વેર- વિખેર -પ્રકરણ -૫૨
ટેલિફોન બૂથથી ફોન કરીને કોઈ થર્ડ ગ્રેડના ટપોરી જેવા ધમકી દેવા કરતાં સામે આવ ને તો મજા પડી જાય…!
કિરણ રાયવડેરા
જો શ્યામલીએ ફોન ઊંચક્યો હતો તો પછી દૂરથી વાસણનો અવાજ કેવી રીતે આવતો હતો?નશ્યામલીના ફ્લેટમાંથી નીકળ્યા બાદ આ પ્રશ્ન વિક્રમનો પીછો નહોતો છોડતો. કારમાં બેઠો અને થોડે દૂર સુધી કાર હંકારી પણ મન નહોતું માનતું.
ધીમો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. એણે કારને યુ-ટર્ન ઘુમાવી. આજે જ્યારે નક્કી કર્યું છે કે શંકાનું પૂર્ણ રીતે સમાધાન કરવું તો પછી એક પણ મુદ્દો બાકી રહી જાય એવું ન કરવું જોઈએ. નહીંતર હંમેશાં એને વહેમ રહ્યા કરશે અને શંકા એનો કેડો નહિ મૂકે.
રાબેતા મુજબ એણે કારને દૂર પાર્ક કરી અને નીચે ઊતર્યો. વરસાદને કારણે એણે ગાડીમાંથી ઊતરીને શ્યામલીના મકાન તરફ ઝડપથી ચાલવાનું પસંદ કર્યું.
એ જ ક્ષણે કોઈ દાઢીવાળો માણસ એની સાથે અથડાઈ ગયો હતો ત્યારે નવિક્રમ પડતાં પડતાં બચી ગયો. બેવકૂફ… વિક્રમ બોલ્યો તો ખરો, પણ એને થયું કે ભૂલ પોતાની હતી. એટલે મોટેથી ‘સોરી’ કહી એ આગળ નીકળી ગયો હતો.
જોકે, આ દાઢીવાળી વ્યક્તિ આટલી પરિચિત કેમ લાગતી હતી? એણે આ માણસને ક્યાં જોયો હતો?નવિક્રમ દોડીને ફુટપાથ પર ઊભો રહી ગયો. થોડી ક્ષણો સુધી ત્યાં ઊભા રહ્યા બાદ એણે શ્યામલીના મકાન તરફ એક દૃષ્ટિ ફેંકી ત્યારે પેલી દાઢીવાળી વ્યક્તિ ભીડમાં વિલીન થઈ ગઈ.
એ જ વખતે વિક્રમને યાદ આવ્યું કે એણે પેલો ચહેરાને ક્યાં જોયો હતો.
શ્યામલીના બેડરૂમની દીવાલમાં લટકતી તસવીરમાં એણે આ ચહેરો જોયો હતો. શ્યામલી કહેતી હતી કે આ એના પતિનો ફોટોગ્રાફ છે. એ ફોટોમાં શ્યામલીના પતિને દાઢી નહોતી. તો શું આ માણસ શ્યામલીનો પતિ હતો? પણ શ્યામલી તો કહેતી હતી કે એના પતિનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું છે અને એ એક વિધવાનું જીવન જીવી રહી છે.
- તો પછી શ્યામલીનો પતિ જીવિત હતો?
કરણનો પત્ર વાંચીને જગમોહન સામે જોઈ રહી ગાયત્રી જગમોહનના ચહેરા પર આઘાતની લાગણી છવાયેલી હતી.
શહેરના નામાંકિત ઉદ્યોગપતિના નાના પુત્રને પિતા માટે કોઈ ગેરસમજ ઊભી થઈ હતી. એણે લખ્યું હતું કે ’ જતીનકુમાર એવા ખબર લઈને આવ્યા છે કે તમે આ મકાનના એક ફ્લેટમાં કોઈની સાથે બે દિવસથી રહો છો.’
ગાયત્રી વિચારતી હતી… કરણ એના વિશે કેવી કેવી ગેરમાન્યતાઓ બાંધી બેઠો હશે.
