સંસારમાં જે પણ પ્રતીત થાય છે એ મનનું સર્જન છે
મનન -હેમુ-ભીખુ
આ સંસાર માનસિક વ્યવહાર છે. જો એક તરફની માન્યતા હોય તો સંસાર તે મુજબનો દેખાય અને માન્યતા વિપરીત થાય તો સંસારની પ્રતીતિ પણ વિપરીત દિશાની થઈ જાય. મનોવિજ્ઞાનનો એક સરળ નિયમ એ છે કે જે પ્રકારની માન્યતા હશે તે માન્યતાને સિદ્ધ કરવાનાં કારણો મળી રહે. જો હકારાત્મક બાબત માટે શ્રદ્ધા હશે તો તે માટેનાં કારણો દેખાશે અને જો શ્રદ્ધા નકારાત્મક બાબતની હોય તો તે મુજબનાં કારણો મળી રહે. બંધન અને મુક્તિ માટે પણ આ જ પ્રકારનું સમીકરણ અસ્તિત્વમાં છે. જો માનીએ તો બંધન અને ન માનીએ તો મુક્તિ.
અંધકારનો પ્રવેશ થતો નથી, પ્રકાશ ઉપર આવરણ આવી જાય છે. અંધકાર સ્થાપવા માટે કોઈ સાધન નથી, પ્રકાશને બાધિત કરી દેવાથી અંધકાર અનુભવાય છે. પ્રકાશને પ્રગટાવી શકાય, અંધકારને નહીં. પ્રકાશ માટે રૂ અને ઘી જેવા સાધનની જરૂર પડે. વળી પ્રકાશની સ્થાપના કરવા તણખા સ્વરૂપે પ્રકાશના અંશ – પ્રકાશના પ્રતિનિધિની હાજરી જરૂરી બને. અંધકાર માટે આવી કોઈ જરૂરિયાત નથી. અંધકાર એટલે પ્રકાશની ગેરહાજરી. તેવી જ રીતે બંધન એટલે સ્વતંત્રતાના ભાવની ગેરહાજરી.
સુખ મનની જ એક સ્થિતિ છે અને દુ:ખ પણ. સંસારમાં કશું જ નથી, જે પ્રતીત થાય છે તે મનનું સર્જન છે. સાંસારિક હકીકતમાં સૌંદર્યની કોઈ વ્યાખ્યા નથી. તે ચિત્તના સંસ્કારોને આધારે ઉદભવતી એ મનની ધારણા છે. પસંદ-નાપસંદ પણ મનની સ્થિતિ પર આધાર રાખે છે. જે બાબત આજે પ્રિય લાગતી હોય તે સમયાંતરે પ્રિય ન પણ જણાય – પછી ભલેને તેની સ્થિતિ જેમની તેમ હોય. સમગ્ર સંસાર તેમજ સંસાર તરફનો પ્રતિભાવ માન્યતાનો અર્થાત મનનો ખેલ છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ‘મદ્ભાવા માનસા જાતા’. આ સંસાર મનથી ઉત્પન્ન થયો છે. હયાત સ્થિતિને બંધન ગણવામાં આવે તો તે બંધન સમાન લાગે.
શાસ્ત્રમાં કહેવાયું છે કે ‘મોક્ષો હિ નામ નૈવાન્ય: સ્વરૂપપ્રથનં હિ ત્’ અર્થાત મુક્તિ કે મોક્ષ એ સ્વયંની સાચી જાણથી વિશેષ કશું જ નથી. મુક્તિ એટલે પોતાની વાસ્તવિક પ્રકૃતિનું જ્ઞાન થવું.
અષ્ટાવક્ર ગીતામાં પણ જણાવ્યું છે કે વ્યક્તિ મુક્ત નથી તે પ્રકારની ધારણા જ તેના બંધનનું કારણ છે. વ્યક્તિ સ્વયં માની લેતી હોય છે કે પોતાને બંધન છે – પોતે બાધિત છે. આ માન્યતા જ તેનું બંધન છે. જો વ્યક્તિ સમજી લે કે આ બંધન મનનું સર્જન છે તો તે તરત જ મુક્તિની અનુભૂતિ કરી શકે.
