેવામાં લગાવો પણ જો પરિવારના સદસ્યો તમારી વાતથી ઉદાસીન રહે અને કહે કે અમારે પૂજા નથી કરવી તો એના ભાગનું ભજન તમે કરો. પરિવારના લોકો ભજન ન કરે તો એમાં તમારો વાંક છે કે તમે એને પહેલાથી ટેવ ન પાડી. એવું વિચારો કે મારા પાપનું પરિણામ છે કે પરિવારજનો ભજન નથી કરતાં. સાચો વૈષ્ણવ તો એ જ છે જે બધામાં પોતાનો દોષ જુએ. બીજામાં દોષ જુવે એ વૈષ્ણવ ક્યાંના? ભગવદ્ ભજનમાં સહાયક ન હોય પણ ઉદાસીન હોય એ લોકો માટે તમે સ્વયં ભજન કરો. બધાની કઠોર વાણીને કૃષ્ણની વાણી સમજીને સહન કરો. આ તો તમે કરી શકો. એટલે કે બીજા પુરુષ વચન બોલે, કઠોર વચન તમારી સાથે, ઘરવાળા કોઈએ ગમે તેવું સંભળાવ્યું તો સમજો કૃષ્ણની મુરલીનો આ રાગ છે. એને અનુરાગથી સાંભળો. જીવન કેટલું દિવ્ય બની જાય. ગુસ્સાથી બોલે તો લંકાકાંડની કથા છે એમ સમજો. કોઈ તમારી સાથે જ્ઞાનની ચર્ચા કરે, તમે ન સમજી શકો, તો માનો ઉત્તરકાંડની ચર્ચા છે. ભક્તિનો મહિમા બતાવે તો સુંદરકાંડ છે. રાજનીતિની વાતો કરે તો કિષ્ક્ધિધાકાંડ છે. નિખાલસતાની વાતો કરે તો બાલકાંડની ચર્ચા છે, એમ સમજો. કોઈ તમારી સાથે ત્યાગ, વૈરાગ્યની વાતો કરે તો સમજો કે એ તમને અયોધ્યાકાંડની વાતો સંભળાવી રહ્યો છે.
વૈષ્ણવને દરેક અવાજમાં કૃષ્ણની મુરલીનો અવાજ જ સંભળાય ! કદી એમાં વીરરસ, કદી ઋજુતા, કદી શાંત રસ. દરેક અવાજમાં કૃષ્ણની મુરલી ન સાંભળી શકે એ વૈષ્ણવ ક્યાંના ?
શ્રી કૃષ્ણ કહે છે-
मत्कथाश्रवणे श्रद्धा मदनुध्यानमुद्धव |
सर्वलाभोपहरणं दास्येनात्मनिवेदनम् ||
મારી કથાના શ્રવણમાં જેને શ્રદ્ધા થઈ જાય, મારામાં જ જેનું ધ્યાન રહે, તો તો सर्वलाभोपहरणं સમસ્ત લાભોઓ એને માટે પરિત્યાગ થઈ જાય- અને બધા લાભોનું અપહરણ થઈ જાય- જો દાસ્યભાવથી આત્મનિવેદન કરે તો- – दास्येनात्मनिवेदनम् બીજી પણ કંઈક વાતો છે. વૈષ્ણવો કો ચાહિયે કિ ઈન તીન બાતોં સે યે બચે. વૈષ્ણવો ત્રણ વાતથી બચે.
મિથ્યા વાર્તાલાપ : જેનો કોઈ હેતુ ન હોય, કોઈ અર્થ ન હોય, જેમાં શક્તિની ક્ષીણતા થતી હોય એવી વાતો ન કરો. જ્યાં આવી મિથ્યા વાર્તા થતી હોય ત્યાં ઉપસ્થિત ન રહો, એ સ્થળ છોડી દો. મિથ્યા વાતો કરો નહીં, સાંભળો પણ નહીં. આનો ઉપાય છે મત્કથાશ્રવણે શ્રદ્ધા-શ્રદ્ધાથી કથા સાંભળો. તમારો અનુભવ છે કે તમે કથા શ્રવણ કરી રહ્યા છો ત્યારે તમે મિથ્યા વાર્તા નથી કરતાં, અગર કોઈ કહે તો યે સાંભળતા નથી કે કથામાં વિક્ષેપ કયું કરે ? ભગવદ્તીકથાનો આશ્રય કરવો પડશે જીવને, કથા એ સામૂહિક અનુષ્ઠાન છે જીવનજાગૃતિનું.
