સાંભળો, સંસારમાં કે ધર્મમાં સાચે માર્ગે આગળ વધવાની પૂર્વશરત…

વિશેષ -રાજેશ યાજ્ઞિક
‘શ્રુયતાં ધર્મ સર્વસ્વં શ્રુત્વા ચાપ્યવધાર્યતામ,
આત્મન: પ્રતિકુલાનિ પરેષાં ન સમાચારેત’
પદ્મપુરાણનો આ શ્ર્લોક ગાગરમાં અર્થનો સાગર સમાવીને બેઠો છે. શ્ર્લોકનો અર્થ છે, ‘સાંભળો, ધર્મનો સાર શું છે? સાંભળો અને તેનું પાલન કરો. વ્યક્તિએ અન્ય લોકો સાથે એવું વર્તન ન કરવું જોઈએ જે પોતાને માટે પ્રતિકૂળ હોય. કેવી સુંદર વાત! સહુથી પહેલાં કહ્યું છે, સાંભળો. મોટા ભાગે લોકોને સાંભળવામાં ઓછો અને સંભળાવવામાં વધુ રસ હોય છે. મનુષ્યમાત્રનો આ સ્વભાવ છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, વ્યક્તિ કોઈ પણ હોય અને સંબંધ કોઈ પણ હોય, બધે જ આ સમસ્યા જોવા મળશે. નાનું સરખું બાળક, જે હજી બોલતાં પણ ન શીખ્યું હોય, ઇચ્છા રાખતું હોય છે કે આખું ઘર તેને સાંભળે. મોટું અને સમજણું થાય એટલે તેને ઇચ્છા થાય કે મા-બાપ તેને સાંભળે. પાલકોની ઇચ્છા હોય છે કે બાળકો તેમનું સાંભળે. પત્ની અને પતિ બંને એકમેક પાસે પોતાનું સંભળાય તેવી અપેક્ષા રાખે. નેતાઓ તો આમ પણ સાંભળવા ઓછું ને સંભળાવવા વધુ આવ્યા હોય છે. શાસ્ત્ર કહે છે, બધી સમસ્યાનું મૂળ આ જ છે, કે આપણે સાંભળવાનું હોય છે અને ઇચ્છા સંભળાવવાની હોય છે. જ્ઞાન મેળવવું હોય તો પહેલી શરત એ છે કે, આપણે સાંભળીએ. બાળક બોલવાનું કેવી રીતે શીખે છે? સાંભળીને જ તો! શિષ્ય પણ જો એકચિત્તે ગુરુને ન સાંભળે તો જ્ઞાનથી વંચિત રહી જાય છે. આપણે ત્યાં તો મુખોપમુખમ જ્ઞાન આપવાની હજારો વર્ષની પરંપરા હતી. જો એકાગ્રતાપૂર્વક સાંભળ્યું જ ન હોત, તો એ શક્ય બન્યું હોત ખરું? હાથ જોડીને સાંભળતા અર્જુન અને ગુરુ બનીને ઉપદેશ આપતા કૃષ્ણનું ચિત્ર આપણા ધર્મનું અભિન્ન અંગ છે.
મહત્ત્વનું એ પણ છે કે આપણે શું સાંભળીએ છીએ? કેમ કે મંઝિલ જે માર્ગ પર આવતી હોય તે છોડીને બીજો રસ્તો લઈએ તો પહોંચી ન શકાય, તેવી રીતે આપણે ઉદ્દેશ્ય નક્કી કરીને સાંભળવું જોઈએ. પેલા બે બોલતા પોપટની વાર્તા સાંભળી છે ને? એક પોપટ સજ્જનના ઘરે ગયો અને બીજો પોપટ દુર્જનના ઘરે. સજ્જનના ઘરે મહેમાન આવે ત્યારે તેમનો પોપટ સ્નેહભર્યો આવકાર આપે અને દુર્જનના ઘરે મહેમાન આવે ત્યારે તેમનો પોપટ ગાળો બોલતો. કેમ? કારણકે જેવી વાણી સાંભળી હોય, તેવા સંસ્કાર પડે. આ કારણે જ નવજાત બાળકના કાનમાં સૌપ્રથમ દેવવાણી સમાન શ્ર્લોક બોલવાની આપણે ત્યાં પરંપરા રહી છે. શિષ્યને સ્વીકારતી વખતે પણ ગુરુ સૌપ્રથમ તેને ગુરુમંત્ર કાનમાં સંભળાવે છે. આધુનિક વિજ્ઞાન પણ હવે તો સ્વીકાર કરે છે, કે ઊંઘમાં પણ વ્યક્તિના કાનમાં જે બોલાય તેની અસર તેને થાય છે. કેટલાક રોગના ઉપચારમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અરે, મનુષ્યની શું વાત કરવી? વનસ્પતિ પણ સાંભળી શકે છે અને સંગીતના સુંદર સ્વરની પણ વનસ્પતિના વિકાસ પર થતી અસરને વિજ્ઞાને સ્વીકારી છે! મૌન રહેવાથી વાણી તો સંયમમાં રહી શકે, પરંતુ સાંભળવાનું તો બંધ કેવી રીતે થાય? આપણે અંતર્મુખ થઈએ તો જ એ શક્ય છે. આપણા ઋષિ-મુનિઓ વનગમન કરતા હતા તેનું કારણ પણ એ જ હતું, જેથી દુનિયાના અવાંછિત સ્વરોથી મુક્તિ મળે.
મનુષ્ય પોતાને ન સાંભળવું હોય ત્યારે કાન ખુલ્લા રાખીને પણ તેને અવગણી કાઢવામાં માહેર છે. ભરી સભામાં જેનું ચીરહરણ થતું હતું તે સ્ત્રીનું આક્રંદ સભામાં કેટલાને સંભળાયું? આડે રસ્તે ચડેલાં સંતાનો પણ માતાપિતાની સલાહને સાંભળી ન સાંભળી કરી નાખે છે. સજ્જનની સલાહને અવગણવી અને દુર્જનની સલાહને સાંભળવી, એ બન્ને પતન તરફ દોરી જતો એક્સપ્રેસ-વે સાબિત થાય છે. માટે સાંભળો! સંતોના હિતોપદેશને, સાંભળો, સજ્જનની સાચી સલાહને, સાંભળો ગુરુ તરફથી પ્રાપ્ત થતા જ્ઞાનને, સાંભળો મિત્રોની ટકોરને, સાંભળો માબાપની પ્રેમભરી ચેતવણીને. જો સંસારમાં સાચે માર્ગે આગળ વધવું હોય અને ધર્મમાં મોક્ષના રસ્તે પ્રગતિ કરવી હોય તો એ બન્ને પરિસ્થિતિમાં પહેલી શરત છે, સાંભળો! જેટલી સંભળાવવાની વૃત્તિ પર કાબૂ મેળવશો અને જેટલું સાંભળવાની વૃત્તિને ખીલવશો તેટલો જ આત્માના જ્ઞાનને ઉજાગર કરવાનો માર્ગ મોકળો થશે.