ધર્મતેજ

પુત્રીઓ યુવાન થાય એટલે પરણાવવાની ચિંતા થાય

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માઘ માસની પંચમીના દિવસની મંગળબેલાએ ત્રિદેવની હાજરીમાં રાજકુમાર નહુશ અને અશોકસુંદરીના લગ્ન પૂર્ણ થાય છે અને હાજર દેવગણ અશ્રુભીના નયને અશોકસુંદરીને કૈલાસ ખાતેથી વિદાય આપે છે.
અશોકસુંદરી અને નહુશના લગ્ન સમાપ્ત થતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી સાથે તથા માતા સરસ્વતી બ્રહ્મદેવ સાથે પોતાના ધામ જવા વિદાય લે છે, ત્યારબાદ દેવર્ષિ નારદ અને સપ્તર્ષિ પણ વિદાય લે છે. ફક્ત રહી જાય છે ભગવાન શિવ, માતા પાર્વતી, કુમાર કાર્તિકેય, ભગવાન ગણેશ અને શિવગણો. અશોકસુંદરીની વિદાયથી કૈલાસ સુષ્ક થઈ જાય છે. કોઈપણ શિવગણમાં ઉત્સાહ દેખાતો નહોતો.
માતા પાર્વતી: ‘સ્વામી અશોકસુંદરીના વિવાહ બાદ કૈલાસ શુષ્ક લાગે છે. કુમાર કાર્તિકેય અને ગણેશ પણ ક્રિડા કરતા દેખાતા નથી, શિવગણમાં પણ કોઈ ઉત્સાહ દેખાતો નથી. જો કૈલાસ પર કોઈનું આગમન થાય તો બધામાં ઉત્સાહ આવી શકે છે.’
ભગવાન શિવ: ‘દેવી, તમે કહેવા શું માંગો છો?’
માતા પાર્વતી: ‘સ્વામી આપણા બંને પુત્રો યુવાન થઈ ગયા છે, આપણે તેમના લગ્નના વિષયમાં વિચાર કરવો જોઈએ.’
ભગવાન શિવ: ‘હા, તેમના લગ્નના વિષય પર આપણે બંને જ વિચાર કરવો પડશે.’
માતા પાર્વતી: ‘ફક્ત વિચાર નહીં, ક્ધયાઓની શોધ પણ કરવી રહી.’
ભગવાન શિવ: ‘આપણે બંનેએ ક્ધયાઓની શોધ કરવી પડશે.’
એજ સમયે દેવર્ષિ નારદ ત્યાં પધારે છે.
દેવર્ષિ નારદ: ‘માતા પાર્વતી અને ભગવાન શિવશંકરનો જય હો. આપ બંને કોઈ મહત્ત્વની બાબતે ચર્ચા કરી રહ્યા હોય એવું લાગે છે, મને રજા આપો.’
માતા પાર્વતી: ‘નહીં, દેવર્ષિ નારદ તમારે જતા રહેવાની કોઈ જરૂર નથી. અમે ચર્ચા કરી રહ્યા હતા કે અમારા બંને સુપુત્રો યુવાન થઈ ગયા છે, તેમના યોગ્ય ક્ધયાઓની શોધ કરવી જોઈએ. તમારા ધ્યાનમાં કુમાર કાર્તિકેય અને ગણેશના લાયક ક્ધયાઓ હોય તો જણાવો.’
દેવર્ષિ નારદ: ‘માતા હું તો સંસારમાં ભક્તિભાવ ફેલાવવા સદાય પરિભ્રમણ કરતો રહું છું, જો કોઇ યોગ્ય ક્ધયા વિશે જ્ઞાત થશે તો તમને જરૂર જણાવીશ.’

દેવર્ષિ નારદ કૈલાસથી વિદાય લેતાં ભગવાન શિવ તપમાં લીન થઇ જાય છે.

