ન્યાય: પ્રમાણ દ્વારા સિદ્ધાંતની સ્થાપના…

ચિંતન -હેમુ ભીખુ
જે સાબિત થઈ શકે તે ન્યાય, જે બાબતે કોઈ મતભેદ ન હોય તે ન્યાય, જે દેખીતા સત્યનો પર્યાય છે તે ન્યાય, જેનાથી સૃષ્ટિના સમીકરણમાં કોઈ ખલેલ ન પહોંચે તે ન્યાય, જેના અસ્તિત્વ સામે અહંકાર કે વ્યક્તિગત માન્યતા ટકી ન શકે તે ન્યાય, સૃષ્ટિના સંતુલનને જાળવી રાખવા જે આધાર બની શકવા સમર્થ હોય તે ન્યાય. ન્યાય એટલે કોઈ પુસ્તકમાં લખેલા સામાજિક વર્તન માટેના નીતિ નિયમો નહીં, આ પ્રકારના નિયમોને કાયદો કહેવાય, ન્યાયનો નહીં. અપરાધ એ કાયદાનો વિષય છે અને પુણ્યની-જીત એ ન્યાયનો વિષય છે.
ન્યાય સાંદર્ભિક ન હોઈ શકે. ન્યાયની પરિભાષા સમય અને સ્થાન પ્રમાણે ન બદલાય. ન્યાયની રૂપરેખા નૈતિકતા સાથે વણાયેલી હોય. ન્યાય ધર્મને આધારે સ્થાપિત થાય. ન્યાય એ શુદ્ધ જીવનશૈલીનું પ્રતિબિંબ છે. ન્યાય પવિત્ર છે અને તે પવિત્ર પરિણામ જ આપે. ન્યાય શુદ્ધ છે અને તેના દ્વારા શુદ્ધતા જ સ્થાપિત થઈ શકે. એક રીતે જોતાં ન્યાય શાશ્વત છે, તે ક્યારેય ખંડિત કે લુપ્ત ન થઈ શકે. ન્યાય નિરંતર છે, તેને અવરોધી ન શકાય.
ન્યાય-દર્શન પ્રમાણે કહી શકાય કે ‘પ્રમાણૈરર્થપરીક્ષણં ન્યાય:’ અર્થાત પ્રમાણો દ્વારા અર્થ કે સિદ્ધાંત કે સત્યનું પરીક્ષણ કે અંતિમ વિધાનનું સ્થાપન એટલે ન્યાય. ન્યાય પ્રમાણોને આધારિત હોય. પ્રમાણ એટલે એવી ઘટના કે જેનાથી હકીકત – સત્ય સમજી શકાય. પાણીને પાણી તરીકે જાણવું જરૂરી છે. પાણીને પાણી તરીકે જાણ્યા પછી જ જે ઘટનામાં પાણી સંમિલિત હોય તેનો ન્યાય કરી શકાય. પાણીને સ્વયંના પ્રત્યક્ષ અનુભવથી, અનુમાનથી, ઉપમાનથી, કે શબ્દ દ્વારા પાણી તરીકે સ્થાપિત કરી શકાય. પ્રમાણનાં આ બધાં સાધનો છે. દરેક સાધનનું પોતાનું મહત્ત્વ છે, ન્યાયની પ્રક્રિયામાં દરેક સાધનનો ચોક્કસ ફાળો છે. આ સાધનો દ્વારા ન્યાય સમજી શકાય. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે આ સાધનોના અભાવમાં પણ ન્યાયનું અસ્તિત્વ હોય છે. સત્ય સાબિત ન કરી શકાય તો પણ તે સત્ય જ હોય છે. એક પરિપ્રેક્ષ્યમાં એમ પણ કહેવાય કે સત્ય અર્થાત ન્યાય તો સ્વયં સ્થાપિત હોય.
મહાભારતના યુદ્ધમાં ન્યાયનું વર્ચસ્વ હતું. અહીં સત્ય અર્થાત ધર્મની સ્થાપના માટે પ્રયત્ન થયો હતો. આ એક ન્યાયિક પ્રક્રિયા હતી. એકવાર એમ જણાય કે તેમાં પણ ક્યાંક અસત્યનો સહારો લેવાયો હતો, પરંતુ સમગ્રતામાં જોતા સમજાશે કે સત્ય કે ધર્મની સ્થાપના માટે કરાયેલ બધા જ પ્રયત્ન તે સત્ય અને ધર્મના સહભાગી જ ગણાય. ખોરાકના રક્ષણ માટે તેમાં ભેળવાયેલ થોડી કડવાશ પણ સ્વાદ સમાન ગણાય. ધર્મની સ્થાપના એટલે ન્યાય, તેના દ્વારા ક્યારે અધર્મને મંજૂરી ન મળે.
ન્યાયની પરિભાષા નક્કી કરવામાં નૈતિક મૂલ્યો મહત્ત્વના છે. એક પરિપ્રેક્ષ્યમાં એમ પણ કહી શકાય કે ન્યાય એટલે દરેક વ્યક્તિને તેની સાથે જોડાયેલા સંજોગો અનુસાર જીવવાની સ્વતંત્રતા. દરેક સજીવ, દરેક માનવી સ્વતંત્ર છે. અન્ય કોઈ ઘટના દ્વારા, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેના જીવનમાં નકારાત્મક બાબતો ઘટિત ન થવી જોઈએ. વળી માનવી સામાજિક પ્રાણી છે જેથી પરસ્પરનો વ્યવહાર તો રહેવાનો જ. આ વ્યવહાર પરસ્પરની મર્યાદાઓ સાચવીને સ્થપાવો જોઈએ. આ વ્યવહારમાં પરસ્પરની સ્વતંત્રતા પર હુમલો કર્યા સિવાય પરસ્પરનું માન-સન્માન સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ન્યાય એટલે એકબીજાના અસ્તિત્વનો જેમ છે તેમનો સ્વીકાર.
વ્યવહારિક પરિપ્રેક્ષ્યમાં જોતાં જણાય છે કે ન્યાય હંમેશાં દેખીતી ભૌતિક-શારીરિક બાબતોને કેન્દ્રિત હોય છે, સૂક્ષ્મ-માનસિક બાબતોને નહીં. જ્યાં સૂક્ષ્મ હુમલા થાય, જ્યાં સૂક્ષ્મ હિંસા થાય ત્યાં પણ ન્યાય જરૂરી છે. સામાજિક વ્યવહારમાં આ પ્રકારના ન્યાયનું અસ્તિત્વ જ નથી. કોઈપણ વ્યક્તિ અન્યને સૂક્ષ્મ હિંસા પહોંચાડી શકે છે, સામાજિક વ્યવહારમાં તેનો ન્યાય નથી થતો. પણ ક્યાંક ન્યાય તો થતો જ હોય છે. આ પ્રકારનો ન્યાય પ્રકૃતિ દ્વારા કર્મના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે.
ઈશ્વરના રાજ્યમાં ક્યાંય અન્યાય નથી. અહીં તો બધા જ ને ન્યૂનતમ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યું છે. કુદરતની ગોઠવણ જ એ રીતની છે કે સમગ્રતામાં પરસ્પરની જરૂરિયાતો સંતોષાઈ જાય. અહીં હરણને ઘાસ મળી રહે અને સિંહને હરણ.
હરણ માટે ઘાસ પૂરતી માત્રામાં હોય અને સિંહ માટે હરણ પણ જરૂરિયાત પ્રમાણેની સંખ્યામાં હોય. ઘાસનું પણ પોતાનું જીવન ચક્ર હોય. થોડુંક આગળ વિચારતા સમજાશે કે અહીં ઘાસને પોતાના જીવન માટે, હરણને તેના જીવન માટે અને સિંહને પણ તેના અસ્તિત્વ માટે ન્યાય મળી રહે છે. અન્યાયની પરિસ્થિતિ ત્યારે ઊભી થઈ જ્યારે સિંહ પોતાના મનોરંજન માટે કે પોતાનો અહંકાર સ્થાપિત કરવા હરણનો શિકાર કરે. આ અન્યાય છે.
સૃષ્ટિનું ચક્ર જેમનું તેમ જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે દરેકના મનમાં ન્યાયની ભાવના સ્થાપિત થયેલી હોવી જોઈએ. સૃષ્ટિનું કોઈપણ અન્ય તત્ત્વ અન્યાય માટે આગ્રહ નથી રાખતું – સિવાય કે કાળા માથાનો માનવી. પોતાના લોભ, મનોરંજન, વર્ચસ્વ, કે અન્ય કોઈ ગાંડપણને કારણે માનવી અન્યાય કરતો જોવા મળે છે. તેનો ઇતિહાસ જ અન્યાયનો છે. સૃષ્ટિના સંતુલનને સૌથી વધારે નુકસાની તેણે પહોંચાડી છે. સૃષ્ટિનાં સમીકરણોને તેણે તીતર-ભીતર કરી દીધા છે. પોતાના સ્વાર્થ ખાતર તે સૃષ્ટિની સંરચનાને અન્યાય કરવા તત્પર હોય છે. પરિણામ તો તેણે ભોગવવું જ પડશે. સૃષ્ટિને પુન: ન્યાય સ્થાપિત કરતાં આવડે છે.
સૃષ્ટિમાં જે કઈ ઘટિત થઈ રહ્યું છે તેની પાછળ અનેક પરિબળો કાર્યરત હોય છે. સંપૂર્ણતામાં જોતાં જણાશે કે પૃથ્વીની પ્રત્યેક ઘટના ન્યાય છે. સૃષ્ટિના વ્યવહારમાં, પ્રકૃતિના નિયમોમાં, આધ્યાત્મિક પરંપરામાં ક્યાંય અન્યાયની સંભાવના જ નથી. એટલે જ કહેવાય છે કે ન્યાય તો ઈશ્વર જ કરી શકે.
આપણ વાંચો : ગીતા મહિમા: ……જેના ઉપર આપણો કાબૂ છે!