કરણે લખ્યું હતું- ‘પપ્પા, હું ઈચ્છું છું કે તમે ઉપર ન હો, પણ જો તમે ત્યાં છો તો આ પત્ર તમારા હાથમાં આવે કે તરત જ નીચે આવી જજો… હું પંદર મિનિટ તમારી રાહ જોઈશ…’ ઈચ્છતો હતો કે એના પિતા ઉપર ન હોય તો સારું.
‘કાકુ, શું લાગે છે? તમે શું વિચારો છો?’ ગાયત્રીએ પૂછ્યું.
‘હું નીચે જાઉં છું, ગાયત્રી, આ બધાં કરતૂત અમારા જમાઈનાં છે. હું એ વિચારતો હતો કે એને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું ? જગમોહન મૂંઝવાયેલો લાગતો હતો. અચાનક એનો સેલ રણકી ઊઠ્યો.
‘હલ્લો, મિ. દીવાન…’ સામે છેડે ભારેખમ અવાજ ગુંજી ઊઠ્યો.
‘બોલું છું, તમે કોણ?’ જગમોહનને આ અવાજ ગમ્યો નહીં.
‘મને ન ઓળખ્યો? હમણાં થોડી વાર પહેલાં જ તમારી સાથે વાત થઈ હતી…’
જગમોહનને ખ્યાલ આવી ગયો કે એના દુશ્મન ફરી લાઈન પર આવ્યો હતો.
‘ટેલિફોન બૂથથી ફોન કરીને કોઈ થર્ડ ગ્રેડના ટપોરી જેવી ધમકી દેવા કરતાં સામે આવ ને તો મજા પડી જાય…’
જગમોહને ઘડિયાળમાં નજર કરી. કરણ ફક્ત પંદર મિનિટ જ એની રાહ જોવાનો હતો. હવે માત્ર ૭ મિનિટ બચી હતી.
‘ઓ.કે. મિસ્ટર દુશ્મન, હમણાં હું ઉતાવળમાં છું એટલે તારી સાથે વાત નહીં કરી શકું. પછી ફોન કરજે. નિરાંતે પેટભરીને વાતો કરશું. જગમોહને કડવાશથી કહ્યું.
‘યસ , હું જાણું છું તમને શેની ઉતાવળ છે. તમારો નાનો દીકરો કરણ નીચે તમારી રાહ જુએ છે. જગમોહન દીવાન, હું જો ધારું તો હમણાં જ તમારા લાડકાને અહીં જ ટપકાવી શકું છું કે પછી એને ઉપાડીને ક્યાંક દૂર જંગલમાં એને લઈ જઈ શકું છું. પછી શોધ્યા કરજો તમારા સંતાનને આખી જિંદગી…’
જગમોહનને ધ્રાસકો પડ્યો. આ માણસનું ભલું પૂછવું. કરણને કંઈ કરી બેસશે તો…
‘જો એક વાત કાન ખોલીને સાંભળી લે. મારા દીકરાને કંઈ થયું છે તો સમજી લેજે કે તારો ભગવાન પણ તને બચાવી નહીં શકે. આમે તારી દુશ્મની મારી સાથે છે, મારા કરણ સાથે નહીં એટલે એને વચ્ચે નહીં લાવતો.’
‘શત્રુનું કોઈ પણ રીતે અહિત થાય એ જોવાનું કામ મારું છે. દુશ્મનને માર્ગમાંથી દૂર કરી દેવો જોઈએ એવું તો આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે. તમે મારા માર્ગમાં આડા આવો છો, મિ. દીવાન, એટલે તમને હટાવવા બહુ જરૂરી છે. તમે નહીં હઠો તો તમારા કોઈ સ્વજનને દૂર કરીને તમને વધુ ને વધુ આઘાત પહોંચે એવી વ્યવસ્થા હું કરી આપીશ.’
‘હું કઈ રીતે તારા માર્ગમાં આવું છું એ તો મને સમજાવ…’ જગમોહન બોલવા ગયો પણ પેલાએ લાઈન કાપી નાખી હતી.
જગમોહને ચિંતાતુર નજરે ગાયત્રી સામે જોયું.
‘કાકુ, તમે ફિકર કરો નહીં. કરણને કંઈ નહીં થાય. જેને કરવું હોય એ આ રીતે ફોનમાં ડંફાસ ન માર્યા કરે. તમે નીચે જઈ કરણને મળી લો. હવે સમય નથી.’
જગમોહને ઘડિયાળ સામે જોયુ.ચાર મિનિટ બાકી હતી. જગમોહન નીચે જવા દોડ્યો.
ગઈ કાલથી જે દોડ શરૂ થઈ છે એ હજી પૂરી નથી થઈ.જગમોહન રસ્તા પર આવ્યો.
કરણ ક્યાંય દેખાતો નહોતો.
જગમોહન થોડે સુધી ચાલીને પાછો આવ્યો. દૂર દૂર સુધી કરણનો પત્તો નહોતો. કદાચ પહેલી વાર ગાયત્રી ખોટી પડશે.
જગમોહનને ડર લાગવા માંડ્યો હતો.નશક્ય છે કે પેલા માણસે કરણનું કિડનેપિંગ કરી લીધું હોય. એનું પોતાનું અપહરણ થયું હતું ત્યારે એને ડર નહોતો લાગ્યો, પણ કરણનું કિડનેપિંગ થાય તો…!ન એ જ સેક્ધડે એણે સામેથી કરણને આવતો જોયો. ભીડમાં એનો ચહેરો વારંવાર ક્ષણેક માટે ખોવાઈ જતો હતો , પણ એ કરણ જ હતો.
જગમોહન દોડ્યો. કરણને બાથમાં લઈને ભેટવાની એને તીવ્ર ઈચ્છા થઈ આવી.
જગમોહન સામે જોઈને કરણે હાથ ઊંચો કર્યો.
જગમોહને પણ હાથ ઊંચો કર્યો.
એ જ વખતે એક મારૂતિ વાન બંનેની વચ્ચે આવીને ઊભી રહી ગઈ અને કરણ દેખાતો બંધ થઈ ગયો.
ક્યાં ગયો કરણ?
‘એ સૂનો…’ ચીસ પાડતો જગમોહન દોડ્યો.
વરસાદથી બચવા કુમાર માથા પર રૂમાલ ઢાંકીને સામેની ફૂટપાથ તરફ જવા દોડ્યો ત્યારે એ એક વ્યક્તિ સાથે અથડાયો હતો.
પહેલાં તો એ વ્યક્તિને ઓળખી ન શક્યો. દોડીને સામે પહોંચ્યા બાદ અચાનક એને ખ્યાલ આવ્યો કે એણે આ માણસને થોડી વાર પહેલાં પોતાના જ ફ્લેટમાં જોયો હતો.
એનું નામ હતું : વિક્રમ દીવાન.
કુમાર ધ્રૂજી ગયો.
વિક્રમ દીવાન તો ક્યારનો એના ફ્લેટમાંથી નીકળી ચૂક્યો હતો તો અત્યાર સુધી એ મકાનની બહાર શા માટે આંટા મારે છે? કે પછી મેં કોઈ લોચો માર્યો? બિચારી શ્યામલી પ્લાન સફળ થાય એ માટે આટલી જહેમત ઉઠાવે છે અને પોતે વારંવાર મૂર્ખાઈ
કર્યા કરે છે! થોડી વાર ફ્લેટમાં રહી ગયો હોત તો…!
પણ વિક્રમ અત્યાર સુધી અહીં શા માટે રોકાઈ ગયો? એ શું જાણીજોઈને એની સાથે ભટકાયો હશે? જો એને શક પડ્યો હોય તો એ ચૂપચાપ દૂરથી તાલ જોયા કરે, સામે ચડીને એની સાથે અથડાવા ન આવે!
એનો અર્થ એ કે વિક્રમ દીવાન સાથેનો એનો નાનકડો ‘અકસ્માત’ એક સંયોગમાત્ર હતો, એક યોગાનુયોગ હતો કે પછી કુદરતે એક સંકેત આપ્યો કે ચેતી જાવ, નહીતર મોટો એક્સિડન્ટ થશે.
કુમારે ખિસ્સામાંથી સેલ કાઢ્યો… શ્યામલીને ચેતવી દેવી જોઈએ. શ્યામલી એને ઠપકો આપશે પણ બીજો કોઈ ઉપાય નથી. શ્યામલી જ આ મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢશે એવો એને વિશ્વાસ હતો.
કુમારે ફોન જોડ્યો.
વિક્રમને ક્યાંય ચેન નહોતું પડતું.
કારમાં ગોઠવાયા બાદ એણે ઇગ્નીશન કી ઘુમાવીને કારને સ્ટાર્ટ કરી પણ પછી શું સૂઝ્યું કે એણે કાર બંધ કરી દીધી.
‘શું કરવું?’
વિક્રમ અવઢ્વમાં હત્તો. થોડી વાર પહેલાં એ જે દાઢીવાળા સાથે ભટકાયો હતો એનો ચહેરો શ્યામલીના પતિ સાથે હૂબહૂ મળતો આવતો હતો. શ્યામલીના બેડરૂમમાં ઝૂલતી એની તસવીરમાં શ્યામલીના પતિનો ચહેરો વારંવાર આંખ સમે તરવર્યા કરતો હતો.
હા, ફોટોગ્રાફમાં દાઢી નહોતી,
પણ ચહેરો ઓળખવામાં વિક્રમ થાપ ખાય તેમ નહોતો. અથડાયો ત્યારે કદાચ એને શંકા હતી પણ ધીમે ધીમે એને ખાતરી થવા માંડી કે એની સાથે ટકરાયો એ માણસ અસલ શ્યામલીના પતિ જેવો લાગે છે.નજોકે આ માત્ર યોગાનુયોગ – એક કો-ઇન્સિડેન્સ પણ હોઈ શકે, વિક્રમે વિચાર્યું.
શ્યામલીના મકાનની બહાર એના ‘મૃત’ પતિ જેવો ચહેરો ધરાવતો માણસ, એના પતિનો હમશકલ આંટા મારતો હોય એ યોગાનુયોગ ન જ હોઈ શકે.
તો પછી?
એ શું ખરેખર શ્યામલીનો પતિ હતો તો એ બંને પતિ-પત્ની શહેરના નામાંકિત ઉદ્યોગણતિના માલદાર પુત્રને ફસાવવા કોઈ ચાલ રમતાં હશે? બંનેએ મળીને એને જાળમાં લેવા કોઈ ષડ્યંત્ર રચ્યું હશે?
અને જો એવું જ કરવું હોય તો શ્યામલીના પતિએ જીવતા હોવા છતાંય ‘મરવાની’ શું જરૂર હતી?
વિક્રમને લાગ્યું કે મામલો એ ધારે છે એના કરતાં વધુ પેચીદો અને ગંભીર છે.
શ્યામલીનો પતિ શું કરતો હતો એની માહિતી કઢાવવી જોઈએ. વિક્રમે ઑફિસે ફોન કર્યો. સેક્રેટરીને ફોનમાં કહ્યું :
‘પુટ મી ટુ કામથ – ધીસ ઈઝ વિક્રમ હિયર.’
ફોન તાત્કાલિક દીવાન ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રિઝ’ના ફાઇનાન્સ એડ્વાઇઝર વિજય કામથને ટ્રાન્સફર કરવામાં આવ્યો.
‘યસ વિક્રમભાઈ…’ કામથના અવાજમાં કાર્યદક્ષતા છલકાતી હતી.
વિજય કામથને શ્યામલીના ફ્લેટસનું સરનામું આપતાં વિક્રમે કહ્યું :
‘લૂક, આ શ્યામલી ચક્રવર્તી પોની જાતને ‘વિધવા’ તરીકે ઓળખાવે છે. એનો પતિ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. એનું નામ કાંત ચક્રવર્તી અથવા કુમાર ચક્રવર્તી જેવું કંઈક હતું એવું યાદ આવે છે. બટ, આઈ એમ નોટ શ્યોર… મારે આ માણસ વિશે બની શકે એટલી ઇન્ફર્મેશન જોઈએ.’
‘સર, સામાન્ય રીતે નામ વગરની વ્યક્તિ વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન કઢાવવી અશક્ય ગણાય. પણ તમે જે માણસની વાત કરો છો એ કદાચ આપણી ઑફિસમાં આવ્યો હતો. એનું નામ કુમાર ચક્રવર્તી હતું. એને લોન જોઈતી હતી એટલે એ એક ફાઇનાન્સ બ્રોકર સાથે આપણી ઑફિસે આવ્યો હતો, પણ આપણે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે માણસ પગથી માથા સુધી કર્જમાં ડૂબેલો હતો. હું ફક્ત એ જ કુમાર ચક્રવર્તીને ઓળખું છું. હવે હું પેલા દલાલને ફોન કરીને એનું સરનામું જાણી લઈશ, જેથી આ એ જ માણસ છે કે કેમ એ ખબર પડી જાય. બટ સર, ઈઝ ધેર એની પ્રોબ્લેમ?’
‘નેવર માઇન્ડ… તમે તપાસ કરી મને ફોન કરી મ જણાવો.’ કહીને વિક્રમે લાઇન કાપી નાખી.
ઓહ, તો શ્યામલીનો પતિ દેવાદાર હતો. દેવામાંથી મુક્ત થવા માટે એ લોકોએ અકસ્માત અને મોતનો ત્રાગડો રચ્યો હોય. તો?
વિક્રમ ધ્રૂજી ઊઠ્યો.
શ્યામલી કેટલી ભોળી અને નિર્દોષ દેખાય છે. શું એ પૈસા ખાતર આટલી હદે નીચી ઉતરી શકે?
પછી તરત જ વિક્રમ દીવાનના મનમાં એક વિચાર ઝબકી ગયો. જો જગમોહન દીવાનનો પુત્ર વિક્રમ એક વિધવા માટે આટલી હદે પડી શકે તો પછી એક સ્ત્રી પૈસા માટે શું ન કરીન શકે?
વિક્રમ કારમાંથી નીચે ઊતર્યો.
વરસાદ અટકી ગયો હતો. એણે સામેની ફૂટપાથ તરફ જોયું. શ્યામલીનો દાઢીવાળો પતિ ક્યાંય દેખાયો ન હતો.
જો ખરેખર આ વ્યક્તિ શ્યામલીનો વર નીકળશે તો એને ખૂબ જ આઘાત લાગશે, વિક્રમ વિચારતો હતો.
એણે શ્યામલીના મકાન તરફ દૃષ્ટિ કરી. આટલી માથાકૂટ કરવા કરતાં શ્યામલીને જ સીધું પૂછી લેવું જોઈએ :
‘બોલ, તેં આવું શા માટે કર્યું? તારું બધું કર્જ હું ભરપાઈ કરી આપીશ , પણ પહેલાં એ કહે કે તે તારા પતિ સાથે મળીને મારી સામે આવડો મોટ કારસો શા માટે રચ્યો?’
વિક્રમે વિચારમાં ધીરે ધીરે શ્યામલીના મકાન તરફ ચાલવાનું શરૂ કર્યું. એ જ વખતે એનો સેલ રણક્યો.
વિજય કામથનો ફોન હશે એમ વિચારીને એણે બેધ્યાનપણે મોબાઈલ કાને લગાડીને હલો’ કહ્યું.
સામે છેડે પરિચિત અવાજ સાંભળીને એ આઘાતની અને આશ્ચર્યમિશ્રિત લાગણી અનુભવી રહ્યો.
સામે છેડે શ્યામલી હતી.
‘વિક્રમબાબુ, સોરી, તમને ડિસ્ટર્બ કરું છું. મને ખબર છે તમે ઑફિસે પહોંચી ગયા હશો, પણ તમે હમણાં જ મારા ફ્લેટ પર આવી શકો છો? બહુ જ અર્જન્ટ કામ છે.’
‘શું થયું, શ્યામલી? તું આટલી ગભરાયેલી શા માટે છો ?’ વિક્રમના અવાજમાં ચિંતા છલકાઈ ઊઠી.
‘વિક્રમબાબુ, તમે તાબડતોબ મારા ઘરે આવી જાઓ. મારી જિંદગી જોખમમાં છે.’
(ક્રમશ:)