પરિભ્રમણ કરતાં કરતાં દેવર્ષિ નારદ રાજા વિશ્ર્વરૂપનો મહેલ દેખાય છે. દેવર્ષિ નારદ વિચારે છે ચાલો વિશ્ર્વરૂપને મળતો જાઉં.’
દેવર્ષિ નારદ મહેલમાં દાખલ થતાં જુએ છે કે
સિદ્ધિ: ‘પિતાજી અમને યાત્રાએ જવાની પરવાનગી આપો.’
બુદ્ધિ: ‘હા, પિતાજી હું અને સિદ્ધિ સાથે જ તીર્થ યાત્રાએ જવાના છીએ અમને પરવાનગી આપો.’
એજ સમયે રાજા વિશ્ર્વરૂપની નજર દેવર્ષિ નારદ પર પડતાં તેઓ તેમની પાસે પહોંચી તેમનું સ્વાગત કરે છે.
સિદ્ધિ-બુદ્ધિ: ‘પ્રણામ દેવર્ષિ.’
દેવર્ષિ નારદ: ‘કલ્યાણ ભવ, સંસારના સર્વશ્રેષ્ઠ, ગુણવાન, બલવાન અને ચરિત્રવાન પતિ તમને બંનેને મળો એવા આશિર્વાદ. પણ રાજા વિશ્ર્વરૂપની પુત્રીઓના મુખ પર ઉદાશી કેમ છવાયેલી છે?’
સિદ્ધિ: ‘અમે પિતાજી પાસેથી તીર્થ યાત્રાએ જવાની પરવાનગી માગી રહ્યાં હતાં, પણ અમને લાગે છે પિતાજીની ઇચ્છા નથી કે અમે તીર્થ યાત્રાએ જઈએ.’
રાજા વિશ્ર્વરૂપ: ‘નહીં પુત્રીઓ, તીર્થ યાત્રા જેવા શુભ કાર્ય માટે તમને હું કઈ રીતે રોકી શકું, જાઓ પ્રસ્થાન કરો અને તીર્થોમાં તમારા ઈષ્ટ દેવી-દેવતાઓ પાસે યોગ્ય વર મેળવવાની પ્રાર્થના કરજો, જેથી હું પણ મારી જવાબદારીથી મુક્ત થઇ શકું.’
પરવાનગી મળતાં જ સિદ્ધિ-બદ્ધિ ત્યાંથી વિદાય લે છે.
દેવર્ષિ નારદ: ‘ઉત્તમ, ખૂબ જ ઉત્તમ, પિતાને પુત્રીઓના લગ્નની ચિંતા અને પુત્રીઓને યાત્રાએ જવાની ઈચ્છા. આવી સુશીલ અને યોગ્ય ક્ધયાઓના લગ્નની ચિંતા તમને ન હોવી જોઈએ.’
રાજા વિશ્ર્વરૂપ: ‘પુત્રીઓ યુવાન થઇ જાય તો યોગ્ય વર શોધી પુત્રીઓને પરણાવવાની ચિંતા અવશ્ય થાય.’
દેવર્ષિ નારદ: ‘અહીં તમે પુત્રીઓ માટે યોગ્ય વરની શોધમાં ચિંતિત છો અને ત્યાં યોગ્ય વરના માતા-પિતા આપની પ્રતીક્ષા કરી રહ્યા છે.’
રાજા વિશ્ર્વરૂપ: ‘કોણ પ્રતિક્ષા કરી રહ્યું છે.’
દેવર્ષિ નારદ: ‘પુત્રવધૂઓની શોધ કરી રહેલા વરના માતા-પિતા આપની પ્રતિક્ષા કરી રહ્યા છે.’
રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ એ કોણ છે તેમનું નામ જણાવો.’
દેવર્ષિ નારદ: ‘રાજન, વિધિ-વિધાન અનુસાર આપની બંને પુત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રવધૂઓ બનશે.’
રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ તમે તો મારી ચિંતા દૂર કરી નાંખી, સિદ્ધિ-બુદ્ધિ તીર્થ યાત્રાએથી પરત આવે એટલે આપની આજ્ઞાનુસાર શુભ મુહૂર્ત જોઈ ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કરવા જઈશ.’

આજ્ઞા આપી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે. થોડા જ સમયમાં સિદ્ધિ-બુદ્ધિ તીર્થ યાત્રાએથી પરત ફરે છે એટલે રાજા વિશ્ર્વરૂપ યોગ્ય મુહૂર્ત જોઈ સિદ્ધિ-બુદ્ધિ સહિત કૈલાસ પધારે છે.

રાજા વિશ્ર્વરૂપ: ‘ભગવાન શિવ અને માતા પાર્વતીનો જય હો.’
ભગવાન શિવ: ‘કહો રાજન, કૈલાસ કેમ પધાર્યા.’
રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ નારદની આજ્ઞાથી હું મારી બંંને પુત્રીઓને આપની પુત્રવધૂ બનાવી મારા જવાબદારીથી મુક્ત થવા માંગું છું.’
ભગવાન શિવ: ‘પાર્વતી તમારો શું વિચાર છે આ ક્ધયાઓ માટે?’
માતા પાર્વતી: ‘આ ક્ધયાઓ ખૂબ જ સુશીલ અને સંસ્કારી છે, હું મારી પુત્રવધૂઓ બનાવવા તૈયાર છું.’
ભગવાન શિવ: ‘રાજન વિશ્ર્વરૂપ તમે તમારા ભવન પરત થાઓ, યોગ્ય સમયે તમને આમંત્રણ મોકલીશ.’
આશિર્વાદ લઈ રાજા વિશ્ર્વરૂપ અને સિદ્ધિ-બુદ્ધિ વિદાય લે છે.
એ જ સમયે કુમાર કાર્તિકેય અને ભગવાન ગણેશ કૈલાસ પધારે છે.
માતા પાર્વતી: ‘પુત્રો અત્યાર તમે જે બે ક્ધયાઓને જોઈ તે અમારી ભાવિ પુત્રવધૂઓ છે.’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button