મિથ્યા ક્રિયા ન કરો : જ એક્રિયાનો કોઈ હેતુ નથી, ક્રિયા આપણે એટલે માટે કરીએ છીએ કે એનાથી આપણને લાભ થાય. ભગવાનનો આદેશ છે કે બધી જાતના લાભનો ત્યાગ કરી દો. જગતમાં એક જ લાભ લેવા જેવો છે ભગવદ્ભક્તિની પ્રાપ્તિ, એ જ એક શ્રેષ્ઠ લાભ છે. બીજા લાભ વધે તો લોભ વધે, કોણ આ નર્કમાં જાય ? બુદ્ધિશાળી માણસ એમાં ન જાય. તો બધા લાભ છોડો, એ માટેની મિથ્યા ક્રિયા છોડો.
મિથ્યા ધ્યાન છોડો : મદન-કામનાઓનું ધ્યાન છોડો. ધ્યાનમાં અવસ્થા છે. તમે ધ્યાનમાં હો ત્યારે વસિષ્ઠ કરતાં વધુ ધ્યાન નિમગ્ન દેખાઓ છો, તમે ક્રોધનું ધ્યાન કરતાં હો તો યજ્ઞવાલ્ક્યને આશ્રય ઊપજે એટલા તમે ધ્યાનમાં મગ્ન થઈ જાવ છો. આ ધ્યાનનું લક્ષણ છે. બધામાં મિથ્યા ધ્યાન છોડો.
કોઈનું અનુપમ સૌંદર્ય તમે જોયું. હવે તમે ગમે તેટલું ધ્યાન કરશો. તોયે તમે એ સૌંદર્ય મેળવી શકવાના નથી અને કદાચ મળી ગયું તોયે એનું ફળ નિરાશા જ છે. તમને સંપદા મળી તો એની સુરક્ષાની વ્યવસ્થા કરાવી પડશે તમારે, જાગવું પડશે, તમારી ઊંઘ હરામ થઈ જશે, તમે જાતે કરીને વિપત્તિ વહોરી લીધી !
એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક ફકીર ખુલ્લી જમીન પર આપની મસ્તીમેં સૂરજના તાપમાં નંગા પડા થા. અકબર ને બીરબલ ત્યાંથી નીકળ્યા. અકબર કહે આને આપણે સો સોનામહોરો આપીએ જેથી એને કોઈ વાતની ચિંતા ન રહે. આપી. એક મહિનો પછી પાછા આવ્યા. અકબર કહે બીરબલને કે એ ફકીરને પૂછો કે તને કેમ છે ? ફકીર કહે, આપકા સોના વાપિસ લે જાવ ઔર મેરા સોના (સૂવાનું) દે દો.’ જ્યારથી તમે સોનું આપી ગયા, ત્યારથી સૂઈ નથી શક્યો કે એ કોઈ લઈ જશે ! ઉદ્વેગ બે વાતોથી થાય : શરીરમાં કોઈ રોગ આવે અને અધિક સંપદા આવે. સંપદા હદથી વધી જાય-આમાં તમે સામેથી ઉદ્વેગ માગી લ્યો છો. તો મિથ્યા ધ્યાન છૂટે. ઉદ્વેગથી બચવું હોય તો હરિસ્મરણ કરો-એ જ એક માત્ર ઉપાય છે. જુવો બાપ,ભાગવતજીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ ભાવ તમારા મનમાં જાગે એ તમારા પ્રભુમાં વાળો તો દોષ નથી. બીજી જગ્યાએ ન વાળો, કામભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, ક્રોધભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, સ્નેહભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો. અનિષ્ટ તત્ત્વમાં વૃત્તિઓ જાય છે એટલે બંધન છે.
યજ્ઞકર્મ કોઈપણ કરો કોઈ બંધન નથી. પણ એ સિવાયનાં કર્મ બંધનરૂપ છે. ઈશ્ર્વરમાં કોઈપણ ભાવથી જવું તે ઈશ્વરરૂપી અગ્નિમાં આહુતિ છે. બાકીનાં બધાં જ કર્મ બંધનરૂપ છે. लोकोङ्यं कर्मबन्धनः’ યજ્ઞભાવથી એ કર્મ કરો તો કોઈ ચિંતા નથી. અર્જુનને એ જ કહ્યું છે કે આસક્તિ છોડીને સમાચર. તું કામ કરતો રહે તને કોઈ બંધન નથી બાકી લોકભાવથી કરીશ તો બંધન છે. ટૂંકમાં, બાપ ! કૃષ્ણ તત્પર રહો.
(સંકલન : જયદેવ માંકડ)