ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૮)
દિલાવરખાનનું નામ સાંભળતાં જ એ માનવી ભયથી ચમકી ગયો. તેનું નામ તથા પરાક્રમ તેમ જ તેની રાક્ષસી પ્રવૃત્તિ વિષે વાંચ્યું હતું. આજે તેનો ચુકાદો છે, એ વાત પણ તેણે અખબારમાં વાંચી હતી. એ સમજી ગયો કે કોર્ટમાંથી ગમેતેમ કરીને તે છટક્યો છે અને તેને પકડવા માટે જ આ શોરબકોર થઈ રહ્યો છે.
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
તીવ્ર અને ગહન પીડાના કારણે જાલમસિંહના કંઠમાંથી ચીસ સરી પડી. એની આંખો સામે ધડીભર અંધકાર છવાઈ ગયો. આજ સુધી એને ઘણીવાર આવા પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું અને કેટલીએ વાર માર ખાધો હતો. પરંતુ નાગપાલ તરફથી રસીદ થયેલા મુક્કાઓ તેને ખળભળાવી મૂક્યો…
એનું જડબું મૂળમાંથી હચમચી ગયું. બન્ને દંતાવલિ વચ્ચે એની જીભ દબાઈ અને પછી લોહી નીતરતી હાલતમાં ચાર-પાંચ દાંત એના ઉઘાડા મોંમાંથી બહાર ફેકાયા.
બમનજી તે ઘડાઘડ કરતો એ લોકોને મેથીપાક જ જમાડવા લાગી ગયો હતો. માંડ માંડ એને તથા એના ક્રોધને શાંત પાડવામાં આવ્યો. દિલાવરખાન પાછળ એની વર્ષોથી મહેનત હતી. એ કાળી મહેનત પર દિલાવરખાનના નાસી જવાથી પાણી ફરી વળ્યું હતું અને એટલે જ તે ઉશ્કેરાયો હતો.
કોર્ટ બરખાસ્ત કરવામાં આવી.
ન્યાયધીશસાહેબને પૂરતા સંરક્ષણ નીચે તેમના નિવાસસ્થાને લઈ જવાયા. એમને અણધાર્યા બનાવથી ઘણો માનસિક આઘાત થયો હતો.
જાલમસિંહ તથા તેના બન્ને સાથીદાર તાબડતોબ પોલીસલોકઅપમાં લઈ જવામાં આવ્યા.
આ દરમિયાન પોલીસ એક જોરદાર કામગીરી બજાવી. દિલાવરખાનની નાસી જવાની સૂચના ચારે તરફ ટેલિફોન તેમજ વાયરલેસથી આપવામાં આવી. જે ઈન્સ્પેક્ટરને દિલાવરખાને કોર્ટના કમ્પાઉન્ડમાં પેટ પર ગોળી મારી હતી, તેણે ત્રુટક અવાજે કારનો નંબર જણાવ્યો. પછી એ બેહોશ થઈ ગયો હતો. એને સારવાર માટે હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો…
દિલાવરખાનના નાસી જવાના સમાચાર સારાયે મુંબઈમાં આગની જેમ ફેલાઈ ગયા. મુંબઈના એકએક આલીશાન રાજમાર્ગ પર દિલાવરખાનની કારને ઘેરી લેવા માટે શહેરભરની વાયરલેસ પેટ્રોલ કારમાં હથિયારબંધ પોલીસો સાથે ઘૂમતી હતી. નેશનલ હાઈવે પર પણ કડક પહેરો ગોઠવવામાં આવ્યો હતો. વિહારથી ચર્ચગેટ સુધી અને થાણાથી ઘાટકોપર, ગોરેગાંવ અને છેક દાદર સુધી નાકાબંધી કરવામાં આવી હતી અને આ રીતે દિલાવરખાનને ઘેરવા માટેના ચક્રોને સંપૂર્ણ રીતે ગતિમાન કરવામાં આવી હતી.
દિલીપ, નાગપાલ અને બમનજી ઝપાટા બંધ કોર્ટના કમ્પાઉન્ડની બહાર નીકળ્યા. એ જ પળે ‘ચી…ઈ…ઈ…’નાં અવાજ સાથે એક આલીશાન કાર એમની પાસે આવીને થોભી ગઈ, કારના ચાલકે ઝપાટાબંધ હાથ લંબાવી પાછળનું દ્વાર ઉઘાડ્યું. અને પછી ઉતાવળા અવાજે બોલ્યો, ‘અંદર આવી જાઓ સાહેબો…’
એ પ્રાઈવેટ ડીટેક્ટિવ દલપત હતો.
ટપોટપ કરતાં તેઓ કારમાં બેસી ગયા અને વળતી જ પળે તે સ્ટાર્ટ થઈ…અને સડક પર આગળ વધી.
દિલાવરખાન જે સમયે કારમાં બેસીને કોર્ટમાંથી નાસી છૂટ્યો ત્યારે એક માણસ પોતાની કારને એક તરફ સાઈડમાં ઊભી રાખી તેના બોનેટ સાથે પીઠ ટેકવી, સિગારેટ ફૂંકતો ઊભો હતો. તે કદાચ કો’કની રાહ જોતો હતો.
એકાએક એના કાને લોકોની ચિચિયારી તથા દે’માર દેકારો અને શોરબકોર સાંભળ્યાં…એણે કાન સરવા કર્યા.
‘પકડો…પકડો…દિલાવરખાન નાસી જાય છે…’
દિલાવરખાનનું નામ સાંભળતાં જ એ માનવી ભયથી ચમકી ગયો. તેનું નામ તથા પરાક્રમ તેમ જ તેની રાક્ષસી પ્રવૃત્તિ વિષે વાંચ્યું હતું. આજે તેનો ચુકાદો છે, એ વાત પણ તેણે અખબારમાં વાંચી હતી. એ સમજી ગયો કે કોર્ટમાંથી ગમેતેમ કરીને તે છટક્યો છે અને તેને પકડવા માટે જ આ શોરબકોર થઈ રહ્યો છે.
‘અહીંની પોલીસ જ વાહિયાત છે.’ બબડ્યો પણ તેથી આ દિલાવરખાનને તો હરગીઝ ન છટકવા દેવો જોઈએ. એ નરાધમ ડાકુ તો ફાંસીને જ લાયક છે, પણ એમ તો પોતે પણ ક્યાં ડાકુ નહોતો?’ એણે વિચાર્યું.
‘ઉંહુ…પોતે કદાપિ કોઈનાં ખૂનો નથી કર્યાં, ચોરી નથી કરી, પોતે માત્ર દાણચોરી જ કરી છે… આજે તો એ ધંધાને પણ છેલ્લી સલામ, જેલમાંથી છૂટ્યા પછી કરી દીધી છે…આજે તો પોતે ભારતનો એક શરીફ નાગરિક છે.’
અને એક કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે પોતાની ફરજ છે કે બની શકે તો આવા શયતાનોને પકડવા માટે પોલીસને સાથ આપવો જ જોઈએ…અને…!
અચાનક એની વિચારધારા તૂટી.
‘ઘુ…ઉ…ઉ…મ…! અવાજ સાથે દિલાવરખાનની કાર આંધીને ઝડપે એની આંખો સામેથી પસાર થઈ ગઈ…! દિલાવરખાનના ચહેરાની એક આછી ઝલક પણ એને ઓળખવા માટે બસ થઈ પડી, કારણ કે એણે દિલાવરખાનની તસવીરો અનેક વખત વર્તમાનપત્રોમાં જોઈ હતી.
‘બચ્ચા દિલાવરખાન…! આજે તારું આવી બન્યું છે. હવે જોઈ લેજે તું આ ‘દેશાઈભાઈ’નો ઝપાટો!’
