પ્રાણ-પ્રતિષ્ઠા એટલે શું?
પ્રાસંગિક -શ્રીલેખા યાજ્ઞિક
‘માતા રામો મત્પિતા રામચન્દ્ર : સ્વામી રામો મત્સખા રામચન્દ્ર:
સર્વસ્વં મે રામચન્દ્રો દયાલુ-ર્નાન્યં જાને નૈવ જાને ન જાને.’
‘રામ મેરી માતા હૈ, રામ મેરે પિતા હૈ, રામ સ્વામી હૈ, ઔર રામ હી મેરે સખા હૈ
દયામય રામચન્દ્ર હી મેરે સર્વસ્વ હૈ, ઉનકે સિવા ઔર કિસીકો મૈં નહીં જાનતા
બિલકુલ નહીં જાનતા.’
વિક્રમ સંવત ૨૦૮૦, સોમવાર પોષ સુદ બારસ, તા. ૨૨ જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યા નગરીમાં મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. આવા ઐતિહાસિક પાવન પર્વના આપણે સૌ સાક્ષી બનીશું. વર્ષોની રાહ જોવડાવ્યા બાદ આનંદની ઘડી આવી પહોંચી છે. ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નવનિર્મિત મંદિરમાં થશે. સમગ્ર ભારતમાં આ પર્વની ઊજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી રહી છે.
પ્રાણપ્રતિષ્ઠાની વિધિ તારીખ ૨૨મીએ જ કેમ રાખવામાં આવી છે?
તેવો પ્રશ્ર્ન આપણા સૌના મનમાં ઊભો થાય તે સ્વાભાવિક છે. એવું કહેવાય છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શ્રી વિષ્ણુએ આ દિવસે ‘કૂર્મ-કચ્છપ’ એટલે કે કાચબાનું સ્વરૂપ ઘારણ કરીને મંથનમાં દેવોને મદદ કરી હતી. વળી ભગવાન રામ વિષ્ણુનો અવતાર ગણાય છે. શાસ્ત્રોમાં વિવિધ દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા માટે નક્ષત્ર, તિથિ-વાર તેમ જ માસનો ખાસ મહિમા દર્શાવવામાં આવ્યો છે. તે મુજબ બારસની તિથિએ ભગવાન વિષ્ણુની પ્રાણપ્રતિષ્ઠાનું આગવું માહત્મ્ય દર્શાવવામાં આવ્યું છે.
પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલી સાંસ્કૃતિક માન્યતા મુજબ પૂજા મૂર્તિની નહીં પરંતુ તેમાં સમાયેલી દિવ્ય ચેતના-શક્તિની કરવામાં આવે છે. સનાતન ધર્મના પ્રારંભ કાળથી જ દૈવી મૂર્તિઓને ઈશ્ર્વરીય શક્તિ કે કૃપાને પ્રાપ્ત કરવા માટેની એક મહત્ત્વપૂર્ણ કળી ગણવામાં આવે છે. દેવ પ્રતિષ્ઠા કરવાની પાછળ માત્ર પરંપરા નહીં પરંતુ પરિપૂર્ણ તત્ત્વદર્શનનો મહિમાનો સમાવેશ છે.
ભક્તોના હૃદયમાં ચાલતાં મનોમંથનની વાત રામજી સાંભળી લે તેમ જ તેમની મનોકામના પૂર્ણ કરી, સર્વેનું કલ્યાણ કરે તે હેતુથી જ ૨૨ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. તેમ માનવું સરળ છે.
સામાન્ય રીતે, આપણે જેને મંદિર તરીકે ઓળખીયે છે તેને ‘દેવપ્રાસાદ કે ભગવાનનાં મહેલ’ તરીકે સંસ્કૃતમાં ઓળખવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા જવા પાછળનું કારણ પણ જાણી લઈએ. આગ્નેય મહાપુરાણમાં મળતી માહિતી મુજબ ‘દેવપ્રાસાદ’ના પ્રત્યેક અંગમાં ઉપાંગોમાં દેવી-દેવતાઓનો ન્યાસ કરીને દેવપ્રતિષ્ઠાના સમયે અભિષેક કરવામાં આવે છે, જેને કારણે સમગ્ર દેવપ્રાસાદ સર્વદેવમય બની જતું હોય છે. મંદિરમાં દર્શન કરીને મન ઉપરોક્ત કારણે જ શાંત બનીને પ્રફૂલ્લિત બની જાય છે. તે માટેનો શ્ર્લોક નીચે મુજબ બોલવામાં આવે છે.
‘પ્રાસાદો વાસુદેવાય મૂર્તિરૂપો વિબોધ મે॥
નિશ્શ્રચલત્વં ચ ગર્ભોડ્સ્યા અધિષ્ઠાતા તુ કેશવ:
એવમેષ હરિ: સાક્ષાત્પ્રાસાદેત્વેન સંસ્થિત:॥
‘તેજસ્વિની ક્ષેમકૃદગ્રિહાદ વિધાયિની સ્યાદ્ધનદા દૃઢા ચ,
આનંદકૃત કલ્પવિનાશિની ચ સૂર્યદિવારેષું ભવેત્પ્રતિષ્ઠા’
શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કયા વારે કરવામાં આવતી પૂજા કયું ફળ આપે છે. રવિવારે કરવામાં આવતી પ્રાણ-પ્રતિષ્ઠા તેજસ્વિની, સોમવારે થતી પૂજા કલ્યાણ-કારિણી, મંગળવારે થતી પૂજા અગ્નિદાહ કારિણી, બુધવારે કરવામાં આવતી પૂજા ધનદાયિની, ગુરૂવારના દિવસે કરવામાં આવતી પ્રતિષ્ઠા બળપ્રદાયિની, શુક્રવારે થતી પૂજા આનંદદાયિની, શનિવારની પૂજા સામર્થ્ય-દાયિની ગણાય છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે કે જે પ્રતિમા ખંડિત થઈ હોય તેની પૂજા ન કરવી. તેથી જ દેવી-દેવતાઓની પ્રાણ-પ્રતિષ્ઠા જરૂરી ગણાય છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક પર્વનું આગવું મહત્ત્વ જોવા મળે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આવતાં નાવિન્ય કે આગમનને વધાવવું કે તેની ઊજવણી કરવામાં આવે છે. જેમ કે નવો પાક હોય, નવો મહિનો હોય કે નવું વર્ષ હોય. ઘરે આવેલાં નવાં અતિથિ હોય કે લગ્ન કરીને આવેલી નવવધૂ. અતિથિનું સ્વાગત માનપૂર્વક કરાય છે. નવવધૂનું સ્વાગત કુમકુમ પગલાં પડાવીને કરવામાં આવે છે. નવા શિશુના આગમન વખતે કુટુંબની પ્રત્યેક વ્યક્તિ આનંદિત જોવા મળે છે. વિજ્ઞાન ભલે આગળ વધી ગયું. સિઝેરિયન ઓપરેશન કરીને શિશુનો જન્મ કરાવવામાં આવતો થઈ ગયો છે. તેમ છતાં આધુનિક માતા-પિતા સારું મુહૂર્ત જોઈને ઓપરેશન કરાવવાનું પસંદ કરે છે! આજે તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મભૂમિમાં બનેલા મંદિરમાં રામજીની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે.
ચાલો જાણી લઈએ પ્રાણ-પ્રતિષ્ઠા એટલે શું? તેમાં કયા પ્રકારનાં વિધિ-વિધાન કરવામાં આવે છે ?
સંસ્કૃત શાસ્ત્રો અનુસાર પ્રાણ-પ્રતિષ્ઠાનો શાબ્દિક અર્થ થાય છે, ‘જીવન-શક્તિની સ્થાપના કરવી’. દેવી કે દેવતાની મૂર્તિમાં જીવંત ધબકાર પૂરવાં. હિન્દુ તેમ જ જૈન ધર્મોમાં પ્રાણપ્રતિષ્ઠા એક મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન ગણાય છે. ભગવાનની મૂર્તિ કે વિગ્રહને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો જે પ્રમાણે નારીના ઉદરમાં પાંગરતો ગર્ભ વિવિધ રસનો સ્વાદ ચાખતાં ચાખતાં શિશુ સ્વરૂપ ધારણ કરીને જન્મ લે છે. ગર્ભમાં તે વિવિધ રસો ભોગવતું હોય છે જેમાં ખારો, ખાટો, મીઠો, તીખો વગેરે ગણાવી શકાય. નવજાત શિશુના જન્મનો આનંદ તેમના સ્વજનોમાં જોવા મળે છે. તે જ પ્રમાણે મૂર્તિકાર દ્વારા કંડારિતમૂર્તિ કે વિગ્રહમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન દ્વારા પ્રાણ પૂરીને મૂર્તિને જીવંત કરાવામાં આવે છે. તેથી જ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરતી વખતે કે તેમને નમન કરતી વખતે ભક્તો ભાવવિભોર બની જતાં હોય છે. તેનું મુખ્ય કારણ પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન થતાં મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિ તેજોમયસ્વરૂપ, દેવોત્વસ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.
પ્રાણપ્રતિષ્ઠા વખતે વિવિધ દેવી-દેવતાઓ માટે ખાસ મંત્રોચ્ચાર કરવામાં આવે છે, જેમાંનો એક મંત્ર નીચે
મુજબ છે.
પ્રતિષ્ઠા સર્વ દેવાનાંમ્, મિત્રા વરુણ નિર્મિતા:
પ્રતિષ્ઠાન્તે કરો યત્રો, મંડલૈ દૈવતે સહ:॥
તમામ દેવોની પ્રતિષ્ઠા વરુણ આદિ દેવો દ્વારા થાય છે. તમામ દેવીદેવતાઓ હંમેશાં જે તે સ્વરૂપમાં નિવાસ કરે છે.
મૂર્તિકારે કંડારેલી મૂર્તિને પ્રાણ-પ્રતિષ્ઠાના એક અઠવાડિયા પહેલાંથી વિવિધ રસનું પાન કરાવવામાં આવે છે. તેમાં પહેલાં અનાજ, જલ, રસ, ગંધ, ઘીમાં રાખીને અધિવાસ કરવામાં આવે છે. પ્રથમ ચોખામાં, બીજા દિવસે ખાંડમાં, ત્રીજા દિવસે પુષ્પમાં, ચોથા દિવસે ફળમાં, પાંચમાં દિવસે ઘીમાં વાસ કરાવવામાં આવે છે. પ્રત્યેક નવી જગ્યાએ વાસ કરાવતી વખતે વિષ્ણુસહસ્ત્ર નામ અથવા તો ઓમ્ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવામાં આવે છે. ઘીમાંથી મૂર્તિ બહાર કાઢ્યા બાદ તેને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવતું હોય છે. મૂર્તિનો ન્યાસ બીજમંત્રથી કરવામાં આવે છે. ભદ્ર દેવતાઓનું સ્વરૂપ તેમાં પધરાવવામાં આવે. વિવિધ જળ, પદાર્થો, ઔષધિઓથી અભિષેક કરવામાં આવે. પંચગવ્યથી પવિત્ર કરવામાં આવે. મૂર્તિની સ્થાપના કરવાની હોય તે સ્થળની પ્રાસાદ વાસ્તુની વિધિ કરવામાં આવતી હોય છે.
ન્યાસ એટલે ન્યસેતેતિ. બહારની વસ્તું એટલે કે અલગ અલગ દેવતા મૂર્તિના સ્વરૂપના વિવિધ અંગો કાયમી વસવાટ કરે, જેમાં માથાના વાળથી નખ-પગ વગેરે વિવિધ અંગમાં બીજ મંત્રથી તમામ દેવતાઓનું, ગ્રહ, નક્ષત્ર, આકાશગંગાનું આવહાન કરવામાં આવે છે. શરીરના કયા અંગમાં કયા દેવતાં બિરાજમાન થશે તેની વિધિ, જે વિધિને દર્ભની શલાકાથી કરવામાં આવતી હોય છે. મૂર્તિનું મુખ પૂર્વ દિશામાં રાખવામાં આવશે. સામુહિક ભજનો તેમ જ મંત્રોચ્ચાર તેમ જ પૂજારીતિઓથી ઈષ્ટદેવને આમંત્રિત કરવામાં આવે છે. મૂર્તિને સંપૂર્ણ શણગાર સજાવ્યા બાદ મૂર્તિની નેત્ર ઉપર લગાવેલ પાટ્ટી ખોલવામાં આવે છે. તે સમયે તેમને અરીસો દેખાડીને તેમના સ્વરૂપનું પ્રથમ દર્શન કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ચાટલામાં સ્વયંનું સુંદર સ્વરૂપ નિહાળીને પ્રભુ રાજી થઈ જતાં ચાટલાનો કાચ આપોઆપ તૂટી જતો હોય છે.
દ્વારકાતીર્થ સ્થિત પરાપૂર્વથી કર્મકાંડ કરતાં પંડિત શ્રી વત્સલ અશ્ર્વિનભાઈ પુરોહિતનું કહેવું છે કે પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યેક વેદમાંથી થોડાં થોડાં મંત્રોચ્ચાર કરવામાં આવતાં હોય છે. ગ્રહ, નક્ષત્રની સાથે બ્રહ્માંડના સર્વે દેવતાને આવહાન આપીને, સુગંધિત ઔષધિઓ તેમ જ વિવિધ લેપ લગાવીને રામલલાની પૂજા કરવામાં આવશે. દૂધ તેમ જ ખાસ ગંગાજળ દ્વારા અભિષેક કરવામાં આવશે. ભગવાન રામના સસુરાલ એટલે કે નેપાળથી ત્યાંની નદીઓનું જળ ખાસ રથયાત્રા કાઢીને અયોધ્યામાં લાવવામાં આવ્યું છે. તો રાજસ્થાનના જોધપુરની સાંદિપની મુનિ ગૌશાળામાંથી ખાસ ઘી લાવવામાં આવનાર છે. આ કામધેનુ ગાયના દૂધમાંથી બનેલાં ઘી વિશે એવી માહિતી મળે છે કે આ ગાય ૧૭ મહિનાની હતી ત્યારથી પ્રસૂતિ વગર છેલ્લાં ૬ વર્ષથી દૂધ આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરમાં સૌપ્રથમ આ ઘીથી દિપક પ્રગટાવશે.
મંદિરના પ્રાંગણમાં ૨૫ લાખની કિંમતનો ૨૪૦૦ કિલોનો મહાકાય ઘંટ જોવા મળશે. ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના જલેસરથી ખાસ બનાવડાવવામાં આવ્યો છે. શાંત વાતારણમાં ઘંટનાદ બે કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકશે!
ચાલો ત્યારે અયોધ્યામાં પ્રભુશ્રી રામના બાળ સ્વરૂપના નૂતન વિગ્રહની, નવનિર્મિત ‘દેવપ્રાસાદ’ના ગર્ભગૃહમાં આજના શુભ દિને કરવામાં આવતી પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ નિહાળતાં નિહાળતાં આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા, આપણા વારસાને વધુ મજબૂત બનાવવા સહભાગી બનીએ. રામજીની કૃપા મેળવીને બોલીએ :
‘રામ..સિયારામ..જય જય દશરથ..દુલારે..
જય જય જ્યોતિ સ્વરૂપા..જય જય કૌશલ્યા દુલારે..
સત્ય..સત્ય…તુમ સત્ય સનાતન…
નામ તુમ્હારો લેત જો કોઈ,… ધન્ય ધન્ય હો જાયે..
તુમ ભક્તની લજ્જા રાખી..જો ઈચ્છા મનમેં કરે સકળ સિદ્ધ વો પાયે …
રામ સિયારામ..જય..જય રામ સિયારામ’.
રામજીના પ્રિય હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠાની સત્ય હકીકત :
ગુજરાતના સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવની સદાય હાજરાહજૂર ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે ભક્તો તેમના દ્વારા કોઈપણ દુખ-દર્દ કે ભૂત-પ્રેતની પીડા લઈને પહોંચે તો તેમની પીડા હનુમાનજીના દર્શન માત્રથી દૂર થઈ જાય છે તેથી જ તેમને કષ્ટભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે.
વાત છે વિક્રમ સંવત ૧૯૦૫ના આસો વદ પાંચમની. ગોપાળાનંદજી મહારાજે હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કાર્ય હાથમાં લીધું. હનુમાનજીની મૂર્તિની સમક્ષ બેસીને તેમણે એક લાકડીના ટેકાના સહારે પોતાનો ચહેરો ગોઠવીને ત્રાટક ર્ક્યું. થોડી જ વારમાં હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ પૂરાયા. મૂર્તિ થરથરવા લાગી. તેમ જ ભવ્ય તેજ નીકળવા લાગ્યું. હનુમાનજી મૂર્તિમાં પ્રગટ થયા. મૂર્તિમાંથી ફક્ત અવાજ જ આવવાનો બાકી હતો તે સમયે હનુમાનજીના એક ભક્તે સ્વામી ગોપાળાનંદજીને ત્રાટક કરતાં રોક્યા. ગોપાળાનંદજીએ તુરંત જ જણાવ્યું કે જો મારું ધ્યાન ભંગ ના કરાવ્યું હોત તો મૂર્તિ બોલવા લાગી હોત. ઘોર કળિયુગમાં તેઓ હનુમાનજીની બોલતી મૂર્તિની સ્થાપના કરવા માગતા હતા, જ્યારે ભક્તનું કહેવું હતું કે આસપાસના ક્ષેત્રમાં બીજા અનેક તીર્થધામ આવેલાં છે. તેનો મહિમા ઘટી જાશે. તે તીર્થક્ષેત્રને લોકો ભૂલવા લાગશે. હાલમાં આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ સાક્ષાત્ બિરાજમાન છે. ભૂત-પ્રેતાદિ, શનિદોષ, સાંસારિક-શારીરિક કષ્ટથી મુક્ત કરી દે છે. અનેક શ્રદ્ધાળુ તેમના દર્શને પધારે છે.
આરતીની રીત : પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ભગવાનની આરતી કરવાની ખાસ રીત જોવા મળે છે. તે પ્રમાણે સૌ પ્રથમ ભગવાનના ચરણોમાં ચાર વખત, નાભિમાં બે વખત, મુખની સામે એક વખત, શિરથી લઈને ચરણારવિંદ સુધી કુલ સાત વખત સર્વાંગ આરતી કરવી જોઈએ. આમ કુલ ૧૪ વખત ઈષ્ટદેવની આરતી ઉતારવાની શાસ્ત્રોક્ત વિધિ જાણવા મળે છે.