વેર- વિખેર -પ્રકરણ -૮૬
આજે કદાચ રિવોલ્વરનો ઉપયોગ કરવો પડશે એવું ગાયત્રીને લાગવા માંડ્યું હતું… કોણ જાણે કેમ અંદરથી સ્ફુરણા થતી હતી કે શિક્ષકની પુત્રી રિવોલ્વરનો ઉપયોગ કરશે…
કિરણ રાયવડેરા
‘મિ. દીવાન, કુમારે રામપૂરી ચાકુ ખરીદ્યું એ તો તમે જાણો છો, કારણ કે એ જ દુકાનેથી તમે પણ ચાકુ ખરીદ્યું છે.’ પોતાના શબ્દોની વિક્રમ પર શું અસર થાય છે એની પરવા કર્યા વિના ઈન્સ્પેક્ટરે પોતાની વાત ચાલુ રાખી :
‘ગઈકાલ સુધી તો મને એમ જ હતું કે આ માણસ પોતાના સ્વબચાવ માટે છરી ખરીદે છે પણ આજે તો એ એક ડગલું આગળ વધ્યો.’
વાત કરવાની ઈન્સ્પેક્ટરની આ સ્ટાઈલ હતી. વિક્રમને લાગ્યું કે એને પૂછવું પડશે કે આજે કુમારે શું કર્યું?
‘શું કર્યું કુમારે?’ ઈચ્છા ન હોવા છતાં વિક્રમે પ્રશ્ર્ન પૂછ્યો.
‘મને લાગે છે કે આ માણસનો ઈરાદો કોઈ મોટો ગુનો આચરવાનો છે.’
‘ઈન્સ્પેક્ટર, તમારું પેકેટ તમારા ઘરે પહોંચી જશે. તમારું સરનામું મને હવે મોઢે છે એટલે ફિકર કરતા નહીં. હવે ચૂપચાપ કહી દો કે કુમારે શું કર્યું?’ વિક્રમની ધીરજ ખૂટતી હતી.
‘અધીરા ન થાઓ મિ. દીવાન, ચૂપચાપ રહીશ તો હું વાત કેવી રીતે કહીશ?’
વિક્રમ આવેશમાં આવીને કંઈ કહે એ પહેલાં ઈન્સ્પેક્ટરે એને કહ્યું:
‘કુમારે આજે એક રિવોલ્વર ખરીદી છે.’
વિક્રમ ચમકી ગયો. નાણાભીડમાં સતત રહેતો માણસ મોંઘી પિસ્તોલ શા માટે ખરીદે? વળી ગયેલા કર્જને કારણે જેને મૃત હોવાનું નાટક કરવું પડ્યું હોય એ આ રીતે શસ્ત્ર પાછળ રૂપિયા ન વેડફે. જરૂર કોઈ એવી વાત છે જે મને સમજાતી નથી… વિક્રમ વિચારતો હતો.
‘મને લાગે છે કે રિવોલ્વર એણે સ્વરક્ષા માટે નથી ખરીદી.’ થોડી ક્ષણ અટકીને ઈન્સ્પેક્ટરે ઉમેર્યું :
‘મને ડર છે કે કુમાર કોઈનું ખૂન કરવા માગે છે.’
વિક્રમે છાતીનો એક ધબકાર ચૂકી ગયો. ઈન્સ્પેક્ટરની આશંકા કદાચ સાચી હતી. સિયાલદાહની હોટલ છોડીને કુમાર અલીપુરના ગેસ્ટહાઉસમાં શા માટે રહેવા આવ્યો હતો? એને ખબર હતી કે વિક્રમ દીવાન પણ અલીપુરમાં જ રહે છે. હવે એણે રિવોલ્વર ખરીદી છે.
