નમે તે સહુને ગમે

ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં દૃષ્ટિના ભેદ પર પ્રકાશ પાથરીને હવે ભગવાન કૃષ્ણ પરસ્પર સંબંધો માટે આવશ્યક સિદ્ધાંત બતાવી રહ્યા છે.
ભગવાન કૃષ્ણ કહે છે એટલે કે ભગવાનને બધામાં સમદૃષ્ટિથી જોનાર ગીતાનું આ વાક્ય અદ્ભુત છે. ભગવાનની આ વ્યાપક શક્તિનો અનુભવ કરનાર ભક્ત કોઈની સાથે દ્વેષ કે વેરભાવ ન રાખી શકે. તે બધામાં ભગવાનને જુએ છે તેથી બધાને સન્માને છે. વળી, આજના યુગમાં જયારે માણસ સ્વના પાંજરામાં પુરાઈને સ્વશ્ર્લાઘને અનુસરવામાં તલ્લીન છે ત્યારે ગીતાનું આ વાક્ય નમ્રતાનું ઉદ્દીપક બની રહે છે.
અંગ્રેજીમાં એક કહેવત છે, “”Praise is the Best diet for us after all” વખાણ એ આપણા માટે બધા કરતાં ઉત્તમ ખોરાક છે. ઘણાંને કારેલાં ન ભાવે, ઘણાંને રીંગણા ન ભાવે, ઘણાંને મિષ્ટાન્ન ન ભાવે. પરંતુ ‘માન’ નો સ્વાદ તો બધાને ફાવે અને ભાવે. માર્ક ટ્વેઈન કહે છે. કેI can live for two months on a good compliments. હું બે માસ સુધી માત્ર પ્રશંસા ઉપર જીવી શકું છું.માનનો સ્વાદ દરેકને મીઠો લાગે છે પણ એ મીઠાશ ગળચટા વિષની છે. માણસ પેટે પાટા બાંધીને,રાત-દાડો એક કરીને, અથાક્ પરિશ્રમ કરીને, લોઢાના ચણા ચાવીને મોટો થવા પ્રયત્ન કરે છે. પરંતુ એ અનેક સાધનોની સાથે સાથે માન પણ મોટું થતું જશે તો આજે નહિ તો કાલે એનું જહાજ વિધ્નોરૂપી વમળોમાં ફસાસે જ.
સાહિત્ય ક્ષેત્રમાં નોબલ પ્રાઇઝ મેળવી ચૂકેલા અર્નેસ્ટ હેમિંગ્વેએ ટીકાકારોના થોડાક પ્રહારથી માન ખંડન થવાથી આત્મહત્યા કરી લીધી. વધુ ને વધુ સત્તા મેળવવાના અભિમાનમાં એડોલ્ફ હિટલરે પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં પાંચ કરોડ માણસોનો ઘાણ કાઢયો, જેમાં અંતે પોતે પણ આત્મહત્યા કરવાનો વારો આવ્યો. આ રોજબરોજના જીવનમાં ઈગો (ego) જો ઈ (go) થઈ જાય તો વ્યક્તિનો બેડો પાર થઈ જાય.
આજે આખાયે જગતમાં સહુ કોઈને મોટા થવામાં રસ છે પણ સાચી મોટપ કઈ છે તે જણાવતા કબીર કહે છે કે,
ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ;
નીચા નીચા જો કોઈ ચાલે, સબસે ઊંચા હોઈ.
ફળ આવવાથી વૃક્ષો નમી જાય છે, નવાં જળથી મેઘ વધુ નમી જાય છે, તેમ જ જેમ જેમ સમૃદ્ધિ આવે તેમ તેમ સત્પુરુષો વધુ નમતા જાય છે. જીવનના ૧૬ મા વર્ષે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખનાર શંકરાચાર્યને એક મુમુક્ષુ વ્યક્તિએ તેઓની પ્રશંસા તેમની સામે જ કરી. શંકરાચાર્ય ઊભા થયા અને પોતાના હાથમાં એક તણખલું લીધું. તેને સમુદ્રમાં બોળી ખંખેરી કહ્યું: “મારું જ્ઞાન આ તણખલાની ટોચ પર વળગેલા પાણી જેટલું અલ્પ છે અને ભગવાનનું જ્ઞાન સમુદ્ર જેવું અપાર છે.
દુનિયામાં ખ્યાતિ મળે અને કોઈપણ પ્રકારનું માન ન રાખવું એ તો સાગરદિલના સમર્થ મહાપુરુષોનું કામ છે. હા, આ મહાપુરુષો બધામાં ભગવાન જુએ છે. ભગવાનની અલૌકિક, અસીમિત અને અપરંપાર શક્તિથી તેઓ વાકેફ હોય છે. તેઓ જાણે છે કે આ સમગ્ર વિશ્ર્વમાં ભગવાનની આગળ આપણું અસ્તિત્વ કંઈ જ નથી. ગીતાનો આ સમભાવ તેઓના અસ્તિત્વનો લય છે. તેથી જ તેઓ ગુણોના ધારક હોવા છતાં અત્યંત નમ્ર હોય છે. કહ્યું છે ને-
નમતાંને સહુકો નમે, સહુકો દે સન્માન; સાગર ને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. વિનમ્રતા એ સજ્જનોનો એક સર્વસામાન્ય સહજ ગુણ છે.
આજે દેશ-પરદેશમાં પ્રમુખસ્વામી મહારાજની કીર્તિપતાકા લહરાઈ રહી છે, પરંતુ તેમની આ વિશાળતામાં છૂપાયેલી છે એમની નમ્રતા. જે પ્રમુખસ્વામી મહારાજના એક આદેશથી ૯૫૦ નવયુવાન સંતો પોતાનું જીવન સમાજ માટે ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા છે, જે પ્રમુખસ્વામી મહારાજના એક વચનથી લાખો હરિભક્તો પોતાનું તન, મન, ધન, સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ ગયા છે એ પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે, ‘સ્વામીશ્રી ! આપને શુ થવું ગમે ?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘અમને સેવક થાવું ગમે:’
NDDB ના પ્રણેતા, ચેરમેન અને મેનેજમેન્ટ નિષ્ણાત પદ્મશ્રી ડૉ. કુરિયન કહે છે : “પ્રમુખસ્વામી મહારાજના મુખ સામે જોતાં જ ખબર પડી જાય કે તેઓ અહંશુન્ય પુરુષ છે. પ્રમુખસ્વામી મહારાજની આજ વિનમ્રતા છે અને તેથી જ તેઓ સહુને ગમે છે.
જે ખરેખર ગીતાની આ સમદૃષ્ટિને જીવે છે તેઓ જ નમ્ર બની શકે છે. તેઓના સંબંધ પ્રાણીમાત્ર સાથે મધુરતાભર્યા હોય છે.