ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ચિંતન: ગુરુની ગેરહાજરીમાં, જે ગુરુનું કાર્ય કરે એ ‘સ્વાધ્યાય’ શું છે?

-રાજેશ યાજ્ઞિક

‘મહર્ષિ ભારદ્વાજે બ્રહ્મચર્યનું પાલન કરીને ૩૦૦ વર્ષ સુધી વેદોનો ઊંડો અને ગંભીરતાથી અભ્યાસ કર્યો.’ આ રીતે જ્યારે ભારદ્વાજ નિષ્ઠાપૂર્વક વેદોનો અભ્યાસ કરતાં કરતાં ઘણા વૃદ્ધ થઈ ગયા ત્યારે ઈન્દ્ર એમની પાસે આવ્યા ને પૂછ્યું :
‘જો તમને બીજાં સો વર્ષનું આયુષ્ય મળે તો તમે શું કરશો? ’

ભારદ્વાજે જવાબ આપ્યો :
‘હું તે ઉંમર પણ બ્રાહ્મણ ધર્મનું પાલન કરીને વેદ ભણવામાં વિતાવીશ….’

પછી ઇન્દ્રએ ત્રણ પર્વત જેવા જ્ઞાનના વેદ બતાવ્યા અને દરેક રાશિમાંથી મુઠ્ઠી ભરીને ભારદ્વાજને કહ્યું:
આ વેદ રાશિચક્ર અથવા જ્ઞાનના પર્વતો જેવા છે, તેમના જ્ઞાનનો કોઈ અંત નથી …તમે ૩૦૦ વર્ષ સુધી વેદોનો અભ્યાસ કર્યો હોવા છતાં, તમે સંપૂર્ણ જ્ઞાનનો અંત પ્રાપ્ત કર્યો નથી. ૩૦૦ વર્ષમાં તમે આ અનંત જ્ઞાનમાંથી માત્ર ત્રણ મુઠ્ઠીભર જ્ઞાન મેળવ્યું છે.’

આ સંવાદ ‘તૈત્તરીય બ્રાહ્મણ’ ગ્રંથમાં આલેખાયો છે. આ સંવાદ ઉપરથી જ અંદાજ આવે છે કે શાસ્ત્ર જ્ઞાનનો ભંડાર કેટલો અખૂટ છે માટે જ જ્ઞાનીજનોએ સતત સ્વાધ્યાય કરતા રહેવાનું કહ્યું છે.

હમણાં જ જૈન ધર્મના ધાર્મિક પર્વોમાં શિરમોર પર્યુષણ પર્વ ઉજવાઈ ગયું. જૈન ધર્મમાં પણ સ્વાધ્યાયને અતિ મહત્ત્વનું સ્થાન અપાયું છે. માત્ર મુનિઓ જ નહીં, શ્રાવકો માટે પણ નિત્ય સ્વાધ્યાયનું વિધાન કહેવાયું છે. જૈન પરંપરાનું ધ્યેય સમતા પ્રાપ્ત કરવાનું છે અને સમતા પ્રાપ્ત કરવા માટે સદ્સાહિત્યનો સ્વાધ્યાય અને અભ્યાસ જરૂરી છે. જૈન પરંપરામાં તપ સાધનાના જે ૧૨ ભેદ બતાવવામાં આવ્યા છે, તેમાં સ્વાધ્યાયની ગણના આંતરિક તપશ્ર્ચર્યા હેઠળ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ સ્વાધ્યાયનું તપ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તથા તેના પાંચ ભાગ અને તેની સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

‘બૃહતકલ્પભાષ્ય’ માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, સ્વાધ્યાય સમાન બીજી કોઈ તપસ્યા ભૂતકાળમાં નહોતી, ન વર્તમાનમાં છે, ન ભવિષ્યમાં હશે. ‘ઉત્તરાધ્યયન’ સૂત્રમાં મુનિના આવશ્યક આચારોમાં સ્વાધ્યાયને આપેલા સ્થાનથી પણ તેનું મહત્ત્વ જાણી શકાય છે. મુનિ માટે દરરોજ ચાર પ્રહર એટલે કે ૧૨ કલાક સુધી સ્વાધ્યાયમાં રત રહેવું આવશ્યક ગણાયું છે.

બીજા શબ્દોમાં કહીએ તો, સાધકનું અડધું જીવન સ્વાધ્યાયને માટે સમર્પિત હોય. આમ સ્વાધ્યાય એ મુક્તિનો માર્ગ છે.

સ્વાધ્યાયનું મહત્ત્વ પ્રાચીન કાળથી સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદ કાળથી, જ્યારે શિષ્ય એનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી ગુરુનો આશ્રમ છોડે ત્યારે એને આપવામાં આવતા છેલ્લા ઉપદેશોમાંથી એક હતો : સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. સ્વાધ્યાય એવી વસ્તુ છે, જે ગુરુની અનુપસ્થિતિમાં ગુરુનું કાર્ય કરે છે. સ્વાધ્યાય શબ્દનો સામાન્ય અર્થ સ્વનો અભ્યાસ છે.

‘વાચસ્પત્યમ’ નામક સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે સ્વાધ્યાય શબ્દની વ્યાખ્યા બે પ્રકારે કરવામાં આવી છે :
૧) સ્વ અધિ ઈણ જેનો અર્થ છે
પોતાનો અભ્યાસ. બીજા શબ્દોમાં કહીએ તો સ્વ-અભ્યાસ એ સ્વ-અનુભૂતિ છે. પોતાની અંદર જોવું અને પોતાને જોવું.

બીજી વ્યાખ્યા છે શોભનોધ્યાય’ સ્વાધ્યાય અર્થાત્ સદ્સાહિત્યનું અધ્યયન કરવું એ જ સ્વાધ્યાય છે.

ઓશોએ સ્વાધ્યાય શું છે તેના વિશે વાત કરતાં કહ્યું છે કે સ્વાધ્યાય એટલે આપણી અંદરની દુનિયા, ચેતનાની દુનિયા, તેનું નિરીક્ષણ. ત્યાં રહો અને અવલોકન કરો,અભ્યાસ કરો, કારણ કે ત્યાં ઘણું બધું થઈ રહ્યું છે. વિચારો આગળ વધી રહ્યા છે, સ્મૃતિઓ આગળ વધી રહી છે, કલ્પનાઓ ઊભી થઈ રહી છે, ઈચ્છાઓ જાગે છે. અંદર ખૂબ ભીડ છે. ત્યાં કુંભ મેળો હંમેશાં યોજાતો રહે છે. તેનું અધ્યયન, તેનું અવલોકન કરો, તેનું નિરીક્ષણ એ આ સ્વાધ્યાયનો અર્થ છે.’

સાધુ પુરુષોનાં લક્ષણોમાં ભગવાન કૃષ્ણએ પણ એક લક્ષણ એ બતાવ્યું છે કે જે સ્વાધ્યાય રત હોય. અષ્ટાંગ યોગના પાંચ નિયમોમાં પણ સ્વાધ્યાયને સ્થાન અપાયું છે. તેનો અર્થ એ કે સ્વાધ્યાય પણ એક યોગ જ છે! સ્વાધ્યાયના નામે, ઘણા લોકો કહે છે કે વ્યક્તિએ આધ્યાત્મિક ગ્રંથો વાંચવા જોઈએ, ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ, ઉપનિષદો વાંચવા જોઈએ અને આ રીતે સ્વાધ્યાયનો અર્થ ‘બાહ્ય અભ્યાસ ’ તરીકે પણ લેવામાં આવે છે. તમારી ઈચ્છા- નબળાઈ- શક્તિ- પ્રતિભા અને મહત્ત્વાકાંક્ષાને જાણવી- સમજવી અને ગોઠવવી એ વાસ્તવિક સ્વાધ્યાય છે.

સ્વાધ્યાયનો ખરો અર્થ એ છે કે પોતાનો અભ્યાસ કરીને પોતાની જાતને વ્યવસ્થિત કરવી. વર્તમાન કાળમાં લોકો વાંચતા જોવા મળે છે, પણ સ્વાધ્યાય કરતા જોવા મળતા નથી! વર્તમાનપત્રો અને પુસ્તકોનું, સાહિત્યનું વાંચન કરવું એ સમસામયિક ઘટનાક્રમોના જાણકાર રહેવા માટે જરૂરી છે, પરંતુ અત્યારની સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં યુદ્ધ, હત્યા, બળાત્કાર, લૂંટફાંટ, રાજકારણ, ધાર્મિક હુલ્લડો, આતંકવાદ, વ્યભિચારના સમાચારોથી ભરેલા વાતાવરણથી દૂષિત થયેલા મનને ભટકતું અટકાવવા, તેને આત્મજ્ઞાનના રસ્તે વાળવા અને મનુષ્ય જન્મમાં તેનું કલ્યાણ કરવાના હેતુ માટે સ્વાધ્યાય એક ઉત્તમ સાધન છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button