પ્રાકૃતિક શુદ્ધ અહંતા અનાત્માથી વિરુદ્ધની સ્થિતિ છે. પ્રાકૃતિક શુદ્ધ અહંતા એ સ્વાભાવિક રીતે ઉદ્ભવતું જ્ઞાન છે. જ્યારે ચૈતન્ય પરનું આવરણ દૂર થાય ત્યારે અસ્તિત્વનું સાચું સ્વરૂપ સમજમાં આવે. આ સાચા સ્વરૂપની સમજ એટલે જ મુક્તિ કે મોક્ષ. એમ કહેવામાં આવે છે કે માત્ર માનસિકતા બદલવાની જરૂર છે. નાનકડા સ્વરૂપે પણ બંધનની પ્રતીતિ થતાં વિશ્ર્વાસ દૃઢ થાય છે અને તે માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે છે. સત્ય માટે થોડું પણ જ્ઞાન ઉપલબ્ધ થતાં આગળની સંભાવનાઓ ઉઘડે છે. તેમાં પણ ગુરુદેવની સહેજ ટકોર કે નાનકડો ટેકો અતિ સહાયક બની શકે.
સમજાવવા માટે વાત સરળ છે, પણ તેની પ્રતીતિ કઠિન છે. શબ્દ અને તેની પાછળનો અર્થ એક વાર ખબર પડે પણ તેને વાસ્તવમાં રૂપાંતરિત કરવું મુશ્કેલ છે. અભ્યાસ અને વૈરાગ્યથી તે પ્રાપ્ત થઈ શકે. થોડા સકારાત્મક પ્રયત્નની જરૂર છે. હું અને મારુંના માળખામાંથી બહાર નીકળવું પડે. પ્રગતિમાં બાધા રૂપ બનતા દુશ્મનોને ઓળખી તેમનો નાશ કરવો પડે. માયાની ચાલ ને સમજવું પડે. શાસ્ત્રોક્ત કોઈપણ માર્ગમાં શ્રદ્ધા રાખી તેનો આશરો લેવો પડે. પ્રેયની સામે શ્રેયની પસંદગી કરવી પડે.
આ બધી સંભાવનાઓ છે. આ બધું શક્ય પણ છે. પ્રશ્ર્ન ઈચ્છા-શક્તિનો અને સાતત્યતાથી પ્રયત્નોને વળગી રહેવાનો છે. મનને ઇન્દ્રિયોના વિષય પ્રત્યેના ખેંચાણથી મુક્ત કરી યોગ્ય દિશામાં વાળવાનો છે. ઈશ્ર્વરે પૂરેપૂરું સામર્થ્ય આપેલું છે. વાસ્તવિકતા જોવામાં આવે તો દરેકને એ પણ ખબર છે કે શું કરવું જોઈએ અને શું નહીં. પણ ક્યાંક ટૂંકા ગાળાના લક્ષ્ય માટે ભટકી જવાની આદત પડી ગઈ છે.
જાતને ઓછી આંકવાનો કોઈ મતલબ નથી. માનવી માટે કશું અશક્ય નથી. તે પૃથ્વીની ગતિ બદલવા સમર્થ છે. તે એકવાર સંકલ્પ કરી લે તો સૂર્યની ગરમીને પણ શાંત કરી દઈ શકે. તે એક અણુમાં બ્રહ્માંડને સ્થાપી શકે અને એક અણુને બ્રહ્માંડ જેટલો વ્યાપ પણ આપી શકે. સૃષ્ટિના નિયમોમાં બદલાવવા તે સમર્થ છે અને સાથે સાથે નિયતિ સામે પડકાર પણ તે ઊભો કરી શકે. ઈચ્છે તો અસ્તિત્વના અંત સુધી સત્ય અને ધર્મને સાથ આપી શકે છે અને સદાય નિર્દોષ, નિષ્કપટ, નિષ્કલંક રહી શકે છે. તે નવા બ્રહ્માંડનું સર્જન કરવા પણ સમર્થ છે.
મૂળમાં માનવી સત-ચિત-આનંદ સ્વરૂપ છે. તેનામાં કોઈપણ પ્રકારના વિકારની સંભાવના નથી. પ્રત્યેક વિકાર પણ મનનું જ સર્જન છે. માનવી સત્ય સ્વરૂપ છે. મુક્તિ સત્યનો સાક્ષાત્કાર છે. મુક્તિ એટલે આવરણથી – અસત્યથી મુક્તિ છે. આવરણ દૂર થતાં ચેતનાની અનુભૂતિ થાય. ચેતનાનો વ્યાપ સમજાય. અમર્યાદિતતા અનુભવાય. ચેતનાનું સર્વજ્ઞપણું ધ્યાનમાં આવે. ચેતનાના શિવત્વની પ્રતીતિ થાય. સંકુચિત, મર્યાદિત અને અધૂરી સમજને કારણે ઊભા થયેલા બંધન તત્કાલ નાશ પામે. મન દ્વારા ઊભા કરાયેલા પ્રપંચ લય પામતા સંપૂર્ણ સ્વતંત્રતાની અનુભૂતિ થાય – ‘શિવોહમ્’નો અર્થ સમજાય.