વેર- વિખેર -પ્રકરણ ૩૪
પપ્પાએ રિવોલ્વર શા માટે મંગાવી હશે? જરૂર કોઈ ટ્રબલ છે, નહીંતર આ રીતે કોઈ દિવસ નહીં ને એમને આજે જ રિવોલ્વર કેમ યાદ આવી?

કિરણ રાયવડેરા
‘અરે તુમ લોગ કો સમજ મેં આતા હૈ કી નહીં?’
‘જગમોહન દીવાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તું મારા માણસોને નહીં છોડાવી લાવે તો આ માણસ જીવી જશે તો પણ હું એને મારી નાખીશ.’
બબલુને સમજાતું નહોતું કે આ માણસને ડર કેમ નથી લાગતો?
‘તું કોને કોને મારીશ?’ બબલુ તરફ જગમોહન આગળ વધ્યો.
‘અહીં હાજર રહેલાં બધાંને’ બબલુ ખુરશી પરથી ઊભો થઈ ગયો :
‘સૌથી પહેલાં તો મુંબઈના આ પોલીસ ઈન્સ્પેકટરને…
જગમોહન, તમે મને ઓળખતા નથી. હું પહેલાં ગોળી મારું છું પછી ધમકી
આપું છું.’
બબલુ જરા પણ અસ્વસ્થ થયા વિના બોલતો હતો.
‘જો બબલુ, તેં મને ૨૪ કલાક આપ્યા હતા. હવે એમાં અઢાર કલાક બચ્યા છે.’ જગમોહનને સૂઝતું નહોતું કે આ બબલુને ઠંડો કેમ પાડવો.
‘સાડા સત્તર કલાક…!’ બબલુએ કાંડા ઘડિયાળ તરફ જોતાં કહ્યું.
‘હા, સાડા સત્તર કલાક… હવે સાંભળ. તું થોડી ધીરજ તો રાખીશ ને? હું પોલીસ સ્ટેશને જઈને એમ તો ન કહી શકું કે ચાલો ઈરફાન અને બાબુને છોડી મૂકો. બબલુ, સમજવાની કોશિશ કર. પોલીસ સ્ટેશન મારા બાપનું નથી.’
‘એ તો તારે રાતના ઈરફાન, બાબુને પોલીસના હવાલે કર્યાં ત્યારે વિચારવાની જરૂર હતી.’ બબલુ ઠંડા કલેજે બોલ્યો, પછી ‘શેઠ, તું બહુ સ્માર્ટ છો. ઈરફાન અને બાબુને તું ફસાવી શક્યો એ જ બતાવે છે કે તું બહુ ડેન્જરસ માણસ છો, પણ એક વાત ધ્યાન રાખજે, હું એ બંનેનો બોસ છું. મારી સામે તારી ચાલાકી નહીં કરતો. હવે શેઠ, તું જા અને મારા માણસને છોડાવી લાવ. હું અહીં જ બેઠો છું.’ બબલુ ફરી ખુરશી પર રુવાબથી બેસી ગયો.
જગમોહને ઈન્સ્પેકટર શિંદે તરફ જોયું. શિંદેએ એને ‘થમ્સઅપ’ની સંજ્ઞા કરી કહ્યું :
‘સર, મારી ચિંતા બિલકુલ નહીં કરતા. મને તો તમારા ડોકટર આવતા પહેલાં જ આ ડોકટર ગાયત્રી મહાજને સાજો કરી નાખ્યો છે. ડોન્ટ વરી, અહીંની ફિકર નહીં કરતા. તમારે શું કરવું એ તમે વિચારી લેજો.’
જગમોહન ક્ષીણ હસ્યો. ગાયત્રી હસી ન શકી. ડોકટર પટેલને કંઈ સમજાયું નહીં એટલે એ કંઈ બોલ્યા નહીં.
‘ગાયત્રી, હું આવું છું. તું અહીંનો મોરચો સંભાળજે.’ જગમોહનને જવાની ઈચ્છા નહોતી. એના જવા બાદ આ જડ બબલુ આ લોકો સાથે કેવી રીતે વરવશે એ કહેવું મુશ્કેલ હતું.
‘કાકુ, આઈ એમ પ્રાઉડ ઑફ યુ. તમને જરૂર આ મુશ્કેલીમાંથી માર્ગ મળી આવશે. ગો અહેડ. અહીંની ચિંતા ન કરો.’ ગાયત્રી ગળગળી થઈ ગઈ .
‘ગાયત્રી, કાલે મને બચાવીને તેં તારી જિંદગી જોખમમાં મૂકી હતી ને તેં મને મરવા દીધો હોત તો…’ જગમોહને વાક્ય અધૂરુ મૂક્યું.
‘કાકુ, ઉપરવાળાએ બનાવેલા ઘટનાક્રમને આવા ગુંડાઓ બદલાવી ન શકે. મને મારા ઈશ્ર્વર પર અને તમારા પર પૂરો ભરોસો છે.’ ગાયત્રીનો સ્વર ભારે થઈ ગયો હતો.
‘હા, મિસ્ટર દીવાન, તમને જરૂર રસ્તો મળી જશે… ગો અહેડ…. ઓલ ધ બેસ્ટ’ શિંદે પથારીમાંથી બોલ્યો.
‘જગમોહને માથું હલાવ્યું પછી ડોકટર પટેલ તરફ ફરીને કહ્યું :
‘ડોકટર, તમે અહીં ધ્યાન રાખજો, હું આવું છું.’
ડોકટરે હકારમાં માથું હલાવ્યું પણ એ પહેલાં જ જગમોહન બહાર નીકળી ચૂક્યો હતો.
સીડીમાં ઊતરતાં ઊતરતાં એણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને એક પરિચિત નંબર જોડ્યો.
સામેથી કરણનો ચિરપરિચિત અવાજ સંભળાયો :
‘હલ્લો, પપ્પા, આર યુ ઓલરાઈટ?’
કરણ ધ્યાનથી પપ્પાની વાત સાંભળી રહ્યો હતો. વિક્રમ અને પૂજા એની સામે ઊભાં હતાં.
‘સાંભળ કરણ, મારા બેડરૂમમાં વોર્ડરોબનું ડ્રોઅર ખોલ. ત્યાં એક રિવોલ્વર છે. એને તારી પાસે લઈને મને ફોન કર. હું પછી તને સમજાવીશ કે એ રિવોલ્વર તારે મને ક્યાં પહોંચાડવાની છે..’
કરણનો શ્ર્વાસ અધ્ધર થઈ ગયો હતો. પપ્પાને આજે અચાનક રિવોલ્વરની શી જરૂર પડી ગઈ?
‘પપ્પા, તમે કોઈ મુશ્કેલીમાં તો નથી?’
‘કરણ, બીજી વાતો કરવાનો અત્યારે મારી પાસે સમય નથી.પછી વિગતવાર સમજાવીશ.’
‘હા, પણ…’ પછી કરણ અટકી ગયો. વિક્રમ અને પૂજાભાભી સામે એ રિવોલ્વરની વાત કરવા નહોતો માગતો.
‘કરણ, કેન આઈ ટ્રસ્ટ યુ? તું આ વાત કોઈને કહેતો નહીં ..તારી મમ્મીને પણ નહીં. તું રિવોલ્વર લઈને મને ફોન કર. આપણે પછી વાત કરશું.’ કરણ કંઈ બોલવા જાય એ પહેલાં જ જગમોહને લાઈન કાપી નાખી.
કરણ થોડી વાર સુધી મૂંગા થઈ ફોનને જોતો રહ્યો.
‘શું થયું કરણ? પપ્પા સલામત છે ને?’ વિક્રમે પૂછ્યું.
‘હા, ભાઈ, પપ્પા કહેતા કે કોઈ કામ આવી ગયું છે એટલે આવતાં રાત થઈ જશે. ડોન્ટ વરી.’
‘અરે, તમે લોકો અહીં મીટિંગ જમાવીને બેઠા છો?’ જતીનકુમારે અણધાર્યો પ્રવેશ કર્યો :
‘કોઈ તકલીફ તો નથી ને? કઈ હોય તો નિ:સંકોચ મને કહેજો. હું જરૂર કોઈ તોડ કાઢી આપીશ.’
‘અત્યાર સુધી કોઈ તકલીફ નહોતી. હવે શરૂ થાય તો કહેવાય નહીં’ કહેતાં કરણ રૂમની બહાર નીકળી ગયો.
પપ્પાએ રિવોલ્વર શા માટે મંગાવી હશે. જરૂર કોઈ ટ્રબલ છે, નહીંતર આ રીતે કોઈ દિવસ નહીં ને એમને આજે રિવોલ્વર શા માટે યાદ આવી?
કરણ પપ્પાના બેડરૂમમાં દાખલ થયો. ત્યાં મમ્મી નહતી-કદાચ બાથરુમમાં ગઈ હશે એવું વિચારીને . કરણ વોર્ડરોબ તરફ ગયો અને ડ્રોઅર ખોલ્યું. એણે રિવોલ્વર બહાર કાઢવા અંદર હાથ નાખ્યો. અંદર કંઈ નહોતું.રિવોલ્વર ગાયબ હતી. !
કરણને ફાળ પડી. રિવોલ્વર અહીં નથી તો ક્યાં જાય? એણે ડ્રોઅરમાં ફરી જોયું. વોડરોબના ખૂણેખૂણા ફંફોસી જોયા.રિવોલ્વરનું નામનિશાન નહોતું. એ બેબાકળો થઈ ગયો. પપ્પાની ભૂલ ન થઈ શકે. રિવોલ્વર જરૂર અહીં જ હશે. પપ્પા સિવાય રિવોલ્વરને કોઈ હાથ પણ ન અડાડી શકે.
કરણે વોર્ડરોબ બંધ કર્યો. હવે શું કરવું?
પપ્પાને ફોન કરવો કે નહીં?
એ પપ્પાના ટેબલ પાસે આવ્યો. કદાચ ભૂલથી આ ખાનામાં રાખી હોય તો! કરણ ડ્રોઅર ખોલવા જતો હતો કે એની નજર જગમોહન દીવાનની ખુલ્લી ડાયરી પર પડી.
કરણને ક્યાંથી ખબર હોય કે આ જ ડાયરીમાં એના પપ્પા જગમોહન દીવાને પોતાની સ્યુસાઈડ નોટ લખી હતી.
આ તો પપ્પાના હસ્તાક્ષર છે. પપ્પાએ કોના પર આ લેટર લખ્યો છે એવું વિચારીને કરણે ડાયરી હાથમાં ઊંચકી…
‘શું કરે છે દીકરા… કંઈ શોધે છે?’ મમ્મીનો સાદ સાંભળીને કરણે ડાયરીને ત્વરાથી પોતાના ખિસ્સામાં સરકાવી દીધી.
કરણ રિવોલ્વરને શોધવા રાઈટિંગ ટેબલ પાસે આવ્યો ત્યારે એની નજર પપ્પાની ખુલ્લી ડાયરી પર પડી હતી. એણે ડાયરી હાથમાં ઊંચકી ત્યારે જ પાછળથી મમ્મીનો અવાજ સંભળાયો :
‘કંઈ નહીં મમ્મી, હું મારી પેન શોધી રહ્યો હતો. ક્યાં મૂકી દીધી એ યાદ નથી આવતું.’ કરણે મનમાં જે સૂઝી આવ્યું એ બોલી નાંખ્યું. પણ એના ચહેરા પર ચોરી કરતાં પકડાઈ ગયો હોય એવા ભાવ તરવરતા હતા.
‘પેન શોધે છે કે પછી વસિયતનામું?’
મમ્મી મજાક કરે છે કે પછી કટાક્ષ? કરણ કળી ન શક્યો.
‘શું મમ્મી, તું પણ? જ્યારે વસિયતનામું શોધવાની જરૂર પડશે ત્યારે સાથે મળીને શોધીશું. હમણાં તો પેન જ ગોતી રહ્યો છું.’ કરણે હસવાની કોશિશ કરી.
‘અત્યારે વળી પેનની શું જરૂર પડી? રૂપાને પ્રેમપત્ર લખવો છે?’ પ્રભાએ વેધક પ્રશ્ન કર્યો. પૂછતી વખતે એણે કરણ સામે જોયું જ નહીં. જાણે કોઈ બિલકુલ સામાન્ય પ્રશ્ન પૂછતી હોય.
કરણ જડવત્ ઊભો રહ્યો. એક ક્ષણ માટે એને લાગ્યું કે એની આસપાસ દુનિયા ગોળગોળ ફરી રહી છે. સંભાળ, એણે ખુદને ચેતવ્યો-મમ્મીને એવું ન લાગવું જોઈએ કે એ ડરી ગયો છે.
‘કોણ રૂપા, મમ્મી? અને હું શા માટે કોઈ રૂપાને પ્રેમપત્ર લખું?’ કરણે બચાવ કર્યો પણ એ ખુદ જાણતો હતો કે આ એનો એવો લૂલો બચાવ હતો.
‘કરણ, બેટા, હું તારી મા છું. હું જાણું છું તારા અને રૂપાના સંબંધ વિશે. હું એ પણ જાણું છું કે એ બંગાળી છે. આજકાલના છોકરાઓ એવું સમજી બેસતા હોય છે કે એમનાં મા- બાપને કંઈ ગતાગમ નથી પડતી. પણ દીકરા, તારી મા અભણ નથી. તારા બાપ સાથે ભલે મારા કજિયા થતા હોય , પણ મારા દીકરાના ભવિષ્યની મને ચિંતા છે.’ પ્રભાનો અવાજ થોડો તૂટ્યો. કરણ દોડીને મમ્મીને વળગી પડ્યો:
‘મમ્મી, શું કરું? રૂપાને હું બહુ જ ચાહું છું કરણને આશા બંધાઈ કે મમ્મી એની મદદ કરશે.
‘કરણ, પણ તારે મારી એક વાત માનવી પડશે’
‘કઈ વાત ?
‘એ જ કે કરણ, રૂપાને છોડવી પડશે!’ પ્રભાએ બોમ્બ ફેંક્યો.
કરણ એક આંચકા સાથે મમ્મીથી દૂર થઈ ગયો. એની આંખમાં ગુસ્સો હતો પણ ગળામાં ડૂમો ભરાયો હતો.
‘મમ્મી, આ તું શું કહે છે ? ’ કરણે ત્રૂટક સ્વરે પૂછયું.
‘એ જજે, તે સાંભળ્યું છે. તારે એ છોકરીને છોડવી પડશે.’ પ્રભાએ ઠંડા કલેજે પોતાની વાત દોહરાવી.
‘મમ્મી, તું જાણે છે કે એ શક્ય નથી. હું રૂપા વિના કોઈ સંજોગોમાં જીવી ન શકું.’ કરણનો સ્વર ઊંચો થઈ ગયો.
‘જેની સાથે બાવીસ-બાવીસ વરસો રહ્યો અને એ ઉપરાંત નવ મહિના મારા પેટમાં રહ્યો, એ માબાપને તું ત્યજી શકે છે પણ જેને તું માત્ર આઠ મહિનાથી જાણે છે એના વિના જિંદગી નહીં જીવી શકાય એવો ડર તને લાગે છે. તું શું એટલો નબળો છે કરણ?’
‘મમ્મી, પેરેન્ટ્સ પોતાની જગ્યાએ છે, પણ મારે કંઈ આખી જિંદગી મા-બાપ સાથે નથી ગાળવાની, રાઈટ? હવે જો રૂપા મને ગમતી હોય અને એ પણ મને ચાહતી હોય તો અમે બંને શું કામ સાથે ન રહી શકીએ?’
‘પ્રભાએ ઊંડો નિ:સાસો નાખ્યો. આ છોકરાને મનાવવો મુશ્કેલ હતો, પણ એના હાથમાં હજી એક હુકમનું પાનું હતું.’
‘કરણ, માની લે કે હું કદાચ રુપાને સ્વીકારી પણ લઉં, પણ તારા પપ્પા હરગિઝ હા નહીં પાડે. તું તારા પપ્પાને ક્યાં નથી જાણતો… એ એમનું ધાર્યું જ કરે છે. એ કોઈ દિવસ નહીં ઈચ્છે કે તારા અને રૂપાના વિવાહ થાય. કરણ, મને આવનારા તોફાનના સંકેત મળી રહ્યા છે એટલે તને ચેતવી રહી છું.’
‘તો મમ્મી, તું પણ એક વાત યાદ રાખજે. અત્યાર સુધી મારી છાપ ભલે એક ગભરું, નાદાન બાળક જેવી હોય, પણ રૂપાની બાબતમાં મારો ફેંસલો અફર છે.
પ્રભા સ્તબ્ધ થઈ ગઈ. કરણનું આ સ્વરૂપ એણે પહેલાં નહોતું જોયું.
‘તું માફ કરે કે ન કરે, તારા પપ્પા આ લગ્ન થવા નહીં દે એ હકીકત છે.’
‘તો એક વાત સાંભળી લે મમ્મી, હું પપ્પાને ગમે તેટલો ચાહતો હોઉં, કે તારા વિના પણ જીવી ન શકતો હોઉં પણ હવે આ મારી જીદ છે. પરણીશ તો રૂપાને. અમારી વચ્ચે આવનારને હું માફ તો નહીં કરું !’ આટલું કહીને કરણ ઝડપથી રૂમની બહાર નીકળી ગયો.
(ક્રમશ:)