આંખ ખોલીને કથાઓના પડદા પાછળ જે ગહન રહસ્યો સંતાયેલાં હોય છે તેમનાં દર્શન કરીએ
અલૌકિક દર્શન -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
કાવ્યાત્મક અભિવ્યક્તિ પણ આપણા કથાસાહિત્યના સ્વરૂપનિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ પરિબળરૂપે ભાગ ભજવે છે.
વેદાર્થમીમાંસકોએ વેદના અર્થઘટન માટે એક સોનેરી નિયમ આપ્યો છે: ‘સર્વ વેદમંત્રોના ત્રણ અર્થો છે.’ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભાૌતિક – એમ ત્રણ દ્રષ્ટિથી વેદમંત્રોનું અર્થઘટન થાય છે. અને આ દ્રષ્ટિથી વેદમંત્રોના ત્રણ અર્થો નિષ્પન્ન થાય છે. ‘રામાયણ’ના રચયિતા કવિ શ્રી વાલ્મીકિજી પણ ઋષિ છે, આર્ષદ્રષ્ટા છે. ‘મહાભારત’ના રચયિતા ભગવાન વ્યાસજી તો વેદવ્યાસ છે, અરે! ભગવદ્તાર છે. તેમની આષદૃષ્ટિ વિશે તો કહેવું જ શું! આપણાં પુરાણોના રચયિતાઓ પણ આર્ષદ્રષ્ટા જ હતા, તેથી આપણા કથાસાહિત્યમાં પણ ત્રણ અર્થો રહેલા જ છે. કથાસાહિત્યમાં ત્રણ અર્થો આ પ્રકારના છે:
1. બાહ્ય અર્થ અર્થાત સ્થૂળ અર્થ,
2. સૂક્ષ્મ અર્થ અર્થાત આધ્યાત્મિક અર્થ,
3. પારલૌકિક અર્થ.
દૃષ્ટાંતત: ‘વાલ્મીકિ રામાયણ’ની કથામાં આ ત્રણ અર્થો કેવી રીતે નિષ્પન્ન થાય છે તે જોઈએ.
1. બાહ્ય અર્થાત સ્થૂળ અર્થ પ્રમાણે ‘રામાયણ’ દશરથનંદન શ્રી રામની જીવનકથા છે.
2. સૂક્ષ્મ અર્થાત આધ્યાત્મિક અર્થ પ્રમાણે ‘રામાયણ’ આતમરામની અધ્યાત્મ યાત્રાની કથા છે.
3. પારલૌકિક અર્થ પ્રમાણે ‘રામાયણ’ રામાવતારની જીવનલીલાની કથા છે.
આ ત્રણે અર્થો એકસાથે સાચા છે અને તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. પ્રતિભાવંત મનીષીઓની રચનાઓની એ જ તો ગરિમા છે કે તેમની રચનાઓમાં એકસાથે અનેક અર્થો સમાયેલા હોય છે. તે બધા એકસાથે સાચા હોય છે અને તેમની વચ્ચે કોઈ વિરોધ પણ નથી હોતો. આપણું કથાસાહિત્ય આવા અનેકવિધ અર્થોથી યુક્ત મહિમાવંતું અને ગરિમાયુક્ત સાહિત્ય છે. આંખ ખોલીને કથાઓના પડદા પાછળ જે ગહન રહસ્યો સંતાયેલા હોય છે તેમનાં દર્શન કરીએ અને આપણાં જીવનને સમૃદ્ધ અને કૃતાર્થ બનાવીએ.
સૂત્ર, મંત્ર, શ્ર્લોક, ભાષ્ય, પ્રબંધ, કથા આદિ અભિવ્યક્તિઓની અનેક પદ્ધતિઓ છે. દરેક પદ્ધતિની વિશેષતા હોય છે. આપણે અહીં કથાસાહિત્યની વિચારણા કરીએ છીએ, તેથી એ સમજવું આવશ્યક છે કે કથાસાહિત્યની વિશેષતાઓ કઈ-કઈ છે. તત્ત્વને કથાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવે તો તેના પરિમામે શું વિશેષ નિષ્પન્ન થાય છે તે જોવું આવસ્યક છે. કથાસાહિત્યની વિશેેષતાઓ આ પ્રમાણે છે:
1. લોકભોગ્યતા:
મંત્ર, સૂત્ર આદિ સ્વરૂપે રહેલી આધ્યાત્મવિદ્યા વિદ્વદ્ભોગ્ય રહે છે. કથાસ્વરૂપ લોકભોગ્ય સ્વરૂપ છે. કથાસ્વરૂપે આધ્યાત્મવિદ્યા સામાન્ય જનસમાજ સુધી પહોંચે છે.
