ધર્મતેજ

વેલનાથ શિષ્ય રામૈયાની સમાજને સાબદા કરતી આગમવાણી

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

વેલનાથને સમર્પિત થયેલા, ઘર, સંપત્તિ અને પશુબળના મોહમાંથી છૂટા પડી ગયેલા રામ ઢાંગડ રામૈયો વેલનાથનો સમર્થ શિષ્ય છે. ગુરુકૃપાએ એની રચના- જિહ્વાથી સરી પડતી ભજનરચનાઓનું સોરઠી સંતવાણીમાં ભારે મોટું માન છે. કહેવાય છે કે રામૈયાએ ગુરુપ્રાપ્તિની અનુભૂતિને અભિવ્યક્ત કરતી શતાધિક રચનાઓ રચેલી. રામૈયો પોતે પૂર્વાશ્રમનો અતિક્રૂર ઘાતકી શિકારી હોવા છતાં એનું જે હૃદયપરિવર્તન થયું એ ઉદાહરણ સંતચરિત્રપરંપરામાં ભારે મોટી ઘટના છે.

વાલ્મીકિ વાલિયા લૂંટારા હતા.જેસલ જગતના ચોરટા હતા. એમ રામ ઢાંગડ ભારે મોટા શિકારી હતા. ગુરુ ઉપદેશથી જે હૃદયપરિવર્તન થયુંંં એ સંતચરિત્રની પરંપરાનું ઉજજવળ અનુસંધાન છે. હાથમાંની બંદૂકને પથ્થર પર પછાડીને તોડી નાખી, ટુકડેટુકડા થયા એ ઘટના ભારે બળૂકી અને પ્રતીકાત્મક લાગે છે. હકીક્તે એના આસુરી વૃત્તિના ટુકડેટુકડા થઈ ગયા. એના હૃદયરૂપી પાષ્ાાણના ચૂરેચૂરા થઈ ગયા. પથ્થરને ફાડીને પછી જળ નીકળે એમ રામૈયાના હૃદયમાંથી સરવાણી ફૂટી છે અને સ્વયં સરસ્વતી એની જિહ્વા-રસના-પર જાણે કે બિરાજયાં હોય એમ જણાય છે.

ગુરુ વેલનાથને રામૈયો માત્ર ગુરુ નથી માનતો. ગુરુને પરમાત્માના અવતાર માને છે. ભારે મોટી શ્રધ્ઘા પ્રગટી જણાય છે રામૈયાના હૃદયમાં. અન્યથા એ ગુરુને જ કૃષ્ણાવતાર ન માને. એણે એક ભજનમાં ગાયું છે કે :
‘ગિરનારી ભૈરવમાં રમનારો, ગિરનારી વાસંગીનો રમનારો;
અધર તખતને અમર ગાદી, ગિરનારી ગગનામંડળ દરસાણો.’
ગુરુને વાસુકિ નાગ સામે ખેલનારા કૃષ્ણ તરીકે કલ્પીને એને આકાશગામી -આકાશે વિરહનારા કહેવામાંથી જ એની બળૂકી શ્રધ્ઘાનો સુંદર પરિચય મળી રહે છે. રામૈયાને શ્રધ્ઘા છે કે ગુરુ કોઈ ગેબી છે, બરડામાંથી ગુપ્તગંગા રૂપે પ્રગટયા છે અને ભારે સમર્થ છે. ચોર્યાસી સિધ્ઘોમાંના એક છે. ભૈરવજપ જેવી જગ્યાએ જેમણે સ્થાનક બનાવ્યુંં છે અને એ અર્થમાં માત્ર ભાવના ભોગી છે એને બીજી કોઈ કામના નથી, અપેક્ષ્ાા પણ નથી.

રામૈયાની ભજનરચનાઓમાં આરાધ અને આગમ ધ્યાનાર્હ છે. એમની મોટા ભાગની ભજનરચનાઓ ગુરુ વેલનાથના વ્યક્તિત્વને ઉદ્ઘાટિત કરે છે. ક્યાંક તત્ત્વદર્શનને પણ સ્થાન આપ્યુંં છે. ગુરુસેવા ારા જ જાણે કે એને જીવન વ્યતીત કરવું હતું. પણ સાથેસાથે સત્સંગ થયો, તત્ત્વદર્શનની વિગતો પ્રાપ્ત થઈ અને સાધના દ્રારા યોગની ઊંચાઈ અને ઊંડાઈ પણ અનુભવી, એટલે આવા અનુભવ-મૂલક ઉદ્ગારો એમની ભજનવાણીમાં દૃષ્ટિગોચર થાય છે. રામૈયો ભારે આજ્ઞાંક્તિ શિષ્ય જણાય છે. સંતવાણીમાં ગુરુ-શિષ્યનાં જે કેટલાંક ઉત્તમ ઉદાહરણો છે એમાં આદર્શ તરીકે મૂકી શકાય એવા સમર્પિત શિષ્ય છે રામૈયો. ગુરુને સમર્પિત થઈને, વૈરાગ્ય કેળવીને આજીવન એની જ ઉપાસના કરી. રામૈયાનું જીવન અને ક્વન સંતવાણીમાં સુંંદર ઉદાહરણ તરીકે હંમેશાં યાદ રહેશે.

એણે રચેલા આગમમાંથી પરંપરાનો બોધ અને ગુરુજ્ઞાન દ્રવે છે. એને ઊંડી શ્રધ્ઘા છે કે આ કળિયુગનો અવશ્ય નાશ થશે અને એ સમયે અડગ-અટલ એવો ગિરનાર પર્વતરાજ પણ ધણધણી ઊઠશે. એનું આગમ જોઈએ:
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી!
વાગે અનહદ તૂર
વાગે ત્રાંબાળુ તૂર રે.
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી!..૧

સતીઉ સંદેશા તમને મોકલે રે જી,
વેલા સૂતો હો તો જાગ!
ઓલિયા સૂતો હો તો જાગ રે.
એવા એવા સૂતા નરને જગાડજો હો જી!…ર

ભગત, સરવે ભેળા મળ્યા રે જી!
ગરવે નેજા ઝળેળ્યા
ગરવે નેજા ઝળેળ્યા રે.
આવ્યા કળુને હવે ઓળખો રે હોજી!…૩

પછમ દશાએ સાયબો આવશે એ જી!
ગરવે હુકાળ્યું મચાવે રે
ગરવે હુકાળ્યુંં મચાવે રે.
તેર તેર મણનાં તીરડાં ચાલશે હો જી!…૪

એની નિશાણી સમજો શાનમાં રે જી!
મણ ત્રીસની કમાન
મણ ત્રીસની કમાન.
એવા એવા જોધા દળમાં જાગશે એ હો જી!…પ

ગઢ ગરવેથી ગેબી જાગશે એ જી!
ગઢ ઢેલડીએ મેલાણ
ગઢ ઢેલડીએ મેલાણ.
જો જો રે તમાશા રવિ ઊગતે એ હો જી!…૬

એક એક નર સૂતો ગઢવી પ્રોળમાં એ જી!
જાણે નવહથો જોધ
જાણે નવહથો જોધ રે.
એવા એવા સૂતા નરને જગાડજો એ હો જી!…૭

તખત તરવેણીના તીરમાં એ જી!
ધમણ્યુંં ધમે છે લુવાર રે
ધમણ્યુંં ધમે છે લુવાર રે.
અવચળ અવિનાશી એનાં રાજ રે હો જી! …૮

વેલનાથ ચરણે રામૈયા બોલિયા રે જી!
જુગ પંચોરો આવે
જુગ પંચોરો આવે.
જુગના પતિ હવે જાગશે એ હો જી !…૯

વેલાના ચરણે રામૈયો બોલિયા રે જી!
ગુરુ શ્યુંનો દાતાર
ગુરુ મુગતિનો આધાર રે.
જુગના સ્વામી રે હવે જાગજો રે હો જી! …૧૦
રામૈયો અહીં આગમમાં વેલાબાવાને ઉદ્ેશીને ગાય છે કે સતીઓના સંદેશા આવ્યા છે કે ગરવો ગિરનાર ધણેણી ઊઠશે – અનાહતનાદ સંભળાશે એ સમયે કળિયુગનો અંત આવશે. જે સાધના દ્રારા સંભળાતું હતું એ પ્રત્યક્ષ્ા સંભળાશે. હવે જે કોઈ સૂતા હોય એ બધાને જાગ્રત કરો.

પશ્ર્ચિમ દિશાએથી જગતનો સ્વામી આવશે. ગિરનારમાં હાહાકાર મચી જશે. એ સમયે તેર મણના વજનનાં તીરનો મારો ચાલશે. ત્રીસ મણના વજનની કમાનો હશે. મહાયોધ્ઘાઓ એ દળમાં લડતા હશે. ગઢ ઢેલડીએ આ બધું ઘમસાણ મચશે. સૂર્યોદયની સાક્ષ્ાીએ આ તમાશો જોવાનું બનશે. અહીં ઢેલડી નગર તરીકે કેટલાક આજના મોરબીને ઓળખાવે છે. પરંતુ આના કેટલાક અભ્યાસી ત્યારના દિલ્હીને માને છે.

એક નવ હાથ ઊંચો યોધ્ઘો ગઢની પરસાળમાં સૂતો હશે તેને જગાડશો એ જ તમને વિજય અપાવશે. અહીં આગમમાં રામૈયો યોગસાધનાની વિગતોને પણ સ્થાન આપે છે. ત્રિવેણીમાં-તખ્તમાં-લલાટમાં જોવાનું, શ્ર્વાસોચ્છ્વાાસની-પ્રાણાયમની ક્રિયાનો અનુભવ કરવાનો, એથી અચળ અવિનાશીનું દર્શન ત્યાં થશે. વેલનાથને ચરણે રામૈયો બોલ્યો છે કે હવે ચાર યુગ પછીનો પાંચમો યુગ આવવાનો જ છે એ યુગના અધિપતિ જે બનવાના છે એ તમામને વહેલાસર જાગ્રત કરવાનું – સાબદા થવાનું રામૈયો અહીં સૂચવે છે. આગમપરંપરામાં રામૈયાનું આગમ વિશિષ્ટ જણાય છે. માત્ર શું થશે? એની વાત જ નથી પણ એ થાય ત્યારે એમાં યોગ-સાધનાને જોડીને એના યોગદાનનો પણ મહિમા ગાય છે. અહીં પરંપરામાં સાધનાનો મુદૃો ભળે છે.

મૂળ તો માનવીને-જનસમુદાયને હવે પછી આવનારા કપરાકાળની એંધાણી આપીને સન્માર્ગે વાળવાનું સૂચવતી આગમવાણી પ્રકારની રચનાઓ સમાજને સાબદો કરતી હોય છે. અહીં પણ સમાજને સાબદો કરતી આગમવાણીનું દર્શન થાય છે. એના રચયિતા રામૈયમાની યોગ-અનુભૂતિનો રણકો પણ એમાં સંભળાતો હોઈને એનો મહિમા સવિશેષ્ા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