ઈશ્ર્વરના ન્યાયનું સત્ય

ચિંતન -હેમુ ભીખુ
ઈશ્વરના ન્યાય માટે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આજના સમયમાં અધર્મનું આચરણ કરનાર, અસત્યનો સહારો લેનાર, અન્યના હક છીનવી લેનાર, પ્રપંચ તથા કપટ દ્વારા સત્તા અને સામર્થ્ય પ્રાપ્ત કરનાર, અનૈતિક ધારાધોરણથી સંપત્તિ એકત્રિત કરનાર, યોગ્યતાને અન્યાય કરી અયોગ્ય બાબતોનો પક્ષ લેનાર તથા લગભગ દરેક પ્રકારની નકારાત્મક બાબતોને ટેકો આપનાર સફળ થાય છે. તેની સરખામણીમાં ધર્મ, સત્ય અને નૈતિકતા મુજબનું આચરણ કરનાર તકલીફમાં જીવે છે. ઈશ્વરના આ પ્રકારના ન્યાય માટે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે.
આ પ્રશ્ન આજનો નથી. દુર્યોધને જ્યાં સુધી રાજ્ય કર્યું ત્યાં સુધી સત્તાને પૂર્ણતામાં ભોગવી. તેની પાસે સંપત્તિ પણ અપાર હતી. તેનું આખું કુટુંબ તેના સુખમાં ભાગીદાર થવા હાજર હતું. તેની રક્ષા માટે ભીષ્મ, દ્રોણ અને કર્ણ કટિબદ્ધ હતા. સામ્રાજ્ય ચલાવવા માટે તેની પાસે દરેક પ્રકારનાં સંસાધનો અને માનવબળ પ્રાપ્ય હતું. યુધિષ્ઠિર માટે આમ ન કહી શકાય. જ્યારે યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદી પર બેઠા ત્યારે સૈનિક તરીકે કામ કરી શકે તેવી એક પણ વ્યક્તિ કદાચ હસ્તિનાપુરમાં નહીં હોય. રાષ્ટ્રનાં સંસાધનો અને અન્ય પ્રકારનું માનવબળ પણ ક્ષીણ થઈ ચૂક્યું હતું. ચાર ભાઈઓ અને દ્રૌપદી-સુભદ્રા સિવાય પરસ્પર સુખ કે આનંદ માણી શકાય તેવું કુટુંબ ન હતું. સમગ્ર રાષ્ટ્રમાં ચારે તરફ એક પ્રકારની નિરાશા વ્યાપેલી હશે. યુધિષ્ઠિરે આ પ્રકારની પરિસ્થિતિમાં રાજ્ય ચલાવ્યું હશે. અહીં રાજ્યસત્તા માણવા કરતા તેની સાથે જોડાયેલું કઠિન ઉત્તરદાયિત્વ વધુ મુશ્કેલ હશે. શું ઈશ્વરનો આ ન્યાય છે.
યુધિષ્ઠિર જેવી સત્યનિષ્ઠ, ધાર્મિક, નૈતિકતાના માપદંડનું પાલન કરનાર, નિર્દોષ તથા કરુણાસભર વ્યક્તિએ, તેના ભાઈઓએ, તેની પત્નીએ, તેની માતાએ જિંદગીના ઘણા તબક્કા સુધી દુ:ખ અને તકલીફ ભોગવ્યાં. દ્રૌપદી જેવી સતીના વસ્ત્રનું હરણ થયું. કુંતી જેવી માતા જંગલમાં ભટકતી રહી. અને આ બધું ત્યારે કે જ્યારે તેમને સ્વયં શ્રીકૃષ્ણનો સથવારો હતો. ઈશ્વરના ન્યાય માટે પ્રશ્ન તો થાય જ. તેની સામે દુર્યોધને લાક્ષાગૃહનું કપટ કર્યું, સતી દ્રૌપદીને અપમાનિત કરી, જુગારના કપટથી ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય છીનવી લીધું, નાનપણમાં જ ભીમને ઝેર આપી મારી નાખવાનો પ્રયત્ન કર્યો – છતાં એમ જણાય છે કે તેની જિંદગી સરળતાથી પસાર થઈ. પ્રશ્નો થવા સ્વાભાવિક છે. કોઈ એવો દાવો કરી શકે કે દુર્યોધનને નર્ક પ્રાપ્ત થયું હતું જ્યારે યુધિષ્ઠિરની ગતિ સ્વર્ગની હતી. આ વાત ખરેખર કોણે જાણી છે. આવાં તો અનેક ઉદાહરણ છે જેને આધારે ઈશ્વરના ન્યાય માટે પ્રશ્ન થાય. પરંતુ ઊંડાણથી જોતા સમજાશે કે ઈશ્વરનો ન્યાય શાશ્વત છે, સચોટ છે, નીતિયુક્ત છે અને સંપૂર્ણ છે. ઈશ્વરના ન્યાય પાછળ ત્રણ બાબતો કાર્યરત હોય તેમ જણાય છે.
