સુખ અને દુ:ખ શું છે?
અલૌકિક દર્શન -ભાણદેવ
(ગયા અંકથી ચાલુ)
સુખ એટલે અનુકૂળ પરિસ્થિતિ પ્રત્યે શરીર-મનને સ્વીકારાત્મક પ્રતિભાવ. સુખ એટલે અનુકૂળ સંવેદના. સુખ એટલે જે છે, તે બરાબર છે, તેવું પ્રમાણપત્ર.
દુ:ખ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે શરીર-મનનો અસ્વીકારાત્મક પ્રતિભાવ. દુ:ખ એટલે પ્રતિકૂળ સંવેદના. દુ:ખ એટલે જે છે, તે બરાબર નથી, તેવી ફરિયાદ. દુ:ખ એટલે આપણી અંદરથી ઊઠતો પરિવર્તન માટેનો પુકાર. વ્યક્તિના શરીરમાં રોગ હોય છે, ત્યારે રોગના એક લક્ષણ તરીકે વેદના પણ હોય છે. આ રોગજન્ય વેદના અર્થાત્ રોગ સાથે સંબંધિત દુ:ખની અનુભૂતિ વ્યક્તિને રોગના અસ્તિત્વની જાણ કરે છે અને રોગની ચિકિત્સા કરવા પ્રેરેક છે. જો રોગ સાથે વેદનાનો અનુભવ ન હોય તો વ્યક્તિને રોગની જાણ કેવી રીતે થાય? જો રોગની જાણ ન થાય તો વેળાસર ચિકિત્સા કરવાનું શક્ય કેવી રીતે બને? આમ શારીરિક વેદના શરીરના રક્ષણની એક પ્રાકૃતિક વ્યવસ્થા છે. શારીરિક વેદનાની જેમ મનોમય દુ:ખ પણ એક પ્રકારની પ્રાકૃતિક વ્યવસ્થા છે. દુ:ખ આપણને એમ સૂચવે છે કે આપણું જીવન જેવું છે, તેવું બરાબર નથી. જીવનશોધનની અને જીવનવિકાસની આવશ્યકતા છે. દુ:ખ આપણા જીવનની ખામીઓની સૂચના આપે છે.
આટલી ભૂમિકા પછી હવે આપણે જોઈએ કે દુ:ખનું વિધાયક મૂલ્ય શું છે.
અજ્ઞાનનું આવરણ ઓઢીને શિવ જ જીવ બને છે. જીવને પુન:શિવત્વ સુધી પહોંચવાનું છે. જીવની શિવત્વ સુધીની આ યાત્રા માટે દુ:ખ એક આવશ્યક તત્ત્વ છે. જો જીવનમાં દુ:ખ ન હોય તો આપણા જીવનની વિકાસયાત્રા અટકી જાય. દુ:ખ જીવને ઊર્ધ્વગતિ માટે ધક્કો મારે છે.
જીવની ઊર્ધ્વયાત્રા માટે દુ:ખનું વિધાયક મૂલ્ય છે. આ અર્થમાં દુ:ખ તો ભગવાન તરફથી આપણને મળેલું વરદાન છે. જો આપણા જીવનમાં દુ:ખ હોય જ નહીં તો આપણે ઊંઘમાં સરી પડીએ કે પથ્થર બની જઈએ. વસ્તુત: દુ:ખ આપણને સુખ-દુ:ખના દ્વંદ્વથી પર થવા માટે પ્રેરે છે. જે સુખ-દુ:ખના દ્વંદ્વથી પર હોય તે આત્મસ્થ હોય અથવા પથ્થર હોય. આ બંનેની વચ્ચે હોય તેમને સુખ-દુ:ખ હોય જ. જ્યાં સુધી આપણે આપણાં યથાર્થ સ્વરૂપ અર્થાત્ આત્મસ્વરૂપને પામીએ નહીં ત્યાં સુધી જીવનદેવતા આપણને સુખ-દુ:ખના ચાબૂક ફટકાર્યા જ કરશે; ત્યાં સુધી આપણો અંતરાત્મા આપણને જંપીને બેસવા દેશે જ નહીં, ત્યાં સુધી આપણને આપણી અંદરથી અવાજ સંભળાયા જ કરશે, “નહીં, આ યથાર્થ વિશ્રામસ્થાન નથી, યાત્રા આગળ ચાલુ રાખો.
પરમાત્માની આ સૃષ્ટિમાં કશુંયે નિરર્થક નથી. જે છે તે બધું જ હેતુપુર:સર છે, સાર્થક છે. દુ:ખ પણ પરમાત્માના મંગલવિધાનનો ભાગ છે, તેથી દુ:ખ પણ મંગલમય છે. દુ:ખ કોઈને ગમતું નથી. દુ:ખ સર્વદા દુ:ખદ છે. આમ છતાં દુ:ખનું જીવનને એક વિશિષ્ટ પ્રદાન પણ છે જ.
ભગવાન બુદ્ધની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ દુ:ખદર્શન દ્વારા થયો છે. દુ:ખદર્શન દ્વારા જ દુ:ખની આત્યંતિક નિવૃત્તિનો માર્ગ શોધવાની તેમને પ્રેરણા મળી છે. નિર્વાણપ્રાપ્તિ પછી તેમણે ચાર આર્યસત્યોની ઘોષણા કરી છે. તેમાંનું પ્રથમ આર્યસત્ય છે- દુ:ખ છે. દુ:ખનું દર્શન કરવું અને જીવનમાં દુ:ખ છે, તે હકીકતનો સ્વીકાર કરવો, તે પ્રથમ આર્યસત્ય છે. બૌદ્ધદર્શન પ્રમાણે દુ:ખદર્શન દ્વારા અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે.
અધ્યાત્મયાત્રાના પ્રારંભ પછી પણ યાત્રીના જીવનમાં જો દુ:ખ, વિટંબણાઓ, વિપત્તિઓ ન હોય તો અધ્યાત્મયાત્રા અટકી પડે. તેવી શક્યતા છે. સુખ માનવીને ઊંઘમાં નાખી દે છે. દુ:ખ માનવીને જાગ્રત રાખે છે.
પરમાત્માની આનંદલીલામાં અપરંપાર વૈચિત્ર્ય અને અપરંપાર વૈવિધ્ય છે. જેને આપણે સુખ-દુ:ખ કહીએ છીએ, તે તો આપણું અર્થઘટન છે. વસ્તુત: તે પણ આનંદલીલાનું જ એક સ્વરૂપ છે.
આનો અર્થ એમ નહીં કે દુ:ખ પ્રત્યે અનુરાગ રાખવો જોઈએ. દુ:ખ પ્રત્યે અનુરાગ રાખવો તે તો દુ:ખવાદી અને અસ્વસ્થ મનોદશા છે. જીવનમાં સ્વાભાવિક રીતે આવી પડેલાં દુ:ખ પ્રત્યે સ્વસ્થ દૃષ્ટિથી જોતાં શીખવું જોઈએ અને તો દુ:ખ વિકાસનું સોપાન બની શકે છે.
આનો અર્થ એમ પણ નહીં કે દુ:ખ કે વિપત્તિઓ માનવીને સર્વથા અને સર્વદા ભગવાન પ્રત્યે દોરે જ છે. દુ:ખ તો પ્રત્યેક માનવીના જીવનમાં હોય જ છે. કેટલાક માનવો તો જીવનભર દુ:ખી જ રહે છે. આ બધા માનવો દુ:ખ દ્વારા અધ્યાત્મપથના પથિક જ બની જાય છે અને આધ્યાત્મિક વિકાસ સિદ્ધ કરે જ તેમ ન કહી શકાય.
દુ:ખ વીરોને તેજસ્વી બનાવે છે, પરંતુ કાયરોના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે. દુ:ખ સાધકોને ભગવાન પ્રત્યે દોરે છે, પરંતુ નાસ્તિકોને ઘોર નાસ્તિક પણ બનાવી દે છે.
દુ:ખને જો ઉચિત અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે અને તે દૃષ્ટિકોણથી તેમનો જીવનમાં વિનિયોગ થાય તો દુ:ખ માનવીને ચાર તત્ત્વો આપે છે:
(૧) પરિપકવતા- દુ:ખ માનવીને ઘડે છે, પરિપકવ બનાવે છે.
(૨) અંતર્મુખતા- દુ:ખ માનવીને પોતાના જીવન વિશે વિચારવા પ્રેરે છે, અંતર્મુખ બનાવે છે.
(૩) જાગૃતિ- દુ:ખ માનવીને જગાડે છે અને જાગ્રત રાખે છે.
(૪) પ્રેરણા- દુ:ખ માનવીને વિકાસ માટે પ્રેરે છે. દુ:ખ માનવીને સુખ-દુ:ખથી પર અવસ્થા પ્રત્યે દોરે છે, દુ:ખ જીવનવિકાસ અને આધ્યાત્મિક વિકાસનું નિમિત્ત બની શકે છે.
આપણે આ દર્શનને હૃદયમાં ધારણ કરી શકીએ તો આપણા જીવનમાં દુ:ખ એક તદ્દન નવા સ્વરૂપે પ્રગટ થશે.
દુ:ખનું કારણ શું છે? દુ:ખનું કારણ ઈચ્છા છે. ઈચ્છાનું કારણ શું છે? ઈચ્છાનું કારણ અભાવ છે. અભાવનું કારણ શું છે? અભાવનું કારણ સ્વરૂપનું વિસ્મરણ છે. સ્વરૂપના વિસ્મરણનું કારણ શું છે? સ્વરૂપના વિસ્મરણનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનનું કોઈ નથી, કારણ કે અજ્ઞાન અનાદિ અને નૈસર્ગિક છે. અજ્ઞાન અનાદિ અને નૈસર્ગિક હોવા છતાં અનંત નથી. અજ્ઞાનનું નિવારણ શક્ય છે. અંધકાર અનાદિ અને નૈસર્ગિક હોવા છતાં પ્રકાશ દ્વારા તેનું નિવારણ શક્ય છે. આ છે દુ:ખની કારણમીમાંસા. આમ દુ:ખનું મૂળભૂત કારણ અજ્ઞાન છે. દુ:ખ આપણને એમ સૂચવે છે કે તમે અજ્ઞાનવશ તમારા સ્વરૂપને ભૂલી ગયા છો. તમે તમારા સ્વરૂપનું સ્મરણ કરો. દુ:ખ લક્ષણ છે, કારણ નથી. કારણ છે- અજ્ઞાન. દુ:ખનું નિવારણ દુ:ખમુક્તિનો સાચો ઉપાય નથી. અજ્ઞાનનિવૃત્તિ જ દુ:ખમુક્તિનો સાચો ઉપાય છે.
કોઈ પણ કાર્યના બે કારણો હોય છે: નિમિત્તકારણ અને ઉપાદાન કારણ. નિમિત્તકારણ ગૌણ અને ઉપાદાનકારણ પ્રધાન કારણ છે. બાહ્ય પરિસ્થિતિ અર્થાત્ પ્રતિકૂળ સંયોગો દુ:ખનું નિમિત્ત કારણ છે. આપણી ચેતનામાં રહેલું સ્વરૂપનું અજ્ઞાન દુ:ખનું ઉપાદાન કારણ છે. જ્યારે જીવનમાં દુ:ખ આવે ત્યારે સામાન્યત: આપણે દુ:ખના નિમિત્ત કારણને દૂર કરવા માંડીએ છીએ. પરિસ્થિતિજન્ય પ્રતિકૂળતા દૂર થવાથી નિમિત્તકારણનો અભાવ થાય છે, તેથી આપણે દુ:ખમાંથી તત્કાલીન મુક્તિ મેળવીએ છીએ, પરંતુ આપણી ચેતનામાં દુ:ખનું પ્રધાન કારણ- ઉપાદાન કારણ અર્થાત્ સ્વરૂપનું અજ્ઞાન તો જેમનું તેમ જ રહે છે. આમ હોવાથી દુ:ખ નવા-નવા નિમિત્તે, નવા-નવા સ્વરૂપે જીવનભર આવ્યા જ કરે છે. દુ:ખમાંથી આત્યંતિક અને યથાર્થ મુક્તિ ત્યારે જ મળે છે, જ્યારે આપણે દુ:ખના પ્રધાન અને ઉપાદાન કારણ અજ્ઞાનમાંથી સર્વથા મુક્ત થઈએ.
દુ:ખ અજ્ઞાનનો દૂત છે. તે આવીને આપણા કાનમાં કહે છે: ‘અજ્ઞાનમાંથી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી હું આવીશ જ!’
જ્યાં સુધી આપણી ચેતનામાં દુ:ખનું ઉપાદાન કારણ અજ્ઞાન હયાત છે, ત્યાં સુધી દુ:ખીમુક્તિની પ્રાર્થના વસ્તુત: અજ્ઞાનને ચાલુ રાખવાની પ્રાર્થના છે. દુ:ખમુક્તિની પ્રાર્થના નહીં, પરંતુ અજ્ઞાનમુક્તિની પ્રાર્થના જ ખરી પ્રાર્થના છે. ચેતનામાં અજ્ઞાન હોય ત્યાં સુધી દુ:ખ આવે તે જ કલ્યાણપ્રદ છે. દુ:ખ આપણને આપણા અજ્ઞાનની યાદ આપીને આપણને આત્મજ્ઞાન પ્રત્યે દોરે છે.
દુ:ખનું યથાર્થ દર્શન થાય તો દુ:ખનું વરદાનમાં રૂપાંતર કરવાનો કીમિયો હાથ લાગે. દુ:ખનું યથાર્થ દર્શન એટલે શું? દુ:ખનું યથાર્થ દર્શન કેવી રીતે કરવું?
તે માટે આપણે આટલું સમજવું જોઈએ-
(૧) જીવનવિકાસ માટે દુ:ખનું પણ મૂલ્ય છે, તે સત્યનો સ્વીકાર કરવો જોઈએ.
(૨) મંગલમય પરમાત્માની રચેલી આ મંગલમય સૃષ્ટિમાં દુ:ખનું પણ સ્થાન છે. આખરે તો દુ:ખ પણ મંગલમય હોઈ શકે છે, તેવી સ્પષ્ટ સમજ હોવી જોઈએ.
(૩) દુ:ખ વિરોધ ફરિયાદ ન કરવી. દુ:ખનું સમભાવે દર્શન કરવું તે જ જીવનવિકાસનો સાચો માર્ગ છે. આપણે દુ:ખી છીએ, માટે ફરિયાદ કરીએ છીએ, તેમ કહેવા કરતાં એમ કહેવું વધારે સાચું છે કે આપણે ફરિયાદ કરીએ છીએ, માટે દુ:ખી છીએ. દુ:ખનું દુ:ખત્વ તેની વિરુદ્ધના આપણા ચિત્તના પ્રતિકારમાં છે. જે ક્ષણે આપણે દુ:ખ વિરુદ્ધ ફરિયાદ કરવાનું બંધ કરીએ છીએ અને દુ:ખનો મનોમય પ્રતિકાર કરવાનું બંધ કરીએ છીએ તે જ ક્ષણથી દુ:ખના દુ:ખત્વનું વિસર્જન થવા માંડે છે. જો દુ:ખનો પ્રતિકાર નથી તો દુ:ખનું દુ:ખત્વ ક્યાં સુધી રહી શકે?
આનો અર્થ એમ નહીં કે તાવ આવે ત્યારે દવા ન લેવી. દવા જરૂર લેવી, પરંતુ તાવની સામે મન જે કકળાટ કરે છે, તેમાંથી મુક્ત રહેવું. દુ:ખના મનોમય પ્રતિકારથી મુક્ત રહેવું જોઈએ અને તેમ કરવું અશક્ય નથી.
જેમ એક પુષ્પ કે વૃક્ષનું સ્વસ્થતાપૂર્વક દર્શન કરી શકાય છે, તેમ ચિત્તસ્થ દુ:ખનું દર્શન પણ કરી શકાય છે.
ચિત્તસ્થ દુ:ખની સામે ફરિયાદ કર્યા વિના સમભાવે તેનું નિરીક્ષણ કરવાથી દુ:ખ એક નવા જ સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થશે, દુ:ખ આપણા કાનમાં પોતાની કથા કહેશે. તેમ બને તો દુ:ખનું ભગવત્પ્રાપ્તિની અભીપ્સામાં રૂપાંતર થાય છે. દુ:ખ પોતાના મૂળ સ્વરૂપે અભીપ્સા જ છે. આમ બને પછી દુ:ખ દુ:ખ નથી રહેતું, પરંતુ ભગવત્પ્રાપ્તિમાં સહાયક તત્ત્વ બની જાય છે; જીવનવિકાસનું એક સોપાન બની જાય છે.
પાંડવોની માતા કુંતાજીના જીવનમાં દુ:ખે આવું અધ્યાત્મસહાયક સ્વરૂપ ધારણ કર્યું હતું, તેથી જ ડાહ્યા કુંતાજીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે દુ:ખની યાચના કરી છે:
“હે જગદ્ગુરુ! અમારા જીવનમાં સર્વદા પગલે-પગલે વિપત્તિઓ આવતી રહે, કારણ કે વિપત્તિઓમાં જ આપનાં દર્શન થાય છે. આપનાં દર્શન દ્વારા જન્મમરણના ચક્કરમાં મુક્તિ મળે છે.
વૃંદાવનના પ્રજ્ઞાચક્ષુ અને પ્રજ્ઞાવંત સંતસ્વામી શરણાનંદજી કહેતા:
‘દુ:ખ પ્રભુનું વરદાન છે. મંગલમય પ્રભુના વરદાનસ્વરૂપ વહાલાં દુ:ખનું આનંદપૂર્વક સ્વાગત કરો. તે દુ:ખ તમને પ્રભુ પ્રત્યે દોરી જશે.’