‘ઈન્સ્પેક્ટર,’ વિક્રમ ફોનમાં ચિલ્લાયો :
‘તમે તમારી લાલચને કારણે એક ગુનેગારને ગુનો કરવાનો સમય આપી રહ્યા છો. વ્હાય ડોન્ટ યુ એરેસ્ટ હીમ? તમને તમારું પેકેચ મળી જશે, પણ તમે જઈને એને પકડો તો ખરા…’
‘હા, હા, અમે એને આજે જ ગિરફતાર કરી લેશું. ડોન્ટવરી, તમને જે ડર છે એ ભય મને પણ છે. મને લાગે છે કે કુમાર તમારું મર્ડર કરવા માગે છે. ! ’
વિક્રમનો પિત્તો ગયો :
‘ઈન્સ્પેકટર, તમે હવે ટાઈમ વેડફો નહીં, હમમાં જ તાબડતોબ એને પકડી લો એટલે એ વધુ ડેમેજ કરતાં અટકી જાય. એને હા, એક કલાકની અંદર તમને તમારું પેકટ મળી જશે.’
‘થેન્ક યુ દીવાનસાબ, તમે બહુ જ સમજદાર છો. હા, પણ એક સલાહ આપું?’ ઈન્સ્પેક્ટરે આદતવશ કહ્યું.
વિક્રમને લાગ્યું કે ઈન્સ્પેક્ટર સાથે સંયમ અને શાંતિથી કામ લેવું પડશે એટલે એણે ગુસ્સે થવાને બદલે ચૂપ રહેવું મુનાસિબ માન્યું.
‘દીવાનસાબ, તમે તમારું ધ્યાન રાખજો. મને લાગે છે કે જગમોહન દીવાન કરતાં તમારી જિંદગી વધુ જોખમમાં છે. પ્લીઝ ટેક કેર.’
‘થેન્ક યુ ઈન્સ્પેક્ટર, આઈ વીલ ટેક કેર, હવે તમે ઊપડો અને પેલા બદમાશને એરેસ્ટ કરો….’
યસ સર, અમે એકાદ્ કલાકની અંદર જ એને હવાલાતમાં નાખી દેશું.’
ફોન મૂકતી વખતે ઈન્સ્પેક્ટર વિચારતો હતો કે કુમાર પેરેડાઈઝ ગેસ્ટહાઉસ’થી ગાયબ થઈ ગયો છે એ વિક્રમને ખબર પડે તો… પેકેટ ઘેર પહોંચી જાય પછી ભલે એને ખબર પડતી. ત્યાં સુધી આ વિશે ચુપકીદી સાધવી ઉચિત છે.
‘ઈન્સ્પેક્ટરના બાતમીદારે જ્યારે થોડીવાર પહેલાં જ ફોન કરીને કહ્યું હતું કે સાહેબ, મને લાગે છે કે એ માણસને ગંધ આવી ગઈ એટલે જ એ હોટલના પાછલા ગેટથી રવાના થઈ ગયો છે…’ ત્યારે ઈન્સ્પેક્ટર પ્રમાણિકને પોતાના માણસને એક લાફો ઝીંકી દેવાની ઈચ્છા થઈ આવી પણ એને લાગ્યું કે બહું મોડું થઈ જાય એ પહેલાં વિક્રમને ફોન કરી લેવો જોઈએ.
‘હવે વિક્રમ એમ સમજે છે કે કુમાર એરેસ્ટ થઈ જશે, જ્યારે કુમાર રિવોલ્વર લઈને નીકળી પડ્યો છે કોઈનું ખૂન કરવા….’
કદાચ વિક્રમ દીવાનનું…!
એની હત્યા થઈ જાય એ પહેલાં વિક્રમ દીવાન ઘરે પેકેટ મોકલાવી દે તો સારું…!
જગમોહન રામપૂરી ચાકુની ધાર પર પોતાની આંગળી ફેરવી રહ્યો હતો. હજી થોડી વાર પહેલાં જ વિક્રમ ચાકુ દઈ ગયો હતો.
‘પપ્પા, કાલે રાતના દેતાં ભૂલી ગયો હતો.’ એટલું કહીને વિક્રમ પીઠ ફેરવીને રવાના થઈ ગયો હતો.
આ ચાકુ મને કેટલું બચાવી શકશે? જગમોહન વિચારતો હતો. એની ડાબી આંખ ફરકતી હતી કે પછી એ એનો ભ્રમ હતો? મા ઘણીવાર કહેતી કે ડાબી આંખ ફરકે છે એટલે થોડી વાર બહાર જજે. મા અંધશ્રદ્ધાળુ નહોતી, એ અત્યંત પ્રેમાળ હતી એટલે એમની સલાહને તાર્કિક દૃષ્ટિથી જોવાનો અર્થ નહોતો.
આજે કદાચ એ ડરી રહ્યો હતો એટલે એની તર્કશક્તિ કુંઠિત થઈ ગઈ હતી.
જગમોહને ઘડિયાળમાં જોયું. બપોરના બે વાગ્યા હતા. સાંજના સાડા છ વાગ્યે તો કબીરનું પ્લેન કોલકાતા એરપોર્ટ પર લેન્ડ થશે અને સાડા સાત-આઠ સુધીમાં તો એ ઘરે આવી જશે.બસ સાડા પાંચ-છ કલાક સાચવવાના છે.
જગમોહને છરીની ધાર પર આંગળી ફેરવવાનું ચાલું રાખ્યું. ના, હાર નથી માનવી.
મને મારનાર વ્યક્તિ જીવતો તો પાછો નહીં જાય…
જોકે, ત્યારે એને ખબર નહોતી કે ત્રણ કલાકની અંદર એના ઘરમાં એક દુર્ઘટના સર્જાવાની હતી.
રિવોલ્વરને ખિસ્સામાં રાખીને કુમાર સામાન પેક કરવા લાગ્યો હતો. આજે સાંજના જ આ હોટલ છોડી દેવી પડશે. એ વિચારતો હતો. એણે ઘડિયાળ સામે જોયું.
બાર થયા હતા.
એ સાડા ત્રણ-ચાર વાગ્યે જગમોહન દીવાનના ફલેટમાં પ્રવેશ કરશે. જો ચાર વાગ્યા સુધીમાં જગમોહન દીવાનની હત્યા કરવાનું કામ પતી જાય તો હોટલ પર પરત આવીને સામાન લઈને સીધો હાવડા સ્ટેશન પહોંચી જશે.
ત્યાર બાદ તો કોઈ પણ ટ્રેન પકડીને એ કોલકાતા છોડી દેશે. પોલીસ એને શોધવા સક્રિય થાય એ પહેલાં તો એ શહેરથી ખૂબ દૂર ચાલ્યો જશે.
ત્યારે અચાનક કુમારની નજર બારીની બહાર પડી.સામેની ફૂટપાથ પર એક માણસ ઊભો હતો.
આ માણસને ક્યાંક જોયો છે… ક્યાં જોયો છે? હા, યાદ આવ્યું. એ ચાંદનીમાં ચાકુની દુકાન શોધતો હતો ત્યારે એણે આ માણસને જોયો હતો.
એનો અર્થ એ છે કે કોઈ એનો પીછો કરી રહ્યું છે. એણે ચાકુ અને રિવોલ્વર ખરીદ્યાં એની પણ ખબર પેલા માણસને છે.
કુમારે રિસેપ્શનમાં ફોન કરીને પોતાનું બીલ રેડી રાખવા કહ્યું. વીસ મિનીટની અંદર તો એ હોટલનું બીલ ચુકવીને પાછલા દરવાજેથી હોટલ છોડી ચૂક્યો હતો.
એ જ્યારે ટેક્સીમાં બેઠો ત્યારે એણે રાહતનો શ્ર્વાસ લીધો. હાશ, છેલ્લી ઘડીએ બચી ગયો.
‘હું તો બચી ગયો,પણ મિસ્ટર જગમોહન દીવાન, કારણ કે મોત તારા ભાગ્યમાં લખાયું છે અને મારા ભાગ્યમાં તારું ખૂન કરવાનું લખાયું છે….!’
કુમારે ફરી એક વાર ઘડિયાળ સામે જોયું. સાડા બાર થયા હતા. પોતાનું મિશન પૂરું કરતાં પહેલાં એણે હજુ ત્રણ કલાક પસાર કરવાના હતા….
બપોરના ત્રણ વાગ્યે કોલકાતાનો અલીપુર વિસ્તાર રાબેતા મુજબ ટ્રાફિકથી ઊભરાતો હતો, પણ જગમોહન દીવાનના ફલેટમાં એક અજીબ સન્નાાટો છવાયેલો હતો.
જગમોહન એના બેડરૂમમાં લગાડેલી ગ્રાન્ડફાધર ક્લોકમાં પડતા ઘડિયાળના ટકોરા ગણી રહ્યો હતો.
હવે સાડા ચાર કલાક. બસ, પછી તો કબીર આવી જશે. એનો યાર, જિગરી દોસ્ત, અંતરંગ મિત્ર.
બસ…. પછી જિંદગી એને હવાલે કરી દઈશ, જગમોહન વિચારતો હતો…
વિક્રમ અને પૂજા એના રૂમમાં હતાં.
‘મહેરબાની કરીને બપોરના તું સૂઈ જતી નહીં, નહીંતર વળી ઊંઘમાં ચાલવા માંડીશ…’ એ પૂજાને કહી રહ્યો હતો.
‘બંને વાત પર મારો ક્ધટ્રોલ નથી. ઊંઘ પર અને ઊંઘમાં ચાલવાની આદત પર.’ પૂજાએ જવાબ આપ્યો.
વિક્રમ મોઢું બગાડ્યું અને ફરી પોતાના પ્લાનને છેલ્લો આકાર આપવામાં લાગી ગયો…
બીજી તરફ, કરણ ઉદાસ ચહેરે એના રૂમમાં પડ્યો હતો. રૂપાએ ધમકી આપ્યા બાદ એ વધુ ચિંતિત થઈ ગયો હતો. એ કૈલાશને પરણી જાય એ પહેલાં પચ્ચીસ લાખ મેળવવાની યોજના પર એ એકવાર ફરી વિચાર કરી ગયો. એને પોતાની યોજના ફૂલ-પ્રૂફ લાગતી હતી….
આ દરમિયાન , જતીનકુમાર પ્ત્ની રેવતીને કહી રહ્યાં હતા :
‘આ કરણ ક્યાં છે? એ જ્યારે ઘરમાં ન હોય ત્યારે કહેજે, મારે એના રૂમમાં જવું છે.’
‘ભગવાનને ખાતર તમે કાંઈ આડુંઅવળું કરવાનું માંડી વાળજો.’ રેવતીએ હાથ જોડીને કહ્યું.
‘તારું તો માથું ખરાબ થઈ ગયું છે. હું મારી એક ખોવાયેલી વસ્તુને શોધી રહ્યો છું.’
‘જયને થતું હતું કે એ બહાર ચાલ્યો ગયો હોત તો ફ્રીક રહેત. નાહકનો બહેને એને બહાર જતાં રોકી દીધો. એણે પોતાનો સેલ ઉપાડીને પપ્પાનો નંબર ઘુમાવ્યો….
ગાયત્રી ગેસ્ટરૂમમાં આરામ કરતી હતી. રિવોલ્વર એણે પોતાના તકિયાની નીચે છુપાવી હતી. ગમે તે ક્ષણે જરૂર પડી જાય અને સૂટકેસમાંથી કાઢવાનો સમય ન મળે તો…
આજે કદાચ રિવોલ્વરનો ઉપયોગ કરવો પડશે એવું ગાયત્રીને લાગવા માંડ્યું હતું. અંધશ્રદ્ધામાં એને વિશ્ર્વાસ નહોતો પણ કોણ જાણે કેપ અંદરથી સ્ફુરણા થતી હતી. ગાયત્રીના શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઈ : શિક્ષકની પુત્રી રિવોલ્વરનો ઉપયોગ કરશે…?
પ્રભા એના બેડરૂમમાં સૂવાની ચેષ્ટા કરતી હતી પણ ઊંઘ નહોતી આવતી. એણે ત્રાસી આંખે જોયું. જગમોહન હજી હાથમાં ચાકુ લઈને વિચારમગ્ન સ્થિતિમાં બેઠો હતો.
સવારની મીટિંગમાં એણે કદાચ થોડાં આકરાં વેણ કહી દીધાં એવું પ્રભાને લાગતું હતું. એની આંખો ઘેરાતી હતી પણ મન અંદરથી ડંખતું હતું. દીકરી સાથે વાતચીત કરવાથી મન હળવું થશે એમ વિચારીને પ્રભા ઊભી થઈને બહાર નીકળી ગઈ. જગમોહન એને જતાં જોઈ રહ્યો.
દીવાન પરિવારમાં સૌ જાણે કંઈ બનવાની રાહ જોઈ રહ્યાં હતાં.જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ બધાને વિશ્ર્વાસ થવા માંડ્યો કે હવે કંઈ જ નહીં બને.એવું લાગતું હતું કે દીવાન પરિવારની દિશામાં ફૂંકાતા વાવાઝોડાએ પોતાનો માર્ગ બદલી લીધો છે.
જ્યારે દીવાલ પર લાગેલી ક્લોકમાં પાંચના ટકોરા પડ્યા ત્યારે જગમોહનનું હૃદય આનંદથી ઊછળી પડ્યું.
હાશ! હવે કંઈ નહીં થાય, હવે થોડી વારમાં જ કબીર આવશે: ત્યારે એને લાગ્યું કે એના બેડરૂમનો દરવાજો કોઈ ખોલી રહ્યું
હતું.
પ્રભાના ગયા બાદ એણે બેડરૂમનો દરવાજો બંધ નહોતો કર્યો.. જગમોહન ડરી ગયો. શું છેલ્લે છેલ્લે એ બાજી હારી જશે? શું જિંદગી હાથમાંથી સરકી જશે?
એ ચૂપચાપ હાથમાં ચાકુ લઈને બારણાંની ઊંધી દિશા તરફ સરકયો.
બારણું ખોલવાનો અવાજ વાતાવરણના સન્નાટાને ચીરી રહ્યો હતો.
પહેલીવાર બહાર કોરિડોરમાં કોઈના ચાલવાનો અવાજ આવ્યો ત્યારે ગાયત્રીને થયું કે એ એનો ભ્રમ હતો. એણે ઘડિયાળમાં જોયુ, પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. બની શકે કે ઘરની વ્યક્તિ પોતાના રૂમમાંથી નીકળી કિચન તરફ જતી હોય.
થોડી ક્ષણ પુન: શાંતિ છવાયેલી રહી. ફરી જાણે કોઈ દબાતે પગલે ચાલતું હોય એવા ભણકારા વાગવા માંડ્યા.
ગાયત્રીએ રિવોલ્વર હાથમાં લીધી અને બારણાની તિરાડમાંથી બહાર જોયું….
એક માણસ જગમોહનના બેડરૂમ તરફ આગળ વધી રહ્યો હતો. અંધારામાં એનો ચહેરો દેખાતો નહોતો, પણ એને દાઢી હતી એવું તો કળી શકાતું હતું. આ કોરિડોરની લાઈટ કોણે બંધ કરી દીધી? ગાયત્રીને યાદ હતું કે એણે પોતે કોરિડોરની લાઈટ ખુલ્લી રહેવા દીધી હતી.
હવે…હવે શું કરવું?
પોલીસ પહેરો હોવા છતાંય આ માણસ ફલેટમાં કેવી રીતે ઘૂસી આવ્યો? દરવાજો કોણે ખોલ્યો?
ગાયત્રીને એ માણસને પકડવાની ઈચ્છા થઈ આવી પણ એમ કરવા જતાં કાં તો પેલો ભાગી જાય અથવા પાછળ ફરીને એના પર જ હુમલો કરે
તો ? બૂમ મારીને બધાંને ભેગા કરવા જોઈએ? હવે કદાચ એના હાથમાં સમય પણ નહોતો. પેલો માણસ જગમોહનનાં રૂમનો દરવાજો ખોલતો હતો.
ગાયત્રી હાથમાં ગન લઈને જગમોહનના રૂમ તરફ આગળ વધી. જો પેલો માણસ પાછળ જોશે તો એને જોઈ લેશે પણ હવે હિંમત કર્યા સિવાય છૂટકો નહોતો.
પેલો દાઢીવાળો જગમોહનના રૂમમાં પ્રવેશ ગયો.ગાયત્રી દોડીને બારણા સુધી આવી અને અંદર ડોકિયું કર્યું. કમરામાં કંઈ દેખાતું નહોતું.
ગાયત્રી પણ જગમોહનના બેડરૂમમાં પ્રવેશી ગઈ.
થોડી ક્ષણ બાદ દીવાન પરિવારના દરેક સભ્યે બે ચીસ સાભળી.
પહેલી ચીસ જગમોહનની હતી.
બીજો ચિત્કાર હતો ગાયત્રીનો …!
(ક્રમશ : )