અનિચ્છા છતાંય જૂઠું બોલાઈ જાય ત્યારે
મનન -હેમુ-ભીખુ
આમ જોવા જઈએ તો કોઈને જૂઠું બોલવું નથી ગમતું, છતાં પણ જૂઠું બોલાતું હોય છે. કોઈને પાપ કરવું નથી ગમતું. છતાં પણ પાપનું આચરણ થતું જ હોય છે. ચોરી કરવી એ યોગ્ય નથી તેમ જાણ્યા પછી પણ વ્યક્તિ ચોરી કરવા પ્રેરાતી હોય છે. કોઈનું અપમાન ન કરવું જોઈએ તે વાત સ્વીકૃત હોવા છતાં સહજતામાં કોઈનું અપમાન થઈ જાય છે. બધા જ કુકર્મથી – બધા જ પ્રકારના કુકર્મથી દૂર રહેવું જોઈએ એવી દ્રઢ માન્યતા રાખનાર વ્યક્તિ પણ જે તે પરિસ્થિતિમાં કુકર્મ આદરે છે. “જાનામી અધર્મમ્ ન ચ મે નિવૃત્તિ આજે પણ હકીકત છે.
બધાને સાત્વિક કર્મો કરવા હોય છે છતાં પણ તામસી કર્મની શૃંખલા સ્થાપિત થઈ જતી હોય છે. બધાને પોતાનું ચરિત્ર શુદ્ધ રાખવું હોય છે છતાં પણ ક્યાંક મલીનતા પ્રવેશી જાય છે. બધાને અહંકારનો ત્યાગ કરવો હોય છે પણ તેમ થતું નથી. શાસ્ત્ર અનુસાર કે બીજા શબ્દોમાં કહીએ તો ઉચ્ચ નૈતિકતાના ધોરણોસર દરેક વ્યક્તિ વર્તન કરવાની ઇચ્છા રાખે છે પણ ક્યાંક દિશા ભટકી જવાય છે. દરેક વ્યક્તિ એમ ઇચ્છતી હોય છે કે પોતાના માવતર, પોતાનો સમાજ, પોતાનું મિત્ર મંડળ જેના પર ગૌરવ કરી શકે તેવી સુ-જિંદગી જીવવી છે, પણ ક્યાંક વ્યક્તિ લાચાર બની નકારાત્મક બાબત સ્વીકારતો જ જાય છે. “જાનામી અધર્મમ્ ન ચ મે નિવૃત્તિ ની લાચારી પ્રબળ છે.
કુકર્મ કરવાની પ્રેરણા વ્યક્તિગત મર્યાદાને કે મહેચ્છાને કારણે હોઈ શકે. ક્યાંક જીવનમાં પ્રવેશી ગયેલો અમર્યાદિત લોભ, પોતાના હકનું ન હોય તે મેળવવાની લાલસા, ટૂંકા સમયમાં સંપન્નતા પામવાની ઘેલછા, સામર્થ્ય કરતા વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા, વિવેક તથા સંયમનો અભાવ, કુકર્મ પ્રકાશિત નહીં થાય – જાહેર નહીં થાય તેની ખાતરી, સારા સંસ્કારોનો અભાવ, ઈશ્ર્વરના નિયમોની અસ્વિકૃતિ કે ઈશ્ર્વરના ડરનો અભાવ – આવા કંઈક કેટલાય કારણોસર વ્યક્તિ કુકર્મ કરવા તૈયાર થાય. એમ કહી શકાય કે કુકર્મ કરતી વેળાએ માનવીનું વર્તન તેના પોતાના કાબૂમાં ન હોય અને તેની તામસી કે રાજસી પ્રકૃતિ તેના પર હાવી થઈ જાય.
ક્યારેક જે તે પરિસ્થિતિ પણ વ્યક્તિને ખોટા કાર્ય કરવા લાચાર કરી દે. એમ પણ બની શકે કે વ્યક્તિ સારા-નરસાનો ભેદ પારખી ન શક્યો હોય. ક્યારેક અન્યને મદદરૂપ થવા માટે પણ અયોગ્ય કરવા વ્યક્તિ તૈયાર થયો હોય. જીવનની ભાગદોડમાં ક્યાંક બેધ્યાનપણું સ્થાપિત થઈ ગયું હોય. ક્યાંક અહંકારમાં એવી માનસિકતા વિકસી હોય કે ‘જે થશે તે જોયું જશે’. એમ પણ બની શકે તે ક્યાંક આદત પડી ગયો હોય.
