વેર- વિખેર -પ્રકરણ ૪૦
રૂપા, તારા માટે હું આ બધું જ ત્યાગી શકું છું. મારાં માબાપને, ઘરને, આ કરોડોની સંપત્તિને લાત મારી શકું છું!
કિરણ રાયવડેરા
જતીનકુમારના હાથમાંથી પપ્પાની ડાયરી ઝૂંટવી લીધા બાદ કરણના જીવમાં જીવ આવ્યો. એ તો ડાયરી વિશે ભૂલી જ ગયો હતો.નરાઇટિંગ ટેબલ પરથી લીધા બાદ એણે પેકેટમાં સંતાડી દીધી હતી. પણ પછી ડાયરીની વાત જ વીસરાઈ ગઈ હતી. સારું થયું કે રાઇટિંગ ટેબલ તરફ ફરી આવતાં એને યાદ આવી ગયું અને એ દોડીને જમાઈ વાંચે એ પહેલાં એના હાથમાંથી આંચકી આવ્યો.
ભગવાન જાણે પપ્પાએ શું લખ્યું હશે એ ડાયરીમાં ! આજે તો નિરાંતે વાંચીશ. આમ તો કોઈની અંગત ચીજ વાંચવી નૈતિક રીતે ગુનો ગણાય, પણ કોણ જાણે કેમ કરણને લાગ્યા કરતું હતું કે પપ્પાનું બે દિવસ સુધી ગાયબ રહેવું અને ફોન કરીને રિવોલ્વર વિશે પૂછવું એ રહસ્યનો ઉકેલ એને ડાયરીમાંથી મળી રહેશે.
આજે તો જે થાય તે ડાયરી વાંચવી જ છે. પછી પપ્પાની માફી માગી લઈશ. સારું કામ કરવા માટે કદાચ ખોટો રસ્તો અજમાવવો પડે તો એ પાપ ન કહેવાય.
કરણ પોતાની રૂમમાં ઘૂસ્યો. બનેવીએ પોતાનો બેડરૂમ પચાવી પાડ્યા બાદ એ બે કલાકથી નવા રૂમમાં શિફ્ટ થઈ ગયો હતો , પણ જાણે પાડોશીના ઘરે રહેતો હોય એવો અનુભવ થતો હતો.
પલંગ પર લંબાવીને એણે પપ્પાની ડાયરી ખોલી. બે દિવસ પહેલાંની એન્ટ્રી વાંચવાની શરૂઆત કરે ત્યાં જ એનો સેલ રણકી ઊઠ્યો.
‘હાય…’ સામેથી મધુર ઘંટડી જેવો રણકાર સંભળાયો. કરણના રૂંવાટાં ઊભાં થઈ ગયાં.
રૂપા…!
કરણ બધું જ ભૂલી ગયો. જતીનકુમાર, રેવતી, પપ્પા, મમ્મી, ડાયરી બધું જાણે એના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયું. રહી ગઈ ફક્ત રૂપાની છાયા- રૂપાનો અવાજ.!
‘કરણ, શું થયું ? મેં તને ‘હાય’ કહ્યું… તેં જવાબ પણ ન આપ્યો. બેડ મેનર્સ…!’ રૂપાએ ફોનમાં છણકો કર્યો.
‘આઈ… આઈ એમ સોરી, રૂપા, તારો ફોન આવ્યો એટલે હું એટલો ખુશ થઈ ગયો કે જવાબ આપવાનું ભૂલી ગયો.’ કરણ ગૂંચવાઈ ગયો.
‘વાત કરતાં તો કોઈ તારી પાસેથી શીખે.’ રૂપાએ ટહુકો કર્યો.
કરણને લાગ્યું કે આ વાક્ય એણે ઘણી વાર સાંભળ્યું છે, કદાચ ફિલ્મોમાં, પણ રૂપાના મોઢે આ શબ્દોને નવો અર્થ મળતો હતો.
‘નો… નો… રૂપા રિયલી… આઈ લવ યૂ સો મચ…’ કરણને બીજું કંઈ ન સૂઝતાં બોલી નાખ્યું.
‘કેટલો ? કરણ, તું મને કેટલો પ્રેમ કરે છે?’
રૂપાએ એના અવાજમાં વધુ મીઠાશ ભેળવીને પૂછ્યું. કરણ પાણી પાણી થતો હતો. રૂપા પાસે ઊભી હોત તો એને બાહુપાશમાં જકડી લેત.
અચાનક કરણને યાદ આવ્યું કે એ પહેલી વાર રૂપા સામે પ્રેમનો એકરાર કરી બેઠો હતો અને રૂપાએ વાંધો પણ નહોતો લીધો.
‘રૂપા, તને આશ્ચર્ય ન થયું મેં આજે પહેલી વાર તારી સમક્ષ મારા પ્યારની કબૂલાત કરી ?’ કરણના મનમાં આનંદના ફુવારા ઊઠતા હતા.
‘કરણ, હું મૂરખ નથી. મને ખબર છે કે તું મને ચાહે છે. હું મારી જાતને બહુ જ લકી માનું છું કે દીવાન ખાનદાનનો એક વારસદાર મને ચાહે છે.’
‘રૂપા, તારા માટે હું આ બધું જ ત્યાગી શકું છું. મારાં માબાપને, ઘરને, આ કરોડોની સંપત્તિને લાત મારી શકું છું’ કરણ ભાવાવેશમાં આવી ગયો હતો.
‘એઈ એવી કોઈ મૂર્ખાઈ નહીં કરતો… આઈ મીન, તું મને પ્રેમ કરે છે એની મને ખાતરી છે. એના માટે તારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી. મને પ્રોમિસ આપ કે તું મને પૂછ્યા વિના તારા ઘરને નહીં છોડે….’ રૂપાએ લાડથી કહ્યું.
‘પ્રોમિસ… ડાર્લિંગ… પ્રોમિસ… તું કહીશ એ જ હું કરીશ.’ કરણ બોલતો જતો હતો.
‘બોલ, શું કરું તારા માટે ?’
‘કરણ, તારા બનેવીને કહીને મને ફિલ્મમાં કોઈ રોલ અપાવ ને !’ રૂપાએ કહી નાખ્યું.
કરણના માથે જાણે આભ તૂટી પડ્યું. અહીં પણ બદમાશ જતીનકુમાર પીછો નથી છોડતો, પણ રૂપા કેવી રીતે માની બેઠી કે જતીનકુમાર ફિલ્મ પ્રોડ્યુસર છે?
‘કેમ ચૂપ થઈ ગયો ? હમણાં તો તું કહેતો હતો કે મારા માટે બધું જ કરી શકે છે. હવે શું થઈ ગયું ?’
‘ના… ના… મારા બનેવી કોઈ ફિલ્મ નથી બનાવતા.’ કરણને સૂઝ્યું નહીં આગળ શું બોલવું. પોતાનો બનેવી બે નંબરી માણસ છે’ એવું રૂપાને કહીશ તો ખાનદાનની આબરૂ ધોવાઈ જશે.
‘કરણ, તારે મદદ ન કરવી હોય તો ના પાડી દે. કૈલાશ તો તારા બનેવીનાં કેટલાં વખાણ કરતો હતો. એ કહેતો હતો કે એક વાર તારા બનેવી મને એની ફિલ્મમાં ચમકાવી દે તો પછી ફિલ્મો અને મોડેલિંગની દુનિયામાં મારો સિતારો ચમકી જશે.’
ઓહ ! તો આ કૈલાશનાં કારસ્તાન છે. કૈલાશને એની રૂપા સાથેની મૈત્રી ખટકતી હતી. કદાચ એને પણ રૂપા ગમતી હતી. જે પણ હોય, હમણાં તો કૈલાશે એને આબાદ ફસાવી દીધો હતો. હવે એ જતીનકુમારની વિરુદ્ધ પણ નહીં બોલી શકે અને કૈલાશની પણ વિરુદ્ધ કંઈ નહીં કહી શકે.
‘ઓ.કે. રૂપા, લેટ મી ટ્રાય. હું મારા બનેવીને વાત કરી જોઈશ.’ કરણે નાછૂટકે ખાતરી આપવી પડી.
‘ધેટ ઇઝ લાઈક અ ગુડ બોય… કરણ, ફિલ્મોમાં આવવા માટે શરૂઆત ફેશન-મોડેલિંગની દુનિયાથી કરવી પડે છે. એટલે આવતા અઠવાડિયે હું આપણી કોલેજના રેમ્પ-શોમાં ભાગ લેવાની છું. પ્લીઝ ડુ કમ…’
‘રૂપા…’ કરણ આગળ બોલી ન શક્યો. રૂપા મોડેલ બનશે ? રેમ્પ શોમાં પોતાના દેહનું પ્રદર્શન કરશે ?
ફોનમાં વાત કરતાં કરતાં કરણે આંખો મીંચી લીધી. જાણે આગળનું દૃશ્ય જોઈ ન શકાતું હોય. દીવાન ખાનદાનની ભાવિ વધૂ મોડેલ બનશે.
‘કરણ, કૈલાશે મને પ્રોમિસ આપ્યું છે કે આવતા અઠવાડિયે કોલેજમાં થનારા ફેશન શોમાં એ મને જરૂર બ્રેક આપશે. બી અ સ્પોર્ટ. કૈલાશનાં વખાણ કરીશ તો કંઈ લૂંટાઈ નથી જવાનું. હી ઈઝ સચ અ નાઇસ ગાય.’
કૈલાશ પર રુપા વારી જતી હતી, પણ કરણના હૃદયમાં ખંજર ભોંકાતું હતું.
આ છોકરીઓને જરા જેટલી મદદ કરો કે એમને માટે છોકરાઓ ‘નાઈસ ગાયઝ’ થઈ જાય. એને ભોળપણ કહેવું કે બેવકૂફી એ કરણ નક્કી ન કરી શક્યો.
‘કરણ, યુ આર જેલસ… રાઈટ ? તને કૈલાશની ઈર્ષા થાય છે, ખરું ને ?’ રૂપાએ કરણને પડકાર્યો.
‘નો… રૂપા… હું શા માટે જેલસી ફીલ કરું ?’ કરણ ખોટું બોલ્યો :
‘બટ, રૂપા, તું મોડેલ… તું રેમ્પ પર ચાલીશ… એને શું કહેવાય… કેટવોક કરીશ?’
‘યસ, વ્હાય નોટ, કરણ, ડોન્ટ બી ઓલ્ડ-ફેશન્ડ. મને તો કૈલાશે કહ્યું કે તું આ પ્રોગ્રામને સ્પોન્સર કરવાનો છે.’
કૈલાશે એને ઠીક સાણસામાં લીધો હતો. હવે જો ના પાડે તો રૂપા સામે નાક કપાય. અને પપ્પા પાસે ફેશન શોના સ્પોન્સરશિપ માટે રૂપિયા માગીશ તો મારું ગળું કાપી નાખશે.
‘ઓકે કરણ, કૈલાશ મારી રાહ જોઈ રહ્યો છે. અમે રિહર્સલમાં જઈએ છીએ. તું બનેવીને વાત કરવાનું ભૂલતો નહીં. ઓ.કે. આઈ લવ યુ, ડિયર’ રૂપાએ લાઇન કાપી નાખી.
રૂપાનો અવાજ બંધ થઈ જતાં જાણે ચોતરફ અંધકાર છવાઈ ગયો હોય એવું લાગ્યું. જાણે જિંદગી જ અટકી ગઈ. કરણના મનમાં પીડાની ટીશ ઊઠી. રૂપા કૈલાશ સાથે બહાર જઈ રહી હતી.
રૂપાને ફસાવવાની કૈલાશ કોશિશ કરી રહ્યો હતો. કેલાશને ખબર હતી કે રૂપા મારી નબળાઈ છે એટલે મને તકલીફ પહોંચાડવા એ રૂપા પર પોતાનો અધિકાર જમાવવા માગતો હતો.આ કૈલાશનો રસ્તો કરવો પડશે.હિન્દી ફિલ્મોમાં તો હીરોઈનને ફસાવવા માગતા ખલનાયકને હીરો ઠેકાણે પાડી દેતો હોય છે.નકરણ શું કરી શકતો હતો !
કરણને પપ્પાની રિવોલ્વર યાદ આવી ગઈ.નહવે રિવોલ્વરનો ઉપયોગ કરવાનો સમય આવી ચૂક્યો છે. પણ એ માટે પહેલાં રિવોલ્વરનું મળવું જરૂરી હતું.
ક્યાં ગઈ પપ્પાની ગન ?
કરણને યાદ આવ્યું કે મમ્મી કહેતી હતી કે વિક્રમ સિવાય કોઈ વોર્ડરોબને અડ્યું નહોતું.
ભાઈએ રિવોલ્વર લીધી હશે ?
બાબુ, બોલો ક્યા સોચા?’ જગમોહને ખિસ્સામાંથી ફોન કાઢ્યો.
‘શેઠ, આપ ફોન લગાવો ઓર રૂપિયા મંગાઓ… મૈં નામ દે દૂંગા.’
જગમોહને દીવાને ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ના ફાઇનાન્સિયલ એડ્વાઈઝર વિજય કામથને ફોન લગાડ્યો. થોડેદૂર જઈને વિજય કામથની પૈસા પહોંચાડવાની જરુરી સૂચના આપીપછી જગમોહન આસ્તે પણ પોતાના શબ્દો પર ભાર થઈને બોલ્યો :
‘બાબુ, થોડી વારમાં જ મારો માણસ આવી જશે. હું તને રૂપિયા આપી દઉં. તું મને નામ આપી દે. પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે.’ જગમોહન હાથમાં સેલ રમાડતાં કહ્યું.
બાબુ કંઈ બોલ્યા નહીં પણ ઇરફાનથી રહેવાયું નહીં. :
‘શેઠ, એ માણસનું નામ ખબર પડે તો એની ગેમ કરવાનો કોન્ટ્રેક્ટ અમને આપશો ને? ! ’
‘ઇરફાન, પહેલીવાર તારા કારણે જ આપણે ફસાયા હતા યાદ છે? એટલે મોઢું બંધ રાખ.’ બાબુ ગજર્યો.
‘ઓહ સૉરી યાદ આવી ગયું બાબુભાઇ.’
બારણા પર કોઇએ ટકોરા માર્યા. જગમોહન જાણતો હતો કે આ એનો માણસ છે.
એણે દરવાજો ખોલ્યો અને આવનાર માણસના હાથમાંથી બ્રીફકેસ લઇ લીધી અને બારણું બંધ કરી દીધું.
‘બાબુ, હવે સાંભળ. આ બેગમાં બે કરોડ રૂપિયા છે. તું અને ઇરફાન ગણ્યા કરજો. બદલામાં તારે ફકત એક નામ આપવાનું છે.’
જગમોહને બાબુ સામે બ્રીફકેસ રાખતાં કહ્યું.
‘અરે દો કરોડ કે લીએ હમ એક નામ કયા પૂરી ટેલિફોન ડિરેક્ટરી કા નામ દે દેગા.’ ઇરફાનથી રહેવાયું નહીં.
બાબુએ બ્રીફકેસ ઊંચકી.
‘તું ખોલીને ચેક કરી શકે છે.’ પણ બાબુને ખબર હતી કે જગમોહન સાચું બોલે છે.
રૂમમાં સન્નાટો છવાયેલો હતો. દરેક જણ નામ સાંભળવા કાન સરવા કરીને બેઠા હતા.
જગમોહન બાબુ સામે તાકી રહ્યો.
અચાનક સોડાની બોટલનું ઢાંકણું ખૂલતું હોય એવો અવાજ આવ્યો અને બાબુ ઢળી પડયો.
બારીમાંથી કોઇએ બાબુ પર ગોળી છોડી હતી.
‘ઓહ, નો ! ડો. પટેલ, તમે બાબુને સંભાળો, હું નીચે જોઈને આવું છું.’ બાબુને ગોળી વાગતાં જગમોહન દોડતાં દોડતાં ડોક્ટર પટેલને તાકીદ કરતો ગયો.
‘કાકુ, વેઈટ, આમ ઉતાવળ ન કરો. એ લોકો બહુ જ ખતરનાક છે. યાદ રાખો કાકુ, બબલુ મરી ગયો છે, ઇરફાન અને બાબુ અહીં છે. એટલે આ ગોળી ચલાવનાર તમારા માટે સુપારી આપનાર વ્યક્તિનો માણસ છે. હવે તમે દોડીને નીચે જશો તો એ તમારી રાહ જોઈને નીચે ઊભો નહીં હોય. અને આમેય ઇન્સ્પેક્ટર પરમાર નીચે જ ગયા છે.’ ગાયત્રીએ ઉશ્કેરાઈને લાંબુ ભાષણ આપી દીધું. .જગમોહન ઓછપાઈ ગયો. ગોળી વાગતા બાબુને ફસડાઈ પડતો જોઈને એ સ્તબ્ધ થઈ ગયો હતો. પહેલી વાર તો એને ખબર પણ ન પડી કે કોઈએ સાયલેન્સર લગાડેલી રિવોલ્વરથી ગોળી છોડી છે.નબાબુની છાતીમાંથી અચાનક લોહી નીકળતાં જોયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે કોઈએ બાબુને વીંધી નાખ્યો છે.
જગમોહનના દુશ્મનનું નામ બાબુ અપવાનો હતો ત્યારે જ કોઈએ એને ચૂપ કરી નાખવાની કોશિશ કરી.
નીચે ફ્લોર પર તરફડતા બાબુનો ઘા ડોક્ટર તપાસતા હતા. ગોળી એની છાતીની જમણી બાજુએ લાગી હતી. પણ ડોક્ટર પટેલને જોઈને લાગતું હતું કે બાબુના જીવવાના ચાન્સીસ ખૂબ જ ઓવા હતા.
‘બાબુ…’ જગમોહન નીચે ઝૂકીને બાબુના કાનમાં બોલ્યો : ‘બાબુ, સાંભળ… બાબુ… તને મારો અવાજ સંભળાય છે ?’
એવું લાગતું હતું કે બાબુ પોતાનો જીવને પકડી રાખવા પ્રયાસ કરતો હતો, પણ એની શક્તિ ક્ષીણ થતી જતી હતી. બાબુએ ધીરેથી માથું હલાવ્યું.નજગમોહન તરફ જોઈને ડોક્ટર પટેલે કહ્યું :
‘આના હાથમાં કદાચ બે-પાંચ મિનિટથી વધુ સમય નથી.’
‘ડોક્ટર, હોસ્પિટલ ખસેડીએ તો ?’
‘નો… નો ચાન્સ ! ’ ડોક્ટરે માથું ધુણાવ્યું.
‘બાબુ, તું જાણે છે તારા હાથમાં ઝાઝો સમય નથી. છેલ્લે છેલ્લે એક સારું કામ કરતો જા.’નજગમોહનની પાછળ ઈરફાન આવીને ઊભો રહી ગયો.
‘ઇરફાન, તું કહી જોને… કદાચ તારી વાત માને તો…’ જગમોહને ઇરફાનને સમજાવ્યો.
‘શેઠ, એ માનશે તો તમારી વાત જ માનશે.’ ઇરફાનનો ચહેરો ભાવશૂન્ય હતો.
‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’ (ક્રમશ:)ઉ