ધર્મતેજ

જ્યારે જ્યારે દેવગણ અને ઋષિગણ ઉપર દુ:ખની સંભાવના આવે ત્યારે ત્યારે તમે પ્રગટ થઈને સદા એમનાં દુ:ખોનો વિનાશ કરજો

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

ત્રિપુર દાનવો સહિત બળીને ભસ્મ થઈ ગયાં. ત્રિપુરમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાય એ અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા, જેવી રીતે કલ્પના કરો કે અંતમાં જગત ભસ્મ થઈ જાય એ રીતે. પણ એ સમયે અસુરોના વિશ્ર્વકર્મા બચી ગયા કેમ કે તેઓ દેવોના અવિરોધી હતા. ભગવાન શિવના સદ્ભક્ત હતા. વિપત્તિના અવસરે હંમેશાં તેઓ ભગવાન શિવના શરણાગત બની રહેતા. એટલા માટે સત્પુરુષોએ અત્યંત સંભવિત ઉત્તમ કર્મ માટે પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ થાય છે, તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલેચૂકે પણ ન કરવું. ત્રિપુર ભસ્મ થયું ત્યારે ત્રિપુરનિવાસીઓમાં જે દૈત્ય બંધુ-બાંધવો સહિત શિવપૂજામાં તત્પર હતા તે બધાય શિવ-પૂજાના પ્રભાવથી (બીજા જન્મમાં) ગણોના અધિપતિ થઈ ગયા.

દૈત્યોથી ખીચોખીચ ભરેલા સંપૂર્ણ ત્રિલોકને ભગવાન શિવ દ્વારા ભસ્મ કરાતાં સમગ્ર દેવતાઓને આશ્ર્ચર્ય થયું. એ સમયે ભગવાન શિવ મહાભંયકર રૌદ્ર સ્વરૂપને ધારણ કરેલું હોય છે. ભગવાન શિવનું સ્વરૂપ કરોડો સૂર્યની સમાન પ્રકાશમાન અને પ્રલયકાલીન અગ્નિની જેમ તેજસ્વી હોય છે, તેમના તેજથી દશે દિશાઓ પ્રજ્જ્વલિત જણાતી હોય છે, તેવા સ્વરૂપને જોઈ સમગ્ર દેવતાગણ ભયભીત થઈ જાય છે. ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપને જોતા માતા પાર્વતી પણ ચિંતા અનુભવે છે. માતા પાર્વતી અને દેવતાગણને આવી નિ:સહાય પરિસ્થિતિમાં જોતાં ઋષિગણો પણ ભયગ્રસ્ત થઈ જાય છે.
બ્રહ્માજી: ‘દેવોના દેવ અને ત્રિપુરહન્તા ભગવાન શિવે ત્રિપુર વધ કરવા પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ કર્યો હોવાથી તેમના શરીરમાંથી કરોડો સૂર્યની ઉષ્ણતા બહાર આવી રહી છે. આપણે તેમની શરણમાં જઈ તેમની આરાધના કરવી પડશે તેમને પ્રસન્ન કરવા પડશે, તેમના વાસ્તવિક સ્વરૂપમાં લાવવા આવશ્યક છે.’

બ્રહ્મદેવની આજ્ઞા મળતાં જ માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, દેવતાગણ અને સમગ્ર ઋષિગણ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. સમગ્ર સૃષ્ટિમાંથી દરેક જણ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શિવ સુધી તેમના દરેક ભક્તોની યાચના સંભળાવા લાગતાં ભગવાન શિવ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે.

ભગવાન શિવ: ‘હે દેવતાગણ હુંં તમારા સૌ પર વિશેષરૂપે પ્રસન્ન છું, તેથી હવે તમે સર્વ પ્રકારે વિચાર કરીને તમારું મનોવાંછિત વરદાન માગી લો.’

આટલું સાંભળતાં જ સમગ્ર દેવગણ અને સમગ્ર ઋષિગણ આનંદવિભોર થઈ નાચવા લાગ્યાં અને ભગવાન શિવનો જયજયકાર કરવા લાગ્યાં.

દેવરાજ ઈન્દ્ર: ‘હે ભગવન! હે ત્રિપુરહન્તા ભગવાન શિવ આપને અમારા નમસ્કાર છે, જો તમે અમારા પર પ્રસન્ન છો અને અમને સમસ્ત દેવગણ અને સમસ્ત ઋષિગણોને તમારા દાસ સમજીને વરદાન આપવા ચાહતા હો તો અમે એવું વરદાન ઇચ્છીએ છીએ કે, જ્યારે જ્યારે દેવગણ અને ઋષિગણ ઉપર દુ:ખની સંભાવના આવે ત્યારે ત્યારે તમે પ્રગટ થઈને સદા એમનાં દુ:ખોનો વિનાશ કરજો.’

