ધર્મતેજ

અસંગ શસ્ત્ર

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે. તેનાં મૂળ ઘણા ઊંડે ઉતરેલા છે. માટે ભગવાન કહે છે કે અનાસક્તિરૂપી શસ્ત્રથી સારી પેઠે તેનાં વિષયમૂળ ઉખેડવાં પડે.

અનાસક્તિ એ વૈરાગ્યમાંથી ઉપજે છે. અને સંસારમાં અપ્રીતિથી વૈરાગ્ય જન્મ લે છે. જેટલો સંસારમાં સ્નેહ તેટલો વૈરાગ્યનો અભાવ! ફળસ્વરૂપે અનાસક્તિ પણ અસંભવ બને છે. જીવન અને સંસાર પ્રત્યેનો મોહ જ આસક્તિ કરાવે છે. આ મોહ દૂર કરવા જીવનનું અંતિમ લક્ષ્ય નજર સમક્ષ હોવું જરૂરી છે.

૧૫ જાન્યુઆરી, ૨૦૦૯ના યુએસ એરવેઝ ફ્લાઇટ ૧૫૪૯ ન્યૂયોર્ક સિટીના લગવાર્ડિયા એરપોર્ટથી રવાના થયું. ટેક ઓફ થયા પછી તરત જ પક્ષીઓના એક ઝૂંડ સાથે અથડાયું. કેપ્ટન સલનબર્ગ અને ફર્સ્ટ ઓફિસરને હડસન નદી પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે એમ હતું. પ્લેન પાણીની સપાટી સુધી પહોંચ્યું ત્યારે પ્લેનમાં રહેલી દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે હવે મૃત્યુ હાથવેંત જ છેટું હતું.
આ છેલ્લી ક્ષણમાં ઘણા મુસાફરોને ક્યારેય વિચારી નહીં હોય એવી જીવનની સ્પષ્ટતા મળી હતી. જ્યારે પાઇલટે પ્લેનનું હડસન નદી પર ચમત્કારિક રીતે લેન્ડિંગ કર્યું ત્યારે મુસાફરોએ જીવતા હોવાના આનંદની સાથે જીવનના હેતુ વિશેની એક નવી સમજ મળી.

૧- ઉ સીટ પર બેઠેલા બિઝનેસમેન રિક એલિયાસે પ્લેનના એક મુસાફર(યાત્રી) હતા. એમણે જ્યારે પ્લેનને નદીની નજીક આવતું જોયું ત્યારે તેઓ પોતાના જીવન વિશેના ત્રણ મહત્ત્વના પાઠ શીખ્યા.

૧. હવે હું જીવનમાં કંઈ પણ ભવિષ્ય પર મુલતવી રાખવા માંગતો નથી. અને એ હેતુએ ખરેખર મારા જીવનને બદલી નાખ્યું છે.

૨. હું મારી પત્ની, મારા મિત્રો અને લોકો સાથેના મારા સંબંધ વિષે વિચારતો રહ્યો. એ સંબંધો વિષે વિચાર્યા પછી મેં મારા જીવનમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવાનો નિર્ણય કર્યો. છેલ્લાં બે વરસમાં મારી પત્ની સાથે મારે એકવાર પણ ઝઘડો થયો નથી એને લીધે હું ઘણું સારું અનુભવું છું. હું સાચો છું એવું દેખાડવાનો પ્રયત્ન કરતા હવે હું ખુશ રહેવાનું પસંદ કરું છું.

૩. મારા જીવનમાં હું એક સારો પિતા બની શકું આ જ વાતની અગત્યતા છે.

એલિયાસને એક નવજીવન મળેલું અને પોતાની જાત સાથે થયેલા સંવાદમાંથી જે સ્પષ્ટતા મળી એનાથી વધુ અર્થસભર જીવન જીવવા લાગ્યા. સાથે સાથે જીવન અનિશ્ર્ચિતતાઓથી ભરેલું છે. અણધારેલી આપત્તિઓ વ્યક્તિને ઊંડા શોકમાં નાંખી દે છે. પણ મૃત્યુના સ્વીકારની પૂર્વતૈયારીથી વ્યક્તિના જીવનમાં ગજબની સ્થિરતા આવી જાય છે. કારણ કે મૃત્યુ સામે બધી જ લૌકિક ઘટનાઓ, પરિસ્થિતિઓ કે અનુભવો વામણા લાગે છે.

મૃત્યુ જીવનનું સત્ય છે. જો તેને બરાબર સમજી લઈએ તો જીવન અને સંસાર પ્રત્યેનો મોહ દૂર થાય છે. પરિણામે અનાસક્તિ જન્મે છે. વિષયોમાંથી મનની વૃત્તિ પાછી વળે છે. જે અતિ અગત્યનું છે તેના ઉપર જ વૃત્તિ લાગે છે અને અનાવશ્યક વસ્તુઓ જીવનમાંથી દૂર થવા લાગે છે.

તા. ૨૯/૯/૧૯૮૦ના રોજ એક વાતચીતના પ્રસંગમાં કોઈએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું : સ્વામી! એક વૈજ્ઞાનિકે એવી આગાહી કરી છે કે ધૂમકેતુ પૃથ્વી સાથે સન ૧૯૯૦, ૧૯૯૩ અને ૧૯૯૪ માં અથડાશે અને પૃથ્વીનો નાશ થશે. ત્યારે
સ્વામીશ્રીએ કહ્યું, આપણે તો જીવતાંય લાખના છીએ અને મરતાંય લાખના છીએ. આત્યંતિક પ્રલય કરીને બેઠા છીએ ને!

અનાસક્તિના સર્વોચ્ચ શિખર પર બેસીને સાક્ષીભાવે સઘળી પ્રવૃત્તિ કરતા તેઓને મરણનો લેશ ભય નહોતો. જંગલમાં દવ લાગે ત્યારે ઉંદરને ચિંતા રહે, પણ જેની પાંખમાં ઊડવાનું જોર છે તે પંખીને શું ભય હોય ? તેમ આ સમજણ પાંખો આપે છે ઊડવાની. પરિસ્થિતિ ભલે એની એ જ રહેશે પણ આપણી સ્થિતિમાં પરિવર્તન ચોક્કસ થઈ જશે. આવો પ્રમુખસ્વામી મહારાજના આ શબ્દોથી જાણીએ કે આજનો દિવસ છેલ્લો દિવસ છે એમ માની વ્યાવહારિક કાર્યો કરીએ, જેથી આપણી કાર્યક્ષમતા અને અસરકારકતા વધશે, અગ્રિમતા અનુસાર કાર્યોનું આયોજન સારું થશે (જે વધારે અગત્યનું છે તેને પૂરતો ન્યાય આપી શકાશે) અને જીવનનાં ઉતાર ચઢાવમાં સ્થિરતા અને શાંતિ જળવાયેલા રહેશે.

હા, ગીતા સમજાવે છે કે સંસારવૃક્ષને કાપવા સંસારથી ભાગવાનું નથી પરંતુ સંસારમાં રહીને સંસારથી અનાસક્ત રહીને પ્રવૃત્તિ કરવાની છે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી