વેર- વિખેર -પ્રકરણ -૯૨
જ્યારે થાળીમાં પૂરતું પીરસાતું ન હોય ત્યારે છિદ્રો શું બાકોરાં પણ કરવાં પડે, સાસુમા… બાકી તમે પણ સસરાનું લોહી પીવામાં બાકી નહોતું રાખ્યું…!
કિરણ રાયવડેરા
ગાડી દીવાનના મકાન પાસે અટકી ત્યારે કબીરની ઊંઘ ઊડી. હવે શરીરમાં તાજગીનો અનુભવ થતો હતો. લિફ્ટમાં દાખલ થઈને એ ત્રણેય ઉપર ચડ્યા અને થોડી પળોમાં તો જગમોહન દીવાનના ફલેટની બહાર ઊભા રહ્યા.
બેલ દબાવતા લખુકાકાએ દરવાજો ખોલ્યો.
‘ભાઈને કેમ છે હવે…?’ વફાદાર ઘરનોકરે ચિંતા વ્યક્ત કરી.
‘ભગવાનને પ્રાર્થના કરો કે તમારા ભાઈને સારું થઈ જાય…’ કબીરે લખુકાકાના ખભા ઉપર હાથ રાખતા કહ્યું.
‘મારા જગમોહનભાઈએ તો કોઈનું કદી બગાડ્યું નથી. ભગવાન જાણે એનો કોણ દુશ્મન ફૂટી નીકળ્યો.’ લખુકાકા ત્રણેને અંદર દોરી ગયા. ડ્રાઈવર જાદવ કબીરની બેગ ફલેટમાં પહોંચાડી ગયો.
‘અંકલ, તમે થોડી વાર આરામ કરો.’ કરણે સૂચન કર્યું પણ કબીર ત્યારથી બોલી ઊઠયો: ના, મેં ગાડીમાં આરામ કરી લીધો છે. હું પહેલાં જગ્ગેનો રૂમ જોવા ઈચ્છીશ.’
‘જેવી આપની ઈચ્છા…’ કબીરને પપ્પાના બેડરૂમ તરફ કરણ લઈ ગયો. પ્રભા, પૂજા અને રેવતી પણ આવી ગયાં હતાં.
‘પોલીસ હજી હમણાં જ ગઈ છે.’ પ્રભાએ માહિતી આપી, ‘જતાં જતાં એ લોકો કહેતા ગયા છે કે આ રૂમમાં કોઈ પણ વસ્તુને હાથ લગાડતા નહીં.’
કબીરે માથું હલાવ્યું.
જગમોહન દીવાનનો બેડરૂમ વિશાળ હતો. દીવાલ પર ગ્રાન્ડફાધર કલોક નજરે ચડતી હતી. એક તરફ વોર્ડરોબ હતો. બીજા ખૂણા પર રાઈટિંગ ટેબલ… વિશાલ ડબલ બેડ… ડાબી બાજુ વરંડા નજરે પડતા હતા.
જ્યાં જગમોહન દીવાન ગોળી વાગતાં ફસડાઈને પડ્યો હતો એ જગ્યા પર પોલીસે ચોકથી માનવઆકૃતિ દોરી હતી.
કબીરે નીચે વળીને ફલોર તપાસી. ક્યાંય કોઈ નજર ખેંચે એવી વસ્તુ દેખાતી નથી. એણે સામેની દીલાલ પર નજર દોડાવી. ત્યાં એક કાણું પડેલું જોયું. છિદ્રની આસપાસ પોલીસ અધિકારીએ એક કૂંડાળું દોર્યું હતું.
ઓહ, તો એક ગોળી દીવાલમાં ખૂંપી ગઈ હતી. એનો અર્થ એ જ કે એક ગોળી જગમોહનને વાગી અને બીજી બૂલેટ સામેની દીવાલમાં ખૂંપી ગઈ. હવે જોવાનું એ છે કે જગમોહનને વાગી એ બૂલેટ કોની રિવોલ્વરથી છૂટી હતી, ગાયત્રીની કે કુમાર ચક્રવર્તીની?
કબીરે દીવાલ પરના છિદ્રને તપાસ્યું. અંદરની ગોળી પોલીસના માણસોએ સાવચેતીથી કાઢી લીધી હતી.
કુમાર ચક્રવર્તી અહીં હાજર હતો એવો પુરાવો મળી જાય તો ગાયત્રીને બચાવવું સહેલું થઈ જાય. કબીરે ફરી એક નજર ફલોર પર ફેંકી. ક્યાંય કોઈ સુરાગ મળતો નહોતો.
કબીર બારી પાસે આવ્યો. ગાયત્રીના કહેવા મુજબ કુમાર આ બારી વાટે નાસ્યો હતો. દીવાલ પરના છિદ્રને જોઈને એક તો ખાતરી થઈ ગઈ કે ગાયત્રી ઉપરાંત કુમારે પણ ગોળી છોડી હતી. જે દીવાલ પર બુલેટ વાગી હતી એની પડખે સોફાસેટ પડ્યો હતો અને પછી એક બારી હતી. કુમારને વરંડા દ્વારા ભાગવું સરળ પડયું હોત પણ કદાચ ગભરાટમાં એ બારી વાટે ભાગ્યો હતો. ત્રણ મજલેથી પાઈપ વાટે નીચે ઊતરવું અઘરું નથી, કબીરે વિચાર્યું.
કદાચ કુમારે અડધે પહોંચીને છલાંગ પણ મારી હોય. કેમકે પૂજા અને વિક્રમને બારી બહાર કોઈ દેખાયું નહોતું.
‘બેડ લક, ગાયત્રી,’ કબીર ગણગણ્યો, કાતિલે કોઈ પુરાવો છોડ્યો નથી. જોકે કબીરનો વારસોનો અનુભવ એમ કહેતો હતો કે ગુનેગાર ગમે તેવો પાવરધો કેમ ન હોય, એ પોતાના ‘હસ્તાક્ષર’ ગુનાના સ્થળે છોડતો જાય,પણ અહીં કંઈ દેખાતું નહોતું.
કબીર રાઈટિંગ ટેબલ પાસે આવ્યો.
‘પોલીસ અહીંથી કશું લઈ ગઈ છે?’ કબીરે પૂછયું.
‘ના, એ લોકોએ ખાંખાંખોળા કર્યા હતાં,’ લખુકાકાએ જણાવ્યું, પણ એમને કંઈ મળ્યું નહોતું.’
‘મેં ત્યાંથી એક લાલ રંગનું ફોલ્ડર હટાવી લીધું હતું.’ પ્રભા બોલીને બહાર ગઈ. થોડી ક્ષણોમાં એ લાલ રંગનું ફોલ્ડર લઈને પાછી આવી.
‘આ ફોલ્ડરમાં જગમોહનનું વસિયતનામું છે. હું નહોતી ઈચ્છતી કે આ ફાઈલ પોલીસના હાથમાં પડે એટલે એમને જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે મેં એને કરણના રૂમમાં છુપાવી દીધું હતું.’
‘મારો રૂમ કોઈ ચોરબજાર છે કે જેને ફાવે તે બધા ચોરીનો માલ ત્યાં જ રાખે છે?’ કરણ વિફર્યો.
જતીનકુમાર ખી… ખી કરીને હસવા ગયા પણ કબીર સામે જોતાં એના હાસ્ય પર બ્રેક લાગી ગઈ.
‘ગુડ પ્રભાભાભી, તમે સારું કામ કર્યું…’ ‘કબીરે ફોલ્ડર પોતાના હાથમાં લઈ લેતાં કહ્યું, જો વસિયતનામામાં ગાયત્રીને કંઈક મળવાનું હશે તો પોલીસ એવું અનુમાન લગાવે કે એને પોતાનો હિસ્સો જલદી હડપ કરવો હતો એટલે જગમોહનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. અને માની લ્યો કે એના નામનો ઉલ્લેખ ન હોત તો પણ પોલીસ એવી અટકળ બાંધત કે પોતાના માટે કોઈ જોગવાઈ ન કરી હોવાના કારણે ગાયત્રીએ વેર વાળવાની કોશિશ કરી…’
‘એનો અર્થ એ થયો કે તમે ગાયત્રીને તો હવે કોઈ પણ ભોગે બચાવી લેશો. કુમાર તો મરી ગયો અને ગાયત્રી બચી જાય તો ખાધું, પીધું અને રાજ કીધું… નહીં?’ જતીનકુમાર બોલ્યા.
‘હા, જમાઈબાબુ, વાર્તામાં તો કોઈ ખૂનકેસમાં અણધાર્યા અંત હોય જ, પણ વાસ્તવિક જીવનમાં આવા ડલ અને નિરસ અંત જ હોય છે. સિવાય કે…’ કહીને કબીર અટકયો.
‘સિવાય કે…’ બધાં એક સાથે બોલ્યાં.
‘સિવાયે કે પેલા દાઢીવાળા અર્થાત્ કુમારે ગોળી છોડી જ ન હોય… એ તો ગાયત્રીને જોઈને નાસી ગયો હોય પણ તમારામાંથી કોઈ એક જણે મોકાનો લાભ લઈને જગમોહન પર પાછળથી હુમલો કર્યો હોય. ગાયત્રીની પીઠ તમારામાંથી એક જણ તરફ હોવાને કારણે એ પાછળ જોઈ ન શકી હોય. ગાયત્રીની ગોળી સામેની દીવાલ પર વાગી હોય અને હત્યારાની ગોળી જગ્ગેના પેટમાં સોંસરવી ઊતરી ગઈ હોય… કેમ કે…’ કબીર ફરી અટકયો.
‘અંકલ, કેમ અટકી ગયા…?’ કરણે કપાળ પરથી પરસેવો પોંછતાં પૂછયું.
‘કેમ કે ગાયત્રીએ મને સાંજના જણાવ્યું કે એ જ્યારે આ કમરામાં દાખલ થતી હતી ત્યારે એની પાછળ પાછળ કોઈ આવતું હતું. હવે ગોળી ચાલ્યા બાદ પૂજા પહેલાં રૂમમાં દાખલ થઈ એટલે સમજી કે પૂજા જ એની પાછળ હતી. પણ એ શક્ય છે કે ગાયત્રીની પાછળ તમારામાંથી કોઈ પણ હોઈ શકે… તમે પણ… તમે પણ… તમે પણ…’ કબીરે વારાફરતી જતીનકુમાર, પ્રભા અને પૂજા તરફ આંગળી ચીંધતા કહ્યું અને થોડી ક્ષણો બાદ ઉમેર્યું: અને ‘કરણ… તું પણ…’
બધાં સ્તબ્ધ થઈ ગયાં હતાં.
જતીનકુમાર તો ઊકળી પડયા, આ તારી ટેવ જ ખરાબ છે. રસ્તામાં સિંહ સૂતેલો પડ્યો હોય તો પણ હું એના ગળામાં હાથ નાખીને ગલગલિયાં કરવા જાઉં છું. ભાઈસાબ, તમે સૂતા હતા એ જ સારા હતા, કબીરભાઈ.’ કબીરના ચહેરા પર પલટાતા ભાવને જોઈને જતીનકુમારે ઝડપથી ઉમેર્યું:
આઈ સોરી, ‘કબીરભાઈ ઓન્લી કબીર, ઓ.કે. તમે કહેતા હો તો પાટી પર સો વાર કબીર… લખવા તૈયાર છું.’ જતીનકુમાર ગરીબડા થઈને બોલ્યા.
કબીર હસવા લાગ્યો : ‘ના… ના… આ તો સહજ મજાક કરતો હતો. જો કે આ શકયતાને નકારી ન શકાય. મારા ખ્યાલથી મારે આ એંગલથી પણ વિચારવું પડશે જ. એક વાત તો ચોક્કસ હતી જમાઈબાબુ, તમે બધાં મોકો મળે તો જગમોહનું ખૂન કરવા તૈયાર હતા… તમે જ આ વાત મને કરી હતી, ખરું ને…!’
‘હા, પણ સાહેબ, એ હત્યારાની લાઈનમાં એમના બે સંતાન મોખરે આવે, પછી આવે મારાં ગ્રેટ સાસુમા… બધાં મારા ગરીબડા સસરાનું લોહી પી ગયાં હતાં. બિચારા રાંક માણસ… ઘરનું વાતાવરણ એવું સર્જી દીધું કેબિચારાને આત્મહત્યા કરવાનો વિચાર કરવો પડયો. એમાં બચી ગયા એટલે આ નરાધમોએ એમને અહીં જ પતાવી નાખવાની કોશિશ કરી.’ જતીનકુમાર પોતાના અસલ મિજાજમાં આવી ગયા હતા.
કરણ ગુસ્સાથી રાતોપીળો થતો જતીનકુમાર સામે ઘસ્યો: ‘જમ જેવા જમાઈ, એ ન ભૂલતા કે રિલોલ્વરની ચોરી તમે કરી હતી, અમે નહીં. હજી પણ એ રિવોલ્વર પર તમારા હાથનાં નિશાન તો હશે જ…’
જતીનકુમાર ઝંખવાઈ ગયા, પણ પછી ફરી મરક મરક હસવા લાગ્યા :
‘એ રિવોલ્વર તો ગાયત્રીએ વાપરી છે એ તો હવે આખી દુનિયા જાણે છે.’
‘જમાઈબાબુ, જે થાળીમાં ખાઈએ એમાં જ છેદ ન કરાય.’ પ્રભાએ આકરા શબ્દોમાં જમાઈ પર પ્રહાર કર્યો.
‘જ્યારે થાળીમાં પૂરતું પીરસાતું ન હોય ત્યારે છિદ્રો શું બાકોરાં પણ કરવાં પડે, સાસુમા… બાકી તમે પણ સસરાનું લોહી પીવામાં બાકી નહોતું રાખ્યું…. તમે તો બિલકુલ નિર્દોષ નથી. હત્યારાએ તો એક વાર ગોળી છોડી છે જ્યારે તમે તો દરેક પળે ગોળી છોડીને બિચારા શ્ર્વસુરજીને ઘાયલ કર્યા છે. બધું અહીં ને અહીં જ છે… તમારે તો તમારાં કર્મની સજા ભોગવવી જ પડશે…’
જતીનકુમારનાં વેણ સાંભળીને પ્રભા રડવા માંડી. રેવતીએ પણ પોક મૂકી.પૂજાથી રહેવાયું નહીં :
‘જમાઈબાબુ, તમે આ સારું નથી કરતા.’
ઓ હો… હો… તમે બાકી રહી ગયાં હતાં. કબીરભાઈ, આ પૂજાભાભીને દિવસ-રાત ઊંઘમાં ચાલવાની આદત છે. કોણ જાણે
એમણે આ બીમારીનું બહાનું કાઢયું હોય અને સાચે જ સસરાને પતાવી નાખવાનો કારસો રચ્યો હોય. આમેય ગોળીબાર થયા બાદ સૌથી પહેલાં તો એ આ રૂમમાં પ્રવેશ્યાં હતાં.’
પોતાના પર હુમલો થતાં જોઈ પૂજા તો અવાચક થઈ ગઈ.
‘જતીનકુમાર,’ કબીરે પૂછયું:
‘પૂજા શા માટે એના સસરાનું ખૂન કરવા ઈચ્છે?’
‘ગુડ કવેશ્ર્ચન… તો સાંભળો, એમના ભાઈ એટલે કે જય, આપણા જગમોહન શેઠ પાસેથી નાણાંની મદદ લેવા આવ્યા હતા. સસરાજીએ તો રાબેતા મુજબ ના પાડી દીધી. બસ, પોતાના પિયરને તારાજીમાંથી બચાવવા પૂજાએ આ પગલું ભર્યું હોય શકે..એકવાર જગમોહનનું મૃત્યુ થાય તો વિક્રમને મળતા હિસ્સામાંથી પોતાના પિયરને બચાવી શકાય.’
‘જમાઈબાબુ, બધાં ખૂની હોઈ શકે એ તો તમે પુરવાર કરી દીધું. હવે મને સમજાવો કે તમે જ શા માટે સસરાની હત્યા કરવાની કોશિશ ન કરી હોય?’
‘અનધર ગુડ ક્વેશ્ર્ચન… પણ સાહેબ, હું રિલોલ્વરને ભંગારમાં વેચીને બે રૂપિયા કમાવવા ઈચ્છું, આ ખૂન-બૂન કરવું સારું કામ નહીં…’
‘કેમ તમે સીધા ઉપરથી ઊતરી આવ્યા છો?’ કરણે ખીજ ઉતારી, પછી કબીર તરફ ફરીને કહ્યું:
‘અંકલ, આ માણસને તો છોડતા જ નહીં.’
રેવતી અને જતીનકુમારને છોડીને બધાંએ એકસૂરે કહ્યું:
‘હા, સાહેબ, આને છોડતા નહીં.’