પ્રથમ. ઈશ્વરના ન્યાયમાં મનની શાંતિ અગત્યની છે. દુર્યોધને કદાચ ભૌતિક સવલતો ભોગવી હશે, પણ તેનું મન હંમેશા અશાંત રહ્યું હશે. તે ચોક્કસ પ્રકારના ડર, અનિશ્ચિતતા તથા સંશયના ભાવમાં જીવતો હશે. તેને ક્યાંય શાંતિ નહીં હોય. સુખસાહ્યબી માટેનાં બધાં જ સંસાધનો હાજર હોવા છતાં પણ તે ઉદ્વેગમાં જીવતો હશે. આ સારી નિશાની નથી. ઈશ્વરનો આ ન્યાય છે. ઈશ્વર જ્યારે ન્યાય કરે ત્યારે મન, બુદ્ધિ, ચિત, અહંકારને પ્રાધાન્ય આપે. અંત:કરણની આ અવસ્થાઓને હકારાત્મક પરિસ્થિતિ માટે સુનિશ્ચિત કરે. સંપત્તિ સગવડતા આપી શકે, શાંતિ કે સંતોષ નહીં. સમાજના દ્રષ્ટિકોણ પ્રમાણે નરસિંહ મહેતા દુ:ખી જણાશે પરંતુ ઈશ્વરના ન્યાય પ્રમાણે તેમને ક્યાંય કોઈ ફરિયાદ નહીં હોય. ઈશ્વરના ન્યાયમાં મહેતા પોતાની રીતે ભક્તિમાં સંપૂર્ણતાથી તલ્લીન રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ ન્યાય છે. પણ જો નજર ભૌતિક બાબતો પર જ પડે તો આમાં અન્યાય દેખાય.
બીજું. આંબા પર સમય આવે ત્યારે જ કેરી પાકે. કોઈ ખેડૂત અપાર મહેનત કરે, ઘણું ખાતર આપે, અખૂટ પાણી પીવડાવે, તો પણ કેરી તો તેના સમયે જ આવે. ઈશ્વરના ન્યાય માટે પણ આવું છે. ઈશ્વરનો ન્યાય ચોક્કસ સમયે થાય. જ્યારે સૃષ્ટિના નિયમોને અનુસાર પરિસ્થિતિ અનુકૂળ થાય, જ્યારે સમાજ ન્યાય લેવા અને તેનો સ્વીકાર કરવા પરિપક્વ બને, જ્યારે જે તે કર્મફળ પાકે, જ્યારે દરેક પ્રકારના સંભવિત અપવાદ ક્ષીણ થઈ ગયા હોય, જ્યારે ન્યાય માટેની યોગ્ય ભૂમિકા તૈયાર થઈ ગઈ હોય ત્યારે ઈશ્વર પોતાના ન્યાયને પ્રગટ કરે.
ત્રીજું. ઈશ્વરનો ન્યાય આંખ સામે આંખ પ્રકારનો નથી હોતો. કોઈ સત્પુરુષની પત્નીનું અપહરણ કરનાર રાવણને ન્યાયપૂર્વક સજા આપવા તેની પત્નીનું અપહરણ ન થાય, તેનો સર્વનાશ થાય. ઈશ્વરનો ન્યાય ઉદાહરણ સ્થાપવા માટે હોય છે. એમ જણાય છે કે આમાં જુદા જુદા ગુનાઓની શ્રેણી નક્કી કરાઈ હશે. આ શ્રેણી નક્કી કરવામાં નૈતિકતા તથા આધ્યાત્મિકતાના વિવિધ માપદંડ ધ્યાનમાં રખાતા હશે. ગુનો જેમ વધુ ગંભીર તેમ તેની સજાનો વિસ્તાર વધુ હોય. ઘણીવાર તો સજાનો વિસ્તાર યોગ્ય માત્રા સુધી વધી શકે તે માટે પ્રતીક્ષા પણ કરાતી હશે. એમ પણ જણાય છે કે નાના ગુના માટે પ્રાયશ્ચિત પણ સ્વીકૃત હશે. વળી આ સમગ્ર પ્રક્રિયામાં સૃષ્ટિનાં સમીકરણોમાં ખલેલ ન પડે તેની કાળજી પણ રખાતી હશે.
એમ જણાય છે કે સાંપ્રત સમયમાં ઈશ્વરનો ન્યાય લોકોની નજરે નથી ચડતો, અને તેથી ડર વિના લોકો નકારાત્મક બાબતોનું પાલન કરતાં હોય છે. પરંતુ થોડુંક ઊંડાણપૂર્વક વિચારતા જણાશે કે ઈશ્વરનો ન્યાય તો છે જ. તે તરફ દૃષ્ટિ કરવાની લોકોની તૈયારી નથી, અથવા તે પ્રકારની તેમની ક્ષમતા નથી, અથવા મળતા ત્વરિત લાભથી લોકો આકર્ષાઈ જાય છે, અથવા સૃષ્ટિના તથા નિયતિના નિયમો બાબતે લોકો ગંભીરતાથી વિચારતા નથી. જો એમ માનવામાં આવે કે ઈશ્વરનો ન્યાય નજરે નથી ચડતો તો તેમાં દોષ નજરનો છે. ઈશ્વરના ન્યાયમાં બહુ ઝીણું કંતાય છે.