હા…એ દેશાઈભાઈ જ હતો! એક જમાનાનો ખતરનાક દાણચોર દેશાઈભાઈ! બીલીમોરાથી પાંચ માઈલ દૂર આવેલા રંગપુર સ્ટેટનો વારસદાર…! દેશાઈભાઈથી વાંચકો પરિચિત છે.
દેશાઈભાઈએ સિગારેટનાં ઠૂંઠાને એક તરફ ફેંક્યું. દ્વાર ઉઘાડીને તે ખિસકોલીની જેમ સ્ટિયરિંગ નીચે સરકી ગયો.
અને ત્યાર પછીની પાંચમી પળે એની કાર પોતાની પૂરી રફતાર સાથે દિલાવરખાનનો પીછો કરી રહી હતી.
પાછળ આવતી દલપતની કારમાંથી બમનજી બબડ્યો, ‘લો, કમબખ્ત આ કોઈક કાળી કાર વચ્ચે આવી ગઈ છે. રસ્તો સીધો હોવાથી દિલાવરખાની કાર દેખાતી નથી.’
એ જ પળે દલપતે એક વળાંક પર સ્ટિયરિંગને વાળ્યું. વળાંક હોવાથી દિલાવરની કાર ફરીથી સરળતાપૂર્વક દેખાતી હતી. એની પાછળ દેશાઈભાઈ હતો અને સૌથી છેલ્લે દલપતની કાર હતી.
‘ત્રણેય કારો એકબીજાની પાછળ દોડતી હતી.’
‘આ કાળી કારવાળો છે કોણ?’ લગભગ પાંચેક મિનિટ પછી બમનજી બોલ્યો, ‘તે પણ આ દિલાવરની પાછળ પડ્યો લાગે છે.’
‘બમનજીસાહેબ!’ દિલીપ જીભ વડે ચટકારો લેતા બોલ્યો ‘મને લાગે છે કે એ કોઈક જાસૂસી શીખવા માટેનો શોખીન હોવો જોઈએ. એણે દિલાવરખાનને છટકતો જોયો અને બસ, તરત જ પોતાની કાર ફિલ્મી હીરોની જેમ તેની પાછળ દોડાવી મૂકી.
‘ઓહ..ગોડ. એકાએક કારને આંચકો વાગ્યો હોવાથી બમનજી સીટ પરથી ઊછળી પડતાં બોલ્યો, ‘દલપત, દિલાવરખાન ડ્રાઈવિંગ એક્સપર્ટ લાગે છે. તું બરાબર સાવધાની રાખજે. એ જો છટક્યો તો આપણી વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે.’
‘તમે બેફિકર રહો. હું એને હરગીઝ નહિ છટકવા દઉં, અને મિ. બમનજી! મને લાગે છે કે આગળ જઈ રહેલી કારમાં જે કોઈ હોય તે! પરંતુ ચોક્કસ તેણે પણ દિલાવરખાનનો પીછો કર્યો છે…આપણા માટે આ સારી વાત છે.’ અને વાતની પૂર્ણાહુતિ સાથે જ દલપતે સ્ટિયરિંગને બન્ને હાથે ખૂબ જોરથી ડાબી તરફ ધુણાવ્યું.
ચી…ઈ…ઈ…કરતાં સડક પર ટાયર ઘસાયા…અને પછી કાર ભયંકર વળાંક પાર કરી ગઈ.
દિલાવરખાન બપોરના બરાબર સાડાચાર વાગ્યે છટક્યો હતો અને નાશભાગમાં અત્યારે સાંજ પડી ગઈ હતી. એ જાણતો હતો કે પોતાને ઘેરી લેવા માટે મુંબઈની અનેક વાયરલેસ કાર કેટલીયે સડકો પર દોડધામ કરતી થઈ ગઈ હશે…
મુંબઈનાં તમામ રાજમાર્ગોથી એ પરિચિત હતો. પોલીસની જાળમાંથી છટકવા માટે જ તે આડાઅવળી અને બની શકે તેટલી પેટાસડકોનો ઉપયોગ કરતો હતો અત્યાર સુધીમાં એણે ચાર-પાંચ વાયરલેસ કારોને થાપ આપી હતી, પરંતુ હજુ પણ ખતરો ઝઝૂમતો હતો અને એ પ્રત્યે તે સાવધાન હતો.
પોતાની પાછળ એક કાળા રંગની કાર છે એનો તેને ખ્યાલ આવી ગયો હતો. અને તેથી એને થોડી ચિંતા ઊપજી હતી. કોની હશે એ કાર? કોણ હશે તેમાં?
કાળી કારની પાછળ એણે દલપતવાળી કારને પણ જોઈ હતી, પરંતુ તે કાર કે તેમાં બેઠેલા બમનજી વિગેરે તરફથી તેને ખાસ કોઈ ફિકર કે ચિંતા હોય એવું તેના ચહેરા પરથી લાગતું. તે માત્ર એકદમ પાછળ આવી રહેલી કારનાં કારણે જ ચિંતાતુર લાગતો હતો.
કારમાં પેટ્રોલ ચિક્કાર ભરેલું હતું અને હજુ બે-ત્રણ કલાક આ રીતે નાસભાગ કરવી પડે તો તેમાં વાંધો આવે તેમ નહોતું.
સાંજ આથમી ગઈ…
સડક વિદ્યુત રોશનીથી ઝળહળવા લાગી હતી…
દિલાવરખાનની કાર રાક્ષસી ઝડપે શોર મચાવતી સડક પર ધસમસતી હતી. એની પાછળની કારમાં દેશાઈભાઈ હતો. દેશાઈભાઈની ગીધ જેવી નજર, આગળ જઈ રહેલી કાર પર આબાદ ચોંટી હતી. વાંકીચૂંકી સડકોનાં વળાંક પર પુરપાટ ગતિએ જઈ રહેલી દિલાવરખાનની કાર થોડી પળો માટે દૃષ્ટિ મર્યાદા ઓળંગીને ફરીથી નજરે ચડતી હતી.
એક પરથી બીજી, આમ કેટલીયે સડકો વટાવ્યા પછી મુંબઈના આલીશાન રાજમાર્ગ-પેડરરોડ પર પ્રવેશી.
એકાદ મિનિટ પછી દેશાઈભાઈની કાર આવી, અને છેલ્લે દલપતવાળી કાર પણ પેડરરોડ પર પ્રવેશી.
આલીશાન ખૂબસૂરત ઊંચાનીચા ઢોળાવ અને ચઢાણવાળી વિદ્યુત રોશનીથી ચમકારા મારતી સડક! બંને દિશાએ આધુનિક ઢબની ઊંચી અને ખૂબસૂરત બિલ્ડિંગોની લાંબી હારમાળા! ટૅક્સી મોટર તેમ જ અન્ય વાહનોની બન્ને તરફ કતાર હતી.
પેડરરોડ વટાવીને દિલાવરખાને બોમ્બે સેન્ટ્રલ તરફ જતી સડક પર પોતાની કારને વાળી. અને પછી તે ત્યાંથી સૌથી પહેલાં જે સીધી સડક નજરે ચડી ત્યાં કારને લઈને પુરપાટ ગતિએ મારી મૂકી, એણે બેક વ્યૂ-મિરરમાં નજર કરી…
સડકના એક વળાંક પર પોતાની પાછળ આવતી કાળી કારના પ્રતિબિંબને તે સ્પષ્ટ જોઈ શક્યો.
અચાનક દિલાવરખાન ચમક્યો. એક ટ્રાફિક ચોકમાં તેને વાયરલેસ કાર સામી મળી. એણે દાંત કચકચાવીને ભયંકર જોરથી એક્સીલેટર દબાવ્યું. વળતી જ પળે કારે આંચકો ખાધો અને પછી ટ્રાફિક સિગ્નલોની પરવા કર્યા વગર તે બંદૂકમાંથી છૂટેલી ગોળીની જેમ એકદમ સીધે-સીધી જ ધસમસતી ગઈ. અચાનક તે લાઈન ક્લીયર દર્શાવતી સડક પરથી આવતી એક પ્રાઈવેટ સ્ટેશન વેગનના પડખા સાથે ઘસાઈ એના ધક્કાથી સ્ટેશનબેગન એક તરફ હડસેલાઈ ગઈ.
પાછળ આવતો દેશાઈભાઈ પોતાની સીટ પર ઊંચો-નીચો થઈ ગયો જેક લાઈટ હોવાથી એણે કારને ફરજિયાત ઊભી રાખવી પડી. પાંચેક સેકંડમાં જ એની પાછળ દલપતની કાર આવીને થોભી. તે નીચે ઊતરીને કાળી કાર વિશે પૂછપરછનો વિચાર કરતો હતો. ત્યાં જ સિગ્નલ ક્લીયરની લીલી લાઈટ ઝબૂકી.
હોઠ પીસીને દેશાઈભાઈએ કારને આગળ વધારી. ટ્રાફિક અને ભીડ ઓછી થતાં જ એણે ગતિ વધારી. સદ્ભાગ્યે એ સડક એકદમ સીધી જ હતી. દૂર દૂર…દિલાવરખાનની કારને જતી તે જોઈ શકતો હતો.
આગળ વધી રહેલી દિલાવરની નજર અચાનક સામેથી તીવ્ર સાઈરન વગાડતી આવી રહેલી વાયરલેસ કાર પર પડી, તેણે ખૂબ ઝનૂનથી હોઠ પીસ્યા અને પછી સ્ટિયરિંગ ફેરવ્યું. કારનાં આગલાં બંને વ્હિલ ડાબી સાઈડ તરફ વળ્યાં…જ્યારે પાછળનાં બન્ને ટાયરો…ચી…ઈ…ઈ ચીસો પાડતાં સડક પર બે-એક ફૂટ જેટલા આગળ ઘસડાઈ જમીનથી સ્ટેજ ઉપર ઊંચકાઈને ફરીથી સમતલ સડક પર આવી ગયાં હતાં.
વોર્ડન રોડનો સૌથી વધુ ખતરનાક અને જોખમી વળાંક દિલાવરખાને વટાવ્યો હતો. સ્પિડોમીટરનો કાંટો પૂરા એકસો કિલોમીટરનાં આંક પર થરથરતો હતો. એણે બારી બહાર નજર દોડાવી, આંખો સામેથી ખૂબસૂરત ઈમારતોની હારમાળા ચલચિત્રની પટ્ટીની જેમ પસાર થતી હતી.
કાર ચલાવતાં ચલાવતાં એના હોઠ પર સ્મિત ઝબક્યું. પછી એની નજર સામેની દિશામાંથી પૂરપાટ વેગે ધસી આવતી બે વાયરલેસ કાર પર સ્થિર થઈ. પાછળની કાળી કાર પણ એકધારી ગતિએ ચાલી આવે છે એ વાત તેના ખ્યાલ બહાર નહોતી.
સામેની બંને વાયરલેસ કાર, એક જ ગતિથી બાજુ બાજુમાં જ દોડતી આવતી હતી. તેની હેડલાઈટો ઑફ હતી. માત્ર સ્મોલ સાઈડ લાઈટ જ સળગતી હતી.
દિલાવરખાને દૂરથી જ હોર્ન મારવાની શરૂઆત કરી. પરંતુ બંને ગાડીઓ સમાન ગતિમાં જ તેની સામે આવતી રહી…
તેઓની વચ્ચે હવે લગભગ દોઢસો-એક વારનું અંતર હતું. એ લોકોનો ઈરાદો સાફ નથી તે વાત તો દિલાવરખાન પહેલાંથી જ સમજતો હતો. ફરી એકવાર એના હોઠ પર સ્મિત ફરક્યું. પછી ગર્વભેર માથું ઊંચું થયું. એની આંખો ગર્વ અને અભિમાનથી ચમકવા લાગી. પ્રત્યેક પળે તેઓની વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું હતું. એ લોકો પોતાને અટકાવવા માગે છે, તે વાત સ્પષ્ટ હતી.
ફાંસલો ઘટતો ગયો.
પંદર વાર…
તેઓની વચ્ચે ફક્ત પંદર વારનું અંતર બાકી રહ્યું…
અને એકાએક દિલાવરખાને ભયાનક રીતે સ્ટીયરીંગ વ્હિલને જોરથી ફેરવ્યું. સામેથી ભીમકાય એંજિનની માફક ધસી આવેલી વાયરલેસ વાન, તેની કારના બોનેટ સાથે અથડાય એ પહેલાં જ કાર એકદમ તીરછી થઈ અને એ જ પળના બીજા ભાગમાં ફૂટપાથ પર ધસી ગઈ. બીજી પળની સમાપ્તિમાં એણે ફરીથી સ્ટીયરીંગ ઘુમાવ્યું. કારની ડાબી સાઈટના આગલા અને પાછલા બન્ને વ્હિલ ફૂટપાથ પર ચડી ગયાં. એ સાથે જ કારને જોરથી આંચકો વાગ્યો. જમણી સાઈડનાં આગલાં-પાછલાં બન્ને વ્હિલ સડક પર હતાં અને એ જ પોઝિશનમાં તેની કાર અર્ધી ફૂટપાથ પર અને અર્ધા સડક પર આગળ ધસવા લાગી. ડાબી તરફથી ઊંચી થઈ ગયેલી કાર, જમણી દિશાએ આવેલી વાયરલેસ કારથી ફક્ત એક ફૂટ જેટલા અંતરેથી પસાર થઈ ગઈ.
ફરી એકવાર દિલાવરખાનની આંગળીઓ દિશાચક્ર પર ઘૂમી… એક આંચકો! અને કાર પુન: સડક પર દોડવા લાગી.
પાછલી કારમાં રહેલા દેશાઈભાઈએ દિલાવરખાનની ડ્રાઈવીંગ કુશળતાને મનોમન દાદ આપી.
‘ગજબ છે…આ માણસ…!’ બમનજી બબડ્યો.
બંને વાયરલેસ કાર આગળપાછળ ગોઠવાઈને ઊભી રહી ગઈ. રસ્તો મળતાં જ દેશાઈભાઈએ કારની ગતિ વધારી દીધી. આ સમય દરમિયાન દિલાવરખાનની કાર ફરી એકવાર તોપમાંથી છૂટેલા ગોળાની સ્પિડથી આગળ ધસમસતી હતી. પૂરી બે મિનિટ પછી તે પુન: દેશાઈભાઈની નજરે ચડી.
વળાંક પર વળાંક…
ડગલે ને પગલે મોત…
દિલાવરખાને ઘડિયાળ જોઈ. રાતના આઠ વાગ્યા હતા. એ હવે કદાચ થાક્યો હતો.
સહસા એની નજર ફરીથી વિન્ડસ્ક્રીન સામે ફેલાયેલી સડક પર સ્થિર થઈ. એ સ્થળે ઢોળાવદાર વળાંક હતો અને ત્યાં એક સાથે સાત સાત વાયરલેસો રસ્તો રોકીને ઊભી હતી. આગળ જવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. એણે પાછળ નજર કરી. કાળી કાર પૂર્વવત્ ગિઅ આવી રહી હતી. એ વધુ વિચાર કરે તે પહેલાં જ કાર વળાંક પર આવી પહોંચી. એણે જોરથી બ્રેક મારી…શાંત સૂના વાતાવરણમાં બ્રેકના અવાજથી સડક ગર્જી ઊઠી…કાર પૂરેપૂરી ઊભી રહે એ પહેલાં જ એણે ડાબી તરફનું બારણું ઉઘાડ્યું અને પછી તે બહાર કૂદી પડ્યો. સડક પર આવીને એણે જોરથી સામેની ફૂટપાથ તરફ દોટ મૂકી.
એક સાથે કેટલીએ ગોળીઓ તેની દિશામાં ધસી આવી. વાતાવરણ ગોળીબારનાં પ્રચંડ ધુમાડાથી ગાજી ઊઠ્યું. સડક પર ધુમાડો છવાઈ ગયો, અને સળગી ગયેલા દારૂની ગંધ ત્યાંના વાતાવરણમાં ફેલાઈ ગઈ.
આ ધુમાડો જ તેને અશાંત રીતે મદદરૂપ થયો.
કશુયે વિચાર્યા વગર તે એક ઈમારતમાં દાખલ થઈ ગયો…
દેશાઈભાઈએ તેને એ ઈમારતમાં જતાં જોયો હતો.
ગોળીબારના પ્રચંડ ધડાકાઓથી એ વિસ્તાર ગાજી ઊઠ્યો અને લોકોમાં જબરી નાસભાગ થઈ પડી હતી અને કીડિયારાની જેમ પોલીસના માણસો ઉભરાતા હતા.
દેશાઈભાઈ કાર ઊભી રાખીને નીચે ઊતર્યો.
એણે એકાદ-પળ થોભીને આમતેમ નજર કરી.
પછી એ પણ દિલાવરની પાછળ ઈમારતમાં ઘૂસી ગયો. અંદર જતાં જ તેને એક તરફ લિફ્ટ દેખાઈ એની સામે જ સીડી હતી. એણે ઈન્ડિકેટરમાં નજર કરી. પાંચમા માળ પરથી લિફ્ટ પસાર થતી હતી. ક્રોધથી એણે દાંત કચકચાવ્યા અને પછી નિરુપાયે લિફ્ટને નીચે આવવાની રાહ જોવા લાગ્યો. એણે ખૂબ બેચેનીથી લિફ્ટને નીચે બોલાવવા માટે જોરથી બટન દબાવ્યું. થોડીપળો બાદ લિફ્ટ નીચે આવી. લિફ્ટમેને બારણું ઉઘાડ્યું.
એ જ પળે બે પોલીસ ઈન્સ્પેક્ટરો ત્યાં ધસી આવ્યા.
‘કેદીઓનાં વસ્ત્રો પહેરેલો એક માણસ કયા માળ પર ઊતર્યો છે? દેશાઈભાઈએ લિફ્ટમાં પ્રવેશતાં પૂછ્યું.
‘તમે કોઈ છો મિસ્ટર?’ બન્ને ઈન્સ્પેક્ટરો પણ લિફ્ટમાં આવ્યા અને બેમાથી એકે દેશાઈભાઈને પ્રશ્ર્ન કર્યો.
‘કાનૂનના રક્ષકોને મારા જયહિંદ!’ કડવું સ્મિત ફરકાવતાં બોલ્યો… પછી એણે લિફ્ટમેન સામે જોયું.
‘સાતમા માળ પર…’ એણે જવાબ આપ્યો.
‘તો જલ્દી અમને પણ ત્યાં લઈ જા.’ પછી તે બન્ને ઈન્સ્પેક્ટરો સામે સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘સાહેબો, મારુ નામ દેશાઈભાઈ છે, ચમકશો નહિ! મેં હવે સ્મગલિંગનો ધંધો જેલમાંથી છૂટ્યા પછી સદંતર બંધ કરી દીધો છે. તમારા લોકોની હાજરીમાં ધોળે દિવસે ભરી અદાલતમાંથી દિલાવરખાન નાસી છૂટ્યો એ મેં જોયું છે. અને આપની જાણ ખાતર સૂચનાર્થે નિવેદન છે કે મેં છેક કોર્ટથી જ તેનો પીછો અહીં સુધી કર્યો છે. કાનૂનને તથા તેના રક્ષકોને આ રીતે મદદ કરવાની, એક સભ્ય નાગરિક તરીકે મારી ફરજ છે, જે હું બજાવી રહ્યો છું.’ એ ફરીથી હસ્યો.
