માનસ મંથન- સાચા સાધુ આપણાં સપનાને વધારશે નહીં, તોડશે જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ…

-મોરારિબાપુ
સતીશભાઈ વ્યાસે બંગાળમાં કેટલીયે જગ્યાએ ફરી ફરીને જે કથાઓ એકઠી કરી છે તેમાં આ બાઉલ કથા મેં વાંચી છે. એ તમારી સાથે શેર કરવા માગું છું. બે પક્ષીઓ હતાં. એક શિકારીએ તે બંનેને એક ખપાટના પીંજરામાં પૂર્યા હતા. દોરીથી લાકડાના ટુકડાઓને જોડીને પીંજરું બનાવ્યું હતું અને તેમાં બંને પક્ષીઓને કેદ કરી મૂક્યા હતાં. બંને છૂટવા માગે છે. કોણ મુક્તિ નથી ઇચ્છતું ? એક જ પીંજરામાં રહી એ બંને પક્ષીઓ શિકારીની રહેણી-કરણી, એની ભાષા, એનાં સંકેતો એ બધું સમજતાં થઈ ગયાં હતાં. એક દિવસ એ પંખીઓએ સાંભળ્યું કે જે શિકારીએ અમને કેદ કર્યાં છે એ સાત-આઠ કલાક માટે બહાર જવાનો છે. જેવો એ બહાર ગયો એટલે એક પંખીએ બીજા પંખીને કહ્યું કે, ઘણો સમય છે; બે-ત્રણ કલાકમાં મુક્તિનું કામ થઈ શકે તેમ છે. આપણે આપણી ચાંચથી પિંજરના ધાગાઓને તોડી નાખીએ અને આ વાંસની ખપાટો છે તેને થોડી પહોળી કરીને તેની વચ્ચેથી ઊડી જઈએ. બંનેએ પ્રયત્ન કર્યો. ત્રણ-ચાર કલાકમાં એમાં એ સફળ પણ થયા. હવે જયારે ઈચ્છે, જે ક્ષણે ઈચ્છે ત્યારે એ આઝાદ થઈ શકે એમ હતાં.
એટલામાં સાત કલાક પૂરા થઈ ગયા. પેલો શિકારી આવી ગયો. જેવો એ દરવાજામાં પ્રવેશ કરે છે ત્યાં જે પંખીએ આઝાદ થવાનો ઉપાય બતાવ્યો હતો એણે બીજા પક્ષીને કહ્યું કે ભાગો ! શિકારી અંદર પ્રવેશ કરે એ પહેલાં આપણે ઊડીને સામેની દીવાલ પર બેસી જઈએ; પછી શિકારીના વશની વાત નહીં રહે. બીજું પંખી આ સાંભળતું હતું પણ તેને કોઈ પ્રતિભાવ ન આપ્યો. પેલાએ કહ્યું ચાલો, ઊડો ! એમ કહી જે સલાહ આપી રહ્યું હતું એ પક્ષી ઊડીને સામેની દીવાલ પર બેસી ગયું અને બૂમાબૂમ કરવા લાગ્યું કે તું પણ નીકળી જા! તો પિંજરાની અંદર રહેલા પક્ષીએ કહ્યું, હું આખા પિંજરને તોડી નાખીશ. હું તળિયાને તોડી નાખીશ. આખું પિંજરું જ ખતમ કરવું છે. પેલા આઝાદ પંખીએ કહ્યું કે દોસ્ત, આખા પિંજરાને ખતમ કરવાની જરૂર નથી; આટલી જ જગ્યા પૂરતી છે; તું નીકળી જા…
સાધુ શું કરે છે ? તમે મધુર સપનામાં ખોવાયેલ છો અને આ કરી લઉં, પેલાને મળી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, ફલાણું કરી લઉં-એમાં ડૂબ્યા છો અને સદ્દ્ગુરુ તમારું સપનું તોડે છે તેથી કદી સદ્દ્ગુરુ કડવા બને છે. તેથી તમને કદી કદી સદ્દ્ગુરુ પ્રત્યે અશ્રદ્ધા પણ થઈ શકે છે. સદ્દ્ગુરુ પ્રતિ તમારા મનમાં વિપરીત ભાવ પણ આવી શકે છે, કારણ સદ્દ્ગુરુ તમારી ખુશામત નહિં કરે, તમારાં સપનાંને વધારી નહિં આપે. એ તોડશે તમારાં સપનાં, જેથી તમે હોશમાં જીવો. તમે જાગૃતિ પ્રાપ્ત કરો. તમે ઉજાશ પ્રાપ્ત કરો. ભ્રાંતિ તોડવાનું કામ સાધુ કરે છે. તમારી પાસે પૈસા ન હોય એનું તમે દુ:ખ માનો છો, પણ એની પાછળ કેટલાં સુખ છે ! ન સરકારનો ડર, ન મિત્રનો ડર, ખુશામતખોરોનો ડર નહિ! ક્યાંય પણ જઈને સૂઈ જાવ! ડર નહિ !
