ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-20)
‘પરંતુ રાત્રે બાર વાગ્યે તું નાગપાલને બોલાવીશ તો તેને કોઈક ષડયંત્ર હોવાની શંકા નહિ આવે?’ ‘ના નહિ આવે…’ દિલાવરખાન મક્કમતાથી બોલ્યો, ‘હું એને કહીશ કે ધોળે દિવસે બોલાવવામાં મારા જીવનનું જોખમ છે.
કનુ ભગદેવ
‘હા…’
‘તો બસ! તમારા સહિત દશેય એજન્ટો અને D.O.A.નો એજન્ટ નંબર બે એક નિશ્ર્ચિત દિવસે અગાઉથી જ બલકે રાતના બાર વાગ્યા પછી મારા ઘેર ચુપકીદીથી આવી પહોંચજો. એ આખી રાત, ઉપરાંત બીજો આખો દિવસ તમે મારા મકાનમાં જ વિતાવજો બીજા દિવસની રાત્રિએ લગભગ બાર વાગ્યે હું તેને મારા ઘેર દસ્તાવેજી પુરાવાઓ સોંપવાને બહાને બોલાવીશ. અને પછી.
દિલાવરે વાક્ય અધૂરું મૂક્યું.
‘પછી…?’ રૂસ્તમે ઊખડી ગયેલા શ્ર્વાસે પૂછ્યું.
‘પછી એ જાણે ને બાકીના આઠેય કરોડપતિ અને પેલો અમેરિકન જાણે…! આપણે નાગપાલ પર હાથ જથી ઉઠાવવો. એ કામ પેલા બાકીના નવ પર-સોરી હું ભૂલ્યો-મુંબઈનો રતનલાલ નાગપાલની હત્યામાં ભાગ નહિ જ લે, એટલે આઠ જણ પર છોડી દઈએ. D.O.A.નો સૌથી ભયંકર દુશ્મન એશિયાભરમાં માત્ર આ નાગપાલ જ છે. મને લાગે છે કે પેલો અમેરિકન તથા બાકીના આઠેય જણ નાગપાલ પર મોત બનીને તૂટી પડશે.’
‘પરંતુ રાત્રે બાર વાગ્યે તું નાગપાલને બોલાવીશ તો તેને કોઈક ષડયંત્ર હોવાની શંકા નહિ આવે?’
‘ના નહિ આવે…’ દિલાવરખાન મક્કમતાથી બોલ્યો, ‘હું એને કહીશ કે ધોળે દિવસે બોલાવવામાં મારા જીવનનું જોખમ છે. હું પોતે જ D.O.A.નો માણસ છું. પરંતુ હું એ લોકોને બેવફા નીકળીશ એવી તેઓને મારા પર શંકા આવી છે. આથી દિવસના સમયે બોલાવવામાં જોખમ છે.’
‘પરંતુ અમે બધા મળીને અગિયાર માણસો તમારા ઘેર ૨૬ કલાક અગાઉ રહીશું તો કોઈને શંકા નહિ આવે?’
‘ના, ગીની તથા એનો બાપ બહારગામ ગયા છે. આખા મકાનમાં મારા સિવાય કોઈ જ નથી. ઉપરાંત તમે એ મકાન જોયું હશે. તે ઉજ્જડ અને છૂટાછવાયાં મકાનોવાળી કોલોનીમાં છે. રાત્રે બાર વાગ્યે તમે લોકો પાછળના ભાગે પાઈપ પર ચડીને ઉપર આવી પહોંચજો. હું બારી ઉઘાડી રાખીશ.’
‘કદાચ મારી લો કે નાગપાલ સહમત નહિ થાય તો?’
‘એ થશે જ…!’ દિલાવરખાજ દૃઢ અવાજે બોલ્યો, ‘તે ખૂબ જ નીડર અને આંધળાં સાહસો ખેડનાર માનવી છે. મને ૯૯ ટકા ખાતરી છે કે તે મારી જાળમાં ફસાઈ પડશે. મારી વાત સાંભળીને એ માનશે કે હવે મારે ગુનાખોરી છોડી દેવી છે જેલ તથા ફાંસીની સજાથી ડરી ગયો છું… વિગેરે…વિગેરે… બાકીનો એક ટકો આપણે ખુદા પર છોડવો પડશે. મારી વાત પૂરી થઈ. હવે શરતો સાંભળો. નાગપાલને સોંપી દીધી બાદ મને પૂરા પાંચ લાખ રૂપિયા જેટલી કિંમતના પાઉન્ડની નોટો અગર એટલી જ કિંમતનું સોનું જોઈશે. એ મળે તો આ જોખમ ઉઠાવવા તૈયાર છું. તમે D.O.A.ના એજન્ટો સાથે વાટાઘાટ તેઓ આવે ત્યારે કરી લેજો. પછી જ આ સ્કીમ હું અમલમાં મૂકીશ.’
‘પરંતુ હું મારા સિવાય બાકી જે નવ આસામીઓ છે એમાં કોઈને યે નથી ઓળખતો…’ સરદાર બોલ્યો, ‘તો પછી મારે ફાઈનલ કેવી રીતે કરવું?’
‘એ હું તમને જણાવું છું.’ દિલાવરે કહ્યું, ‘તમારી મિટિંગમાં જ તમે સૌ D.O.A.ના બહારથી આવનારા એજન્ટ નંબર બેને વાત કરજો. તેને કહેજો કે જો અમે નાગપાલને તમને સોંપી દઈએ. એ નાગપાલ કે જેને ખતમ કરવા માટે તમે લોકો ઘણા પ્રયાસો કરી ચૂક્યા છો (વાંચો લાસ્ટ-બુલેટ) તેને સોંપી દઈએ. તો તમે અમને દશેયને છોડી શકશો? અમારી વિરુદ્ધના પુરાવાઓ પાછા આપી શકશો? મને ખાતરી છે કે તે તરત જ હા પાડશે.’
‘વાત વિચારવા જેવી છે. સરદાર બબડ્યો, પછી કહ્યું. ‘પણ દિલાવરખાન! મને એક વાત ખટકે છે. તમે અત્યારે તો અમારી પાસે નાગપાલને ફસાવવાની વાત કરો છો. પણ તેની પાસે પહોંચ્યા બાદ તેને મળીને એને ફસાવવાને બદલે ઊલટા અમને ફસાવશો તો…? સ્પષ્ટતા માટે દુ:ખ લગાડશો નહિ. પણ તમારા પર આવી શંકા મને ઊપજે તે સ્વાભાવિક જ છે.’
દિલાવરખાન હસ્તો, પછી સરળ અવાજે બોલ્યો, ‘તમારી શંકા એકદમ વાજબી છે. પરંતુ સાંભળો, અપરાધવૃત્તિ મારી પ્રકૃતિ સાથે આજકાલ કરતાં વર્ષોથી વણાઈ ગઈ છે અને પ્રકૃતિ માણસની ક્યારેય નથી બદલાતી. કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. મારે શરીફ નથી બનવું. તમે પોતે ન એક શરીફ અને ઈજ્જતદાર માણસ હતા. આજે તમારા હાથમાં શું આવ્યું એ શરીફાઈથી? અને એક બીજી વાત કહું : હું ડાકુ છું, ચોર છું, ધાડપાડુ અને ખૂની છું. પરંતુ બેઈમાન નથી. એક રીતે તો ઉ.ઘ.અ.નો હું આભારી છું કે મને મુંબઈમાં બચાવવામાં આવ્યો. એ અહેસાન મારાથી કેમ ચુલાય? હવે છેલ્લી વાત! તમને જો મારા પર રજમાત્ર પણ શંકા હોય કે હું નાગપાલ સાથે ભળી જઈને તમને સૌને ફસાવી મારીશ. તો આપણે આ પ્રકરણ નહીં જ બંધ કરીએ. તમે લોકો ખુશીથી તમારું કામ કરો અને મારા જેવું જે કામ હોય તે મને સોંપતા રહો. નાગપાલ ગયો જહન્નમમાં…! મારે શું કામ છે?’ અને એણે બેદરકારીથી ખભા ઉછાળ્યા.
‘ઠીક છે. અમને તમારા પર ભરોસો છે. આપણી અત્યારની આ મિટિંગ પૂરી થાય છે. તમે સૌ હવે જઈ શકો છો. બધું જ નક્કી થયે હું તમને જણાવીશ દિલાવરખાન…’
‘ભલે…’
અને સૌ ત્યાંથી બહાર નીકળ્યા.
D.O.A.ની મિટિંગ ચંદ-નગરમાં જ ભરાઈ ગઈ. તેમાં ભાગ લેવા માટે ભારતમાં વસતા દશેદશ કરોડપતિઓ ઉપરાંત અકેરિકન એજન્ટ હતા. આ મિટિંગ રાત્રે દશ વાગ્યે ચંદ્રનગરની એક જૂની ખખડધજ ઈમારતમાં આવેલા એક ભૂગર્ભ ખંડમાં યોજાઈ હતી. સરદારે પેલા અમેરિકન એજન્ટ નંબર બે અને નાગપાલ વિષે વાતો કરી, અને દિલાવરખાનનો પ્લાન સમજાવી દીધો. એ અમેરિકન એજન્ટ વાસ્તવમાં D.O.A.નો માણસ હતો અને ચીરાગઅલીનો ખાસ પરિચિત હતો… નાગપાલ વિષે એણે બધું જ સાંભળ્યું હતું. અરે… એના નામ માત્રથી તે ચમકી ગયો હતો. એણે આખીયે યોજના વિચાર્યાં બાદ પેકિંગ ખાતે ટ્રાન્સમીટર પર સંપર્ક સાધીને સાંકેતિક ભાષામાં ત્યાંની વડાને વાત કરી અને ત્યાંથી ઓર્ડર છૂટ્યો. ‘નાગપાલ જો હાથમાં આવતો હોય તો એ દશેદશ માણસોની ઈજ્જતનો હુરીયો બોલાવતારા તમામ પુરાવાઓ તેમને સોંપી દેવામાં આવશે, અને એટલું જ નહીં D.O.A.ની સંસ્થામાંથી તેઓને માનસહિત જવા દેવામાં આવશે. પછી એમના પર કોઈ જ બંધન નહીં રહે. બધું નક્કી થઈ ગયું અને સાત દિવસ પછી એક ઈટાલિયન ભારતમાં આવી પહોંચ્યો. તે પણ D.O.A.નો એજન્ટ હતો. પેલા દશેય મહાનુભવોનો ભાંડો ફોડી નાંખનારા દસ્તાવેજ, તસ્વીરો અને એકરારપત્રો લઈને તે આવ્યો હતો. ચંદ્રનગર આવીને એણે પેલા અમેરિકનને એ બધી સામગ્રી સોંપી દીધી, પછી એ ચાલ્યો ગયો.’
ઉપરોક્ત ઘટના પછી બીજે જ દિવસે સરદારે દિલાવરખાનને બોલાવ્યો.
‘મેં બધું નક્કી કરી લીધું છે.’ સરદાર બોલ્યો, આ તમારા બનાવટી નામનો પાસપોર્ટ, પરમીટ, વીમા! સ્વીઝરલેન્ડની બેન્કમાં તમારા નામે હાલ તુરત બે લાખ પાઉન્ડ જમા કરાવી દેવામાં આવ્યા છે. આ રહી તેની રસીદ. એણે ત્રણેય વસ્તુઓ દિલાવરખાનના હાથમાં મૂકી દીધી. પછી બોલ્યો, પાસપોર્ટમાં જે તસ્વીર અને નામ સરનામું છે, એ વ્યક્તિ સાચેસાચ જ જીવે છે… તમારે એના મેકઅપમાં જવાનું છે. અમારો-મેક-અપમેન તમારો બેહદ કુશળતાથી આબેહુબ આ તસ્વીરમાં છે એવો ચહેરો બનાવી આપશે. એ માણસને અમે એક સ્થળે નજરકેદ રાખી દીધો છે…’
પાસપોર્ટ, બેન્કની રસીદ તથા પરમીટ જોઈને દિલાવરખાન પ્રસન્નતાયી ઊછળી પડ્યો.
‘વેરી ગુડ…!’ એ બોલ્યો, ‘તો એનો અર્થ એ કે મારે હવે નાગપાલ પાસે જવું જોઈએ!’
‘હા, ક્યારે જશો?’
‘મારા સાંભળવા મુજબ એ આજે સવારે કલકત્તા ગયો છે, ત્યાંથી કાલે પાછો ફરશે.’
‘તો પછી કાલે સવારે જ તમે એને મળીને બધો પ્રોગ્રામ યોજના પ્રમાણે ગોઠવી નાંખો.’
‘ભલે…’ એ ઊભો થયો.
‘જાઓ…’
દિલાવરખાનના ગયા પછી સરદારે રૂસ્તમને નજીક બોલાવ્યો, ‘સાંભળ રૂસ્તમ!’ એ બોલ્યો, ‘કોણ જાણે કેમ મને આ માણસમાં ભરોસો નથી. કદાચ એ સાચે જ નાગપાલ સાથે ભળી જશે તો આપણો ખેલ ખલાસ!’
‘મને એવુ નથી લાગતું. છતાં એક એનો ઉપાય છે. આપણી પાસે અદ્યતન બનાવટનું પોકેટ ટેપરેકોર્ડર છે… એનું માઈક્રોફોન ખૂબ જ શક્તિશાળી છે. નાગપાલ અહીંના સરકારી ગેસ્ટ હાઉસમાં રહે છે. એના કમરામાં જ હું માઈક્રોફોનને નજરે ન ચડે એવા સ્થાને છુપાવી દઈશ… રેસ્ટ હાઉસનો માળી આપણો જ માણસ છે. છતાં હું જારે રેસ્ટ હાઉસની છત પર જઈને અગાઉથી જ બધું ગોઠવી દઈશ. એ લોકોની વાતચીતનું રેકોડિંગ થઈ જશે. દિલાવરખાન જો આપણી સાથે દગો રમ્યો હશે તો તરત જ આપણને ખબર પડી જશે-એ સંજોગોમાં આપણે જ તેને ખતમ કરી નાંખીશું.’
‘એ બરાબર છે. તો તું આ વ્યવસ્થા બરાબર કરી લેજે…
‘ભલે….’
૦ ૦ ૦
ત્રીજે દિવસે રાત્રે દસ વાગ્યે રૂસ્તમ અચાનક આંધીની જેમ સરદારને આવીને મળ્યો.
‘સરદાર ….’ એ બોલ્યો, ‘મારો પ્રયાસ સફળ થયો છે. દિલાવરખાન બરાબર બે કલાક પહેલાં નાગપાલને મળવા ગયો હતો. બે કલાક સુધી એમની વાતચીત ચાલી છે, અને એ બધી મેં ટેપ કરી લીધી છે.’
‘શાબાશ…’ સરદાર બોલ્યો… સંભળાવ જોઇએ.’
રૂસ્તમે ગજવામાંથી પોકેટ ટેપરરેકોર્ડર કાઢીને તેને ચાલુ કર્યું અને ટેપના ખાલી ફરવાનો અવાજ આવ્યો.
ત્યારબાદ અચાનક નાગપાલનો અવાજ સંભળાયો: ‘અરે દિલાવરખાન તું અત્યારે…?’
‘નાગપાલ સાહેબ ….!’ દિલાવરખાનનો હાંફળોફાંફળો ઉતાવળો અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો, ‘મારી પાસે વધુ સમય નથી, પરંતુ હું અહીં આપની પાસે આપનાં જ કામ અંગે આવ્યો.’ દિલાવરનો અવાજ બંધ પડી ગયો.
‘બેસ અને શાંતિથી વાત કર…’ નાગપાલનો અવાજ આવ્યો. ત્યારબાદ ખુરશી ખેંચવાનો અવાજ આવ્યો. કદાચ દિલાવરખાન ખુરશી ખેંચીને બેસી ગયો હતો.
‘વાત એમ છે નાગપાલસાહેબ! દિલાવરનો અવાજ સંભળાયો, જે કામ માટે તમે અહીં આવ્યા છો એ કામ કરનારાઓના સૌથી મોટા દસ આગેવાનોને હું તમારા હાથેથી પકડાવી દઉં તો…. મને આપ શું સરકાર પાસેથી મારા પાછલા ગુનાઓની ક્ષમા અપાવશો. સાથે જ હું એક મોટી રકમનું ઇનામ પણ ઇચ્છું છું.’
‘દિલાવરખાન! તારી વાતની ખાતરી શી?’ નાગપાલનો અવાજ આવ્યો.
‘મારામાં વિશ્ર્વાસ રાખો. ઉ.ઘ.અ. નામની ખતરનાક એજન્સી તરફથી ભારતના જુદાં જુદાં શહેરોમાં લાચારીવશ દશ મોટા કરોડપતિઓ પરદા પાછળ રહીને કાળાં કુકર્મો આચારી રહ્યાં છે, એ બધાને ગુનેગાર તથા દેશદ્રોહી ઠરાવનારા મારી પાસે સંગીન ડોકિયુંમેન્ટ પુરાવાઓ છે…. પરંતુ હું હવે અપરાધની દુનિયા છોડવા માગું છું. જો તમે મને માફી આપવા ખાતરી આપી શકતા હો તો એ તમામ પુરાવાઓ તથા એ દશેદશ દેશદ્રોહીઓને તમારા હાથમાં પકડાવી દેવા તૈયાર છું બોલો મંજૂર છે.
‘દિલાવર! મને ફસાવવાની તારી આ કોઇ ગંદી રમત તો નથી ને?’
‘મારામાં ભરોસો રાખો નાગપાલસાહેબ !’ દિલાવરનો સ્પષ્ટ અવાજ સંભળાયો. ‘ભલા વિચારો તો ખરા! આપને ફસાવવાથી મને શું મળવાનું છે? હું ડાકુ અને ભલે હોઉં પણ દેશદ્રોહી નથી એની ખાતરી રાખજો. યાદ રાખો-આપ મને એકને છોડાવીને લાખો. માણસોનું ભલું કરવાનો જશ મેળવી શકશો. મારા બદલે દશ મોટા કાળા વિષધરો તમારા કરંડિયામાં પુરાઇ જશે… એટલું તો વિચારો….’
ટેઇપમાંથી આવતો અવાજ બંધ થઇ ગયો. કદાચ નાગપાલ વિચાર કરતો હતો. રૂસ્તમ તથા સરદારનાં હૃદય ધડકતા હતા. અહીં સુધીની વાતચીત જો નક્કી થયા પ્રમાણે હતી. દિલાવરખાન હવે પછી શું કહે છે એના પર જ બધો આધાર હતો.
‘ઠીક છે….’ થોડીવાર ખાલી રીલ ઘસાયા બાદ છેવટે નાગપાલનો અવાજ આવ્યો. ‘જો તું એ દશેયને મારા હાથમાં સોંપી શકે તેમ હોય, તેઓની વિરુદ્ધના પુરાવાઓ પૂરા પાડી શકે તેમ હોય તો હું તને સરકારની પાસેથી માફી અપાવવાનો પ્રયાસ કરીશ, જરૂર પડશે તો મારી ચીફની પણ ભલામણ કરાવીશ અને ઇનામ પણ અપાવીશ.
‘નહીં સાહેબ, પ્રયાસ નહીં. આપે માફી અપાવવી જ પડશે. જો અપાવી શકો તેમ હો તો જ આ કામ હું કરી શકીશ…’
‘ઠીક છે…. તને મારું વચન છે.’
‘શુક્ર ખુદાના ….!’ દિલાવરખાનનો અવાજ સંભળાયો, ‘તો આપ પરમ દિવસે રાત્રે લગભગ બાર વાગ્યે મારા ઘેર આવજો. આ મારું સરનામું, ત્યાં હું શેખના નામથી રહું છું…. મારો મકાનમાલિક થોડા દિવસો માટે પોતાની પુત્રી સાથે બહારગામ ચાલ્યો ગયો છે. યાદ રાખજો સાહેબ-બરાબર રાત્રે બાર વાગ્યે-હું ઉપરના ભાગે રહું છું. મારું બારણું બંધ હશે. તમે દ્વાર પર “ટક ટક ટક ત્રણ વખત છૂટા ટકોરા અને પછી”ટક ટક ટક ટક એવા બીજા ચાર ટકોરા ઉપરાઉપરી મારજો. બસ હું સમજી જઇશ કે તમે આવ્યા છો….’
‘દિલાવર ખાન ….!’ નાગપાલનો અવાજ આ વખતે અચાનક ઊંચ અને તીખો થયો. ‘જો મને ફસાવવાની તારી કોઇ રમત હશે તો યાદ રાખજે… મારું નામ પણ નાગપાલ છે. તે દિવસે મેં તને હોટલમાંથી જવા દીધો એથી તારા પરથી મારી નજર મેં ખસેડી લીધી છે એવું માની લેવાની બેવફૂકી કરીશ નહીં. તારા તરફથી દગા-ફટકાનો આભાસ થતાં જ સૌથી પહેલું કામ તને શૂટ કરી નાખવાનું હશે તે યાદ રાખજે.’
‘નાગપાલ સાહેબ!’ દિલાવરનો અવાજ પણ બેહદ ઊંચો ટેઇપ રેકોર્ડરમાંથી પ્રસરિત થયો, ‘મેં આટલી વાતો કરી અને તો પણ આપને મારામાં ભરોસો ન હોય તો આપણે આ કાર્ય જ બંધ રાખીએ. બીજું શું થાય? હું આપણા હિન્દુ ધર્મની રામાયણમાં આવતો હનુમાન તો છું નહીં કે છાતી ચીરીને બતાવી શકું… વાસ્તવમાં નાગપાલસાહેબ, હવે મને જીવનભરની દોડાદોડીથી સતત થાક લાગ્યો છે. અને મારા બાકીનું જીવન હું ખૂબ જ શાંત ગાળવા માંગુ છું. ઉપરાંત ભૂતકાળમાં મેં જે ભયંકર પાપ કર્યાં છે એ બધાને મિટાવી દેવા માટે ખુદાએ મને આ એક અણમોલ તક આપી છે. આપ જ કહો, એ દશેદશને જો હું પુરાવાઓ સાથે ગિરફતાર કરાવી દઉં, એમની વિરુદ્ધમાં સાચા સાક્ષીઓ લાવી શકું તો આ રીતે મેં હજારો-લાખો દેશવાસીઓ પર અહેસાન કર્યો કહેવાશે કે નહિ? અત્યારે આપણો દેશ ખતરામાં છે. અને દિવસે દિવસે પ્રજામાં અસંતોષ તથા અંધાધૂધી વધતી જાય છે. એ જો માત્ર મારા થોડા જ પ્રયાસોથી અટકતી હોય તો ખુદા જરૂર મને માફ કરી દેશે. બસ, આ એક જ વિચારથી આ કામ કરવા માટે તૈયાર થયો છું….
‘ પણ રાત કરતાં દિવસે આવું તો શું વાંધો છો?’ નાગપાલનો અવાજ આવ્યો.
એવું જોખમ હું ઉઠાવી શકું તેમ નથી. એ લોકોને મારા ફૂટી જવાની શંકા આવી છે. અને એટલા માટે જ મેં આપને સાંકેતિક રીતે ટકોરા મારવાની સૂચના આપી છે. તેઓને જરા શંકા આવતાં જ મને સૂટ કરી નાખવામાં આવશે?
‘ તું એ લોકોની ટોળીમાં ક્યારથી છે?’
‘ મુંબઈની કોર્ટમાંથી છટક્યો પછી એ લોકોએ જ મને બચાવ્યો છે. સાંભળો નાગપાલસાહેબ! મુંબઈની ટોળકીના સૌથી મોટા આગેવાનનું નામ શેઠ રતનલાલ છે. એણે જ મને મુંબઇના ચર્નીરોડ પર આલ્પલેસ બાગ સામે આવેલી નિશાંત-મંઝિલ નામના મકાનમાંથી પોતાના બે માણસો દાદુ તથા રહીમને મોકલીને બચાવ્યો હતો. પછી એ લોકોએ મને અહીં ચંદ્રનગર મોકલ્યો’
‘ શેઠ રતનલાલ…?’ નાગપાલનો અવાજ ફાટી ગયો, ‘તુ’ આ શું કહે છે’
‘ સાચું જ કહું છું… એ અવ્વલ નંબરનો ધૂર્ત તથા દેશદ્રોહી તરીકે ઠરાવનાર લેખિત પુરાવાઓ હું તમને સોંપી દઈશ.’
‘ ઠીક છે’ નાગપાલનો અવાજ આવ્યો અને એમની વિરુદ્ધના પુરાવાઓ તું ક્યાંથી કાઢીશ?’
દિલાવરખાનના ખડખડાટ હસવાનો અવાજ ટેપરેકોર્ડરમાંથી પ્રસારિત થયો ને હાસ્ય શમ્યા પછી તેનો અવાજ આવ્યો, હું એક અઠંગ ચોર અને ધાડપાડું છું, એ વાત આપ ભૂલી ગયા લાગો નાગપાલસાહેબ! ખેર, આપને એ લોકો વિષેના પુરાવાઓ અને નામ-સરનામાંઓ સાથે જ નિસ્બત છે’
‘ઠીક છે, તારું સરનામું આપ. પરમ દિવસે રાત્રે બાર વાગ્યે હું આવી પહોંચીશ…’
‘ લખી લો- મુકરજી હાઉસ, બંગલા હાઉસીંગ કોલોની,મકાન નંબર ચાર -યાદ રહેશે? રહો, કદાચ ભૂલી જાઓ તો ? એક કાગળ અને પેન આપો. હું લખી આપું.’
પછી ટેપરેકોર્ડરમાંથી એક કાગળનો ફડફડાટ અવાજ સંભળાયો. કદાચ નાગપાલે પેડમાંથી એક કાગળ ફાડીને તેને આપ્યો હતો. દિલાવરખાને ટેબલ પરથી પેન ઊંચકી તેનો પણ હળવો અવાજ સંભળાયો. ત્યારબાદ થોડી પળો ચુપકીદી, ખાલી રીલ ફરવાનો ટેપ ઘસવાનો અવાજ પછી પુન:દિલાવરનો અવાજ સંભળાયો ‘ આ લો, મેં સરનામું લખી આપ્યું છે, હવે હું રજા લઈશ, દશ વાગવા આવ્યા છે…’
‘ ઠીક છે.’ નાગપાલનો અવાજ આવ્યો.
બંનેના ઊભા થવાનો તથા ખુરશી ખસેડવાનો અવાજ. પછી ચાલવાનો અવાજ… અને છેવટે એ અવાજ ક્રમશ: ધીમો થતો ગયો.