ધર્મતેજ

આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે

માનસ મંથન -મોરારિબાપુ

પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં, પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ, વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું પ્રબુદ્ધ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર ભગવાન બુદ્ધ છે, શાક્યમુનિ છે. બુદ્ધે એકવાર સમ્રાટ પ્રસેનજિતને કહ્યું હતું કે, રાજન ! તું તો સમ્રાટ છો. હું પણ પૂર્વાશ્રમમાં એક બહુ મોટા સમ્રાટનો પુત્ર હતો ! આજે તારી પાસે જે છે એનાથી અનેકગણું મારી પાસે હતું, પરંતુ તું જયારે મારી પાસે આવે છે ત્યારે કોઈને કોઈ પ્રકારનું માર્ગદર્શન માંગે છે, તો હું એમ નથી કહેતો કે મારી જેમ તું પણ પરિવ્રાજક થઇ જા. હું એમ પણ નથી કહેતો કે તું તારા રાજભવનમાં ઉદાસીન થઈને બેસી જા. હું એમ પણ નહીં કહું કે તું તારા દેશની રક્ષા ન કર. તારા આશ્રિતોની સુરક્ષા એ તારું કર્તવ્ય છે.’
તો,પ્રસેનજિત વચ્ચે બોલે છે, ભગવન, આપ મને સમજાવી રહ્યા છો એ આપની કૃપા છે. આપે જે બાબતો કહી એ તો આપની કૃપાથી મોટેભાગે હું કરી રહ્યો છું. આ બધી આંતર-બાહ્ય પ્રવૃત્તિ કરવા છતાં પણ મને અંદર વિશ્રામ કેમ નથી મળતો ? અમારું રામચરિતમાનસ’ તો કહે છે, અનારંભ. બુદ્ધનો ટચુકડો જવાબ હતો કે, હું તારા ક્રિયા-કલાપને જોતો રહું છું. સાંભળતો રહું છું. મને લાગે છે કે તારી આ બધી જ આંતર-બાહ્ય પ્રવૃત્તિમાં ક્યારેક ક્યારેક વિવેકનો અભાવ જણાય છે. આ બુદ્ધવચન છે. બુદ્ધ તો ભક્તિમાર્ગી ન હતા, નહીં તો કહેત કે ભક્તિનો અભાવ છે, એ તો કેવળ જ્ઞાનમાર્ગી છે. બુદ્ધ જ્યારે વિવેક શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો અર્થ છે જાગૃતિ.

બુદ્ધે પ્રસેનજિતને કહ્યું કે, આંતર-બાહ્ય બધી જ સમૃદ્ધિ તારી પાસે હોવા છતાં તું કહે છે કે, વિશ્રામ નથી મળતો, તો વિવેકની માત્ર ઓછી પડતી લાગે છે.’ વિવેક એટલે જાગૃતિ, પ્રતિપળ સાવધાની. તમારી સાથે મારી મમતા છે એટલે કહી રહ્યો છું કે, આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે ! તુલસીદાસજીએ એક શબ્દ લખ્યો છે, હિસિસા.’ હિસિસાનો અર્થ છે સ્પર્ધા. જ્યાં હિસિસા છે ત્યાં પછી જડ વિવેક અભિમાન.’ અભિમાનને કારણે સાધક બેહોશ થઇ જાય છે. લોકો કહે છે કે, ’સ્પર્ધા નહીં કરીએ તો પાછળ રહી જઈશું.’ તમે પાછળ નહીં રહી જાઓ. સ્પર્ધા તમારી જાત સાથે કરો, તમારી જાત સાથે ચિંતન કરો. બીજા સાથે સ્પર્ધા કરવાથી ઊર્જા ઓછી થઇ જાય છે. હું મારી વ્યાસપીઠથી તમને પ્રસન્નચિત્ત કરવા માગું છું. વિચાર ઊર્જાનો નાશ કરે છે અને એને સ્થાને બ્રહ્મવિચાર શરુ થઇ જાય, સદાચાર શરુ થઇ જાય તો આદ્યશક્તિ પરામ્બા આપણને વધારે ઊર્જા આપે છે. સુખ જુઓ ત્યાં મૈત્રી કરો. એ અમારા દેશની છે.’ અરે, વ્યાસપીઠને દેશ ટૂંકો પડે છે. એ મારી દુનિયાનો છે, એ મારા બ્રહ્માંડનો છે.’ પાપ જુઓ તો પાપની ઉપેક્ષા, પાપીની નહીં અને જ્યાં પુણ્ય જુઓ ત્યાં પ્રસન્ન થાઓ.

તો, બુદ્ધે કહ્યું કે બધું હોવા છતાં વિવેક તૂટી રહ્યો છે. વિવેક ઓછો હોવો એટલે અસાવધાન થવું. ઘણા લોકો પાસે વિવેક આવી જાય છે તો એની મૂઢતાને લીધે એનું અભિમાન કરવા લાગે છે, જડ વિવેક અભિમાન. તુલસીદાસે એને બે ભાગમાં વહેંચ્યું છે, એક તો એ જડ છે અને એક છે અભિમાન. અને વિશ્વમાં વિવેક જેવી કોઈ સંપદા નથી. વેદાંતમાં, ષડ્સંપદામાં વિવેકનું પોતાનું એક સ્થાન છે. જીવનના પ્રત્યેક ક્રિયાકલાપમાં વિવેક એક પ્રાણ છે. ભગવાન રામ તો બ્રહ્મ છે, એ ધરતી પર આવીને જે લીલા કરે છે એ તો રંગમંચ પરનો અભિનયમાત્ર છે, લલિત નરલીલા છે, પરંતુ તમે જુઓ, એમની પ્રત્યેક આંતર-બાહ્ય લીલા વિવેક જાળવે છે. એટલે એ ભગવાન છે. વિવેકીને ભગવાન બનવામાં વાર નથી લાગતી. એક વૃક્ષ છે, પાણી પાયેલો છોડ છે, મોટો થાય છે, વધારે મોટો થાય છે, શાખા-પ્રશાખાઓ થાય છે, પછી એને નવાં નવાં લીલાં પાન ફૂટે છે ! આપણે આજે કુદરતથી દુર થતા જઈએ છીએ. સાધકમાં વિવેક હો. વિવેક વગર કરેલું કર્મ અભિમાનયુક્ત માનવામાં આવશે. એ કલા હોઈ શકે, કલ્યાણ નહિ થાય. આપણે બહુ રીતે બોલીએ, ખુબીથી બોલીએ, કેટલાયે ખૂણાએથી બોલીએ, પણ અહંકારયુક્ત હશે તો એ કલ્યાણયુક્ત નહિ હોય, બોલવાની એક કલા હશે. એ બોલવાની એક સુંદર કુશળતા થઈ જશે.

જેમ આદિ ભગવાન ગુરુ શંકરાચાર્ય કહે છે કે કોઈ સુંદર બીન વગાડવાવાળો હોય, સારું બિન વગાડી દે તો રાજા એને ઇનામ આપી દે, એનાથી વધુ કંઈ નહિ. તેમ કોઈ બહુ કલાત્મક બોલી દેશે તો જેનામાં પ્રભુ બેઠા છે એવા લોકો વાહવાહ કરી દેશે, એથી વધુ કંઈ નહિ, કલ્યાણ નહિ થાય. અભિમાનયુક્ત વાતો ભજનમાં બાધક છે. એ જરૂર એક કલા હોઈ શકે, પણ ત્યાં કલ્યાણ નથી. વિવેક પહેલી જરૂરી વસ્તુ છે. વિવેકનો સીધોસાદો અર્થ છે- એક ને બેમાં વહેંચી નાંખે એ વિવેક અને બેને એક કરી દે એ જ્ઞાન.

માં શારદા ચંદ્ર સામે બેઠી રહેતી હતી અને એને કહેતી હતી કે, હે મા, મારા અંત:કરણને ચાંદની જેવું બનાવી દે.’ અને આગળ કહેતી, હે કાલિ મા, ચંદ્રમાં તો નાનકડો દાગ છે, મારા અંત:કરણમાં કોઈ દાગ ન રહે.’ વૃક્ષોને જોવા માટે આપણી પાસે સમય નથી ! જેમ એક કળી સવાર થતાં ફૂલ થઇ જાય છે, એવી રીતે આપણી ચેતના પણ વિકસે છે. એક સંડે, રવિવાર તો ગંગાને આપો ! પ્રકૃતિનું અનુસંધાન તૂટી જશે તો પરમેશ્વર બહુ દૂર લાગશે. તમારી વ્યસ્તતામાંથી સમય કાઢીને ચોવીસ કલાકમાં તમારાં બાળકો સામે કેટલીવાર હસો છો ? તમારા બાગનાં એ જીવંત ફૂલ છે. અરે છોડો, તમારા ઘરમાં બેઠેલી મા પણ એક ગંગા છે. દરેક માતા વહેતી ગંગા છે. માતાને અને પિતાને આદર આપતા શીખો. વિવેક એટલે જાગૃતિ, પ્રતિપળ સાવધાની.
સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button