ધર્મતેજ

ગળાફાંસો

ટૂંકી વાર્તા – સુમંત રાવલ1

રેશમી દોરીની સરકતી ગાંઠ મહામહેનતે છૂટી શકી. ગળા ફરતી દોરી ચામડીમાં ઘૂસી ગઈ હતી એટલે લોહિયાળ રેખા અંકાઈ ગઈ હતી. ગળાનો હડિયો તૂટી ગયો હતો અને જીભ બે દાંત વચ્ચે ભીંસાઈ ગઈ હતી. ડોળા ફાટી ગયા હતા અને નાકમાંથી વહી ગયેલું લોહી કાળું પડી ગયું હતું. લાશને ફર્શ પર ગોઠવી, ત્યાં ફોટોગ્રાફર આવી ગયો. આડો તેડો કેમેરો આંખો પર ગોઠવી થોડાક ફોટા લીધા અને પછી આત્મહત્યાના સમાચાર લખવા લાગ્યો. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી…
ત્યાં ગામનું પંચ આવી ગયું અને મારી સામે મોં બગાડીને જોતું ખૂણામાં ઊભું રહી ગયું- આ ખાખી કપડું અહીં પણ પહોંચી ગયું. જીવતા જીવના તો પૈસા લેતા હોય છે, પણ મરેલા મડદાનેય મૂકતા નથી… એવું કૈક ગણગણતા હશે…
માણસ કેવો હતો?' મેં છાતી પરની હેડ કોન્સ્ટેબલ નેમ-પ્લેટ સીધી કરતા પૂછ્યું. સારો માણસ…’
સારો એટલે કેવો?' મૃત્યુનો મલાજો છોડી મેં બીડી સળગાવી... સારો એટલે સીધો માણસ… કોઈની સાથે કંઈ લપછપ નો’તી.’ સરપંચે ખુલાસો કર્યો.


પણ કે' છે કે છોકરાની બહુ માથાકૂટ હતી...' મેં ધીમેથી મમરો મૂક્યો... અમારા પોલીસખાતાની આ કરામત છે. ધીમે ધીમે સામા માણસ પાસેથી વાત કઢાવવાની... ખબર નથી…’ સરપંચે મોં ફેરવી લીધું.
આખા ગામને ખબર છે... અને તમને સરપંચને ખબર નથી...' મેં જરા કડક અવાજે કહ્યુંતમને સરપંચ કોણે બનાવ્યા…. સરપંચ કને તો ગામની રજેરજની માહિતી હોવી જોઈએ…’


સરપંચ ચૂપ થઈ ગયો, તેની બાજુમાં ઊભેલા પીઢ માણસે જવાબ આપ્યો, જમાદારસા' બ ઘર હોય તો ક્યારેક બે વાસણ ખખડેય ખરા...' પણ આ વાસણ તો રોજ ખખડતાં હતાં’ મેં બીડીનો ઊંડો કશ લઈ ઠુઠું જમીન પર ફેંકતા કહ્યું.
મોટી જુવાન દીકરીનોપ્રોબ્લેમ’ હતો…’ છેવટે સરપંચે મોં ખોલ્યું. જાજો વસ્તાર કંઈ થોડો સારો છે, મનુ મિસ્ત્રીની રોજિરોટીનું સાધન ટાંચું અને ખાનારા છ જણ... બે માણસ પોતે અને ચાર છોકરા... મોટી છોકરીનો પગ ખાડામાં પડી ગયો... છોકરાને અને એના મા-બાપને હાથેપગે લાગીને પરણાવી દીધી... છોકરો દરજી જ્ઞાતિનો હતો... ન્યા ય ઝઘડા ચાલતા' તા...' મેં સાંભળ્યું છે કે મનુ મિસ્ત્રીનો જુવાન દીકરો પણ કામધંધા વગરનો બેકાર… બેસી રહેતો…’


મેં વાતનો તાગ પામવા બીજા માણસને પકડ્યો…
ઓરડી સાંકડી હતી… અને બહારથી આવનારાની સંખ્યા વધતી જતી હતી. બાજુના ઓરડામાં બૈરાની રોકકળ ચાલતી હતી. મનુ મિસ્ત્રીની ઘરવાળી જોરજોરથી છાતી કૂટતી હતી… તમને આ શું સૂઝયું? તમારી વાંહે હું ય આવું છું… ત્યાં મોટો દીકરો દોડતો આવ્યો… બાપા… બાપા… કરતો તે શબ તરફ ધસી ગયો, પણ તે પહેલાં બે જુવાનિયાએ તેને બાવડેથી પકડી લીધો…
આ મોટો દીકરો...' આગ લાગે ત્યારે એકાદ તેમાં ઘાસલેટ છાંટનારો ય મળી આવે... મને એક જણ મળી ગયો...માવો-માવજી…’


એ માવજી શું કરે છે?' સા’બ કંઈ નથી કરતો, ગામનો ઉતાર છે, નવરોધૂપ ભટકે છે, બીડી પીએ છે, ક્યારેક પત્તાય ટીપે છે, તેણે જુગારમાં પાંચ હજારનું દેવું કર્યું’ તું. ઈ દેવું તેના બાપ મનુ મિસ્ત્રીએ માંડ માંડ ભરપાઈ કર્યું…’
હું જરા પોરસાયો… દસ વરસેય મારે સંતાન નહોતું, જ્યારે મનુ મિસ્ત્રીને બે દીકરા-બે દીકરી. હર્યુંભર્યું ઘર વેરવિખેર થઈ ગયું! અડધી રાતે મનુ મિસ્ત્રીએ પંખા સાથે દોરી બાંધી લટકી જવું પડ્યું. આમ તો તેનો પરિવાર પંખા સાથે દોરી બાંધીને લટકતો જ હતો. મનુ મિસ્ત્રી છૂટી ગયો, જ્યારે બાકીના છૂટતા નહોતાં-તરફડતા હતા!


કોઈ દયાળુએ શબની આંખો બંધ કરી દીધી. ત્યાં ડૉક્ટર આવ્યાં. તેમણે શબ પાસે બેસી ગળામાં લટકતું સ્ટેથેસ્કોપ કાને લગાડ્યું અને તેનો ચંદો છાતી પર ગોળ ગોળ ઘુમાવ્યું અને પછી માથું નકારમાં ધુણાવ્યું અર્થાત્‌‍ મનુ મિસ્ત્રીના શરીરમાં જીવ નહોતો! તે વખતે મોટા છોકરાએ પેલા બંને પાસેથી હાથ છોડાવીને જોરથી લાશ પર પડતું મૂક્યું.

બાપા... બાપા...'દૃશ્ય કરુણ બની ગયું. હાજર રહેલા બધાની આંખો ભીંજાઈ ગઈ. મારે તો આવું જોવાનું વારંવાર બનતું હતું એટલે મને મારી ફરજ યાદ આવી- પંચનામું. આ લોકો જતા રહે તે પહેલા પંચનામું તૈયાર કરી તેમની સહી લેવી જરૂરી હતી.પછી આત્મહત્યાનું સાચું કારણ શોધવા કામે લાગી જવાનું હતું. આવા ગરીબ પુરુષો પાસેથી ખંખેરું તોય ખાલી કોથળામાંથી કેવળ ધૂળ સિવાય કંઈ હાથ લાગવાનું નહોતું. નાહક લખાપટીની મજૂરી કરવાની હતી... મેં ફરી લાશ તરફ જોયું તો મારા કરતાંય મનુ મિસ્ત્રીનું મોં વધુ દયામણું લાગ્યું. બનિયન અને લેંઘામાં એ ચત્તોપાટ પડ્યો હતો. ગળાનો હડિયો તૂટી ગયો એટલે ખૂબ તરફડ્યો હશે, ભીના લેંઘામાંથી પેશાબની ગંધ આવતી હતી... જીવ કંઈ સરળતાથી થોડો જાય? સા’બ તમે પંચનામું લખી કાઢો, પછી લાશને તાલુકે પીએમસીમાં પૉસ્ટમાર્ટમ' માટે મોકલવી પડશે, હું રિપોર્ટ તૈયાર કરું છું... લાશ સાથે કોણ જશે?' ડૉક્ટરે પૂછ્યું. ત્યાં બેચાર આગેવાન એકબીજા સામે જોવા લાગ્યા. સરપંચ આગળ આવ્યા...હું અને રઘુભા અને માવજી… છકડામાં લઈ જશું. તાલુકો ક્યાં છેટો છે?’


સરપંચ તૈયાર થયા એટલે બીજા બધાનો શ્વાસ હેઠો બેઠો… અને નવી જવાબદારી આવી પડે તે પહેલાં પાછા પગલે બહાર નીકળી ગયા…
પાંચ હજારની વસ્તીવાળું રાજપર ગામ- એક નિશાળ, એક દવાખાનું અને એક પોલીસ થાણું. જેમાં જમાદાર તરીકે બે વરસથી હું ફરજ બજાવતો હતો. સરકારે એક બુલેટ પણ આપ્યું હતું, જેના પર સવાર થઈને હું બજારમાં નીકળતો ત્યારે કેટલાયના હાથ ઊંચા થઈ જતાં-વટ પડી જતો! ગામ બહાર ટેકરી પર થાણું હતું. થાણાની બાજુમાં જ નિવાસસ્થાન, ક્યારેક તહોમતદારને ગાળો આપતો ત્યારે રંભા સાંભળી જતી, હું ઘેર જતો એટલે કહેતી ગાળો ઓછી બોલતા હો તો…! કાનના કીડા ખરે એવી ગાળો બોલો છો…
હું જમાદાર છું. ગાળોય બોલવી પડે અને સમય આવ્યે હાથેય ઉપાડવો પડે. હું માથા પરની ટોપી ખીંટીએ લટકાવતો અને કહેતો, તે મારા વધેલા પેટ પર આંગળા ભેરવી ગલીપચી કરતી…
આ ફાંદ બહાર નીકળી ગઈ છે...' મને કહેવાનું મન થતું કે ફાંદ તો તારી બહાર નીકળવી જોઈએ તેના બદલે મારી-પણ મારી નબળાઈનું પ્રદર્શન કરતા હું મારી જાતને વામણી સિદ્ધ કરી રહ્યો હોઉં તેવું લાગતું, તેની નછોરવી કાયાને જોઈ રહેતો. ફાંદને કારણે પેન્ટ પર બાંધેલો પટ્ટો નીચે બાંધવો પડતો, પેટની નીચે... અને ચાલતો ત્યારે ફાંદ હલતી... હવે ઉપવાસ કરો તો વજન ઓછું થાય…’ તે કહેતી…


કોઈકે લાશ પર કફન ઢાંકી દીધું. મેં પંચનામું લખવાનું શરૂ કર્યું, માવજી ક્યાંકથી લાકડાની ખુરશી લઈ આવ્યો, હું લાશની સામે ખુરશી પર બેઠો ત્યારે જરા અજુગતું લાગ્યું. ઓરડીની સામે ફરજો હતો ત્યાં કરવત, રંધો, છીણી, હથોડી, ફાડેલા લાકડા કેટકેટલી સામગ્રી પડી હતી. મિસ્ત્રી ત્યાં બેસીને સુથારીકામ કરતો હતો!
બાજુના ઓરડામાં રોકકળ વધતી જતી હતી… તેની અવગણના કરીને મેં પેડ પર કાગળ ગોઠવી લખવાનું શરૂ કર્યું. “અમો નીચે સહી કરનારા પંચો આજરોજ મનુ મિસ્ત્રીના ઘરમાં ડાબી દિશાની ઓરડીમાં હાજર છીએ… અમારી હાજરીમાં પંખા પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં એક શબ લટકતું હતું. જે મનસુખલાલ નાનજીભાઈ મિસ્ત્રીનું હતું. જેને અમે ઓળખી બતાવીએ છીએ…” પછી લાશનું વર્ણન કરવાનું હતું એટલે પેન અટકી ગઈ અને મેં ઊભા થઈ કફન હટાવી લાશનું નિરીક્ષણ કર્યું…
ઘણું બધું હટી ગયું હતું… દસ વરસનો નિ:સંતાનપણાનો ભેદ ખૂલી ગયો હતો. તે દિવસે તાલુકા પોલીસ સ્ટેશનેથી બુલેટ પર પાછા ફરતાં ગાંધીચોકમાં એક લેબોરેટરી જોઈ. મારી અંદર ઈચ્છા જન્મી ગઈ... આ દસ દસ વરસથી રંભા સાથે મહેનત કરું છું છતાં કંઈ પરિણામ આવતું નથી. રંભા પણ ક્યારેક ન કહેવાનું કહી દે છે... ત્યારે હું સમસમી જાઉં છું... ક્યારેક તો મેણું મારે છે ત્યારે અકળાઈ જાઉં છું. લેબોરેટરી સામે જ છે... ખાનગીમાં મારા શરીરની તો ખાતરી કરી લઉં... જો મારામાં કોઈ ખામી જ ન હોય તો રંભાની સામે છાતી ઠોકીને રિપોર્ટનો ઘા કરી દઈને કહીશ કે જોઈ લે આ મરદનો પુરાવો... ધરતી વાંઝણી નીકળી છે... એટલે તે બિચારી મીયાંની મીંદડી બની જશે. પછી તો તેની સામે હું ધાર્યું કામ લઈ શકીશ!' અંદર ગયો. બે જુવાન છોકરા બેઠા હતાં. કાચની શીશી આપતાં કહ્યું, સામે ટોઈલેટમાં જાવ... રિપોર્ટ આવતા કેટલી વાર? મે પૂછ્યું. માત્ર એક કલાક! એકે કહ્યું. હું ટોઈલેટમાં ગયો. વીર્યની શીશી આપી... તે બધા ટેસ્ટિંગના કામે લાગી ગયા. હું બહાર ગયો, પાન ખાધું, બીડી ફૂંકી અને પાછો ફર્યો. ત્યાં રિપોર્ટ તૈયાર હતો. પરબીડિયું આપતા જુવાને કહ્યું: શુક્રાણુ કણ મોટીવ નથી અને મેક્સિમમ નથી... હું કંઈ સમજ્યો નહીં, અબુધ માણસની જેમ તાકી રહ્યો. એટલે મારામાં ખામી?’


હા, પણ આયુર્વેદિક દવાથી સારું થઈ જશે. સામે મૂળશંકર વૈદનું ઘર છે ત્યાંથી દવા મળશે... બે વરસ દવા લેવી અને ચરી પાળવી પડશે...' હું તો આ સાંભળી ઠરી ગયો. રણજીત વાઘેલાની મૂંછનું પાણી ઊતરી ગયું. બુલેટને કીક મારતા શરીર હાંફી ગયું! રંભાની નજરમાં હું ઊતરી ગયો... આમ તો મારી નજરથી જ ઊતરી ગયો હતો. પેલું પરબીડિયું રંભાના હાથમાં ન ચડે તેવી રીતે પાકિટમાં મૂકી દીધું.. હવે મને રંભા કરતા આ પરબીડિયાની ચિંતા થતી હતી, રખેને એ રંભાના હાથમાં ચડી જાય અને મારી પોલ ખૂલી જાય તો રંભા તો મારા પર સિંહણ બનીને ત્રાટકે! રંભાને ખબર ન પડે તે રીતે ઓફિસમાં બેસીને એ રિપોર્ટ વાંચતો રહેતો... પણ અંગ્રેજી શબ્દોમાં કંઈ સમજાતું નહોતું. નીચે રિમાર્કસમાં લખ્યું હતું,સ્પર્મ્સ કાઉન્ટ ઈઝ નોટ ઈનફ એન્ડ નોટ મોટિવ ઓલ્સો’ એ શબ્દો મને દઝાડતા રહેતા હતા, કાગળનો એ ટુકડો જાણે અરીસો બની જતો અને મારા ઓશિયાળા ચહેરાનું તેમાં પ્રતિબિંબ ઊપસી આવતું જેની મૂંછો નમી ગયેલી હતી… મારી મૂંછોનું પાણી ઊતરી ગયું હતું.
પંચનામું પૂરું થઈ ગયું. હાજર રહેલા પંચોની સહીઓ પણ લેવાઈ ગઈ અને લાશને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે વાહન મારફત રવાના કરી દીધી એટલે હું નવરો પડ્યો અને નવરો પડતાં જ મારા મગજ પર મારી શારીરિક ખામીનું ભૂત સવાર થઈ ગયું… રંભાથી ખાનગીમાં દવા લેવાનો નિર્ણય કર્યો…
બપોર થઈ ગઈ એટલે બુલેટ મારી મૂક્યું. ઘેર ગયો, રંભા રસોડામાં ગીત ગણગણતી હતી…
કેમ મોડું થયું?' રોજ કરતા મોડો આવેલો જોઈ તેણે પૂછ્યું. એક આપઘાતનો કેસ આવ્યો હતો…’
આપઘાત?' હા, ગળાફાંસો ખાધો હતો…’
પુરુષ કે સ્ત્રી?' પુરુષ…’
તે હસી પડી… હવે તો મરદ જેવા મરદ થઈને આપઘાત કરવા લાગ્યા...' તેણે થાળી તૈયાર કરીને ટેબલ પર મૂકી ત્યારે હું તેની માંસલ કાયા તરફ તાકી રહ્યો. ગામડાગામમાં ય તેના માબાપે દસ ધોરણ સુધી ભણાવી હતી, રોજ સવારમાં જાગીને સ્નાન કરતી, પછી કપાળમાં મોટો કંકુનો ચાંદલો કરતી અને પાણિયારે દીવો કરતી હતી. હું પૂછતો કે પાણિયારે દીવો શું કામ? ત્યારે તે કહેતી વંશ રાખવા... એક જોષીએ બાધા આપી છે કે એક વરસ ન્હાઈધોઈ પાણિયારે દીવો કરો તો ભગવાન દૂધમલીયો આપશે... પણ વરસ પૂરું થઈ ગયું હતું અને દૂધમલીયો આવ્યો નહોતો... અને આવવાનો ય નહોતો... તેનું કારણ મારા ચામડાના પાકિટ અંદર છુપાયેલા રિપોર્ટમાં સાફ લખેલું હતું! બિચારી ઘરવાળીનું શું થશે?’ તે રસોડામાં જતી અને ગરમાગરમ રોટલી લઈને મારી થાળીમાં મૂકી જતી…
ઘરવાળો કેવો નમાલો કે' વાય કે ગળાફાંસો ખાધો?' તું ચિંતા ન કર. તારો ઘરવાળો હજુ હયાત છે…’
મેં મશ્કરી કરી ત્યાં તે ચીડાઈ ગઈ… શું તમેય તે... જે મનમાં આવે તે બકી નાખો છો...' જમી લીધું, હાથ ધોઈ લીધાં, પાણી પણ પી લીધું પછી બીડી પેટાવીને ધુમાડા કાઢતો ખાંટ પર બેઠો ત્યાં એ મારી બાજુમાં આવીને બેસી ગઈ... આપઘાતનું કારણ જાણવા મળ્યું?’


