ધર્મતેજ

માનસ મંથન : પાટીમાં આપણે લાભ લખીએ એનું લોભ થવામાં એક માત્રાનો જ ફર્ક પડે છે

મોરારિબાપુ

સાધુ કોને કહેશો? પેલી વાર્તા પ્રમાણે જેટલી વાર વીંછી કરડે તોપણ સાધુ તેને નદીમાંથી બચાવે. આખું શરીર વિષમય થઈ ગયું. કોઈએ કહ્યું મૂકી દો ને, આ વીંછી ડંખ મરવાનું નહિ છોડે. તો કહે એ એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું? મારો સ્વભાવ છે તારવાનો. સાધુનાં આ લક્ષણો છે. સાધુનું એક લક્ષણ છે – જે વિરાગી છે.

સમ અભૂતરિપુ બિમદ બિરાગી

જે વિરાગી-વૈરાગી છે અને ‘વિમદ’ પછી ‘વિરાગ’ શબ્દ લીધો છે. મોટામાં મોટો વૈરાગ્ય એ છે મદનો ત્યાગ. બધું છૂટે ને જો મદ રહી જાય તો?… ઘર છોડ્યું, સ્ત્રી છોડી, પૈસા છોડ્યા એ બધું છોડ્યું એનો મદ શરૂ થયો! એટલે વિરાગ પછી આવ્યો કે પહેલાં મદ છોડવાનો. સાચા અર્થમાં તો છોડી કોણ શકે? ત્યાગ કોણ કરી શકે? જેણે પહેલાં બધું ભેગું કર્યું હોય. એટલે એક વખત વિષ્ણુશંકર દાદા કે નરેન્દ્રબાપા કહેતા હતા. બહુ સરસ વાત કરી. વૈરાગ્ય અને વિરાગનો અર્થ એ નથી કે બધું છોડી દો, પણ સાર્થકને પકડી લેવું એનું નામ વિરાગ. જે યોગ્ય છે એને પકડી લેવું. બધું છોડી દેવું એનો અર્થ એ કે કૃષ્ણને છોડી દેવો?

આગળનું લક્ષણ.

લોભા મરષ હરષ ભય ત્યાગી
સમ અભૂતરિપુ બિમદ બિરાગી ॥

આગળનું લક્ષણ : ‘લોભા મરષ’ લોભ અને અમર્ષ.
‘અમર્ષ’ આ ગીતાનો શબ્દ છે. ‘લોભામર્ષ’, ‘અમર્ષ’નો બહુ સીધો-સાદો અર્થ એ છે કે,બીજાનું સુખ જોઈને આપણામાં ઈર્ષ્યા થાય નહીં. ‘ઈર્ષ્યા’ એ જુદો શબ્દ છે. પણ સંતોષ શરૂ થાય. બીજાની ઉન્નતિ જોઈને એક દાહ શરૂ થાય એને ‘અમર્ષ’ કહે છે. ઈર્ષ્યા જેવું કરીબ-કરીબ એક દાહ શરૂ થાય. ક્યારેક ક્યારેક બીજાનું સુખ જોઈને આપણને અકળામણ શરૂ થઈ જાય, અંદરથી ક્યાંય ચેન ન પડે. ‘અમર્ષ’-‘લોભામર્ષ’ શબ્દ સાથે લેવાનો છે.

આ પછીનું લક્ષણ છે.
‘લોભામર્ષ’ સંધિ કરી છે. જેનામાં લોભ હોય અને ઘણું ભેગું કર્યું એ અર્થમાં છે. એની પાસે આટલી વિદ્યા, આટલી સમૃદ્ધિ, મોટો પરિવાર, આટલી વાહ વાહ એનો અમર્ષ ઉત્પન્ન થાય. બીજાની પાસે ખૂબ છે. એને આટલું કેમ મળી ગયું? એ કંજૂસ છે. કંઈ કરતો નથી છતાં આટલું બધું પ્રાપ્ત થઈ ગયું એની એક પ્રકારની દાહ આપણામાં શરૂ થાય તે લક્ષણ છે. સાધુમાં એ નથી હોતું. નથી લોભ હોતો નથી અમર્ષ હોતો. સાધુ લોભામર્ષથી મુક્ત છે. રામાયણે લોભ શબ્દની વ્યાખ્યા બહુ સરસ કરી. હાય, હાય કોઈ આવી ન કરે હં!

જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઈ
આઠવઁ જથા લાભ સંતોષા ॥

લોભ કોને કહેવાય? મૂળ તો ‘લાભ’ શબ્દ હતો. ‘લોભ’ તો આવી ગયો. ‘જિમિ પ્રતિ લાભ’ પછી એમાંથી લોભ થયો. તમે પાટીમાં ‘લાભ’ લખો એને ‘લોભ’ થતાં એક માત્રાનો જ ફેર પડે છે ને! જ્યારે લાભની માત્રા વધે છે ત્યારે ‘લોભ’ થઈ જાય છે. જ્યારે માત્રા વધી ‘લાભ’માં ત્યારે લોભ થઈ ગયો. જીવનમાં લાભ, લાભ હતો પણ લાભમાં માત્રા વધ્યા જ કરે, હજી આટલું થાય, હજી આટલું, હજી… ‘જિમિ પ્રતિ લાભ’ – આવી બારાખડી મૂકી દીધી છે.

તેથી હું કહ્યા કરું છું તુલસીદાસજીની રામાયણની કથા તો બાલમંદિર છે બાપ! ‘ગીતા’ એ માધ્યમિક શાળા છે અને ’ઉપનિષદ’ યુનિ. અને કૉલેજ છે. મારું કામ તો બાલમંદિરનું છે, પણ યુનિવર્સિટીવાળા ભૂલે નહીં કે જો બાલમંદિરમાં સરખા તૈયાર ન થાય તો તમારી યુનિ. ખાલી રહે. સીધી વાત, લોભ ક્યારે આવે?

જ્યારે લાભની માત્રા વધે, પણ લોભમાંથી પાછા ફરો અને માત્રાઓ ઓછી કરવા માંડો તો એક જ ધડાકે ‘લાભ’ થઈ જાય.

જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઈ

સાધુમાં લોભ નથી. લોભ દ્વારા જે અમર્ષ ઉત્પન્ન થાય છે એ સાધુમાં નથી તેથી ‘લોભામર્ષ’.

લોભામરષ હરષ ભય ત્યાગી

આગળનું લક્ષણ: હર્ષ અને ભયનો ત્યાગ. હર્ષ અને શોકનો ત્યાગ. ભય અને શોક જેના જીવનમાં નથી.
હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મેં પ્રિયઃ

‘ગીતા’ના કાળ અને ‘રામાયણ’ના કાળ વચ્ચે ૫૦૦૦ વર્ષનું અંતર છે તેથી દેશકાળ અને સાધકોની અંતરવૃત્તિ જોઈને શબ્દોમાં અદ્ભુત ફેરફારો કર્યા છે. હર્ષ-ભયનો ત્યાગ. સાધુના જીવનમાં હર્ષ નથી હોતો, શોક નથી હોતો.

હર્ષ અને શોકની જેને હેડકી ન આવે પાનબાઈ!

આપણા ગામડાંમાં અદ્ભુત દૃષ્ટાંત આપતા હતા. હેડકી આવે ત્યારે આપણે કહીએ કે કોઈક યાદ કરતું હશે, હં. યાદ કોણ કરતુ હશે ખબર નહીં. ભોજો કરે યાદ આપણને? પણ આપણે સમાધાન લઈએ કે કો’ક યાદ કરતું લાગે છે. જેને હેડકી ન આવે એને કોઈ યાદ નથી કરતું એમ કહીએ – સાધુને હર્ષ અને શોકની હેડકી નથી આવતી એટલે એના સ્વભાવમાં ક્યાંય હર્ષ, શોક નથી, આનંદ જ જેનો સ્વભાવ. ધ્યાન દેના. હર્ષ નથી એનો અર્થ આનંદી નથી એવો નથી.

સાધુ તો આઠે પહોર ખીલેલો હોય. એકલો હોય ત્યારે પણ ખીલેલા જ હોય. ખીલતો જ હોય. હર્ષ તો દેવતાઓને થાય. સંતોને ન થાય. આ બધા પ્રશ્ર્નો હર્ષ અને શોકના છે. ધ્યાન દેના, આનંદ જેને મળી જાય તેના બધા જ પ્રશ્ર્નો સમાપ્ત થઈ જાય.
(સંકલન : જયદેવ માંકડ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button