એક ફકીર હતો. અકબર ને બીરબલ ત્યાંથી નીકળ્યા. અકબર કહે કે ફકીરને થોડું સોનું આપી દો તો ઝૂંપડી બનાવી ચેનથી રહી શકે. બીરબલે કહ્યું કે સોનું મળે પછીએ ચેનથી સૂઈ શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. સોનું આપી દીધું. એક મહિના પછી અકબર ને બીરબલ નીકળ્યા ફકીરને જોવાં કે હવે તો એ ચેનથી આરામ કરતો હશે. ફકીર તો પરેશાન હતો. કહે, તમારી પ્રતીક્ષા કરતો હતો. જબ સે સોના આયા તબ સે મેરા ‘સોના’ ચલા ગયા ! તમારું આ સોનું લઈ જાવ ને મારું સૂવાનું પાછું આપો. સંપત્તિનાં તમે માલિક ન થઈ શકો. વધુ ને વધુ એના ગુલામ યા તો દ્વારપાળ થઈ શકો છો. આ જીવનનું સત્ય છે અને તમે એટલું પણ નથી વિચારતા કે તમને મહોબ્બત નથી કરતાં એને તમે મહોબ્બત કરો છો ? પૈસાને કેટલો પ્યાર કરો છો ? કોઈ ચોર પૈસાને લઈ જતો હોય તો પૈસા ચોરને કહે છે કે આ મારો પ્રિયતમ છે. એને બદલે તું મને બીજે ક્યાં લઈ જાય છે ? પૈસા તો ચોર પાસે પણ જતા રહેશે. એ તો બેઈમાન છે. સંપત્તિના પ્રેમમાં સદૈવ ધોખો છે. એની સાથે એટલો પાકો સંબંધ નહિ જોડો કે એ તમારી મુક્તિમાં બાધક બને! જરૂર, વિવેકથી એને પકડો. ‘રોશની ચાંદથી થાય છે, સિતારોથી નહિ.’ ટ્રકની પાછળ લખાય છે, હું વાંચતો રહું છું-‘ઈર્ષાળુને આશીર્વાદ!’
રોશની ચાંદથી થાય છે, સિતારોથી નહિ,
મહોબ્બત એકને થાય છે, હજારોને નહિ.
આપણી સંપત્તિ તો આજે બૅંકને, કાલે દુકાનને મહોબ્બત કરે છે, તો કદી હવાઈ જહાજને મહોબ્બત કરે છે ! એ તો ઠેકાણું બદલે છે, ને એને તમે પ્રિયતમ ગણો છો ? તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય, તો એ કહી શકે કે મને તમારી સાથે લઈ જાઓ! હું પૈસાની આલોચના નથી કરતો. વ્યવહારમાં જરૂર પડે છે. પણ એ તમને પકડી ન લે એ ધ્યાનમાં રાખજો! સાધુ આપણા વ્યર્થ સપનાઓને તોડે છે અને આપણને જાગૃત કરે છે.
બાપ ! મને લાગે છે કે ઉપરની પ્રથમ કથામાં જે બે પક્ષી છે તેમનું એક સાધુ અને બીજું અસાધુનું પ્રતીક છે. સંસારના કારાગૃહમાં બંને કેદ છે. મારાં ભાઈ-બહેનો, પીંજરું તોડવાની જરૂર નથી. અવસર મળે ત્યારે પીંજારામાંથી મુક્ત થવાની જરૂર છે. સાધુ આપણને એ શિખામણ આપે છે. એટલા માટે સાધુ ઔષધિ છે, જે આપણને તોડવાનું ન કહે, ઉડાન ભરવાનું કહે. પીંજરું શિકારીનું હતું, મુબારક ! આત્મા આપણો છે. મુક્તિ આપણો અધિકાર છે. કોઈ પણ દારિદ્રયથી, કોઈ પણ રોગથી, કોઈ પણ ભ્રમથી કે મરણથી મુક્તિ મેળવવાનો આપણો અધિકાર છે. આવો, આપણે સાધુના વિચારોનો સંગ કરીએ; એનાં વચનોનો સંગ કરીએ.
(સંકલન: જયદેવ માંકડ)
આપણ વાંચો : માનસ મંથન : વિકારોનાં બધાં જ સાધનો ઉપલબ્ધ હોય, છતાં જે માણસ વિકારોવાળો ન થાય તે જ્ઞાની