ધર્મતેજ

‘પિતાજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે બદલો લેવાથી તમને શું લાભ થશે?: પ્રહલાદ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
હિરણ્યકશ્યપુ વરદાન માગતા કહે છે કે ‘પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો.’ બ્રહ્માજી કહે છે, ‘મહાબલી હિરણ્યકશ્યપુ વરદાન તરીકે તમારી માગણી ઉચિત નથી, અજર અને અમર થવાનું વરદાન અશક્ય છે, કારણ કે જેણે જન્મ લીધો છે તેને મૃત્યુ નિશ્ર્ચિત છે. સૃષ્ટિના નિર્માણથી લઈને પ્રલય સુધી ક્યારેય આવી પરિસ્થિતિ નહીં આવે કે કોઈને અમરતાનું વરદાન મળે. બીજું કોઈ પણ વરદાન માંગો.’ તો હિરણ્યકશ્યપુ કહે છે ‘તો બ્રહ્મદેવ મને એવું વરદાન આપો કે આપના દ્વારા બનાવેલા કોઈપણ પ્રાણી દ્વારા ક્યારેય મારું મૃત્યુ નહીં થાય, પછી એ માનવ હોય કે પ્રાણી, પશુ-અપશુ કે પક્ષી, દેવ, દાનવ કે નાગ કોઈના પણ હાથે મારું મૃત્યુ ન થઈ શકે, ન ઘરમાં કે ઘરની બહાર, ન દિવસે કે ન રાતે, ન અસ્ત્ર કે ન શસ્ત્રથી, ન પાશથી કે ન વજ્રથી, ન જળથી કે ન અગ્નિથી, ન પૃથ્વી પર કે ન આકાશમાં કયાંય મારો વધ ન થઈ શકે. હું સમસ્ત પ્રાણીઓનો એકમાત્ર સમ્રાટ બની જાઉં, બસ બ્રહ્મદેવ મને આ જ વરદાન આપો.’ બ્રહ્મદેવ કહે છે, ‘તથાસ્તુ, પણ યાદ રહે હિરણ્યકશ્યપુ કે આ વરદાનનો જો દુરુપયોગ થયો તો આ વરદાન તમારા માટે અનિષ્ટકારી સિદ્ધ થશે.’
હિરણ્યકશ્યપુ કહે છે, ‘અંત તમારે પણ એ સત્યનો સ્વીકાર કરવો જ પડયો કે મેં મારા મૃત્યુના તમામ માર્ગ લગભગ બંધ કરી દીધા છે.’ અજ્ઞાની હિરણ્યકશ્યપુની વાતો સાંભળી બ્રહ્મદેવ ત્યાંથી વિદાય લે છે. વરદાન મેળવી હિરણ્યકશ્યપુ પોતાના મહેલ પર આવે છે. વરદાની હિરણ્યકશ્યપુની પ્રતિભાથી અસુર જમ્ભ અંજાઈ જાય છે અને અસુર જમ્ભ પોતાની પુત્રી કયાધુના લગ્ન અસુર હિરણ્યકશ્યપુ સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે. માતા દિતીની સહમતિથી હિરણ્યકશ્યપુ અને કયાધુના લગ્ન યોજાય છે. થોડાં જ વર્ષોમાં તેમના દામ્પત્યજીવનમાં સંલ્હાદ, અનુલ્હાદ, લ્હાદ, અને પ્રહ્લાદ નામના ચાર પુત્રનો સમાવેશ થાય છે. હિરણ્યકશ્યપુના ચાર પુત્રોમાં પ્રહ્લાદ અસુરીવૃત્તિથી દૂર રહે છે અને તેમનામાં એક અલૌકિક શક્તિના માધ્યમથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિના અંકુર ફૂટવા માંડે છે. પ્રલ્હાદની શ્રીહરિ વિષ્ણુ ભક્તિથી હિરણ્યકશ્યપુ અને કયાધુ સંતાપ અનુભવે છે. બીજી બાજુ હિરણ્યકશ્યપુના રાજમહેલમાં જ તેમની બહેન હોલિકા પણ ભાઈ હિરણ્યકશ્યપુની જેમ બ્રહ્મદેવની આરાધના કરવા માંડે છે. થોડા જ સમયમાં બ્રહ્મદેવ પ્રસન્ન થાય છે.

બ્રહ્મદેવ: ‘હોલિકા આંખ ખોલો, હું પ્રસન્ન છું વરદાન માગો.’


હોલિકા: ‘બ્રહ્મદેવ મને અગ્નિથી બહુ ડર લાગે છે, મને એવું વરદાન આપો કે કોઈપણ અગ્નિ મને બાળી નહીં શકે.’

બ્રહ્મદેવ કહે છે, ‘તથાસ્તુ, પણ યાદ રહે હોલિકા જો આ વરદાનનો દુરુપયોગ થયો તો આ વરદાન તમારા માટે પણ અનિષ્ટકારી સિદ્ધ થશે.’ વરદાન મેળવી હોલિકા પણ ભાઈ હિરણ્યકશ્યપુના મહેલ પર આવે છે. અસુરીગણોમાં આનંદનું વાતવરણ ફેલાય છે કે હવે અસુરોએ અગ્નિ પર પણ વિજય મેળવી લીધો છે. હિરણ્યકશ્યપુ પોતાના અસુરોને આદેશ આપે છે કે હવે સમસ્ત સંસારમાં મને જ ભગવાન માનવામાં આવે અને મારી ભક્તિ કરવામાં આવે, જે કોઈ માનવ શ્રીહરિ વિષ્ણુની ભક્તિ કરતો દેખાય તો મારી સમક્ષ લાવી તેનો વધ કરવામાં આવે. હિરણ્યકશ્યપુ અને હોલિકા ભાઈ-બહેન પોતાને મળેલા વરદાનના અહંકારમાં એટલા ખોવાઈ જાય છે કે તેમને એ યાદ રહેતું નથી કે બ્રહ્માજીએ તેમને વરદાન આપતાં ચેતવણી આપી હતી કે વરદાનનો દુરુપયોગ કરશો તો વરદાન તેમના માટે અનિષ્ટકારી સિદ્ધ થશે.


કૈલાસ ખાતે માતા પાર્વતી: ‘હે મહાદેવ હું જોઈ રહી છું કે હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન માનવા માંડયો છે પણ તેના ઘરમાં તેનો પુત્ર તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ ભક્ત છે, આ શું લીલા છે?’

ભગવાન શિવ: ‘દેવી નિયતીની લીલા અપરંપાર છે. દેવરાજ ઇન્દ્રએ એવું વિચાર્યું કે જો હિરણ્યકશ્યપુની પત્ની કયાધુનો જ વધ કરવામાં આવે તો વધુ અસુરી શક્તિ ઉત્પન્ન જ નહીં થાય અને દેવરાજ ઇન્દ્રએ હિરણ્યકશ્યપુના સેનાપતિ દુંદુભિનો વેશ ધારણ કરી રાજમહેલ પહોંચે છે અને મહારાણી કયાધુનું અપહરણ કરી તેનો વધ કરવા જાય છે. એ જ સમયે ત્યાંથી પસાર થતા દેવર્ષિ નારદ તેમને એવું કરતા રોકતાં કહે છે, ‘હે દેવગણના રાજા દેવરાજ ઇન્દ્ર એક ગર્ભવતી નારીનો વધ તમને શોભા નથી દેતી, હું કહું છું છોડી દો એમને.’ દેવર્ષિ નારદની આજ્ઞાનું પાલન કરતાં દેવરાજ ઇન્દ્ર ત્યાંથી પલાયન થઈ જાય છે તેની સુરક્ષા માટે દેવર્ષિ નારદ કયાધુને થોડા દિવસ પોતાના આશ્રમમાં લઈ જાય છે. દેવર્ષિ નારદના આશ્રમના કણેકણમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ સમાયેલા છે. અનાયાસ જ શ્રવણ કરેલા શ્રીહરિ વિષ્ણુના ગાનથી કયાધુના ગર્ભમાં રહેલો પ્રલ્હાદ કઈ રીતે અલિપ્ત રહી શકે.’