લિફ્ટ સાતમા માળ પર આવીને થોભી. બંને ઈન્સ્પેક્ટરો દેશાઈભાઈની સામે વિચિત્ર નજરે તાકી રહ્યા હતા. હવે તેઓને દેશાઈભાઈ તથા તેની ભૂતકાલીન પ્રવૃત્તિઓ બરાબર યાદ આવી ગઈ હતી. તેઓની પરવા કર્યા વગર દેશાઈભાઈ લિફ્ટની બહાર નીકળ્યો. પળભર તેણે આમતેમ નજર દોડાવી બંને ઈન્સ્પેક્ટરો પણ તેને ગણકાર્યા વગર લિફ્ટની જમણી તરફની લોબીમાં ઉતાવળા પગલે જવા લાગ્યા.
આ દરમિયાન લિફ્ટ ઉપર જઈ ચૂકી હતી.
અચાનક દેશાઈભાઈની નજર બાજુની સીડીનાં પગથિયાં પર પડી. ત્યાં પાણી અને ધુળથી ખરડાયેલાં બે માનવ પયલાં સ્પષ્ટ રીતે ઊપસી આવેલાં હતાં. પછી દેશાઈભાઈએ પોતાના પગ સામે જોયું. એને પગલાનું રહસ્ય સમજાઈ ગયું.
દિલાવરખાન જે સડક પરથી ઈમારતમાં દાખલ થયો હતો ત્યાંની એમ ગંદા પાણીની ગટર ઉભરાયેલી હતી. અને ત્યાં ચારે તરફ પાણી ફેલાયેલું હતું એ વાત તેને યાદ આવી. એના પોતાના પગ પણ ગંદા પાણીથી ખરડાયેલા હતા.
ચોક્કસ દિલાવરખાન લિફ્ટમાંથી ઊતરીને પગથિયાં ચડી ઉપર ગયો છે. એણે સીડી ચડીને પહેલાં વળાંક પરથી ગરદન ઊંચી કરીને ઉપરના ભાગમાં જોયું.
એનું હૈયું પળભર માટે ધબકારા ચૂકી ગયું!
એની માફક દિલાવરખાન પર સીડીની રેલીંગ પર નમીને એની સામે જોતો હતો. એની સફેદ કોડા જેવી આંખો ચમકારા મારતી હતી. દેશાઈભાઈની સાથે તેની નજર મળી.
‘દેશાઈભાઈ…! જાણે ગોદળામાંથી પથ્થર છૂટ્યો હોય, એવો સુસવાટાભર્યો અવાજ દિલાવરખાનના ગળામાંથી નીકળ્યો.
‘હું તને બહુ સારી રીતે ઓળખું છું. અપરાધી આલમમાં પ્રવેશેલા એકએક માણસો વિષે હું જાણું છું અને તેઓને ઓળખુ છું. બીજાઓની જેમ તારી પ્રવૃત્તિઓ પણ મારાથી અજાણ નથી. તું એક દાણચોર છે અને થોડા વખત પહેલાં જ જેલની સજા કાપીને છૂટ્યો છે. હું ન ચૂલતો હોઉં તો છેલ્લા પાંચ કલાકથી તું મારો પીછો કરતો આવ્યો છે. હું એ પણ જાણું છું કે તું હવે શરીફોની દુનિયામાં પાછો ફર્યો છે. મારી પાછળ પડીને તું કદાચ મને પકડવા ઈચ્છતો હોઈશ, જેથી પોલીસની આંખોમાં તારા પ્રત્યે ઈજ્જત અને માન ઊભરાય! પણ મારા દોસ્ત! મારી પાછળ પડવાથી તને કશો યે લાભ થવાનો નથી. હું તને મારી શક્તિનો પરચો બતાવું એ પહેલાં બહેતર છે કે તું તારી તથા તારાં બાલબચ્ચાંઓની સલાકતી ખાતર અહીંથી ચાલતી પકડ…નહિ તો…’