વેર– વિખેર પ્રકરણ -૪
‘દોસ્ત, હત્યા કે આત્મહત્યાના પ્લાન તો નથી બનાવતો ને…? !’ શું કબીરને ગંધ આવી ગઈ હશે? કબીરને અંદેશો આવી ગયો હશે કે એ આત્મહત્યાનો જ સંકલ્પ મનોમન ઘૂંટી રહ્યો છે? અશક્ય!
કિરણ રાયવડેરા
‘સાહેબ, માણસ આપઘાત કેમ કરતો હશે?’ જાદવે ભોળાભાવે પૂછી લીધા બાદ જીભ કચરી :
સાહેબ આજે વાત કરવાના મૂડમાં નથી એમાં વળી મેં આ ક્યાં પૂછી નાખ્યું ?.
જગમોહને પ્રશ્ર્ન સાંભળ્યો ન હોય એમ બહાર જોયા કર્યું, પણ મનમાં એણે જાદવનો પ્રશ્ર્ન દોહરાવ્યો –
‘માણસ આપઘાત કેમ કરતો હશે?’
ત્યારે જગમોહનને જાણે વરસોથી ઉકેલતા કોઈ કોયડાનો જવાબ મળી જાય એવી ખુશી થઈ. એણે જાદવને ગાડી ઑફિસ તરફ લેવા કહ્યું.
નવ માળની ઈમારતના પ્રવેશદ્વાર પર રહેલા ચોકીદારે ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે એણે બેધ્યાનપણે માથું હલાવ્યું.
ઑફિસમાં પહોંચીને એ સીધો પોતાની કેબિન તરફ આગળ વધ્યો. ફાયનાન્સિયલ એડ્વાઈઝર વિજય કામથ કંઈ કહેવા જતો હતો ત્યારે જગમોહને એને હાથ ઊંચો કરીને ચૂપ કરી દીધો. કેબિનની બહાર સેક્રેટરી શિરીનને તાકીદ કરી :
‘નો કોલ્સ, નો વિઝિટર્સ. આજે હું કોઈની સાથે વાત નહીં કરું. ઓલ એપોઈન્ટમેન્ટ્સ ટુ બી કેનસલ્ડ’
કેબિનમાં પોતાની લાંબી ચેર પર બેસીને એણે કલાકો સુધી વિચાર કર્યો . સાંજ સુધીમાં તો એણે પાકો નિર્ણય લઈ લીધો. એની યોજના બની ચૂકી હતી.
રસ્તા પર આત્મહત્યા કરનાર અજાણ્યો માણસ જગમોહનની સમસ્યાઓનો ઉકેલ બતાવી ગયો હતો.
આપઘાત – સ્યૂસાઈડ!
એ સાંજના જગમોહન વિકટોરિયન કલબમાં ગયો હતો.
બારમેન ડિસોઝાએ જગમોહન માટે ખાસ કેબિન ખોલી આપી હતી. સ્કોચ વ્હિસ્કીનો એક પેગ શરીરની અંદર ગયો કે એનો રહ્યોસહ્યો ભય પણ બહાર નીકળી ગયો. કમાલની ચીજ છે આ દારૂ, અંજામની ચિંતા ઓળગવા માંડે અને ન જાણે ક્યાંથી હિંમત ઊભરાવા માંડે.
એ વ્હિસ્કીની ચૂસ્કીઓ લેતો રહ્યો. જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ એ પોતાના નિર્ણયથી ખુશ થતો રહ્યો. બે પેગ લીધા બાદ જગમોહને ડિસોઝાને એક વધુ પેગ લાવવા ઈશારો કર્યો. ડિસોઝાને આશ્ર્ચર્ય થયું, પણ વાઘના મોઢામાં ગલગલિયાં કરવા હાથ ન નંખાય એ ડિસોઝા જાણતો હતો. આ મોટા માણસોની વાત જ નિરાળી. બબડતો એ એક વધુ પેગ લઈને આવ્યો.
એ રાતના જગમોહન જાણે વરસો બાદ શાંતિથી સૂઈ શક્યો હતો. હા, રાતના પ્રભા બોલી હતી – ‘હું તમારા પાંચ લાખ રૂપિયા જુગારમાં જ જીતીને પાછા ચૂકવી દઈશ.’ પણ ત્યારે જગમોહન બીજી જ દુનિયામાં રાચતો હતો.
જિંદગીના છેલ્લા પ્લાનને હવે આકાર આપવાનો હતો. એ દિવસ આવી પહોંચ્યો હતો. કાલે સવારના નવ વાગ્યે જગમોહન ખેલ ખતમ કરી નાખશે.
ગ્રાન્ડ ફાધર ક્લોકમાં ચારના ટકોરા વાગ્યા. ‘હવે પાંચ કલાક…’ એવા વિચાર કરે એ પહેલાં જગમોહનનો ફોન ફરી રણકવા લાગ્યો.
‘હલ્લો….’ લાઈન કપાઈ જશે એવું વિચારીને જગમોહને ફોન ઊંચક્યો.
‘હલ્લો, જગ્ગે હું કબીર…. શું કરે છે?’
કબીરલાલ. રિટાયર્ડ પોલીસ કમિશ્નર કબીર લાલ. નિવૃત્ત થયા બાદ એ પુણે સેટલ થઈ ગયો હતો. કબીર એનો બાળપણનો ગોઠિયો ખરો, પણ આ પહેલાં કોઈ દિવસ રાતના ફોન કર્યો નથી.
‘યસ કબીર, બોલ શું ખબર છે? તું યાર માણસ છો કે કોણ છો? ઘડિયાળમાં સમય જોઈને તો ફોન કરતો જા.’ કબીરના ફોન આવતા એ જ્ગમોાહનને ગમ્યું હતું.
‘શું કરું જગ્ગે, ઈચ્છા થઈ ગઈ તારી સાથે વાત કરવાની. તું પણ આવા કસમયે પણ જાગતો બેઠો છે ને… એક જ રિંગમાં ફોન ઉપાડી લીધો. એક કલાક પહેલાં પણ ફોન કર્યો હતો. લાઈન કપાઈ ગઈ હતી પછી થયું કે અત્યારે ફોન ન કરું એવી અવઢવમાં રહ્યો પણ છેવટે ફરીથી ફોન કર્યો.’ કબીરના અવાજમાં આત્મીયતાની હૂંફ હતી.
‘કબીર, બધું બરાબર તો છે ને? કેમ હમણાં ફોન કરવાની જરૂર પડી?’
‘દોસ્ત, અચાનક જ તારી બહુ જ યાદ આવવા લાગી. ! શું વાત છે, અત્યાર સુધી જાગે છે?’
જગમોહન હજુ જવાબ આપે એ પહેલાં જ કબીર બોલી ઊઠયો :
‘દોસ્ત, હત્યા કે આત્મહત્યાના પ્લાન તો નથી બનાવતો ને…? !’
‘દોસ્ત, હત્યા કે આત્મહત્યાના પ્લાન તો નથી બનાવતો ને…? !’
હવામાં ફંગોળાયેલું કબીરનું આ વાક્ય જાણે કાન પર એવું વા-વંટોળની જેમ અથડાયું કે જગમોહન હેબત ખાઈ ગયો.
શું કબીરને ગંધ આવી ગઈ હશે? કબીરને અંદેશો આવી ગયો હશે કે એ આત્મહત્યાનો જ સંકલ્પ મનોમન ઘૂંટી રહ્યો છે?
અશક્ય! કબીર જાદુગર નથી, જગમોહને મનોમન દલીલ કરી.
જાદુગર ન હોય તો શું થયું! પોલીસનો માણસ તો ખરો જ… રિટાયર્ડ ભલે હોય પણ નાક તો પોલીસવાળા જેવું જ સતેજ હોય.
‘વ્હોટ રબીશ! કબીર શું તું પણ સવારના ચાર વાગ્યે મજાક કરવા બેઠો છે. હજી તારી પોલીસની જૂની આદતો ગઈ નહીં?’ જગમોહનને લાગ્યું કે એના હાસ્યમાં બોદાપણું હતું. હકીકતમાં એ કબીરના અણધાર્યા હુમલાથી મૂંઝાઈ ગયો હતો.
‘દોસ્ત, તમને લોકોને પાંચ ઈન્દ્રિયો હોય છે, જ્યારે અમને પોલીસવાળાઓને છ ઈન્દ્રિયો હોય છે. આ મારી છઠ્ઠી ઈન્દ્રિયની કમાલ છે. એની વે, બહુ મજાક થઈ. બોલ શું ખબર છે? અચાનક થયું, લાવ જગ્ગે સાથે વાત કરી લઉં.’
કબીરના અવાજમાં રહેલી સચ્ચાઈ જગમોહનને સ્પર્શી ગઈ. કોઈ મરતા માણસને છેલ્લી ઘડીએ કહી રહ્યું હતું કે તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ.
જગમોહન દીવાન શિથિલ પડી ગયો.. એ ભાવુક બની રહ્યો હતો.
હંમેશ માટે શહેર છોડીને જતાં હોઈએ ત્યારે કોઈ જૂનો મિત્ર દોડતો દોડતો પ્લેટફોર્મ પર આવી ચડે ત્યારે ચાલુ થયેલી ટ્રેનથી કૂદી જવું કે મોઢું ફેરવીને અંદર જતા રહેવું એ નક્કી કરવું મુશ્કેલ છે.
મિત્રને જોઈને મન વલોવાતું હોય, એને અડવાની, ગળે મળીને અવાજ વગરનું રડવાની ઈચ્છા હોય પણ આગળ વધવું અનિવાર્ય હોય. સફરનો નિર્ણય અફર હોય.
ઓહ નો કબીર. નબળા નથી પડવું. ઈરાદાને મક્કમ રાખવો છે, મરવું તો છે. કબીર એના આપઘાતના સંકલ્પને ઢીલો નહીં પાડી શકે!
‘થેન્કસ કબીર, આટલા વખતે તને તારા જગ્ગેની યાદ તો આવી ખરી.’ ગદ્ગદિત ન થઈ જવાય એની તકેદારી જગમોહને લેવી પડી. કબીર જ એવો મિત્ર હતો જે એને જગ્ગે’ના ટૂંકા નામે બોલાવતો.
શરૂઆતમાં જગમોહન અકળાઈ જતો. કેવું વિચિત્ર નામ છે જગ્ગે. જગ્ગા ડાકુનો નાનો ભાઈ લાગે જાણે, પણ પછી તો જગમોહનને ખુદને એ નામ કોઠે પડતું ગયું અને ગમતું પણ ગયું.
‘હવે રહેવા દે ને! તને તો ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી. તે કેટલી વાર મને યાદ કર્યો બોલ. કમથી કમ તને ટેન્શન હોય ત્યારે તો મને યાદ કરવો જ જોઈએ. તારા ખબર મને બહારથી મળે એ કેવી રીતે સહન થાય?’
જગમોહનના પેટમાં ફાળ પડી. કબીર કયા ટેન્શનનો ઉલ્લેખ કરતો હતો. એણે હિંમત એકઠી કરીને પૂછી નાખ્યું: ‘અરે, તું શું વાત કરે છે? કયા ટેન્શનની વાત કરે છે? બહોળો વેપાર હોય તો નાની મોટી ફિકર-ચિંતા રહ્યા જ કરે.’ જગમોહનને પોતાનો જ બચાવ લૂલો લાગ્યો.
‘જગ્ગે, હું તને બરાબર ઓળખું છું. વેપારના ટેન્શનમાં તું શરાબનો સહારો લે એવો નબળો તો નથી જ. તારા જ બનાવેલા નિયમોને તોડવા કરતાં તો તું આત્મહત્યા કરવાનું પસંદ કરી લે એ હું સારી પેઠે જાણું છું.’
કબીરની વાત સાંભળીને જગમોહનનું હૃદય એક ધબકાર ચૂકી ગયું.
આ મારો બેટો કબીર, આજે આપઘાતની જ વાત શાનો કરે છે! કોઈ ફોનમાં પણ એનું મન વાંચી શકે એટલો સરળ છે એ?
‘સાંભળ જગ્ગે, ગયા અઠવાડિયે ઈન્સ્પેકટર શિંદે કોલકાતા આવ્યો હતો. યાદ છે શિંદે? આપણા કરતાં દસ વરસ નાનો અને ખૂબ બાહોશ માણસ. અંગત કારણોસર આવ્યો હતો અને વિક્ટોરિયન ક્લબમાં ઊતર્યો હતો. ત્યાં એણે તને જોયો હતો. બસ, એણે મને ફોન કર્યો. મેં ક્લબમાં ડિસોઝાને ફોન કર્યો. ડિસોઝાએ કહ્યું કે શેઠસાહેબ આજે બહુ જ ચિંતામાં લાગતા હતા. બેને બદલે ત્રણ પેગ પીધા. તો શેઠ સાહેબ, ફરમાવો એવી કઈ ઉપાધિ આવી પડી છે કે વરસોનો નિયમ તારે જ તોડવો પડ્યો?’
કબીરે એકીશ્ર્વાસે વાત પૂરી કરી.
બાપ રે, ઉદ્યોગપતિ જગમોહન દીવાન બેને બદલે ત્રણ પેગ પણ પી જાય તો વાત પુણે સુધી પ્રસરી જાય. તો જગમોહન દીવાન જો આત્મહત્યા કરે તો?
‘ના, કબીર, એવું કંઈ જ નથી. કંઈ હશે તો પહેલાં તને જ કહીશ. હવે આ ઉંમરે ક્યારેક તો નિયમ તોડવાનો આનંદ લેવાની ઈચ્છા થાય કે નહીં! અચ્છા, એ બધું છોડ, તું સંભળાવ. તું આ બાજુ ક્યારે આવે છે એ જણાવ.’ જગમોહન સિફતથી વાત બદલી નાખતાં પૂછ્યું.
‘જગ્ગે, તું ગમે તે કહે, મને તારી દલીલ ગળે ઊતરતી નથી. એની વે, આવતા મહિને દાર્જિલીંગ જવાની ઈચ્છા છે. ત્યારે બે-ત્રણ દિવસ કોલકાતા રોકાઈશ. તારા જ ગેસ્ટ હાઉસમાં ઊતરીશ. સાથે દારૂ પીશું. ખૂબ ધમાલ મચાવશું અને સાંભળ, ત્યારે જેટલું પીવું હોય એટલું પીજે પણ એકલો નહીં પીતો. ડિપ્રેશન વધશે.’ કબીરના ઠપકામાં પણ પોતાપણાની હૂંફ હતી.
‘ઓકે કબીર, ડન, આપણે ખૂબ જ ધમાલ મચાવશું. ખૂબ જ પીશું.’ જગમોહનને થયું કે કાલે સાંજના જ કબીરે ફ્લાઈટ પકડીને કોલકાતા આવવું પડશે, જ્યારે કબીરને જગમોહન-જગ્ગેના મૃત્યુની ખબર પડશે ત્યારે રહી નહીં શકે. તાબડતોબ દોડ્યો આવશે.
જગમોહનના હૃદયમાં એક ટીશ ઊઠી. જાણે પોતાના પ્રિય મિત્રને છેતરતો હોય એવા અપરાધબોધની લાગણી થઈ આવી.
‘જગ્ગે, આ તારા કોલકાતામાં લોકો ડિપ્રેશનથી પીડાય છે કે શું? આત્મહત્યાના કિસ્સાઓ દિનબદિન વધતા જાય છે. મેટ્રો સ્ટેશનને તો તમે લોકોએ જાણે મુસાફરી કરતાં છેલ્લી મંઝિલ પર પહોંચવાનું માધ્યમ બનાવી નાખ્યું છે. કેટલાંય લોકો ત્યાં ઝંપલાવી દે છે તો બે-ત્રણ દિવસ પહેલાં છાપામાં સમાચાર વાંચ્યા હતા કે એક સુખી માણસે રસ્તામાં ટ્રક સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું. જગ્ગે, આ સુખી માણસો આત્મહત્યા કેમ કરતા હશે?’
આજે કબીર આપઘાતના વિષય પાછળ બરાબર આદું ખાઈને પડી ગયો છે અને તે પણ આ ટાણે!
‘કબીર, તેં પેલી સુખી માણસનું પહેરણવાળી વાર્તા વાંચી છે ને… આ દુનિયામાં કોઈ સંપૂર્ણ સુખી સંભવી જ ન શકે. સ્યૂસાઈડ કરનાર માણસ વાસ્તવમાં સુખી હોય તો એ મરવાનું શા માટે પસંદ કરે? હકીકતમાં બધાં એને સુખી સમજવાની ભૂલ કરી બેસતા હોય અને પેલો પણ સુખી હોવાનો અભિનય કરતો રહે, છેવટે બેવડી જિંદગીથી કંટાળીને એ આપઘાત કરી લે!’
જગમોહને ફિલસૂફી ડહોળી.
‘અરે વાહ જગ્ગે, તેં વાત તો બહુ જ સરસ કરી. મને ગમી યાર. ગમે તે કહો પણ તને સુખી થતાં આવડ્યું.’ કબીર એના આત્મવિશ્ર્વાસને વધારવા માટે પ્રોત્સાહન આપતો હતો કે પછી નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરતો હતો એ કળવું મુશ્કેલ હતું.
શું ખાક સુખી થતાં આવડ્યું? મનોમન જગમોહને વિચાર્યું સવાર સુધીમાં તેના બધા ભ્રમ ભાંગી જશે.
‘અચ્છા માય ડીયર કબીર, મને એક વાત સમજાવ. તેં સવારના ચાર વાગ્યે કોલકાતામાં વધતા જતા સ્યૂસાઈડના કેસની ચર્ચા કરવા ફોન કર્યો હતો?’ (ક્રમશ:)