ધર્મતેજ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૪)

‘સમજ્યો.’ દિલાવરખાન બોલ્યો, ‘પરંતુ મારા દોસ્ત! મને કહેવા દો કે એ કામ બચ્ચાના ખેલ જેવું સરળ નથી. નોટો છાપવા માટે પૂરતી સગવડ અને મશીનરી જોઈએ. ઉપરાંત રંગ, શાહી, ડાઈ…વિ. બધું જ જોઈએ. જો તમે એ બધું પૂરું પાડી શકતા હો તો મારે માટે નોટો તૈયાર કરવાનું તદ્દન સરળ છે, પરંતુ મારી એક શરત છે એ માટે!’

કનુ ભગદેવ

‘હં….’ છેવટે દિલાવર ખાનના ગળામાંથી સિંહ જેવો ઘુરકાટ નીકળ્યો, ‘તમારી વાત મને કબૂલ-મંજૂર છે. પરંતુ એ માટે મારી પણ એકાદ-બે શરતો છે. પહેલી વાત તો એ કે પોલીસ મારી પાછળ પડી છે અને હું ફાંસીની સજા પામેલો અપરાધી છું એટલે હું તમારા લોકોથી ડરીને આ કામ કરવા તૈયાર થયો છું, એવા ભ્રમમાં તમે લોકો રહેશો નહિ. દિલાવર ખાન કોઇનો મોહતાજ થયો નથી અને થવાનો પણ નથી. મારા પર કોઇ હુકમ ચલાવે કે મારી પરવતા અને નબળાઇનો લાભ ઊઠાવી, ધાકધમકી આપીને કોઇ કામ કરવવા માગે તો એનું છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાંખવાની મારામાં તાકાત છે. તમે લોકો કોણ છો, શું કરો છો, તમારો બોસ કોણ છે એ જાણવાની મને જરૂર નથી. તમે કહો તો પણ મારે જાણવું નથી. તમે મને તમારા માણસોની મદદથી બચાવ્યો છે, એ માટે તમારો હું આભારી છું. પરંતુ તેથી મને તમારો ખરીદેલો ગુલામ સમજવાની મૂર્ખાઇ કરશો તો પછી પસ્તાવાનો પણ તમને સમય નહિ રહે.’

‘નહીં… નહીં… દિલાવર ખાન….!’ સામે બેઠેલો માનવી કોમળ અવાજે બોલ્યો. ‘તમારા નબળાઇનો લાભ ઊઠાવવાની અમારી બિલકુલ ઇચ્છા નથી. બલકે અમે સ્વપ્ને પણ એવી કલ્પના નથી કરી અને અમારી સાથે કામ ન કરવું હોય તો પણ આ પળથી જ તમે તમારી જાતને સ્વતંત્ર સમજી શકો છો. તમારે જવું હોય ત્યાં જાઓ. અમારા તરફથી કશીએ રુકાવટ તમને નહિ થાય. પરંતુ એટલું હું નિખાલસતાથી કબૂલ કરું છું કે તમારા જેવા બહાદુર માણસની અમારે ખૂબ જ જરૂર છે. હું કશુંએ તમારાથી છુપાવવા નથી માગતો. તમે માત્ર એકવાર અમારી સાથે ભળવાની હા પાડો, એટલે તુરંત જ હું તમને બધી વિગતો પૂરી પાડીશ.’

દિલાવર ખાને પગની આંડી બદલાવી. પછી એની ધૂર્ત અને મક્કારી ભરેલી આંખોની કીકીઓ સૂટધારીના ચહેરાને તાકી રહી. પછી એકના ગળામાંથી ઘૂરકાટ નીકળ્યો, ‘તમે આગળ ચલાવો…’
‘હું તમને બધી જ વાતો વિસ્તારથી જણાવી ચૂક્યો છું દિલાવર ખાન! હાલની સરકારની જે નીતિ છે એથી ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ યાતના અનુભવી રહ્યા છે અને…’
‘એ લોકો જાય જહન્નમમાં…!’ એકાએક દિલાવર ખાન વચ્ચેથી જ તેને અટકાવીને બરાડયો, ‘મારે પ્રજા કે સરકાર સાથે કોઇ જ સ્નાન-સૂતક નથી. તમે મારી પાસેથી શું કમ લેવા માંગો છો, એ જ બકી નાંખો… એટલે તે પૂરું કરીને તમારો જે ઉપકાર મારા પર છે તેનો ભાર ઉતારીને હું મારે રસ્તે પડું.’