માતા પાર્વતી: ‘દેવર્ષિ નારદના આશ્રમમાં રહેલો ગર્ભ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો જ ભક્ત બની શકે અન્ય કોઈનો નહીં એ તો સત્ય જ છે.’

થોડા જ દિવસમાં હિરણ્યકશ્યપુ નગરમાં આવતાં દેવર્ષિ નારદ મહારાણી કયાધુને સુરક્ષિત તેમને સોંપી દે છે.’


હિરણ્યકશ્યપુ અને તેના અસુરો પૃથ્વીલોક પર આતંક મચાવે છે, એ સાંભળી અસુરગુરુ શુક્રાચાર્ય હિરણ્યકશ્યપુના મહેલ પર પધારે છે.

હિરણ્યકશ્યપુ પત્ની કયાધુ અને ચારેય પુત્રોને અસુરગુરુના દર્શન માટે રાજમહેલમાં બોલાવે છે. માતા અને પુત્ર પ્રહ્લાદ તેમના આશીર્વાદ લઈ રાજસિંહાસન પર બિરાજમાન
થાય છે.

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે દૈત્યરાજ હિરણ્યકશ્યપુ તમે સમસ્ત સંસારમાં તમારી ધાક જમાવી દીધી છે, કોઈપણ સરેઆમ શ્રીહરિ વિષ્ણુની પૂજા નથી કરતું, પણ ઇન્દ્ર પોતાને સુરક્ષિત માની બેઠો છે, હવે તમારે સ્વર્ગલોક પર આક્રમણ કરી દેવતાઓને દાસ બનાવો અને ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુને પરાજિત કરી તમારા ભાઈ હિરણ્યાક્ષના વધનો બદલો લો.’

પ્રહ્લાદ: ‘પિતાજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે બદલો લેવાથી તમને શું લાભ થશે? તમે તો વરદાની છો, તમે જ્યાં પણ જશો ત્યાં તમને સફળતા જ મળવાની છે તો કોઈ પર આક્રમણ કરી બદલો લેવાની આવશ્યકતા શું છે? દરેકના ગુરુ પોતાના શિષ્યોને યોગ્ય માર્ગદર્શન અને સત્કર્મની પ્રેરણા આપતા હોય છે તો આપના ગુરુ આવું વિપરીત કાર્ય કરવાનું કેમ કહે છે.’
દેવગુરુ શુક્રાચાર્ય: ‘દૈત્યરાજ, તમારો પુત્ર અસુર થઈ આવી કાયરોની ભાષા કેમ બોલી રહ્યો છે.’

પ્રહ્લાદ: ‘માન્યવર આપ મારા પિતાજી અને અસુર કુળના ગુરુ છો એટલે મારા પ્રણામ સ્વીકારી મારા એક પ્રશ્ર્નનો ઉત્તર જરૂર આપો. શું ધર્મ અને ન્યાયની વાત કરવી કાયરતા છે? આતંક અને અત્યાચાર ફેલાવવો શું શૂરવીરતાની નિશાની છે?’

દેવગુરુ શુક્રાચાર્ય: ‘પ્રલ્હાદ જો તું મારા શિષ્યનો પુત્ર ન હોત તો હું તને એવો જવાબ આપત કે સમગ્ર સંસાર કાંપી જાત.’

પ્રહ્લાદ: ‘દરેક ગુરુ ક્રોધ ન કરવો અને કટૂતાથી દૂર રહેવાની શિક્ષા આપે છે અને તમે ક્રોધ કરી કટૂ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છો, હું એવું વિચારી રહ્યો છું કે મારા જેવા બાળકને યોગ્ય જ્ઞાન અને શિક્ષણ નથી આપી રહ્યા તો મારા પિતાજીને જ્ઞાન અને શિક્ષણ આપતી વખતે ન્યાય કેવી રીતે કર્યો હશે?’ (ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો