નેત્રવિણ નીરખવો રૂપવિણ પરખવો
નેત્રવિણ નીરખવામાં ભગવાનને મનની - ભક્તિની - સમર્પણની - પ્રેમની - વિશ્ર્વાસની આંખોથી જોવાની વાત છે. જેને પ્રેમ કરીએ તેના પ્રત્યેનો ભાવ તર્કથી પર હોય. તેની માટેની સમજ ઈન્દ્રિયોને આધારિત ન હોય. તેના પ્રત્યેની આપણી લાગણી કંઈક અંતર-આત્મા સાથે જોડાયેલી હોય.

ચિંતન -હેમંત વાળા
પ્રભુનું સ્વરૂપ નક્કી કરવાથી તેને ક્યાંક આપણે બાધિત કરી દઈએ છીએ. તેથી જ આપણાં શાસ્ત્રોમાં બંને તરફની અતિ-ઉક્તિ વડે ભગવાનનું નિરૂપણ કરાયું છે. શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે તે અત્યંત વૃદ્ધ તથા અતિ તરુણ છે, તે ખૂબ દૂર હોવાની સાથે અતિ નિકટ છે, તે બ્રહ્માંડ સમાન વિરાટ હોવા સાથે અતિતમ સૂક્ષ્મ પણ છે. તે સર્વત્ર હોવા છતાં ક્યાંય નજરે ન ચડે તેવો છે. તે બીજમાં વૃક્ષ સ્વરૂપે તો વૃક્ષમાં બીજ સ્વરૂપે છે. તે કાળ હોવા ઉપરાંત કાળથી પણ પર છે. ગીતામાં જણાવ્યા પ્રમાણે તેનામાં બધું સમાવિષ્ટ થયેલું હોવા છતાં તેનામાં બધું સમાવિષ્ટ થયું છે એમ પણ નથી. ભગવાનને પકડવો અઘરો છે. તેનું સ્વરૂપ, તેનું સ્થાન, તેના કર્મ, તથા તેની પૂર્ણતાને નામ આપી તેને સમજવાનો પ્રયત્ન કરવો એ બાલિશતા જ કહેવાય. નેત્રથી તેના રૂપને ન નિરખાય કે ન પરખાય.
ઈશ્ર્વર આમ પણ ઇન્દ્રિયોનો વિષય નથી. તે આંખ – કાન – નાક – ત્વચા – જીભની અનુભૂતિથી પર છે. તે પ્રકૃતિના આઠે અંગોથી ભિન્ન છે. તે જેનો સર્જક છે તે સર્જનની પહોંચમાં તે ન હોય તે સ્વાભાવિક છે. છતાં તે દર્શન આપે છે તો તેને નેત્રવિણ નીરખવો એમ કહેવાય અને તેને ગુણાત્મકતામાં જાણવો એ રૂપવિણ પરખવો કહેવાય. જોવું અને નિરીક્ષણ કરવું એ બંને ભિન્ન બાબતો છે. જોવામાં નેત્રપટલ પર પડતી છબી અગત્યની ગણાય જ્યારે પરખવામાં તેના ગુણધર્મોની સમજ મહત્ત્વની ગણાય. નિરીક્ષણ એ ઇન્દ્રિયની ક્રિયા છે અને પરીક્ષણ એ બુદ્ધિની ક્રિયા છે. ઈશ્ર્વરને માત્ર જોવાથી જાણી નથી શકાતો, તેને ઓળખવા માટે તેના ગુણો જાણવા જરૂરી છે – તેને પરખવો જરૂરી છે. આમ તો તેના ગુણો અપાર હોવાથી તેને સંપૂર્ણતામાં જાણવાની આપણી ચેષ્ઠા વ્યર્થ જ ગણાય, જ્યાં આપણે આપણી જાતને જ પૂરી જાણી શકતા ન હોઈએ ત્યાં પરમેશ્ર્વરને જાણવાની વાત તો ક્યાંથી કરી શકાય. વિશ્ર્વરૂપ દર્શન થયા પછી પણ અર્જુનના મનમાં પ્રશ્ર્નો રહી ગયેલા જેનું નિરાકરણ ભગવાન શ્રીકૃષ્ણને જુદા જ પ્રકારના તર્કથી કરવું પડેલું..
પ્રભુને નીરખવાનો નથી, પામવાનો છે. પ્રભુને પરખવાનો નથી, આત્મસાત કરવાનો છે. પ્રભુ ઈન્દ્રિયનો વિષય નથી, તે ઈન્દ્રિયાતીત છે. પ્રભુ બુદ્ધિની પહોંચમાં પણ નથી, તે તર્કથી પર છે. પ્રભુ જ્ઞાનની પહોંચમાં પણ નથી, લાખો જન્મના સંસ્કાર પણ પ્રભુનું વર્ણન કરવા અસમર્થ રહે છે – તે પ્રભુને નીરખવાની આ વાત છે. પ્રભુ શાસ્ત્રોમાં પણ વર્ણવી શકાયો નથી, ભક્ત પણ જેને સંપૂર્ણતામાં જાણી શક્યો નથી, યોગી પણ તેના વિશે કલ્પના કરતા રહે છે, યજ્ઞો દ્વારા જેનો સાક્ષાત્કાર થઈ શકતો નથી – તે પ્રભુને નીરખવાની આ વાત છે. વિષય અઘરો છે, પણ જો મૂળ સુધી પહોંચવામાં આવે તો તે નિરખી પણ શકાય અને માણી પણ શકાય.
જેને કારણે આંખ જુએ છે પણ જેને આંખો જોઈ શકતી નથી, જેને કારણે કાન સાંભળી શકે છે પણ કાન જેને સાંભળી શકતો નથી, જેને કારણે મન વિસ્તૃત બને છે પણ જે મનની વિસ્તૃતતામાં સમાયો નથી, જે બુદ્ધિ માટે પ્રેરક ગણાય છે પણ બુદ્ધિની કોઈપણ પ્રકારની પ્રેરણા તેને સમજી શકવા સમર્થ રહે છે, જે સૃષ્ટિના સર્જનનું કારણ છે પણ તે કારણનો તે ભાગ નથી, જે સૃષ્ટિનો પોષક છે પણ જે કોઈપણ પ્રકારના પોષણ વગર અસ્તિત્વ ધરાવી શકે છે, જે સૃષ્ટિનો પ્રલય કરવા સમર્થ છે અને સાથે સાથે પ્રલયનો પણ પ્રલય કરી શકે છે, જે નિર્દોષ હોવા સાથે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવા સમર્થ છે, જે નિરાકાર હોવા છતાં ભક્તનો કોઈ ઇચ્છિત આકાર ધારણ કરી શકે છે અને જે સર્વત્ર હોવા છતાં જાણે કશે જ હયાત નથી – તે પ્રભુને જાણવાની આ ઈચ્છા છે.
બુદ્ધિના પ્રભુત્વમાં માનવી એમ સમજીને જીવે છે કે બધું જ જાણી શકાય – સમજી શકાય. માનવી પોતે એમ માને છે કે તેમની અદભુત ઈચ્છા શક્તિથી અને તેની તીક્ષ્ણ બુદ્ધિના ઉપયોગથી તે ધારે તે હાંસિલ કરી શકે છે. પોતાની ક્ષમતા પર અપાર અહંકાર રાખી ઘણીવાર તે ઈશ્ર્વરના પ્રભુત્વને સ્વીકારવા તૈયાર નથી હોતો, અને જ્યારે તે એવું પ્રભુત્વ સ્વીકારવા તૈયાર હોય ત્યારે તે પ્રભુત્વને તે પડકારતો પણ હોય છે. તે એમ માનતો હોય છે કે તે ઈશ્ર્વરના પ્રભુત્વને સમજી શકશે અને જરૂરિયાત ઊભી થાય તો તેને નિયંત્રિત પણ કરી શકશે. સૃષ્ટિની દરેક વાત તેની બુદ્ધિની પહોંચમાં છે તેવું તેને અભિમાન હોય છે, પરંતુ કદાચ તેને સૃષ્ટિના વ્યાપની ખબર નથી. સૃષ્ટિ માત્ર વિશાળ નથી પણ જટિલ પણ છે. તેમાં કોઈ ચોક્કસ મર્યાદિત નિયમો પ્રવર્તમાન નથી, સૃષ્ટિ અપાર નિયમોના સંચાલન હેઠળ કાર્યરત રહે છે. આ નિયમોનું સંચાલન કરવા માટે પણ નિયમો છે, અને તેના સંચાલન માટે પણ અન્ય સ્તરના નિયમો પ્રવર્તમાન રહે છે. નિયમોની આ શૃંખલા એટલી વિસ્તૃત, વિશાળ, સંજોગિક તેમજ વિશેષ છે કે તેને પૂર્ણતામાં સમજવી એટલે સ્વયં ઈશ્ર્વરત્વ પામવું. માનવ દેહમાં તો એવી કલ્પના પણ ન થઈ શકે. કદાચ જુદા જ સ્તરના અસ્તિત્વમાં ઈશ્ર્વરને નિરખી શકાય.
જેને જેની અપેક્ષા હોય તે તેને આપી દેવામાં આવે તો તેના તરફથી વ્યક્તિને પોતાનું ઇચ્છિત મળી શકે. ઈશ્ર્વરને સત્યની અપેક્ષા છે. સમાજ કે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે તેવી તેની ઈચ્છા હોય છે. ઈશ્ર્વર નિર્મળતા, સ્થિતપ્રજ્ઞતા, કપટહીનતા, સત્ય, નિર્લેપતા, નિરહંકારતા તથા તેવા અન્ય દૈવી ગુણોની અપેક્ષા રાખે છે. જો ઈશ્વરને તે આપી દઈએ તો કદાચ તેને નીરખી પણ શકીએ. ઈશ્ર્વરનું ઇચ્છિત કરવાથી આપણું ઇચ્છિત મળી પણ શકે. હા, તેમાં સૃષ્ટિના નિયમોનો ભંગ ન થવો જોઈએ. ઈશ્ર્વર પણ નિયમોને આધીન વર્તે છે, તે સમર્થ હોવા છતાં સૃષ્ટિના સ્થાપિત નિયમો સાથે બાંધછોડ કરતો નથી. અને તેથી જ તેને નિરખવો મુશ્કેલ છે.
નેત્રવિણ નીરખવામાં ભગવાનને મનની – ભક્તિની – સમર્પણની – પ્રેમની – વિશ્ર્વાસની આંખોથી જોવાની વાત છે. જેને પ્રેમ કરીએ તેના પ્રત્યેનો ભાવ તર્કથી પર હોય. તેની માટેની સમજ ઈન્દ્રિયોને આધારિત ન હોય. તેના પ્રત્યેની આપણી લાગણી કંઈક અંતર-આત્મા સાથે જોડાયેલી હોય. આત્મા સાથે જોડાયેલા સંબંધને જાણવામાં સમજવામાં જોવામાં નેત્રની જરૂર ન પડે, માત્ર અનુભૂતિથી સહ-અસ્તિત્વનો અહેસાસ કરવાનો હોય. આ નેત્રવિણ નિરખવાની પ્રક્રિયામાં માત્ર મંત્રમુગ્ધ થવાની વાત હોય. અહીં નામરૂપની સુંદરતાને નહીં પરંતુ લાગણીઓની પ્રતિબદ્ધતાની પ્રતીતિ થતી હોય છે. આ બધામાં પવિત્રતાનો – પૂર્ણતાનો ભાવ હોય છે.
મંત્રમુગ્ધતામાં તાદાત્મ્યતાનું પરિમાણ જોડાય છે. દ્વૈત કે અદ્વૈત ભાવે પ્રભુમાં રમમાણ થવાથી બધું જ ખબર પડવા માંડે. પ્રભુને નિરખવાની પરખવાની આ સર્વસિદ્ધ રીત છે. પોતાની જાતને ભૂલવાથી જો પ્રભુ પમાતો હોય તો તેમાં નેત્રમાં ઊભરેલી છબી કે રૂપની ઓળખની શી જરૂર પડે ! પ્રભુનો નિર્ગુણ ભાવ સમજવાની આ વાત છે.