વેદમાં જે કહ્યું છે તે જ કથારૂપે ‘મહાભારત’માં કહ્યું છે. વેદ સર્વજનસુલભ નથી. ‘મહાભારત’ સર્વજનસુલભ છે. ઉષનિષદમાં જે કહ્યું છે તેની જ મીમાંસા ‘બ્રહ્મસૂત્ર’માં છે. પરંતુ ‘બ્રહ્મસૂત્ર’, ‘શાંકરભાષ્ય’, ‘ભામતીટીકા’નો અભ્યાસ વિદ્વાનો કરી શકે છે, તેથી ઉપનિષદોનું સારદોહન કરીને તે જ તત્ત્વ ‘ગીતા’રૂપે ભગવાન વ્યાસે ‘મહાભારત’માં ગૂંથ્યું છે અને એ સ્વરૂપે તે જનસમાજ સુધી પહોંચ્યું છે.
2. મર્મિકતા:
કથા દ્વારા અભિવ્યક્તિ માર્મિક બને છે. આપણે જોઈ ગયા કે ‘કેનોપનિષદ’માં અંતે આવેલી નાની કથા દ્વારા તે જ સત્ય વધુ સ્પષ્ટ, વધુ માર્મિક, વધુ ચોટદાર બને છે. સરળ વિધાનરૂપે રજૂ થયેલો સિદ્ધાંત વાચકનાં હૃદય સુધી ન પહોંચે તેમ બની શકે છે, પરંતુ જ્યારે તે જ સિદ્ધાંત કથાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય ત્યારે તેની અસરકારકતા અનેકગણી વધી જાય છે, તે વાચકના હૃદય સુધી પહોંચી જાય છે.
3. રસસભરતા:
કથા દ્વારા અભિવ્યક્તિ રસપૂર્ણ બને છે. કથાનું માધ્યમ જ રસપૂર્ણ માધ્યમ છે. કથારસ વાચકને કે શ્રોતાને પકડી રાખે છે. વાચક કે શ્રોતા કથારસમાં તરબોળ થઈ જાય છે. તેનું હૃદય દ્રવી જાય છે અને તે અવસ્થામાં તેના ચિત્તમાં અધ્યાત્મનાં તત્ત્વો
પ્રવેશે છે. ‘રામાયણ’ અને ‘ભાગવત’ની કથાઓએ રસપૂર્ણ કથાઓના માધ્યમ દ્વારા આપણા જનસમાજના હૃદયમાં આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તે રીતે ધર્મ અને અધ્યાત્મતત્ત્વો પ્રજાના ચિત્તમાં અને જીવનમાં પહોંચતાં રહ્યાં છે. વેદગાન અને વેદશ્રવણમાં કેટલાને રસ પડે? પરંતુ ‘ભાગવત’ અને ‘રામાયણ’ની કથામાં લગભગ સૌને રસ પડે છે. આમ કથાનું માધ્યમ એક રસસભર માધ્યમ છે.
4. અભિવ્યક્તિની સરળતા:
કેટલાક સિદ્ધાંતો કે સત્યો એવાં હોય છે કે તેમને વિધાનરૂપે રજૂ કરી શકતાં નથી. તેમનું સ્વરૂપ જ એવું પારલૌકિક હોય છે કે આપણે સરળ વિધાનો દ્વારા તેમને રજૂ જ ન કરી શકીએ. કેટલાંક સત્યો શબ્દાતીત હોય છે, તર્કાતીત હોય છે. આવાં અગમ્ય સિદ્ધાંતો, શબ્દાતીત સત્યોને ભાષા દ્વારા વ્યક્ત કેવી રીતે કરવા?
શબ્દાતીતને શબ્દ દ્વારા રજૂ કરવાની પદ્ધતિ છે: સંકેતપદ્ધતિ કથાનું માધ્યમ આવું સાંકેતિક માધ્યમ છે. જે સત્ય સરળ વિધાન દ્વારા અભિવ્યક્ત ન કરી શકાય તે સત્યને સાંકેતિક કથા દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે. કથાના માધ્યમ દ્વારા કઠિન અભિવ્યક્તિ સરળ બને છે. દૃષ્ટાંતત: સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયા બુદ્ધિગમ્ય નથી, શબ્દગમ્ય પણ નથી, છતાં આપણાં પુરાણોએ આ પ્રક્રિયા કથાના માધ્યમ દ્વારા સાંકેતિક પદ્ધતિથી સફળતાપૂર્વક રજૂ કરી છે. આ છે કથા દ્વારા ઊભી થતી અભિવ્યક્તિની સરળતા. પ્રસંગવશાત આપણે કથાસાહિત્યની બીજી એક લાક્ષણિકતાનો વિચાર પણ કરી લઈએ. આપણા કથાસાહિત્યમાં અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં અને પ્રચુર માત્રામાં થયો છે. કેટલીક ન માની શકાય તેવી વાતો પણ કથાઓમાં રજૂ થાય છે.
આમ હોવાનું એક મહત્ત્વપૂર્ણ અને વાજબી કારણ છે. આવી અતિશયોક્તિઓ માત્ર કથાની રોચકતા વધારવા માટે જ કરવામાં આવી નથી, પરંતુ તેમ કરવાનું કારણ બીજું જ છે. કથાકાર આવી અતિશયોક્તિઓ દ્વારા એમ સૂચવે છે કે આ કથાઓને તેમના બાહ્ય શાબ્દિક અર્થમાં લેવાની જરૂર નથી, પરંતુ સાંકેતિક અર્થમાં સમજવાની છે. અશક્ય લાગે તેવી અતિશયોક્તિઓ દ્વારા કથાકાર એમ સૂચવે છે કે આ કથાઓનો સાંકેતિક અર્થ પ્રધાન તત્ત્વ છે. અશક્ય લાગે તેવી અતિશયોક્તિ દ્વારા તેઓ કથાના શબ્દાર્થને વળગી રહેવાનું અશક્ય બનાવે છે, જેથી વાચક સંકેતાર્થ તરફ વળે. હનુમાનજીની સો યોજનની છલાંગ નરી અતિશયોક્તિ છે, પરંતુ આ અતિશયોક્તિ દ્વારા વાલ્મીકિજી આપણને સૌને આ કથાઓનો સંકેતાર્થ સમજવાનો સંકેત કરે છે.
નવી પેઢી આપણા કથાસાહિત્ય વિશે સાંભળીને મોં મચકોડે છે. કેટલાક વિરોધીઓ આપણા કથાસાહિત્યને હાસ્યાસ્પદ પણ ગણાવે છે. ગેરસમજનો ભોગ બનેલા સૌને આ કથાસાહિત્યના આંતરગર્ભમાં જવાનો અહીં સંકેત છે. જો કથાસાહિત્યની અંદર જોઇને જોઇશું તો જણાશે કે આપણું કથાસાહિત્ય હાસ્યાસ્પદ નથી, પરંતુ ચિંતનીય અને ધ્યાનપાત્ર છે. આપણું કથાસાહિત્ય આપણી મહામૂલી મૂડી છે. આપણા કથાસાહિત્યમાં આપણી સંસ્કૃતિનું કેન્દ્રસ્થ તત્ત્વ અધ્યાત્મવિદ્યા પ્રગટે છે. આપણે કથાસાહિત્યની અવગણના ન કરીએ, તેને હાસ્યાસ્પદ ન ગણીએ, પરંતુ તેના રહસ્યાર્થને સમજવાનો પ્રયત્ન કરીએ તે જ ઈષ્ટ છે.
(ક્રમશ:)