‘જુઓ’, કબીરે ખિન્ન સ્વરે કહ્યું: ‘આ ઘરનું વાતાવરણ જોઈને હું ખરેખર પારાવાર ગ્લાનિ અનુભવું છું….તમારામાંથી કોઈએ ખૂન કર્યું છે કે નહીં એ તો સમજ કહેશે, પણ તમે બધાં ઓછેવત્તે અંશે દોષી છો એ હકીકત છે. એક સ્વસ્થ માણસની જિંદગીને નરક જેવી બનાવવાનો ગુનો તમે બધાએ આચર્યો છે. અફસોસ એ છે કે રિવોલ્વરથી ખૂન કરનાર માટે કાયદામાં સજાની જોગવાઈ હોય છે, પણ માનસિક રીતે કોઈની કતલ કરવાના ગુનાને સાબિત કરવો બહુ જ મુશ્કેલ છે, લગભગ અશક્ય કહી શકાય.’
રૂમમાં ભારેખમ મૌન પથરાઈ ગયું.
‘વિક્રમને બોલાવીને હું તમારાં બધાં સાથે એક-બે મિટિંગ કરવા કરી કોણે ખૂન કરવાનો પ્રયાસ કર્યો છે એનો તો હું પત્તો મેળવીને જ રહીશ… બાકી મારી નજરે તમે બધાં ગુનેગાર છો… અને હા, મારા તરફથી આ વાત વિક્રમને કહી દેજો.’
કબીરના સેલના રિંગટોને કબીરના વાણીપ્રહારને અટકાવી દીધો.
‘હલ્લો…’ કબીરે બધાં પર એક નજર નાખતાં કહ્યું.
‘કબીર, ટેસ્ટનાં પરિણામ આવી ગયાં છે.’ સામે છેડેથી કમિશનર રવિ શ્રીવાસ્તવનો અવાજ હતો.
‘રવિ, આય કાન્ટ બીલીવ ઈટ… આટલું જલદી કેવી રીતે શક્ય બન્યું?’ કબીર અચંબો પામી ગયો.
‘કબીર, તું જાણે છે કે પોલીસ જ્યારે કંઈ કરવા ઈચ્છે છે ત્યારે કરીને દેખાડે છે.’
‘ઓ.કે…. ગુડ, નાઉ ટેલ મી, ન્યૂઝ સારા છે કે ખરાબ?’
‘ન્યૂઝને સારા પણ નહીં કહું અને ખરાબ પણ ન કહી શકાય…હા, એક અણધાર્યો વળાંક જરૂર આવ્યો છે એવું કહી શકાય…’
‘રવિ… પ્લીઝ, ગો અહેડ..’ કબીરની પોતાની જિજ્ઞાસા ઊછાળી.
‘તો સાંભળ,’ રવિ શ્રીવાસ્તવને ખોંખારો ખાતાં વાત શરૂ કરી :
‘ગાયત્રીએ પોતાની રિવોલ્વરમાંથી ગોળી છોડી, અને કુમાર ચક્રવર્તીએ પણ પોતાની રિવોલ્વર વાપરી હતી, દીવાલ પર ખૂંપી ગયેલી ગોળી કુમાર ચક્રવર્તીની રિવોલ્વરથી છૂટી હતી…’
‘ઓહ,’ કબીર નિરાશ થઈ ગયો. ગાયત્રીને બચાવવાની રહી સહી આશા પર પાણી ફરતું લાગ્યું.
‘કબીર, કહાનીમાં ટ્વીસ્ટ હવે આવે છે. ગાયત્રીએ પણ રિવોલ્વર ચલાવી હતી એ ખરું, પણ એ ગોળી જગમોહનને વાગી જ નથી..!.’
‘એટલે?’ કબીર ચિલ્લાયો.
‘યસ… જગમોહન દીવાનના શરીરમાંથી જે ગોળી નીકળી છે એ કોઈ ત્રીજી જ રિવોલ્વરમાંથી છૂટી છે. એટલે કે એકસાથે ત્રણ રિવોલ્વર ચાલી હતી અને જગમોહનને જે બુલેટ વાગી એ ત્રીજી રિવોલ્વરમાંથી છૂટી હતી…!
(ક્રમશ:)