‘દિલાવરખાન…!’ સૂટધારીના અવાજમાં યાચના હતી, ‘અમારે તમારી મદદની ઘણી જરૂર છે. તમે દરેક રીતે સ્વતંત્ર રહી શકશો. તમને હું કે મારા બીજા સાથીદારો એક મિત્રની નજરે જ જોઈશું. તમે ખરેખર જ બેહદ નીડર અને સાહસિક છો, એનો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ‘નિશાત-મંઝીલ’ના આઠમાં માળની છત પરથી તમે અવળે માથે લટકીને જે નીચેની બારીમાં પહોંચ્યા હતા, એ દૃશ્ય મેં દુરબીનમાંથી જોયું હતું. તમારી ચપળતા સરકસના ખેલાડીને પણ પાછળ મૂકી દે એવી હતી. ઉપરાંત હું જાણું છું કે તમે કોઈ પણ દેશની બનાવણી નોટો બનાવી શકો છો. આબેહુબ અને સાચી નોટો! આ કળા તમે તમારા સાથી જાલમસિંહ પાસેથી શીખ્યા છો.’

‘ઓહો…’ દિલાવરખાન સોફા પરથી ટટ્ટાર થયો. એની સર્પ જેવી લુચ્ચી આંખોમાં સહેજ ચિંતા જણાવા લાગી, ‘મારા વિષે તમે ઘણું બધું જાણતા લાગો છો?’
સૂટધારી હસ્યો, ‘અમારે જે માણસનું કામ હોય, એના વિષેનો તમામ રિપોર્ટ અમારે મેળવવો પડે છે. ખેર, અમારે તો તમારી મદદની સ્થાયી જરૂર છે. હાલમાં અમારે નાણાભીડ ઊભી થઈ છે. જો તમે થોડી બનાવટી નોટો…’

‘સમજ્યો.’ દિલાવરખાન બોલ્યો, ‘પરંતુ મારા દોસ્ત! મને કહેવા દો કે એ કામ બચ્ચાના ખેલ જેવું સરળ નથી. નોટો છાપવા માટે પૂરતી સગવડ અને મશીનરી જોઈએ. ઉપરાંત રંગ, શાહી, ડાઈ…વિ. બધું જ જોઈએ. જો તમે એ બધું પૂરું પાડી શકતા હો તો મારે માટે નોટો તૈયાર કરવાનું તદ્દન સરળ છે, પરંતુ મારી એક શરત છે એ માટે!’
‘બોલો…દિલાવરખાન… તમારી એક નહિ, અનેક શરતો અમને મંજૂર છે.’

‘તો સાંભળો.’ દિલાવરખાન બોલ્યો, ‘હવે હું અહીં હિંદુસ્થાનમાં રહેવા નથી માગતો. મારી ઈચ્છા સ્વિટ્ઝરલેન્ડ જવાની છે. અને એ માટે મારે પાસપોર્ટ તથા પૈસા જોઈશે, બનાવટી નામના…! ઉપરાંત એ દેશની બૅન્કમાં મારા માટે ઓછામાં ઓછા પાંચ લાખ પાઉન્ડ તમારે ભરવા પડશે. બોલો કરી શકશો આ કામ તમે?’ અને પછી દિલાવરની નજર ફરી એકવાર સૂટધારીના ચહેરા પર જડાઈ ગઈ.
‘ઓહ…! જરૂર…!’ સૂટધારી બોલ્યો, પરંતુ એમાં થોડો સમય લાગશે. દિલાવરખાન! તમારી શરત અમને મંજૂર છે, મિલાવો હાથ!’
‘અને જો તમે દગો કરશો તો…?’

‘ગધેડાને તાવ આવે તેવી વાતો તમારા મોંએથી શોભતી નથી દિલાવરખાન! અમે અમારા વચનનું બરાબર પાલન કરીશું, તમે ભરોસો રાખો…’
દિલાવરખાને થોડીવાર વિચાર કર્યા પછી એણે સૂટધારી સાથે હાથ મિલાવ્યા.

‘હવે હું તમને થોડી અંગત વાતો જણાવું છું.’ સૂટધારી બોલ્યો, ‘જોકે એમાં મારો વ્યક્તિગત સ્વાર્થ છે, પરંતુ તમારે મને વચન આપવું જોઈશે કે આ વાત અહીંથી બહાર જઈને તમે ભૂલી જશો, અને ભૂલેચૂકે ક્યારેય કોઈ પણ સ્થળે તે નહિ ઉચ્ચારો…!’
‘જનાબ!’ દિલાવરખાન બોલ્યો, ‘મને તમારી વ્યક્તિગત વાતો સાથે કશીયે લેવાદેવા નથી. તેમ તે સાંભળવાની પણ ઈચ્છા નથી. સાચું પૂછતા હો તો મને માત્ર એક મારી જાતમાં જ રસ છે. બસ…! બીજાઓ જીવે કે મરે એ જાણવાનો મને સમય નથી અને શોખ પણ નથી.’ એણે ફરીથી પગની આંટી બદલાવી. એક નવી સિગારેટ સળગાવી અને પછી આરામથી સોફાની બેક સાથે પીઠ ટેકવી બેઠો.
‘તમારા સ્વભાવ અને પ્રકૃતિથી હું પૂરેપૂરો જાણકાર છું દિલાવરખાન! પરંતુ એક વ્યક્તિગત મામલામાં મારે તમારી મદદની જરૂર છે. આજે મારી પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે જેનો ઉકેલ મારા મોતથી પણ આવે તેમ નથી. હું મદદ માટે તમારી ભીખ માગું છું. માત્ર મારો જ નહિ મારાં બાલબચ્ચાંનો પણ આમાં સવાલ છે, સૂટધારીના અવાજમાંથી સંસારભરની કરુણતા અને યાચના નીતરતી હતી. એ લગભગ પચાસેક વર્ષની વયનો માવની હતો. એના બંને ગાલ પર હાડકાં ઊપસી આવ્યાં હતાં, મસ્તક પર ઠેકઠેકાણે સફેદ વાળ દેખાતા હતા.

‘ઓહ…!’ દિલાવર બબડયો. એવી શી મુશ્કેલી છે તમને? તમે બચાવ્યો છે એટલે મારી ફરજ સમજીને મારાથી જે કંઈ થઈ શકશે તે જરૂર કરીશ. બોલો, આ દિલાવરનું વચન છે અને દિલાવરખાન ભાગ્યે જ કોઈને વચન આપે છે, પછી એને પાળે પણ છે. તમે નિર્ભયતાથી કહો.’
‘તો આ વાત તમે ખાનગી જ રાખશો ને?’ સૂટધારીએ આશાભર્યા અવાજે પૂછ્યું. એના ચહેરા પર છવાયેલી ચિંતાની રેખાઓ હવે અદૃશ્ય થઈ ગઈ.
‘હા, તમે ખાતરી રાખો.’

તો સાંભળો… સૂટધારી બોલ્યો, ‘મારું નામ શેઠ રતનલાલ છે અને મુંબઈ તેમ જ અન્ય શહેરમાં મારી ગણના એક કરોડપતિ તરીકે થાય છે.’

‘કરોડપતિ?’ દિલાવરખાન અચરજનો માર્યો સ્પ્રિંગની જેમ સોફા પરથી ઊછળી પડ્યો. એ હવે પારાવાર ઉત્સુકતાભરી નજરે સૂટધારીને તારી રહ્યો, તો પણ તમારે બનાવટી નોટો…’
‘પહેલાં પૂરી વાત સાંભળી લો.’ રતનલાલ નામધારી માનવીએ તેને અટકાવી કહ્યું, ‘પરંતુ આજે તો મારી પાસે માંડ માંડ કરોડ પૈસા છે. અંદરખાનેથી હું નિચોવાઈ ગયો છું. મારી બેવકૂફી અને મૂર્ખાઈનાં કારણે જ હું હાથે કરીને મારા પર કુહાડી મારી બેઠો છું. મુંબઈમાં મારી એક મિલ ચાલે છે. નામ ન્યૂ રતન સિલ્ક મિલ ઉપરાંત બે બિલ્ડિંગો છે. પરિવારમાં એક પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર છે! મારા કાળા ધંધાથી તેઓ બિચારા તદ્દન અજ્ઞાત છે. હવે મુદ્દાની વાત કરું-ત્રણ વર્ષ પહેલાં બિઝનેસ અંગે હું પેરિસ ગયો હતો. ત્યાં એક રૂપસુંદરીનો મને પરિચય થયો. બસ, એ પરિચય મારા માટે મોતનો પૈગામ લઈને આવ્યો. એની ખૂબસૂરતીમાં હું લપેટાઈ ગયો. એનું મોહક રૂપ જોઈને હું ભાન ભૂલી બેઠો. મને ફસાવવા માટેની આ એક રેશમી ખૂબસૂરત અને ફરેબી જાળ હતી, એની મને પાછળથી ખબર પડી.
(ત્યારબાદ રતનલાલે દિલાવરખાનને જે વાત કરી, તે શેઠ જાનકીદાસ સાથે જે બન્યું હતું તને મળતી આવતી હતી, જે રીતે મુંબઈમાં જાનકીદાસને ફસાવવામાં આવ્યો હતો, એ જ રીતે પેરીસમાં રતનલાલને પણ તેની બીભત્સ તસવીરો ખેંચીને તેને ફસાવવામાં આવ્યો. એટલે રતનલાલની દાસ્તાનને અહીં રજૂ કરવાનો કોઈ જ અર્થ નથી.)
-પોતાની વાતની પૂર્ણાહુતિમાં રતનલાલે ઉમેર્યું : ‘આ રીતે વિદેશી જાસુસોએ મારા પર બ્લેક-મેઈલીંગ શરૂ કર્યું. માત્ર મને જ નહિ, પણ મારા જેવા ભારતના બીજા નવ આસામીઓને આ રીતે ફસાવવામાં આવ્યા. અફસોસ! એ નવ કોણ છે એ વિષે હું કશું એ નથી જાણતો. દિલાવરખાન, મારો આત્મા મારા પર ફિટકાર વરસાવે છે. મારી ઈજ્જત, આબરૂ અને મારા કુટુંબીજનોના હિતને ખાતર આજે હું ભારતના કેટલાએ માણસોને, દેશનો, સરકારનો અને પ્રજાનો વિશ્ર્વાસઘાત કરું છું, પરંતું હું લાચાર છું અને હવે તો હું ગળાબૂડ એ કુચક્રમાં-ષડ્યંત્રમાં ભેરવાઈ ગયો છું. આજે મારી ઈજ્જત, માનમરતબો, ઈનકાર કરું તો બધું ધૂળમાં મળી જશે. લોકો મારાં સંતાનો પર તિરસ્કારથી થૂંકશે અને હું ક્યાંયનો નહિ રહું. બસ, આ ભયથી જ હું તેઓની સૂચનાનો અમલ કર્યે જઉં છું…’ રતનલાલ ચૂપ થઈ ગયો. એની આંખોમાં અશ્રુ ઊભરાયાં હતાં…

‘રતનલાલ…!’ દિલાવરખાન ભાવહીન અવાજે બોલ્યો, ‘તમારી પરિસ્થિતિ હું સમજી ગયો, પરંતુ મહેરબાની કરીને આંસુ સારવાનું બંધ કરો. રોતલ માણસો મને હરગીઝ પસંદ નથી, આંસુ લૂછી નાખો.’

રતનલાલે ઝટપટ આંસુ લૂછી નાખ્યાં દિલાવરખાનના ધૂની અને વિચિત્ર સ્વભાવ વિશે એણે સાંભળ્યું હતું. આ વિચિત્ર મગજનો માણસ જો ફરી બેસશે તો પછી પોતે તેનો લાભ નહિ ઉઠાવી શકે એ વાત તે બરાબર સમજતો હતો.

‘ઠીક છે, હવે બરાબર,’ દિલાવરખાને કહ્યું, ‘તમે લાગણીના પ્રવાહમાં તણાઈ ગયા છો રતનલાલ! તમે દેશની સરકારની અને પ્રજાની નાહકની જ ચિંતા કરો છો. મારી જેમ એક જ નીતિ રાખો- “સબ સબ કી સમાલીઓ, મેં અપની સમાલતા હું. -આ મુજબ જીવન જીવતાં શીખો. તમારે માત્ર તમારું જ હિત જોવું જોઈએ, બીજાઓનું નહિ, વારું બોલો, -તમારે મારી શી મદદ જોઈએ છે?’

હું કોઈપણ હિસાબે ઉ.ઘ.અ.ના એજન્ટોનો હાથ ન પહોંચી શકે એટલો બધો દૂર, મારા કુટુંબીજનો સાથે નાસી જવા માગું છું. અને તેમાં તમારી મદદની જરૂર છે. જો તમે મને તમારા રક્ષણ હેઠળ લો. તો હું પણ તમારી સાથે સ્વિટ્ઝરલેન્ડ આવવા તૈયાર છું. અહીં રહીને મારે હવે વધારે પાપ કે દેશને વિશ્ર્વાસઘાત નથી કરવો. તમારી સાથે રહીશ તો પછી કોઈ જ મને નહિ સતાવી શકે.’

‘વળી પાછી તમે પાપ-પુણ્યની વાતો કરી! ખેર, તમારી મરજી! બાકી તમે અહીં રહીને જે પ્રવૃત્તિ ચલાવો છો એમાં મને તો કંઈ જ ખોટું નથી દેખાતું. છતાં તમારી ઈચ્છા, પણ આ કામ તો તમે મારી મદદ વગર પણ કરી શકો તેમ છો.’

‘એવું નથી…’ રતનલાલ હતાશ અવાજે બોલ્યો : ઉ.ઘ.અ.ની અહીંની જે શાખા છે. તેનો ચાર્જ મારી પાસે છે. હું એકને, તે બીજાને, બીજો ત્રીજાને, એ રીતે શાખાનું કામ સોંપે છે, પરંતુ તમે છતાં પણ ઉ.ઘ.અ.ના અમુક એજન્ટો કે જેઓને હું નથી ઓળખતો તેઓ મારા પર સતત નજર રાખે છે જેથી હું ક્યાંય વિદેશ નાસી ન જઉં. ટૂંકમાં હું કોઈ જ રીતે અહીંથી છટકી શકું તેમ નથી. ઈન્ચાર્જ હોવા છતાં પણ ઉ.ઘ.અ.ના સંચાલકોને મારામાં ભરોસો નથી. આવી બાબતોમાં તેઓ સગા બાપ પર ભરોસો નથી કરતા. તો પણ મારા પર કેવી રીતે કરે? એક બીજા અર્થમાં મારી સ્થિતિ નજરકેદ જેવી છે. મને દરેક આદેશો ટ્રાન્સમીટર પર મળે છે. અને તે પ્રમાણેનો હું અમલ કરું છું. હવે આદેશ કોણ અને ક્યાંથી આપે છે એ અંગે હું કશુંએ નથી જાણતો. ઉ.ઘ.અ.ની આ ચેઈન સિસ્ટમની જાળ ખૂબ જ મજબૂત અને ભયંકર છે દિલાવરખાન!’

‘મને પણ તમે ઉ.ઘ.અ.ના હુકમથી જ બચાવ્યો છે.’
‘ના, મેં કહ્યું તેમ મારા સ્વાર્થ માટે. મારી જવાબદારી પર જ તમને બચાવ્યા છે, આ શું ખુલ્લા હૃદયથી સ્વીકારું છું…’
‘અને મારા વિષે તેઓ તમને પૂછશે તો…?’

‘તો હું કહીશ કે તે આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે એવો માણસ છે. બનાવટી નોટો તૈયાર કરવામાં અજોડ છે અને ઉ.ઘ.અ.નાં લાભ ખાતર જ મેં દિલાવરખાનને આપણી સંસ્થામાં સામેલ કર્યો.
‘ઠીક છે.’ દિલાવરખાન બોલ્યો, ‘આ ઉ.ઘ.અ. વિષે તમે જે કહ્યું તે બધું મેં જાણ્યું, એથી વિશેષ કંઈ?’

‘ના, ખાસ તો કંઈ જ નહિ, પરંતુ એક સમાચાર એવા મળ્યા છે કે લગભગ ત્રણેક મહિના પછી ઉ.ઘ.અ.નો એક સ્પેશિયલ એજન્ટ કે જે નંબર બેનાં ઉપનામથી ઓળખાય છે, અને જે મોટે ભાગે એક અમેરિકન છે તે અહીંયાનું કામકાજ કેવું ચાલે છે… એ જોવા માટે અહીં ભારતમાં આવવાનો છે. કદાચ તે અહીંના દશેદશને રૂબરૂ બોલાવીને એક મિટિંગ પણ ભરશે. મોટે ભાગે આ મિટિંગ કલકત્તાની આજુબાજુના એક નાના ગામડામાં ભરાશે. અમારી એક શાખા કલકત્તાથી દશેક માઈલ દૂર આવેલા ચંદ્રનગરમાં પણ ચાલે છે…’

‘સમજ્યો!’ દિલાવરખાન બોલ્યો, ‘પરંતુ તમારા સિવાય બાકીના નવ આસામીઓમાં મને રસ નથી. હા, તમારી એક વાત મારે માટે અનુકૂળ છે. જો ચંદ્રનગર મને મોકલવાની તમે વ્યવસ્થા કરી શકો તો ઘણું સારું એથી બે લાભ છે. પહેલો લાભ મારો છે. અહીંની પોલીસ મારી પાછળ પડી છે. તમે જોયું હશે કે મને પકડવા માટેનું ઈનામ એક લાખ પરથી બે લાખનું કરવામાં આવ્યું છે. મુંબઈની સડકો પર અને ગલીએ ગલીએ દીવાલ પર મારા ફોટાવાળાં પોસ્ટરો લટકે છે. બસસ્ટોપ, રેલવે સ્ટેશનો અને ટ્રેનોના ડબ્બાઓમાં પણ આવાં પોસ્ટરો છે. આ વાત મને અહીં લાવનાર તમારા ન માણસ દાદુએ કરી હતી. ચંદ્રનગરમાં હું વેશપલટો કરીને રહીશ તો કોઈને મારા પર શંકા નહિ આવે આ થઈ મારા લાભની વાત! હવે તમારો લાભ સાંભળો, રતનલાલ શેઠ! તમે મારા પર ભરોસો રાખીને મોકળા મનથી મને બધી વાતો જણાવી. મને પોલીસની પકડમાંથી બચાવ્યો. તો મારું નામ પણ દિલાવર છે! અને દિલનો હું ફક્ત મિત્રો માટે દિલાવર જ છું. મેં તમારી સાથે દોસ્તીનો હાથ મિલાવ્યો છે. તમે મારી શારીરિક તાકાત અને ચપળતા જોઈ લીધી છે. એ જ રીતે હું બુદ્ધિશાળી પણ છું. ચંદ્રનગરમાં જો મને તક મળશે તો ઉ.ઘ.અ. એજન્ટ નંબર બે ઉર્ફે એ અમેરિકનને હું મારી જાળમાં એવો તો આબાદ રીતે ફસાવીશ કે તમારી ઈજ્જત, આબરૂ પર પાણી ફેરવી નાખે એવી તમે કહેલી તસવીરો, તમારો ભાંડો ફોડી નાખતી તસવીરો એણે મને સોંપી દેવી પડશે.
‘અશક્ય…!’ રતનલાલ કોલ્યો, ‘એ તસવીરો પોતાના ગજવામાં થોડી જ ફેરવતો હશે?’

‘એ જોવાનું કામ તમારું નહિ, મારું છે રતનલાલ! તમે આ દિલાવરનો સપાટો હજુ જોયો નથી. હું તેને ધમકી આપીને ઉ.ઘ.અ.ના સૌથી વડાનો સંપર્ક સાધવા કહીશ. હું પોતે એની સાથે ટ્રાન્સમીટર પર વાતો કરીશ કે જો કથિત તસવીરો પાછી નહિ મળે તો તમારા એજન્ટ નંબર બે પાસે એકરાર લખાવી લેવામાં આવશે કે તે પોતે ઉ.ઘ.અ.નો જાસુસ છે અને ભારતમાં જે ભાંગફોડ-અંધાધૂંધી વિગેરે ચાલી રહ્યું છે એની પાછળ ઉ.ઘ.અ.નો જ હાથ અને પછી આ એકરાર પત્ર એકેએક દેશમાં પ્રગટ કરવામાં આવશે અને તેથી દુનિયાના બીજા દેશો સમક્ષ ઉ.ઘ.અ.ના દેશનું કાવતરું ખુલ્લું પડી જશે અને તેથી તેને પરાજ્ય અને શરમથી નીચું જોવું પડશે. તમારો એજન્ટ નંબર બે અત્યારે મારા કબજામાં છે. જો તમે તમારા ચહેરા પર શરાફતનો બુરખો ચડાવેલો જ રાખવા માગતા હો તો ચૂપચાપ તસવીરો પહોંચતી કરો. એ મળ્યા બાદ તમારા એજન્ટ નંબર બેને છોડી મૂકવામાં આવશે.’

‘તમે…તમે એમ કરી શકશો દિલાવરખાન…!’ રતનલાલાના અવાજમાં હર્ષ ઊભરાતો હતો. એની શૂન્યમાં અટકેલી આંખો જાણે કે કોઈક ખૂબસૂરત સ્વપ્ન જોઈ રહી હતી.
‘ચોક્કસ, આ દુનિયામાં કશું ન અશક્ય નથી, મારે માટે તો નહિ જ!’

‘સાંભળો!’ રતનલાલ બીજી આંગળી તથા અંગૂઠો અડાડ ચપટી વગાડતાં બોલ્યો, ‘મે તમને સંસ્થાના લાભ માટે જ બચાવ્યા છે એવો મેસેજ એ લોકોને હું મોકલીશ, સાથે જ પોલીસની ભીંસ તમારા પર વધી છે. એ વાતથી પણ તેમને વાકેફ કરીશ. તમને નકલી નોટો તૈયાર કરવાનું મુંબઈથી દૂર દૂર… વધુ ફાવશે એમ જણાવીશ. જો તેઓ કબૂલ કરશે તો પછી ચોક્કસ તમે ચંદ્રનગર જઈ શકશો.’
‘વાંધો નહીં.. અને બીજી વાત!’ દિલાવર બોલ્યો, મેં તમારા માણસો પાસેથી સાંભળ્યું છે કે કોર્ટમાં મને મદદ માટે આવી પહોંચેલા મારા સાથીઓ પોલીસના હાથમાં પકડાઈ ગયા છે, શું આ વાત સાચી છે?’

‘હા…’
‘ઓહ!’ દિલાવરખાનના ચહેરા પર બેહદ ચિંતા ઊપસી આવી. થોડીવાર પછી બોલ્યો, ‘રતનલાલ, એ લોકોને છોડાવી શકાય એમ છે?’
‘નહીં મારા દોસ્ત…!’ રતનલાલે કહ્યું, ‘પોલીસનો ખૂબ જ કડક જાપ્તો છે. ઉપરાંત દિલ્હીનો સરકારી જાસૂસ નાગપાલ પણ અત્યારે મુંબઈમાં મોજૂદ છે. જોકે એને સ્વધામ પહોંચાડવા માટે છેક કલકત્તાની શાખામાંથી બે માણસો અહીં આવ્યા છે. મને સૂચના મળી હતી કે મારે એ બંનેને ભાડૂતી ગુંડાઓ પૂરા પાડવાના છે. મુંબઈમાં એક દાદાનોયે બાપ છે. કલ્લુ પહેલવાન…! અત્યાર સુધીમાં તો તે નાગપાલને કદાચ ઠેકાણે પાડી ચૂકયો… ‘રતનલાલનું વાકય અધૂરું રહ્યું….’

એના અન-લિસ્ટેડ ફોનની ઘંટડી એ જ પળે રણકી ઊઠી…
‘હલ્લો…!’ રતનલાલે રિસીવર ઊંચકર્યું, ‘કામતાનાથ સ્પીકીંગ…’ (આ કોડવર્ડ હતો.)
‘હું દિનાનાથ બોલું છું. સામેથી એક ગભરાટભર્યો અવાજ આવ્યો. પછી થોડીવાર સુધી એની વાતો રતનલાલ સાંભળતો રહ્યો અને ત્યારબાદ રિસીવર મૂકી દીધું. ગજવામાંથી રૂમાલ કાઢીને એણે કપાળ પર વળેલો પરસેવો લૂછયો. ત્યારબાદ દિલાવર સામે જોઈએ ખોલ્યો, ‘નાગપાલ બચી ગયો છે, અને કલ્લુ પહેલવાન તથા તેના પાંચેય સાથીઓ અત્યારે પોલીસના કબજામાં છે. કલકતાથી જે બે માણસો આવ્યા હતા, તેઓમાંથી જ એકનો ફોન હતો. એના કહેવા પ્રમાણે નાગપાલ જેવો નીડર અને શક્તિશાળી માણસ બીજો કોઈ જ હજુ સુધી તેઓએ નથી જોયો. તેઓ ભયભીત બનીને હમણાં જ પાછા ઊપડી જવા માટે રવાના થઈ રહ્યા છે.’

‘ગોળી મારો નાગપાલને!’ દિલાવર મગરૂરીથી બોલ્યો, આપણે આપણું જ કરોને…! નાગપાલ મરે કે જીવે, આપણે તેની અત્યારે શી પંચાયત છે. ભવિષ્યમાં તે કદાચ આપણા માર્ગમાં આવશે તો હું એલકો જ તેને માટે બસ છું. કાશ, મારા ત્રણ સાથીઓ અત્યારે અહીં હોત તો…!’
‘તમે કહેતા હો તો હું પ્રયાસ કરી જોઉં…’ રતનલાલ બોલ્યો.

‘ખરેખર…?’ દિલાવરખાનની આંખો પ્રસન્નતાથી ચમકી ઊઠી: ‘જો તેઓ છૂટી જાય તો મને ઘણી જ મદદ મળશે…’
‘ઠીક છે, હું ચોક્કસ તો તમને નથી કહેતો પણ પ્રયાસ કરી જોઉં છું.’
‘કરી જુઓ…’


ઉપરોક્ત બનાવના ચાર દિવસ પછી ભારતનાં અગ્રગણ્ય દૈનિકોમાં એક ચોંકાવનારા સનસનાટીભર્યા સમાચાર પ્રગટ થયા:
કલકત્તા-ચંદ્રનગર હાઈવે પર સી.આઈ.ડીના સ્પેશિયલ ઓફિસરોએ, હેન્ડબોમ્બ ભરેલી એક વિદેશી બનાવટની પકડી પાડેલી મોટરકાર!
(અમારા ખબરપત્રી તરફથી)
ગઈકાલે મધરાતે ભારતના ચપળ અને સાહસિક સી.આઈ.ડી.ના સ્પેશિયલ ઓફિસરોની એક ટુકડી કલકત્તા -ચંદ્રનગરને જોડતા હાઈવે પર એક શંકાસ્પદ મોટરકાર અટકાવી હતી. કારમાં ફક્ત એક જ માણસ હતો. સી.આઈ.ડી. ઓફિસરોને અચાનક જ જોતાં તે ગભરાઈ ઊઠ્યો હતો. અને અને કશોએ સંતોષકારક ખુલાસો તે નહોતો આપી શક્યો. તપાસનીશ અધિકારીઓને કારની ડેકીમાંથી પડેલી એક લાકડાની પેટીમાંથી લગભગ પંદર જેટલા હેન્ડબોમ્બ મળી આવ્યા હતા કારના ચાલકની વિધિસર ધરપકડ કરવામાં આવી છે. સી.આઈ.ડી. વિભાગે આ બાબતમાં પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.


ચોથે દિવસે ફરીથી એક સમાચાર અખબારોમાં પ્રગટ થશે:
આજથી ચાર-પાંચ દિવસ પહેલાં જે કાર સી.આઈ.ડી. ઓફિસરોએ પકડી પાડી હતી, એની નંબર પ્લેટ બતાવટી હતી, એવું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં કારના એન્જિન પર તે બનાવનાર કુાંનું નામ તથા તેનો નંબર પણ ઘસીને પિટાવી નાંખવામાં આવ્યો હોવાથી એ કાર કે તેના માલિક અંગે કશીએ જાણકારી હાલ તુરત મળી નથી. છતાં એટલું તો ચોક્કસ છે કે આ કાર્ય પાછળ કોઈક દુશ્મન રાષ્ટ્રનો હાથ છે. કાર ચલાવનાર વિષે કરવામાં આવેલી તપાસમાં એવી વાત બહાર આવી છે છે કે તે શ્રીરામપુરનો રહેવાસી છે, અને વર્ષોથી ત્યાં પરચૂરણ કામ જેવું કે ડ્રાઈવિંગ રીપેરિંગ વિગેરે કરે છે. ગામમાં તેની આબરૂ ઘણી સારી છે એની વય આશરે ચાલીશ વર્ષની છે. પરિવારમાં પત્ની તેમજ ત્રણ સંતાનો છે. મહેનત અને શ્રમ કરીને તે પોતાની રોજીરોટી રળે છે. શ્રીરામપુરની પોલીસે પણ જણાવ્યું છે કે તે નિરુપદ્રવી અને નિર્દોષ માણસ છે. એણે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કારમાં બોમ્બની પેટી ડેકીમાં પડી હોવા અંગે હું કશુંએ જાણતો નથી… બનાવના દિવસે રાત્રે દશ વાગ્યે એક માણસ મારે ત્યાં આવ્યો. હું ડ્રાઈવિંગ વિગેરે પરચૂરણ કામ કરું છું એવું તે કદાચ જાણતો હોવો જોઈએ.

એણે આવીને મને જણાવ્યું કે ‘હું એક દવા બનાવનારી કુાં.નો સેલ્સ ઓફિસર છું. અમારા મોટા સાહેબ કલકત્તાથી આવવાના છે અને મારે કાર લઈને તેમને લાવવા માટે જવાનું છે, પરંતુ મારી પત્ની અચાનક બીમાર પડી ગઈ છે. આથી હું જઈ શકું તેમ નથી. જો તમે કારને લઈ જાઓ તો મહેનતાણાના એકસો રૂપિયા હું આપીશ. કારને તમારે કલકત્તામાં મેટ્રો સિનેમા સામે મૂકી દેવાની છે. મારા ડ્રાઈવર કલકત્તા ગયો છે. મેં તેને ફોન કરી દીધો છે, એટલે તે મારી રાહ જોતો ત્યાં જ ઊભો હશે.’

‘સો રૂપિયાની ઓફર મને સારી લાગી. એ માણસ મને કાર સોંપીને ચાલ્યો ગયો. બસ આથી વિશેષ હું કશુંએ નથી જાણતો.’


‘ટ્રીન.. ન… ટ્રીન…’ ટેલિફોનની ઘંટડી રણકી-
‘હલ્લો, નાગપાલ સ્પીકીંગ…’
‘યોર ટ્રકકોલ ફ્રોમ દિલ્હી! પ્લીઝ હોલ્ડ ઓન…!’ સામેથી એક મધુર અવાજ સંભળાયો અને બે-ચાર પળો બાદ નાગપાલના કાને ચીફ ઓફ સ્ટાફ મહેતાસાહેબનો વ્યગ્ર અવાજ સંભળાયો,
‘નાગ…! હું મહેતા બોલું છું.’
‘ફરમાવો સર…!’
‘તેં ચંદ્રનગર વિષેના સમાચાર વાંચ્યા જ હશે’
‘હા વાંચ્યા છે…’
‘નાગપાલ…! પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે ત્યાં તને કોઈ કલ્યૂ મળી?’
‘નથી મળી સર!’ નાગપાલના અવાજમાં હતાશા સરવરતી હતી, ‘પરંતુ મારા પ્રયાસો ચાલુ જ છે.’
‘તું એમ કર નાગપાલ…!’ સામેથી મહેતાસાહેબનો અવાજ આવ્યો.’
‘ચંદ્રનગર ઊપડી જા… મને લાગે છે કે ત્યાંથી જરૂર કોઈક ને કોઈક કલ્યુ મળી આવશે. મુંબઈના કામ માટે હું અહીંથી બીજા આઠ-દશ ચુનંદા માણસોને મોકલું છું.’
‘જેવો આપનો હુકમ સર !’
‘ઓ. કે. વીસ યૂ ગુડલક…’
‘થેંક યુ સર…’
વાત પૂરી કરીને નાગપાલે રિસીવર મૂકી દીધું. પછી વળતી પળે એણે પૂના ખાતે લાઈટનિંગ કોલ બુક કરાવ્યો. તરત જ તેને લાઈન મળી ગઈ. દિલીપ ફોન પર આવતાં જ તેણે પોતાનો ચંદ્રનગર જવાનો પ્રોગ્રામ ટૂંકામાં પણ મુદ્દાસર જણાવ્યો. સાવધ રહેવાની તાકીદ કરી. પછી એણે ફોન બંધ કર્યો. બમનજી તેમજ બીજા અધિકારીઓને જરૂરી કામ હોવાથી દિલ્હી જઉં છું એમ કહીને તેઓની વિદાય લીધી.
એ જ રાત્રે તે ચંદ્રનગર જવા માટે ઊપડી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button