સમગ્ર દેવગણ અને સમગ્ર ઋષિગણોને આવી પ્રાર્થના કરતા જોઈ ભગવાન શિવ પ્રસન્ન થઈ બોલ્યા: ‘તથાસ્તુ’, જ્યારે જ્યારે સમગ્ર દેવગણ અને સમગ્ર ઋષિગણ આપત્તિમાં આવશે ત્યારે ત્યારે હું તેમને અવશ્ય ઉગારીશ.’

ત્રિપુર ભસ્મ થયું ત્યારે ત્રિપુરનિવાસીઓમાં જે દૈત્ય બંધુ-બાંધવો સહિત શિવપૂજામાં લીન હતાં તેમાંનો એક અસુર મય પણ તે સમયે શિવપૂજામાં લીન હતો. તે બળી જતાં બચી ગયો હતો. પ્રસન્ન ભગવાન શિવ દેવગણોને વરદાન આપતાં જોઈ તે પણ ત્યાં ઉપસ્થિત થઈ ભગવાન શિવનાં ચરણોમાં આળોટી પડ્યો. ભગવાન શિવ: ‘અસુરશ્રેષ્ઠ મય તમારે અહીં જરા પણ ગભરાવાની જરૂર નથી, અહીં દરેક જણ મારા ભક્તો છે.’
ભગવાન શિવની નિશ્રામાં હોવાથી અસુર મય ઊભો થઈ ભગવાન શિવનું સ્તવન કરવા લાગ્યો, અસુર મયના સ્તવનથી ભગવાન શિવ પ્રસન્ન થયા.

ભગવાન શિવ: ‘હે અસુરશ્રેષ્ઠ મય, હું તમારા સ્તવનથી પ્રસન્ન થયો છું, તેથી તમે પણ વરદાન માગી લો, આ સમયે જે કાંઈ પણ તમારા મનની અભિલાષા હશે તેને હું પૂર્ણ કરીશ.’

અસુર મય: ‘હે પરમેશ્ર્વર જો આપ મુજ પર પ્રસન્ન થયા હોવ તો આપની શાશ્ર્વતિ ભક્તિ પ્રદાન કરો, હે પરમેશ્ર્વર હું સદાય આપના ભક્તો સાથે મિત્રતા કરું, દીન-દુખિયાઓ પર સદાય દયાભાવ કરતો રહું, દુ:ષ્ટ માનવ અને દુષ્ટ અસુરોની મૈત્રીથી દૂર રહું, મારામાં ક્યારેય આસુરીભાવનો ઉદય ન થાય અને હું નિરંતર આપની શુભ ભક્તિમાં તલ્લીન રહી પરિવાર સહિત નિર્ભય બની રહું.’

ભગવાન શિવ: ‘તથાસ્તુ, હે અસુરશ્રેષ્ઠ, તમે મારા પરમ ભક્ત છો, તમારામાં કોઈપણ પ્રકારનો વિકાર નથી, તેથી તમે ધન્ય છો, હું તમારું ઈચ્છિત વરદાન પ્રદાન કરું છું, હવે મારી તમને આજ્ઞા છે કે તમે તમારા પરિવારસહિત વિતલલોક જતા રહો અને વિતલલોક ખાતે ભક્તિનો પ્રચાર-પ્રસાર કરતા મારી આરાધના કરતાં કરતાં નિર્ભય થઈ રહેશો, તમારામાં ક્યારેય અસુરીભાવના પ્રગટ નહીં થાય.’
અસુરશ્રેષ્ઠ વરદાન મળતાં જ ભગવાન શિવ, બ્રહ્મદેવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવગણને નમસ્કાર કરી પરિવાર સહિત વિતલલોક ચાલ્યો ગયો. સમગ્ર ઋષિગણ અને દેવતાગણ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ તરફ પ્રયાણ કરે છે, ત્યારબાદ બ્રહ્મદેવ બ્રહ્મલોક તરફ તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે. પ્રમુખ દેવતાઓ વિદાય લેતાં સમગ્ર દેવગણ અને સમગ્ર ઋષિગણ ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન કરતાં કરતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં અને પોતપોતાના ધામ પહોંચી પરમ સુખની પ્રાપ્તિ થઈ.

દેવરાજ ઈન્દ્ર અને સમસ્ત દેવગણ સ્વર્ગલોક પહોંચે છે, ઘણાં વરસો બાદ સ્વર્ગલોક પહોંચતાં તેમને અસુરગણોએ સ્વર્ગલોકની અવદશા કરી હોવાનું દૃશ્યમાન થાય છે. સમસ્ત દેવગણ સ્વર્ગલોકને પૂર્વવત બનાવવા કાર્યરત થઈ જાય છે. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress