ધર્મતેજ

મમતાને મટાડવા માટેનો વલવલાટ મામદશાની વિનતિ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

ગુજરાતી સંતસાહિત્યમાં અનેક મુસ્લિમ સંતોની ભજનવાણી પણ પ્રાપ્ત થાય છે. આવા મુસ્લિમ સંતોની કાજી મામદશાનાં ભજનોનું સ્થાન ભારે મહત્ત્વનું છે. તેઓ કાજી હતા, ન્યાય તોળવાનું કામ કરતા, પણ તે સમયના ભારે પ્રખ્યાત અને માનવ – સેવાવૃત્તિ ધરાવનારા દીન દરવેશના શિષ્ય હોવાથી સંતસમાગમમાં સતત રત રહેતા. સાધનામાં ક્રિયાશીલ રહેતા, સરળ નિર્મળ જીવન જીવતા અને લોકોને, જનસમુદાયને બોધ ઉપદેશમાં પણ રત રહેતા. એમને પોતાને પણ ભારે પ્રખ્યાત સાધક નાનકશા નામે શિષ્ય મળેલા. કાજી મામદશાની વિનતિએ એમની ભજનરચનામાં નામછાપની સાથે અવશ્ય દૃષ્ટિગોચર થાય છે. કાજી મામદશાનાં ભજનો સંતવાણીમાં એના ઉપદેશને કારણે અને એના આરાધ ઢંગને કારણે ભારે લોકપ્રિય ગણાયાં છે.

સમાજમાં લોક્સંસ્કૃતિની ખરી મહત્તા એની સમરસતાના અને સમભાવના સંદર્ભે છે. સમરસતાનો પરિચય આવા વિવિધ જ્ઞાતિ-જાતિના સાધુ-સંતોને કારણે થતો હોય છે. મામદશા હતા તો મુસ્લિમ પણ એની વાણીમાંથી દ્રવે છે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જીવનમૂલ્યો. ઉપદેશ આપીને, લોકોને પ્રબોધીને ભારતીય ભક્તિભાવનાનો જ તેમણે પ્રસાર-પ્રચાર ર્ક્યો છે. ભક્તને પ્રશ્ર્નો જાગે છે એની વાત ભક્તો વતી જાણે કે અહીં કાજી મામદશા કરે છે. કાજી મામદશાની વાત અહીં ભારે હૃદયસ્પર્શી પણ બની છે. એણે સાધુસંતો સાદગી-સરળતા છોડીને ભવ્યતા, ભૌતિક્તા અને ભ્રમ પ્રસરાવવામાં પ્રવૃત્ત છે એ બેધડક રીતે દર્શાવ્યું છે અને એ કારણે કેવા પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે એને પણ સંતવાણીમાં સ્થાન આપ્યું છે. આ નિમિત્તે સાધુ-સંતોની રહેણી-કરણી પરત્વે પણ તેઓ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે. મામદશા પોતાની જાતને એક અત્યંત ગરીબ સંત માને છે અને એ પોતાની પ્રાર્થના પ્રસ્તુત કરે છે એ સાંભળવાનું પરમતત્ત્વને વિનવે છે. પ્રાર્થના પોતાની એમ સૂચવે છે, પણ તેઓ મૂખ બન્યા છે. પ્રજા વતી એમણે પ્રજાની વાત પોતીકી બનાવીને પ્રસ્તુત કરી છે. પારકી પીડાને પોતાની કરીને પ્રસ્તુત કરતું આ ભજન ભારે અર્થપૂર્ણ છે.
‘મારી મમતા મરે નૈં, એનું મારે શું રે કરવું,
વાલીડો છે દીનનો દયાળ,
ચિત્ત રે ચડાવ્યાં સંતો ચાકડે;
થિર નહીં થાણે રે લગાર. મારી મમતા..૧
જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું,
પેર્યો મેં તો ભગવો રે ભેખ;
એટલા જોગે રે મારું મન થિર નૈં,
જોવો મારે જોગેસરનો દેશ. મારી મમતા..ર
છીપના સ્વરૂપ ધરીને મેં જોયું,
એટલા જળે રે મારું મન થિર નૈં,
તોય મુંને સુંવાંતિની આશ. મારી મમતા..૩
પંડિતના સ્વરૂપ ધરીને મેં જોયું,
ભણી લીધાં વેદ ને પુરાણ;
એટલા ગિનાને મારું મન થિર નૈં,
પેટ સારુ પાપના પરિયાણ. મારી મમતા..૪
રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું,
સંતો મારે ધનનો નહીં પાર;
એટલા ખજાને મારું મન થિર નૈં,
લૂંટયો મેં તો સઘળો સંસાર. મારી મમતા..પ
મારાં ચિત્ત રે ચડાવ્યાં સંતો ચાકડે,
થિર નહીં થાણે રે લગાર;
કાજી રે મામદશાની વિનતિ,
સુણી લેજો ગરીબનિવજ. મારી મમતા..૬
કાજી મામદશા દયાળુ-વહાલા પરમાત્માને વિનવે છે કે હે પ્રભુ મારી મમતા નાશ પામતી નથી એનું મારે શું કરવું ? હે ગુરુદેવ મારું ચિત્ત ચાકડે ચડયું છે એ જરા સમય માટે પણ સ્થિર થતું નથી. મૂળસ્થાને – થાણે ઠેરાતું નથી.
જોગીનો વેશ ધારણ કરીને, ભગવાં વસ્ત્રો ધારણ કરીને મેં યોગેશ્ર્વરનો દેશ – પરમધામ જોવા માટે પ્રયત્નો ર્ક્યો પણ આટલી યોગ-સાધનાથી હજુ મારું મન સ્થિર થતું નથી એનું મારે શું કરવું ?

છીપનું રૂપ ધારણ કરીને મેં સમુદ્રના તળિયે નિવાસ ર્ક્યો, અફાટ જળરાશિ હતો પણ એનાથી મને પરિતોષ્ા ન થયો, કારણ કે મને એકમાત્ર સ્વાતિ નક્ષ્ાત્રના બુંદની – જળની આશા હતી.

પંડિતનું રૂપ ધરીને મેં બધાં વેદ-પુરાણ વાંચી લીધા પણ એટલા જ્ઞાનથી મને સંતોષ્ા ન થયો, કારણ કે એ તો બધું પોતાના સ્વાર્થ માટે હતું. મારી મમતા મરતી નથી એનું મારે શું કરવું ?

રાજવીનું રૂપ ધરીને મેં જોયું કે મારે ધન-સંપત્તિનો પાર ન હતો. પરંતુ આટલા ખજાનાથી મારું મન સ્થિર ન થયું. આ કારણે આખા સંસારને, સમાજને લૂંટયો.
ચિત્તને – મનને ચાકડે ચડાવવું છે એ મૂળસ્થાનમાં સ્થિર નથી. ગરીબોના બેલીને કાજી મામદશાની વિનતિ છે. હે પ્રભુ મારી મમતા મરતી નથી એનું મારે શું કરવું!
મૂળભૂત પ્રશ્ર્ન અહીં મમતાનો છે. મમભાવનો – મમત્વનો છે. ચિત્તને આપણે ચાકડામાં રાખ્યું છે. મનને સ્થિર કરવાને બદલે ઘૂમતું રાખીએ છીએ, ફરતું રાખીએ છીએ અને એને કારણે પ્રશ્ર્નો થાય છે. યોગસાધનામાં રિદ્ધિ-સિદ્ધિમાં અને ભરપૂર સમૃદ્ધિમાં અભાવનો અનુભવ થાય છે એનું કારણ મનની અસ્થિરતા છે. સંતો મનને મારવાનું કહે છે. તેમનું કહેવું છે કે તમારે જયાં જવું હોય ત્યાં મનને લઈ જજો પણ મનને જયાં જવું હોય ત્યાં તમે ન જતા. ભારે મોટી વાત ભારે સરળતાથી સંતોએ સમાજ સમક્ષ્ા મૂકી છે.

અંતરના એકાંતમાં જ અંતર્યામીને પ્રાપ્ત કરી શકાય. જે પરમતત્ત્વને પામવા પ્રયત્નશીલ છે એને પોતાનામાંથી જ મેળવી લેવાય તો તમામ સાથે-જગત સાથે તાર મળે – જાતથી જગત સુધીની માયાની વાત ભજનવાણીમાં છે.

મમતા મરે નહીં એનું મારે શું કરવું? આવો પ્રશ્ર્ન થવો એ જ મોટી બાબત છે. મનુષ્યના અંતરમાં – હૃદયગૃહામાં જ ત્રિભુવનને તેને મઢવા સમર્થ-સક્ષ્ામ આત્મદીપનું અસ્તિત્વ છે જ. પણ એને -વાટને – અહંરૂપી મોગરો બાઝી ગયો અને આસપાસ મમતારૂપી કાળીડિબાંગ મેશ બાઝી ગઈ છે. આ બધી અડચણો-ગાંઠ અને ગૂંચ છે જે સહજ સાથે સહજના મિલનમાં અવરોધક છે. એને મટાડવાનું સૂચવતી આ ભજનવાણી છે. અહમ્ અને મમતાનો નાશ માનવીને આત્મદર્શન અને આત્મસાક્ષ્ાાત્કાર ભણી દોરી જાય છે. આપણી ભજનવાણી-લોક્સંતવાણી આવા ભાવથી સભર હોવાને કારણે એનું ભારે મોટું સ્થાન-માન છે.

લોક્સંતો અને લોક્સંસ્કૃતિ આવા શાશ્ર્વત ચિરંતન અને ચિરંજીવ ભાવની અભિવ્યક્તિને કારણે ભારે મોટો પ્રભાવ પાડી રહેલ છે. ભજનવાણી તો આ ભાવને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. ભજનવાણીમાં ભંડારાયેલ મૂળભાવ તો છે પરમ-તત્ત્વના સાક્ષ્ાાત્કારનો, મમત્વ છોડવાનો. એનો મારગ ચીંધવા એ વલખાં મારે છે એનો એ વલવલાટ – ધલધલાટ મામદશાએ પોતાની વેદનારૂપે પ્રસ્તુત ર્ક્યો એટલે એનો મહિમા પણ વધ્યો. સંતોની વિશિષ્ટતા જ પારકી પીડાને પોતાની કરવામાં છે. પ્રસ્તુત ભજનરચના એનું ઉત્તમ ઉદાહરણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…