કૌટુંબિક ઝઘડો હતો, મિસ્ત્રીનો ધંધો ચાલતો નો' તો ને બે જુવાન દીકરી, બે જુવાન દીકરા... એમાંય દીકરીફરંટ’ હતી… દીકરો રખડું હતો. રોજ ઝઘડા એટલે મિસ્ત્રીએ મોતને વહાલું કરી લીધું…’ મેં જરા વિસ્તારથી કહી દીધું. હું એ રીતે રંભાને આડકતરી રીતે સમજાવવા માગતો હતો કે આપણે નિ:સંતાન છીએ એટલે ઘણા સુખી છીએ, પણ એના મગજમાં મારી વાત ન ઊતરી હોય તેવું લાગ્યું, તેણે ધારદાર આંખે મારી સામે જોતા કહ્યું, ભલે બાઝે-ઝઘડે પણ દીકરા-દીકરી વગરનું ઘર ઈ ઘર ન કહેવાય... જુઓ હું તમને ખાનગી વાત કરું...' એટલું કહી તે ઊભી થઈ અને કબાટ ખોલી તેમાંથી એક પરબીડિયું લઈને પાછી ફરી, પછી પરબીડિયું મારા હાથમાં મૂકતાં કહ્યું,તમારાથી છાનુંછપનું આ કૃત્યુ કર્યું છે…’
કયું કૃત્ય?' હું જરા ફફડી ગયો. હું કાશી કામવાળીને લઈને તાલુકાના સ્ત્રીરોગના નિષ્ણાત લેડી ડૉક્ટર પાસે ગઈ હતી, તેમની પાસે મેં મારા શરીરનું ચૅકઅપ કરાવ્યું તો રિપોર્ટ આવ્યો કે તમારામાં શારીરિક કોઈ ખામી નથી… તમારામાં મા બનવાનાં તમામ લક્ષણો મૌજૂદ છે… એટલે હવે તમે તમારા શરીરનો રિપોર્ટ કઢાવો… પછી આગળ દવાદારૂ થઈ શકે…’ એટલું બોલી તેણે મારી વધેલી ફાંદની નીચે ત્રાંસી નજરે જોયું… મારી છાતી ધડકી ગઈ, શરીરે પરસેવો વળી ગયો… અને મારો એક હાથ મારા ગળા પર ચાલ્યો ગયો… તે પળે જાણે મારું ગળું કોઈ ભીંસતું હોય તેવું લાગ્યું!
(સંપૂર્ણ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button