વેર- વિખેર -પ્રકરણ -૮૦
ખેલ ખલાસ જગમોહન દીવાનનો… શ્યામલીને આનાથી વધુ સારી શ્રદ્ધાંજલી નહીં આપી શકાય. જગમોહનનું મોત, વિક્રમનો તરફડાટ અને શ્યામલીના આત્માને શાંતિ…!
કિરણ રાયવડેરા
પોતાના રૂમમાં આવીને ગાયત્રીએ પલંગ પર પડતું મૂક્યું. એનું આખું શરીર તૂટતું હતું. એને ડર લાગ્યો કે એ આંખ બંધ કરશે એવી જ ઊંઘ આવી જશે. ના, અત્યારના સૂવું નથી. ભગવાન જાણે આ ઘરમાં શું થવાનું બાકી છે.
જ્યારથી એણે જગમોહનના ઘરમાં પ્રવેશ કર્યો છે ત્યારથી કંઈ ને કંઈ બનતું રહે છે. શું એના આગમનને ઘરમાં બનતી દુર્ઘટનાઓ સાથે સંબંધ હશે…!
હજી હમણાં જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓએ વિદાય લીધી હતી. જગમોહન દીવાન જેવા અગ્રણીય ઉદ્યોગપતિના ફ્લેટમાં આગ લાગી છે એ સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દોડતા આવ્યા હતા.
આગ ફ્લેટના મુખ્ય દ્વાર પાસે લાગી હતી. જો ફેલાઈ જાત તો ઘરની એક પણ વ્યક્તિ જીવતી બહાર ન નીકળી શકત.
‘તમને ખબર છે કે કોઈએ તમારા
ઘરને જાણીજોઈને આગ લગાડવાનો
પ્રયાસ કર્યો છે?’ ફાયરબ્રિગેડના એક ઑફિસરે જગમોહન દીવાનને આવીને કહ્યું હતું.
‘મિ. દીવાન, તમારે પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવવી જોઈએ.’ થાણાથી આવેલા ઈન્સ્પેક્ટર પ્રમાણિકે સલાહ આપી હતી.
જગમોહને બંને સામે હસી નાખ્યું હતું. એના હાસ્યમાં ખિન્નતા હતી કે કંટાળો એ સમજવું મુશ્કેલ હતું.
અગ્નિશામક દળના અધિકારીએ સહાનુભૂતિથી જગમોહનના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું :
‘સાહેબ, હું પૂછીશ નહીં કે તમારે કોઈ દુશ્મન છે કે નહીં. તમે જે સ્તર પર છો ત્યાં દોસ્ત કરતાં દુશ્મન વધુ મળે એ સમજું છું. બટ ધી કેરફૂલ. આ આગ પર તો અમે કાબૂ મેળવી લીધો છે. અમારે લાયક બીજું કોઈ કામ હોય તો જણાવશો.’
જગમોહને ઓફિસરનો આભાર માન્યો હતો ત્યારે ઈન્સ્પેક્ટર પ્રમાણિકે પાસે આવીને જગમોહનને દિલાસો આપતા કહ્યું હતું:
‘મિ. દીવાન, તમે ચિંતા નહીં કરતા, અમારા માણસો તમારા ઘરની ચોતરફ પહેરો આપી રહ્યા છે. તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે.’
ઈન્સ્પેક્ટરની વાત સાંભળીને જગમોહન તાડૂક્યો હતો :
‘માય ફૂટ, અરે મરી ગયા પછી કોઈ વાળ વાંકો કરે કે ન કરે ફરક શું પડે છે? તમારા માણસો જો પહેરો આપતા હોય તો આ આગ કેવી રીતે લાગી? પ્લીઝ, ટેલ મિ. સન્યાલ ધેટ આઈ એમ નોટ હેપી વીથ યોર એરેન્જમેન્ટ્સ.’
એક તો લખુકાકાએ ડાઇનિંગ ટેબલ પર આવીને આગના ખબર આપ્યા હતા
ત્યારે જ બધાં ફફડી ગયાં હતાં. દોડીને ઘરના મુખ્ય દ્વાર પાસે આવીને જોયું તો આગ ફેલાવા લાગી હતી. એ તો બહારના કોઈએ સમયસૂચકતા વાપરીને ફાયર બ્રિગેડને ખબર આપ્યા કે હોનારત સર્જાતા અટકી ગઈ.
હવે આ ઈન્સ્પેક્ટર કહેતો હતો કે એના માણસો દીવાનના ફ્લેટની આજુબાજુ સજજડ પહેરો આપી રહ્યા છે. જગમોહનને ગુસ્સો ચડતો હતો પણ એને સંયમ રાખવાનું ઉચિત માન્યું.
‘સોરી, સર’
ઈન્સ્પેક્ટર જગમોહનના રુદ્ર સ્વરૂપથી ઓઝપાઈ ગયા હતા:
‘હું જરૂર સન્યાલ સાહેબને તમારો સંદેશ પહોંચાડી દઈશ.’ કહીને ઈન્સ્પેક્ટર નીચું મોઢું કરીને રવાના થઈ ગયો હતો.
ત્યારે ગાયત્રા તરફ ફરતા જગમોહને કહ્યું હતું:
‘ગાયત્રી, અહીંયા તો તમારો જીવ જોખમમાં હોય તો બીજા પર આધાર ન રાખી શકો. તમારી સુરક્ષાની વ્યવસ્થા તમારે જ કરવી પડે, તમારી લડાઈ તમારે લડવી પડે.’
જગમોહન થાકી ચૂક્યો હતો. કોઈને જમવાની રુચિ રહી નહોતી. ભભૂકતી આગને જોઈને દરેકના મોઢામાં ભય અને કડવાશનો મિશ્રિત સ્વાદ રહી ગયો હતો. લખુકાકા ઘરની સાફસૂફી કરી રહ્યા હતા. ધીરે ધીરે બધાં પોતપોતાના કમરા તરફ ચૂપચાપ રવાના થઈ રહ્યાં હતાં.
રેવતીએ પાસે આવીને જગમોહનને પૂછયું હતું:
‘પપ્પા, આ માણસ તમને જ શા માટે મારવા માગે છે?’
જગમોહને દીકરીના માથે હાથ મૂકતા કહ્યું:
‘બેટા, મને ખબર પડે તો હું એનો રસ્તો શોધી પણ કાઢું , પણ પેલા ઓફિસરની વાત સાચી છે. જીવનની જે ઊંચાઈ પર હું પહોંચ્યો છું ત્યાં કાં ભક્તો મળે અથવા શત્રુ મળે, મિત્રો જવલ્લે જ મળે.’
‘પપ્પા, એમને જેટલા રૂપિયા જોઈતાં હોય બાળોને!’ દીકરીના અવાજમાં યાચના હતી.
‘બેટા, ખબર પડે તો હું આપું ને? હમણાં કોને આપું?’
રેવતી ત્યારે ચૂપ થઈ ગઈ.જગમોહન અને ગાયત્રી બંનેને ખબર હતી કે આ દુશ્મનાવટ રૂપિયાથી લેવડદેવડથી પર હતી. જગમોહનથી દાઝેલો કોઈ માણસ જગમોહનને ખતમ કરી દેવા ઈચ્છે છે. ધિક્કારની આગ એની ચરમસીમા પાર કરી જાય પછી એને કોઈ ભૌતિક સુખની લાલચ સ્પર્શી ન શકે, કોઈ વેરની આગ રૂપિયાની આપ-લે ઠારી ન શકે.
ગાયત્રીએ જોયું લખુકાકાને ઘર સાફ કરવા અંગે પ્રભા સૂચના દઈ રહી હતી. વિક્રમ અને કરણ પોતપોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા.
‘ગાયત્રી, તું આરામ કર. હું પણ મારા બેડરૂમમાં આરામ કરું છું. કંઈક યાદ આવશે તો બોલાવીશ.’ જગમોહનના આ સૂચન પછી પોતાના કમરામાં આવીને ગાયત્રીએ પલંગ પર પડતું મૂક્યું હતું.
કેવા ચક્રવ્યૂહમાં એ ફસાઈ ગઈ હતી.
છેલ્લાં પાંચ વરસથી એ એકલી અટૂલી રહેતી હતી. મિત્ર, સગાવહાલાની ઝંખના હોવા છતાં કોઈ એને મળ્યું નહીં. અન્ન અને પ્રેમની ભૂખી ગાયત્રીએ જેમ તેમ પાંચ વરસ કાઢી નાખ્યાં હતાં. પેટ ભલે ખાલી હતું પણ હૈયામાં વિશ્વાસ હતો એટલે ટકી જવાયું.
હવે જ્યારે એક પરિવાર મળ્યો, આપ્તજનો મળ્યાં, કાકુ જેવા એક ગાઈડ, ફિલોસોફર અને અલબત્ત, વડીલ મિત્ર મળ્યા પણ હવે અચાનક ફરી એકલાં રહેવાની એને ઈચ્છા થઈ આવી …એને થયું કે એ ભાગી જાય તો?
ફરીને એ પોતાના બે રૂમના ઘરમાં જઈને શાંતિથી રહેવા માંડે તો…? ના, ના, અહીં કાકુની જિંદગી જોખમમાં છે અને એ કેમ ભાગી જાય ?
એક વાર એના પરનું જોખમ ટળી જશે પછી એ નીકળી જશે અહીંથી. બધાંને મૂકીને. વરસોથી કુટુંબમાં રહેવાની ટેવ છૂટી ગઈ હતી એટલે વધુ પડતા પ્રેમ કે વધુ પડતા સ્વાર્થને જોવાની ટેવ પણ છૂટી ગઈ હતી.
એવું લાગતું હતું કે જાણે જંગલમાં રહેતું એક સસલું શહેરમાં આવી પડ્યું હતું.
પણ શહેરમાં સસલા થઈને રહેવામાં મૂર્ખાઈ છે.
અહીં વાઘ ન પણ હો તો પણ વાઘની ચામડી પહેરવી પડે. શિકાર કરવાં નહીં તો શિકારને ડરાવવા તો કામ લાગે.
ગાયત્રી પલંગ પરથી નીચે ઊતરી. એણે પલંગની નીચે રહેલી સૂટકેસને ખેંચીને ખોલી. કપડાંને ફેંદીને એની નીચે સંતાડી રાખેલી જગમોહનની રિવોલ્વર એણે બહાર કાઢી.
વજનમાં ભારે છે,છતાં કેટલી રૂપાળી સરસ મજાની પિસ્તોલ છેગાયત્રી વિચારતી હતી. અત્યાર સુધી એણે
હિન્દી ફિલ્મોમાં જ પિસ્તોલ જોઈ હતી. આજે પહેલીવાર એણે ગનને હાથમાં પકડી હતી.
રિવોલ્વર હાથમાં આવે ત્યારે ઘોડો દબાવવાની ઈચ્છા કેમ થઈ જાય છે બહુ જ ટૂંકા સમયમાં આ રિવોલ્વરનો ઉપયોગ કરવો પડે તો ?એ વિચારતી હતી.
મોડી રાતના કુમાર જાગ્યો ત્યારે એનું માથું ફરતું હતું. મગજમાં જાણે ધુમ્મસ છવાયેલું હતું. દિમાગ પર જોર દઈને એણે વિચારવાની કોશિશ કરી કે એ ક્યાં છે. ધીમે ધીમે ધુમ્મસ વિખેરાવા લાગ્યું- સ્મૃતિઓ ઊભરાવા માંડી….
એ પેરેડાઈસ ગેસ્ટહાઉસ’ની એક રૂમમાં દારૂ પીતાં પીતાં સૂઈ ગયો હતો. હવે આંખ ખૂલ્યા બાદ એનું માથું સખત દુ:ખતું હતું અને ઊલટી થઈ જશે એવું લાગતું હતું.
શ્યામલી એને ઘણી વાર ટોકતી:
‘તને દારૂ સદતો નથી પછી શા માટે પીવાનો આટલો આગ્રહ રાખે છે?’
ત્યારે એ મજાકમાં કહેતો: ‘શ્યામલી, દુનિયામાં દરેક સારી ચીજના ગેરફાયદા કેમ હોય છે અને ખરાબ વસ્તુનો કોઈ ફાયદો નથી- કોઈ લાભ નથી ?’
શ્યામલી પૂછતી: ‘સારી અને ખરાબ ચીજ કઈ તારી નજરે?’
ત્યારે એ આસ્તેથી મસ્તીખોર અંદાજમાં કહેતા:
‘દારૂ આટલી સારી ચીજ છે પણ એને પીવાથી નુકસાન કેમ થાય છે?’
‘જો દારૂ સારી વસ્તુ છે તો ખરાબ વસ્તુ કઈ?’ શ્યામલી પૂછી લેતી.
ત્યારે એ કહેતો: ‘પત્ની’ બોલ્યા બાદ એ પોતાની જગ્યાએથી ઊઠીને દૂર ચાલ્યો જતો, જેથી શ્યામલીનો હાથ એના વાંસા પર ન પડે…!
‘સાચે શ્યામલી, ઓનેસ્ટલી કહું છું કે દારૂ અને પત્ની બંને દુશ્મન નથી, એકબીજાના પૂરક છે. શરાબ સેવન બાદ પત્ની પર પ્રેમ વધી જાય છે અને સવારના હેંગઓવરથી માથું ભલે ફાટતું હોય પણ વાઈફનો સ્પર્શ જ માથાના દુખાવાને ભગાડે છે.’
કુમારના ચહેરા પર સ્મિત ફરકી ગયું, પણ અચાનક કમરામાં ફેલાયેલા અંધકારને જોઈને એનું હાસ્ય વરાળ થઈ ગયું. એ શ્યામલી સાથે વાત નહોતો કરતો. એ અતીતના સંવાદોને યાદ કરતો હતો.
શ્યામલી તો મરી ચૂકી હતી.
ઉફ… જે દુર્ઘટનાને ભૂલવા દારૂનો સહારો લેતા હોઈએ એ નશો ઊતર્યા બાદ બમણી તીવ્રતાથી ચિત્તતંત્રને ખળભળાવી મૂકે છે.
શ્યામલી હવે કદી પાછી નહીં આવે એવું એને નશો ઊતર્યા બાદ ફરી સમજાઈ ચૂક્યું હતું.
એ પલંગમાંથી ઊભા થઈને ટેબલ પર રાખેલાં ગ્લાસ બાથરૂમના મૂક્યા ને ખાલી થઈ ગયેલી બોટલ રૂમના ખૂણામાં મૂકી. કપડાં બદલીને એ ફરી પલંગ પર ફસડાયો.હવે મોડું કરવું પાલવે તેમ નથી….
વહેલી તકે એ શ્યામલીના પોતાના ફ્લેટ પર જશે અને ત્યાંથી રૂપિયાની બેગ લઈને એક રિવોલ્વર ખરીદી લેશે, સાઈલેન્સરવાળી. બસ, પછી ખેલ ખલાસ જગમોહન દીવાનનો….શ્યામલીને આનાથી વધુ સારી શ્રદ્ધાંજલી નહીં આપી શકાય. જગમોહનનું મોત, વિક્રમનો તરફડાટ અને શ્યામલીના આત્માને શાંતિ… કુમારની આંખો ફરી ઘેરાવા માંડી હતી.
ઊંઘમાં પ્રવેશતાં પહેલાં એક કાચું સ્વપ્ન એણે જોઈ નાખ્યું. હાથમાં રિવોલ્વર લઈને એ જગમોહનની સામે ઊભો હતો.કુમારના ચહેરા પર હાસ્ય ફેલાય એ પહેલાં નિદ્રામાં સરકી ગયો.
ગેસ્ટહાઉસ સામેની ફૂટપાથ પર ઊભા રહેલા માણસને પણ નીંદર આવતી હતી , પણ એને ડર હતો કે એ સૂઈ જશે તો શિકાર ભાગી જશે…!
ગાયત્રી અને કુમાર જેટલું જ જો કોઈ થાક્યું હતું તો એ હતો જગમોહન….
બધા એક પછી એક વિખેરાવા માંડ્યા બાદ એ પણ પોતાના રૂમમાં આવીને લાંબો થયો હતો.
કહે છે કે મારવા કરતાં બચાવવાવાળો વધુ શક્તિશાળી હોય છે, પણ અહીં તો બહાર પંદર સુરક્ષાકર્મી તહેનાત હોવા છતાંય ખૂની મકાનની અંદર દાખલ થઈ શક્યો અને એના ઘરને આગ લગાડવાનું અડપલું કરી શક્યો.
ખેર, વિચારવું હોય તો એમ પણ વિચારી શકાય છે કે એનું જીવતા રહેવું જ એ વાતનો પુરાવો છે કે બચાવવાવાળો વધુ સમર્થ છે.
જીવન પણ એવું રુલેટ મશીન બની ગયું હતું,જેમાં જે આંકડાની ઈચ્છા રાખી હોય એ ન જ નીકળે.
આત્મહત્યા કરવા નીકળ્યો ત્યારે મોત માગ્યું તો રૂલેટનું ચકરડું ફર્યું અને રુલેટની નાનકડા દડા જેવી ગોળી ફરતી ફરતી ગાયત્રીના ચોકઠામાં જઈને ગોઠવાઈ.
હવે જીવવું છે અને જીવન માગ્યું તો ચકરડામાં અટવાયેલો પેલો દડો શત્રુના ચોકઠામાં ફસાઈ ગયો..
હવે એણે શ્વાસ માગ્યા છે ત્યારે એ નાનકડો દડો મોતના ખાનામાં નહીં અટકી જાય ને?!
(ક્રમશ:)