પંચ મહાભૂતનાં પ્રતીક સમા આ પાંચ પ્રાચીન મંદિર વિશે શું જાણો છો?
વિશેષ -રાજેશ યાજ્ઞિક
ભગવાન શિવના અતિ પ્રસિદ્ધ મંદિરો માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ છે. હિમાલયમાં કેદારનાથથી લઈને રામેશ્ર્વરમ સુધી અતિ પવિત્ર અને પ્રાચીન મંદિરો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધરોહર છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં એવાં પાંચ શિવમંદિરો છે, જે સમગ્ર બ્રહ્માંડના મૂળ એવા પંચતત્વોનાં પ્રતીક છે?
દક્ષિણ ભારતમાં સ્થિત આ પાંચ પ્રાચીન મંદિરોને પંચભૂત સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં, પ્રકૃતિના પાંચ તત્ત્વો-અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જળની પૂજાને ખૂબ માન્યતા આપવામાં આવી છે. આ પાંચ મંદિરોમાંથી, કલાહસ્તી મંદિર આંધ્ર પ્રદેશમાં આવેલું છે અને એકામ્બરેશ્વર, અરુણાચલેશ્વર, તિલ્લઈ નટરાજ, જંબુકેશ્વર મંદિરો તમિલનાડુમાં આવેલાં છે. પાંચેય મંદિરોનું નિર્માણ યોગશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે અને તમામ મંદિરો એક બીજા સાથે વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સંરેખણમાં છે.
શ્રી કલાહસ્તી મંદિર
આ મંદિર સ્વર્ણમુખી નદીના કિનારે એક પહાડના છેડાને કાપીને બનાવવામાં આવ્યું હતું, જેને કાલહસ્તી પણ કહેવામાં આવે છે. મંદિરમાં વાયુ તત્ત્વના પ્રતીક રૂપ ભગવાન કાલહસ્તીશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રીકાલહસ્તિ નામમાં શ્રી એટલે કરોળિયો, કલા એટલે સાપ અને હસ્તી એટલે હાથી. એવું માનવામાં આવે છે કે આ ત્રણ પ્રાણીઓએ અહીં ભગવાન શિવની પૂજા કરી હતી અને પછી તેમને મોક્ષ મળ્યો હતો. આ મંદિર રાહુકાલ પૂજા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આ મંદિરનું પ્રારંભિક માળખું ૫મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ૧૨૦ ફૂટ ઊંચું મુખ્ય ગોપુરમ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે ૧૫૧૬માં બાંધ્યું હતું. આ મંદિર રાહુ-કેતુની પૂજા માટે પ્રસિદ્ધ છે. આ મંદિરની બે વિશિષ્ટ વાતમાં પહેલી એ કે પૂજારીઓ ક્યારેય વાયુ લિંગને પોતાના હાથથી સ્પર્શ કરતા નથી. બીજી આશ્ચર્યજનક અને ચમત્કારિક લગતી બાબત એ છે કે ગર્ભગૃહની અંદર પ્રજ્વલિત દીવો હવાની અવરજવર ન હોવા છતાં સતત ઝબકતો રહે છે!
અરુણાચલેશ્ર્વર મંદિર
તિરુવન્નામલાઈ ખાતે અરુણાચલેશ્વર મંદિર અગ્નિ તત્ત્વના પ્રતીક તરીકે પૂજનીય ગણાય છે. તે અન્નામલાઈ ટેકરીઓની તળેટીમાં આવેલું છે. અહીં ઘણી પ્રચલિત કથાઓ છે, જેમાંથી એક અનુસાર શિવે સ્વયં પૃથ્વી અને સ્વર્ગને સ્પર્શતા જ અગ્નિના તત્ત્વમાં રૂપાંતર કર્યું હતું. ૨૪ એકરમાં ફેલાયેલું આ મંદિર દેવાધિદેવ શિવને સમર્પિત સૌથી મોટા મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે અને પવિત્ર તમિલ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરનું રાજગોપુરમ, ૨૧૭ ફૂટ ઊંચું છે અને ભારતમાં ત્રીજું સૌથી ઊંચું છે.
તિલ્લઈ નટરાજ મંદિર
ચિદમ્બરમમાં સ્થિત શિવનું આ મંદિર નૃત્ય કલાકારોના આરાધ્યદેવ નટરાજને સમર્પિત છે. અહીં મહાદેવને આકાશ તત્ત્વના રૂપમાં પૂજવામાં આવે છે. નટરાજ એ સર્જનના આનંદનું પ્રતિનિધિત્વ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યની ૧૦૮ મુદ્રાઓનું નિરૂપણ અહીં જોવા મળે છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોગ વિજ્ઞાનના પિતા મહર્ષિ પતંજલિ દ્વારા કરવામાં આવી હતી. ૪૦ એકરમાં ફેલાયેલા આ મંદિરના ગોપુરમનું શિખર ચોલ રાજા પરંતક દ્વારા સુવર્ણ જડિત બનાવવામાં આવ્યું હતું. મંદિર ભગવાન શિવને માનવ સ્વરૂપમાં, સ્ફટિક લિંગના રૂપમાં, અને તેમના નિરાકાર સ્વરૂપમાં એક ખાલી ઓરડા દ્વારા પ્રદર્શિત કરે છે. કથા પ્રમાણે ભગવાન શિવે ચિદમ્બરમમાં આનંદ તાંડવ (શાશ્વત આનંદનું નૃત્ય) કર્યું, જે સર્જન અને વિનાશના સતત ચક્રનું પ્રતીક છે.
જંબુકેશ્ર્વર મંદિર
આ મંદિરમાં પ્રકૃતિના જળ તત્ત્વના પ્રતીક રૂપે ભગવાન શિવની આરાધના કરાય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે મંદિરની દીવાલો ચણાવવા જતા હતા. મંદિરની એક અનોખી વાત એ છે કે અહીંના પૂજારીઓ બપોરે પૂજા માટે મહિલાઓની જેમ પોશાક પહેરે છે. તેને ‘ઉચી કલા પૂજા’ કહેવાય છે. એવું કહેવાય છે કે દેવી પાર્વતીએ અહીં તપસ્યા કરી હતી અને કાવેરી નદીના પાણીથી શિવલિંગની રચના કરી હતી. આ મંદિર લગભગ ૧૮૦૦ વર્ષ જૂનું છે અને કોસેંગન્ના ચોલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની અન્ય ખાસ વાત એ છે કે, ગિરિજા કલ્યાણમ (શિવ અને પાર્વતીના લગ્ન)ની શિવરાત્રીની ઉજવણી અહીં કરવામાં આવતી નથી, કેમકે આ મંદિર તેમની વચ્ચે અનન્ય ગુરુ-શિષ્ય સંબંધને પ્રતિબિંબિત કરે છે.
એકામ્બરેશ્ર્વર મંદિર
આ મંદિર તમિલનાડુના કાંચીપુરમમાં સ્થિત સૌથી ભવ્ય અને ઐતિહાસિક શિવ મંદિર છે. ભગવાન શિવની અહીં પૃથ્વી તત્ત્વના રૂપમાં પૂજા કરવામાં આવે છે અને તેમને પૃથ્વી લિંગમ કહેવામાં આવે છે. એકામ્બરેશ્વર એટલે કેરીના ઝાડનો દેવ. ભગવાન શિવનું આ લિંગ આંબાના ઝાડ નીચે સ્થિત છે. અહીં પણ એક ચમત્કારિક ઘટના જોવા મળે છે. આ વૃક્ષ પરના પાંદડા ચાર અલગ અલગ પ્રકારના હોવાનું કહેવાય છે, જેને ચાર વેદોનું પ્રતીક માનવામાં આવે છે. અને આ વૃક્ષ ચાર અલગ અલગ સ્વાદની કેરી આપે છે! આંબાનું આ વૃક્ષ લગભગ ૩૦૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મંદિરનું પુન:નિર્માણ પલ્લવ વંશ, પાંડ્યા વંશ, ચોલ વંશના રાજાઓએ કરાવ્યું હતું. ગર્ભગૃહમાં કુલ ૧૦૦૮ શિવલિંગ જોવા મળે છે. ૨૩ એકરમાં ફેલાયેલું આ મંદિર ભારતનું દસમું સૌથી મોટું મંદિર ગણાય છે. ઉપરાંત આ મંદિર દક્ષિણ ભારતમાં સૌથી ઊંચો ગોપુરમ (મુખ્ય પ્રવેશ દ્વાર) ધરાવતા મંદિરો પૈકીનું એક છે, જેની ઊંચાઈ ૧૯૦ ફીટ છે. કથા પ્રમાણે દેવી પાર્વતીએ આંબાના ઝાડ નીચે તપસ્યા કરી. તેમની ભક્તિની કસોટી કરવા માટે, ભગવાન શિવે તપસ્યામાં વિક્ષેપ પાડવા માટે ગંગા નદી મોકલી. પાર્વતીએ આંબાના ઝાડ પાસેની રેતીમાંથી શિવલિંગ બનાવીને ગંગાજળથી અભિષેક કર્યો. અહીં રેતીનું બનેલું શિવલિંગ સુરક્ષિત રાખવા માટે જળને બદલે ચમેલીના તેલથી અભિષેક વિધિ કરવામાં આવે છે.