રામ જન્મનો હેતુ શો છે? રામે જન્મ લેવા માટે ‘અયોધ્યા’ કેમ પસંદ કર્યું?
માનસ મંથન -મોરારિબાપુ
હરખ હવે તું હિન્દુસ્તાન!
હવે ઘેર ઘેર થાશે અનુષ્ઠાન,
ને થાશે સદ્ધર્મ પુનરુત્થાન!
હરખ હવે તું હિન્દુસ્તાન !
ભૂલાઈ ન જાય કોઈ બલિદાન,
ને રાયથી લઈને રંકના દાન!
હરખ હવે તું હિન્દુસ્તાન !
મંદિર નહીં આ તો રામચરિત્ર નિર્માણ,
હિંદુ ગૌરવ ને વળી રાષ્ટ્રાભિમાન !
હરખ હવે તું હિન્દુસ્તાન !
સ્વધર્મનું હવે જળવાય સન્માન,
ન અન્ય ધર્મનું થાય અપમાન !
હરખ હવે તું હિન્દુસ્તાન !
અંધશ્રદ્ધાનું ના રહે નિશાન,
પ્રસરે સનાતન ધર્મવિજ્ઞાન!
. હરખ હવે તું હિન્દુસ્તાન !
રામવિગ્રહ નિરાકારમાંથી આકાર લે છે. એ આપણી ભૂમિ પર આપણા જેવા થઈને આવે છે. રામ ધાર્મિક નથી, સ્વયં ધર્મ છે. જ્યારે વિગ્રહ ધારણ કરવાની ઈચ્છા કરી ત્યારે સનાતન ધર્મ, વૈદિક શાશ્ર્વત જીવન ધર્મ આપણી ભૂમિ પર આવ્યા છે. અયોધ્યાના સંતોને, આચાર્યો, મહામંડલેશ્ર્વર, કાર્યકરો, સેવકો જેમણે પૈસાનું નહીં, હૃદયનું દાન આપ્યું છે એ બધાને હું પ્રણામ કરું છું.
બાપ ! જે દિવસે રામનું પ્રાગટ્ય આપણા હૃદયમાં આપણે અનુભવીએ એ દિવસ જ રામનવમી ગણાય. ‘માનસ’ માં રામજનમમાં પાંચ હેતુ છે. અને એ પણ ગોસ્વામીજીના શબ્દોમાં પરમવિચિત્ર અને એક કરતાં એક ચડિયાતા. એ ખાસ સંકેતો પૂરા પાડે છે. રામ કોઈ વ્યક્તિગત હેતુ માટે જગતમાં આવે છે કે વૈશ્ર્વિક હેતુ માટે ? ક્યાં રામની આ દેશે પૂજા કરી ? વ્યક્તિગત રામની કે વૈશ્ર્વિક રામની ? સાહેબ ! આપણા પુરાણગ્રંથોમાં એવી કથા મળે છે કે ઘણા જન્મો આપણે ત્યાં એવા થયા કે જન્મની પહેલા પૃથ્વી ઉપર અનર્થો સર્જાયા. ક્યાંક ભૂકંપ, ક્યાંક દિશાશૂન્યતા, ક્યાંક દિશાઓમાં અગ્નિ, ક્યાંક જવાળામુખી-આ બધાં કારણો બતાવ્યાં છે, એની સામે મારા રામનો જનમ લો. એ આવે એટલે આનંદની વૃદ્ધિ થાય છે, શાંતિસ્થપાય છે, પ્રેમ સ્થપાય છે, લોકોને સત્યમાં રુચિ જન્મે છે. મનુ-શતરૂપા માટે વ્યક્તિગત રૂપે રામ આવ્યા. તુલસી કહે છે એ વ્યક્તિગત ભલે આવ્યો પણ, આખા વિશ્ર્વ માટે એમણે અવતાર ધારણ કર્યો છે. એવા વૈશ્ર્વિક રામની પૂજા આ રાષ્ટ્ર કરે છે. શું કામ મંદિરોમાં રામ છે? રામ વૈશ્ર્વિક છે.
પહેલી વાત શિવજીએ કરી: ‘હે ભવાની,’ તમે સુમતિ છો. ‘હું તમને રામ જનમના હેતુ કહું.’ અને પછી પહેલાં તો નિરાકારનું વર્ણન કર્યું કે એ અપાણિપાદ છે, છતાંય ગતિ કરે, કર્મ કરે; આંખ નથી છતાં બધાને જોવે; શરીર નથી છતાં બધાને સ્પર્શ કરે, જીભ નથી છતાં એના જેવો બીજો વક્તા નથી. આવો બ્રહ્મ ભક્તોના પ્રેમના લીધે દેશ-કાળની પરિસ્થિતિરૂપ મનુષ્ય વિગ્રહ ધારણ કરે, આમ તો, ઈશ્ર્વરના કોઈપણ કાર્યને કારણ લાગુ પડતું નથી. છતાં એ બધાં જ એક પહેલો હેતુ રામજનમનો, ભગવાન વિષ્ણુના અત્યંત પ્રિય બે દ્વારપાળો વૈકુંઠના દરવાજે, હે દેવી, દ્વારાપાળું કરે છે અને એનાં નામ છે જય-વિજય. આ જય-વિજય વિશેષણ છે કે સંજ્ઞા છે ? અથવા તો એનું અધ્યાત્મ શું છે ? આમ તો, ‘જય’ અને ‘વિજય’ શબ્દો સમાનાર્થી લાગે, પરંતુ આ બે શબ્દો શંકરે વાપર્યા છે. ત્યારે આનો આધ્યાત્મિક અર્થ શું ? જય અને વિજયમાં તફાવત શું છે ?
પોતાના પ્રયાસથી પ્રાપ્ત થાય તે જય અને ગુરુનાં પ્રયાસથી પ્રાપ્ત થાય છે એનું નામ વિજય. શસ્ત્રથી પ્રાપ્ત થાય એનું નામ જય અને શાસ્ત્રથી પ્રાપ્ત થાય એનું નામ વિજય. સાધનથી મળે એનું નામ જય અને સાધનાથી મળે એનું નામ વિજય. બંને ઉપર રહેનારા છે. વિષ્ણુનાં દ્વારપાળો છે. વિચારધારામાં બંનેનું અધ્યાત્મ જુદું છે. બહિર સફળતાનું નામ જય છે અને ભીતરી પ્રાપ્તિનું નામ વિજય છે. બહિર સંગ્રામમાં શત્રુઓ ઉપર પ્રાપ્ત કરેલો કાબૂ એ જય છે, પણ અંદરના ષડરિપુ ઉપર પ્રાપ્ત કરેલો કાબૂ એ વિજય છે. બ્રાહ્મણોના શાપને લીધે જય-વિજય ધરતી પર રાવણ કુંભકર્ણ બને છે. ભગવાન વિષ્ણુ સ્વયં મનુષ્ય બીજો હેતુ છે સતીવૃંદાનો. રાક્ષસની સ્ત્રી છતાં પરમસતી.ભગવાન વિષ્ણુએ છળ કરીને ધર્મની આડશમાં અધર્મ જીવતો હતો, એટલા માટે એ ધર્મને તોડવો પડ્યો.ઈશ્ર્વર ધર્મભંજક નથી,ધર્મ સંસ્થાપક છે. છતાં, જે દાંભીક અધર્મ છે, એ જો ધર્મની આડમાં આવે તો એવા ધર્મનું છેદન જરૂરી લાગ્યું અને સતીવૃંદાનું સતીત્વ તોડવામાં આવ્યું. ધર્મ જો અધર્મના કપડાં પહેરે તો એ ભયંકર અધર્મ છે ! આપણે અસાધુ હોઈએ અને સાધુ હોવાની ઘોષણા કરીએ તો એ અધર્મ છે, પ્રપંચ છે, અને એ પડદો તોડવો રહ્યો.
એકવાર નારદજીએ ભગવાન નારાયણને શાપ આપ્યો અને પ્રભુને અવતરવું પડ્યું. નારદજી બ્રદ્રીકાશ્રમમાં યાત્રા કરવા નીકળે છે. નારદજીને થયું આ ભૂમિમાં બેસી થોડો સમય હરિસ્મરણ કરુ. નારદજી સમાધિમાં લીન છે. મુનિની આ સ્થિતિ જોઇને દેવરાજ ઇન્દ્ર ડરવા માંડ્યો. કોઈ પણ સાધુ ભજન કે તપ કરે તેની પહેલી ચિંતા ઇન્દ્રને થાય ! કામદેવને બોલાવ્યો છે. તમે જાવ અને નારદની સમાધિ તોડાવો. કામદેવે પંચબાણો તૈયાર કર્યાં છે-ઘણી કોશિશ કરી. નારદની સામે એ હાર્યો. ભજન જીત્યું. ભોગ હાર્યો. કામની કળાથી આંખો ન ખોલાવી તો વખાણ કરીને આંખ ખોલાવી નાખી. નારદજી ભગવાન શંકર પાસે કૈલાસ આવ્યા છે. અવસર મળતાં જ અભિમાનપૂર્વક બધી વાત કરી. નારદને ગર્વાંકુર ફૂટ્યો. કામ વિજયની કથા શંકરને સંભળાવી. શંકર ભગવાને કહ્યું,દેવર્ષિ ! તમે મારા છો એટલે એક વિનંતી કરું ?’ આ કામદેવને તમે હરાવ્યો એ વાત ભલે મને કીધી પણ બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુને કહેશો નહી; વિષ્ણુને વાત કરી. ભગવાન સમજી ગયા કે મારા ભક્તનાં હૃદયમાં ગર્વાંકુર ફૂટ્યો છે. ભગવાને કૌતુકી લીલા કરી. આ આખા પ્રસંગનો સાર એટલો જ કે, ભજન કરવું પણ ભજનનો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખવું. અહંકાર આવ્યા પછી ધીરે ધીરે પતન શરૂ થાય છે.
એક કારણ છે મનુ શતરૂપાની વ્યક્તિગત સાધનાથી પરમાત્મા પધારે છે. વેદોને પણ વખાણ કરવા પડે તેવું દાંપત્યજીવન બંનેનું છે. ભગવાન ત્રેતાયુગમાં આવ્યા એનું એક કારણ એ પણ છે કે અસુરને નિર્વાણ આપવું હતું. એક, દૈવી સમાજને સ્થાપિત કરવો હતો, વેદ-શાસ્ત્રનો સેતુ અખંડ રાખવો હતો અને સાધુઓનું પરિત્રાણ કરવું હતું-આ ત્રણ કારણો પ્રધાન હતાં. ભગવાને અયોધ્યા શું કામ પસંદ કર્યું ? ડોંગરેબાપા પણ કહેતા કે, અવધનો અર્થ થાય, જ્યાં કોઈનો વધ ન થાય. એટલે કે જે ભૂમિ પર, જે દેશમાં કોઈનો વધ નથી, કોઈ વેર નથી, કોઈ સંઘર્ષ નથી, યુદ્ધ નથી ત્યાં રામ અવતરે છે.
ભગવાન રામ પરમાત્મા છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે, બ્રહ્મ છે. ભગવાન રામ સનાતન છે, જેનો અર્થ છે શાશ્ર્વત. આપણે જે દિવ્ય ઘડીની રાહ જોઈ હતી તે પાંચસો-સાડા પાંચસો વર્ષ પછી સાકાર થવા જઈ રહી છે. મારા મતે ભગવાન રામનું આ મંદિર દિવ્ય છે, ભવ્ય છે અને સેવ્ય છે. રામમંદિરનું પ્રથમ ચરણ પૂર્ણ થવાની નજીક ત્યારે હું સત્ય,પ્રેમ અને કરુણાના આ યુગમાં આહુતિ દેનાર બધાને ધન્યવાદ આપું છું.
આગામી ૨૨ જાન્યુઆરીને દિવસે બપોરે શ્રીધામ અયોધ્યાના મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ મંગલ અવસરની સૌને શુભકામના. આવો, આપણે સૌ ૨૨ જાન્યુઆરીએ ઘર ઘરમાં દિવાળીની જેમ ઉત્સવ માનવીએ.