ક્યારેક માનવીની આંતરિક સ્થિતિ કારણભૂત હોય તો ત્યારે આવો વર્તાવ બહારની – સમાજની પરિસ્થિતિને આધારિત હોય. ક્યારેક ધર્મની સમજણનો અભાવ હોય તો ક્યારેક વિપરીત બાહ્ય પરિસ્થિતિ સાથે લડી લેવાની ઈચ્છા શક્તિનો અભાવ. ક્યારેક ધીરજ ખૂટી ગઈ હોય તો ત્યારે સમાજ સમય આપવા તૈયાર ન હોય. કેટલાક સંજોગોમાં વ્યક્તિ માનસિક રીતે નબળી હોય તો કેટલાક સંજોગોમાં બાહ્ય પરિસ્થિતિ આક્રમક હોય. ક્યારેક સંયમ તૂટી ગયો હોય તો ક્યારેક સમય નબળો હોય. ક્યારેક વ્યક્તિ પોતે સાત્વિકતા માટે તૈયાર ન હોય તો ક્યારેક પરિસ્થિતિ તેની સાત્વિકતા ખંડિત કરવા સક્ષમ હોય. ક્યારેક ભૂતકાળમાં પોતાના લીધેલા નિર્ણયો જ કુકર્મનું કારણ બની રહે તો ક્યારેક ભવિષ્યની વિડંબણા ભેદી જણાતી હોય.
ભીષ્મને પોતાની પ્રતિજ્ઞાને કારણે અધર્મના પક્ષે લડવું પડેલું. દ્રોણ માટે પણ એમ કહી શકાય. પોતાના સંતાન પ્રત્યેના મોહને કારણે તેમણે ધન માટે રાજ્યની ચાકરી કરવી પડી હતી. આવી પરિસ્થિતિમાં દ્વિધા ઊભી થાય. એક તરફ એમ જણાય કે તેમનું કાર્ય ખોટું હતું તો બીજી તરફ, જો તેમના સ્વ-ધર્મની વાત કરવામાં આવે તો, તેમનો નિર્ણય કોઈકને યોગ્ય પણ લાગે. એ પણ સમજવાની વાત છે કે, પરિસ્થિતિ જેમ દેખાય છે તેવી ન પણ હોય.
જે સ્ત્રી પોતાના સાત સાત સંતાનોને જન્મની સાથે જ નદીમાં વહાવી મૃત્યુને હવાલે કરી દે તે સ્ત્રીને દેવીનો દરજજો તો ન જ મળે, છતાં મા ગંગા આપણી દેવી છે – તે પૂજનીય છે – તે પવિત્ર કરનાર છે. આવા સંજોગોમાં સુ-કર્મ અને કુ-કર્મની વ્યાખ્યા નિર્ધારિત કરવામાં ખૂબ સાવચેત રહેવું પડે. અહીં એમ કહી શકાય કે, જો સમગ્રતામાં આશય શુભ હોય, સાત્વિક હોય તથા નિયતિના સમીકરણોને આધારિત હોય, તો તે કર્મ માન્ય રહે. મૂલ્યનિષ્ઠ માનવી કુકર્મ ન કરી શકે. નૈતિક મૂલ્યના અભાવે જ ખોટા કાર્ય થતા હોય છે.
ખોટા કાર્ય થવા પાછળ ક્યારેક સામૂહિક ઉન્માદ પણ કારણભૂત હોય છે. સમૂહમાં વ્યક્તિનું ચરિત્ર બદલાતું જોવા મળે છે. એકલો જતો વ્યક્તિ કોઈની પર પથ્થર નહીં ફેંકે, પણ જો તે ટોળામાં હોય, અને પથ્થરબાજી થતી હોય, તો તે એકાદ પથ્થર ફેંકી પણ દે. કુકર્મને અનુકૂળ માહોલ મળે તો વ્યક્તિ કુકર્મી બની જઈ શકે. વ્યક્તિની અંદર એક રાવણ બેઠો જ હોય છે. તક મળતા તે મા સીતાનું હરણ પણ કરે અને કુબેરનો ભંડાર પણ લૂંટી લે. જો અંદર બેઠેલા રાવણનો અસ્વીકાર કરવામાં આવે તો જ વ્યક્તિ કુકર્મ કરતા અટકી શકે. આ માટે ઉચ્ચકક્ષાના મૂલ્યો સ્થાપિત થયેલા હોવા જોઈએ, ધર્મનું વહન કરવાની વૃત્તિ હોવી જોઈએ, રુચિ આધ્યાત્મિકતા તરફ ઢળેલી હોવી જોઈએ, અષ્ટાંગ યોગની સંલગ્ન બાબત પ્રમાણે શુદ્ધતા પામવાના પ્રયત્ન થવા
જોઈએ, અને તે બધા સાથે ઈશ્ર્વર અને ગુરુદેવની કૃપા ભળેલી હોવી જોઈએ. ચિત્તની પૂર્ણ સાત્વિકતા કૃપા વગર પ્રાપ્ત ન
થાય.