ધર્મતેજ

કોઈપણ ઉદ્દેશની પ્રાપ્તિ માટે સાચી ભક્તિભાવના અને નિષ્ઠા હોવી આવશ્યક છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
વિદલ અને ઉત્પલના વધ બાદ દેવતાઓ પોતપોતાના લોક ચાલ્યા જાય છે. નાના નાના અસુરો પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા દેવગણો પર આક્રમણ કરતા રહે છે પણ તેઓ સ્વર્ગલોક પર વિજય થઈ શકતાં નથી, આથી દેવતાઓને પોતાની શૂરવીરતા પર બહુ ગર્વ થવા લાગ્યો. આવી વાતો સાંભળી દેવર્ષિ નારદ દુ:ખી થાય છે અને તેઓ કૈલાસ પહોંચે છે, તેઓ જુએ છે કે ભગવાન શિવ આરાધનામાં લીન છે, માતા પાર્વતી શિવગણો સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. દેવર્ષિ નારદ માતા પાર્વતીને કહે છે, ‘માતા હું છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ગર્વિષ્ટ થઈ ગયા છે, તેઓ કહેવા માંડ્યા છે કે, અમારું બળ અદ્ભુત અને દૈત્યકુળનો વિનાશ કરવામાં સમર્થ છે, અસુરો શું કરી લેવાના છે. તો ભગવતી તમે એમની પરીક્ષા લો, જેથી તેઓની શાન ઠેકાણે આવે.’ માતા પાર્વતી: ‘જેવી તમારી ઇચ્છા દેવર્ષિ.’ થોડાક સમય બાદ દેવતાઓની સામે તેજનો એક મહાન પૂંજ પ્રગટ થયો, દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો વિસ્મય પામ્યા આ તેજપૂંજ શાનો છે એ જાણવા દેવરાજ ઇન્દ્રએ આદેશ આપ્યો કે, ‘દેવગણો જાઓ અને યથાર્થરૂપે જાણો કે આ તેજપૂંજ કોણ છે.’ પ્રથમ પવનદેવ તેજપૂંજ પાસે ગયા અને અભિમાનપૂર્વક જોઈ રહ્યા એ જોઈ પ્રકાશમાન તેજપૂંજે પૂછયું, ‘હે દિવ્ય પુરુષ તમે કોણ છો?’ તેજપૂંજ દ્વારા આ પ્રકારના પ્રશ્ર્ન પર વાયુદેવતા અભિમાનપૂર્વક બોલ્યા: ‘હું વાયું છું, પવન દેવ છું, સંપૂર્ણ જગતનો પ્રાણ છું, મુજ વગર આ સૃષ્ટિ નિ:શ્ર્ચેતન છે, હું જ સમસ્ત જગતનું સંચાલન કરું છું.’ તેજપૂંજે કહ્યું, ‘હે વાયુ! જો તમે જગતના સંચાલનમાં જો ખરેખર સમર્થ હો તો આ તણખલું મૂકયું છે એ તમારી ઇચ્છાનુસાર હલાવીને બતાવો.’ પવનદેવે પોતાની સમગ્ર શક્તિ લગાવી દીધી પણ એ તણખલુંને તસુભર પણ ખસેડી ન શક્યાં. ત્યારબાદ એક પછી એક દેવગણો પોતાની શક્તિ દાખવવાની કોશિશ કરે છે પણ એ શક્તિપૂંજ સમક્ષ તેઓ નિ:સ્તેજ પુરવાર થાય છે. દેવરાજ ઇન્દ્ર બુદ્ધિનો ઉપયોગ કરી કહે છે, ‘જેનું આવું ચરિત્ર છે એ સર્વેશ્ર્વરના હું શરણે છું, અમે લજ્જિત છીએ, તમે દર્શન આપો.’ શિવપ્રિયા માતા પાર્વતી એ દેવતાઓ પર દયા કરવા અને એમનો ગર્વ હરવા પ્રગટ થયાં, દેવરાજ ઇન્દ્ર સહિત સમગ્ર દેવગણ ભક્તિભાવથી મસ્તક નમાવીને પરમેશ્ર્વરીની સ્તુતિ કરવા લાગ્યા, ‘હે પરમેશ્ર્વરી પ્રસન્ન થાઓ. હે માતા! એવી કૃપા કરો જેથી ફરી ક્યારેય અમને ગર્વ ન થાય.’ ત્યારથી સમગ્ર દેવતાગણે ગર્વ છોડીને એકાગ્રચિત્ત થઇને વિધિપૂર્વક માતા પાર્વતીની આરાધના કરવા લાગ્યા.


દેવતાઓનો ગર્વ ઊતરી ગયા બાદ દરેક દેવતાગણ પોતપોતાના લોક તરફ પ્રયાણ કરે છે. માતા પાર્વતી કૈલાસ પહોંચે છે, ઘણો સમય વીતી ગયા બાદ દેવર્ષિ નારદને ભગવાન શિવના દર્શનની ઇચ્છા જાગૃત થાય છે. તેઓ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. તેઓ કૈલાસ પહોંચીને જુએ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી ક્યાંય દેખાતા નથી.

દેવર્ષિ નારદ: ‘કયાં છો મહાદેવ, ક્યાં છો માતા પાર્વતી. આપ ક્યાં ચાલી ગયા છો?’
દેવર્ષિ નારદને આમ બૂમાબૂમ કરતાં જોઈ નંદી અને શિવગણ તેમની સમક્ષ દોડતાં આવે છે.

દેવર્ષિ નારદ: ‘માફ કરજો નંદીશ્ર્વર, ભગવાન શિવ અને માતા પાર્વતીને ગેરહાજરી કૈલાસ પર ખાળતાં હું અસ્વસ્થ થઈ ગયો હતો, કૈલાસની શાંતિ ભંગ કરવા બદલ મને માફ કરો.’
નંદીશ્ર્વર: ‘દેવર્ષિ આ શું બોલી રહ્યા છો, તમે અમારા પૂજનીય છો, આમ માફી માગશો નહીં.’
દેવર્ષિ નારદ: ‘તમે એ જણાવવાની કૃપા કરશો કે ભગવાન શિવ અને માતા પાર્વતી ક્યાં ગયાં છે.’
નંદીશ્ર્વર: ‘થોડા સમય પહેલા માતા પાર્વતીએ ભગવાન શિવને ગગન વિહાર તથા મુક્તિ નગરી કાશી જવાની ઇચ્છા પ્રગટ કરી હતી.’
દેવર્ષિ નારદ: ‘હું પણ આકાશમાર્ગે મુક્તિ નગરી કાશી તરફ જ જઈ રહ્યો છું, ત્યાં જ એમના દર્શન કરીશ.’
આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે. આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદ જુએ છે ‘કોઈ પોતાનો વેશ ધારણ કરેલો માનવ ‘જય બ્રહ્મદેવ’નો જાપ કરતાં વિહાર કરી રહ્યો છે. તેઓ તેની નજદીક જાય છે. જુએ છે તો તેમનો બાળપણનો સખા પર્વત નજરે પડે છે.

દેવર્ષિ નારદ: ‘મિત્ર પર્વત તને મળીને ખૂબ આનંદ થયો. આટલાં વર્ષોથી ક્યાં હતો?’

પર્વત: ‘નારદ તમે અને હું દેવગુરુ બૃહસ્પતિના આશ્રમમાં ભણતા હતા એટલે આપણે મિત્ર કહેવાઈએ, પણ આપણા વચ્ચે અન્ય એક સંબંધ પણ છે. તમે પરમપિતા બ્રહ્માજીના માનસપુત્ર છો અને હું બ્રહ્માજીની માનસપુત્રી રિષીકાનો પુત્ર છું એટલે હું તમારો ભાણેજ થયો અને તમે મારા મામા. બે-બે સંબંધ હોવા છતાંય આપણું મિલન વર્ષો સુધી ન થયાનું મને દુ:ખ છે.’
દેવર્ષિ નારદ: ‘એમ દુ:ખી થવાની જરૂરત નથી, આપણે ભલે મળી ન શક્યા હોઈએ પણ આપણી વચ્ચે પ્રેમ અવશ્ય છે. પણ હું આ શું જોઈ રહ્યો છું તું મારી નકલ કરી મારા જેવો જ વેશ ધારણ કર્યો છે, તો તારા સંપર્કમાં આવતા લોકો ભ્રમિત થતા હશે કે તું નારદ જ છે.’

પર્વત: ‘આ વાત ખરી તો છે જ, પણ મેં તમને જ મારા આદર્શ માન્ય છે. તમારી દરેક બાબતો મારી આદર્શ છે, તો તમારા દરેક રંગ અને વેશભૂષાને અંગિકાર કરું તો કંઈ ખોટું નથી અને બીજી વાત એ કે તમે નારાયણના ભક્ત છો અને હું મારા નાના બ્રહ્મદેવનો ભક્ત છું. તમે હંમેશાં નારાયણનો જાપ કરતા હોવ છો તો હું બ્રહ્મદેવનો જાપ કરું છું. વર્ષો સુધી જાપ કર્યા બાદ પણ મને કોઈ વરદાન નથી મળ્યું. લાંબા સમયથી બ્રહ્મલોક અને વિષ્ણુલોકની શોધ કરતો રહ્યો પણ ત્યાં સુધી નથી પહોંચી શકયો.’
દેવર્ષિ નારદ: ‘ઉદ્દેશની પ્રાપ્તિ માટે સાચી ભક્તિ ભાવના હોવી આવશ્યક છે.’
પર્વત: ‘તો શું મારી ભક્તિ ભાવના ખોટી છે?’

દેવર્ષિ નારદ: ‘તારી ભક્તિ ભાવના સાચી હોત તો સફળ અવશ્ય થાત. નારદના બાહ્ય રંગ-રૂપને ધારણ કરી લીધું પણ તું એ નહીં ધારણ કરી શક્યો જે નારદ ધારણ કરી વરસોથી ફરતો રહે છે.’
પર્વત: ‘એ શું છે જે મનમાં ધારણ કરવાનું છે?’

દેવર્ષિ નારદ: ‘ભક્તિ, નિષ્ઠા, પરમાર્થ, લોકકલ્યાણની ભાવના અને પરપીડા, આ બધું તમે જો ધારણ કર્યું હોત તો તમને નારદનો વેશ ધારણ કરવાની જરૂરત નહોતી. તને વિષ્ણુલોક અને બ્રહ્મલોક સુધીનો માર્ગ સુલભ થાત.’

પર્વત: ‘મને માર્ગદર્શન આપો કે જેથી હું ત્રણે લોક સુધી પહોંચી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના દર્શન કરી શકું.’
દેવર્ષિ નારદ: ‘તમારે મનમાં શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠા જાગૃત કરવી પડશે. મનમાં ત્રિદેવના દર્શનની ઈચ્છા જગાવવી પડશે.’
પર્વત: ‘તમારા માર્ગદર્શન પ્રમાણે હું પ્રયત્ન કરીશ.’

દેવર્ષિ નારદ: ‘મને ખબર છે તમે એમ નહીં કરી શકો, હું બ્રહ્મદેવની મળીને વિનંતી કરીશ કે મારા ભાણેજ પર્વત પર કૃપા કરી વરદાન આપો.’
પર્વત: ‘તમે બ્રહ્મદેવ સુધી મારી વાત પહોંચાડો અને મને બતાવો કે તેમણે શું કહ્યું.’

દેવર્ષિ નારદ: ‘હું તમારી વાત બ્રહ્મદેવ સમક્ષ અવશ્ય રજૂ કરીશ પણ તમને કઈ રીતે મળીશ, તમારું નિવાસ ક્યાં છે.’
પર્વત: ‘હું મંદાકિની પર્વતની તળેટી પર મારો આશ્રમ છે હું ત્યાં નિવાસ કરું છું.’
દેવર્ષિ નારદ: ‘અવશ્ય, આપણે બહુ જલદી મળીશું.’
આટલું કહી દેવર્ષિ નારદ અને પર્વત છુટા પડે છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker