અંજામ
ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા
‘એ મારી ભૂલ હતી સાહેબ. મને ખ્યાલ નહોતો કે મારા એકમાત્ર કાગળનો આવો અંજામ આવશે. આવો બૂરો અંજામ મેં કલ્પ્યો પણ નહોતો!’
‘બૂરો અંજામ?’ અનુરાગ હસી પડ્યો: ‘અંજામ તો બહુ સરસ આવ્યો છે પરમાર. તમે ક્યા અંજામની વાત કરો છો! મારા કે તમારા?’
પટ્ટાવાળો ડી.ડી.ઓ. સાહેબ માટે ટિફિન લઇને અંદર પ્રવેશ્યો. ડી.ડી.ઓ. અનુરાગ ત્રિવેદીએ એકપળ પટ્ટાવાળા સામે જોયું અને પછી એક પળ ટિફિન સામે જોયું. ટિફિન લઇને પ્રવેશેલા રેસ્ટ હાઉસના પટ્ટાવાળાને જોઇને વી.આઇ.પી. રૂમમાં ડી.ડી.ઓ સામે બેઠેલા તાલુકા વિકાસ અધિકારી ઊભા થઇ ગયા. એની સાથે જ બાંધકામ વિભાગના નાયબ ઇજનેર, પંચાયત ઇરિગેશન ખાતા નાયબ ઇજનેર, રજૂઆત કરવા આવેલા એક-બે કાર્યકરો પણ ઊભા થઇ ગયા. અનુરાગ ત્રિવેદીએ હસીને ટી.ડી.ઓ. ઓઝાને ઉદ્દેશીને કહ્યું: ‘અરે બેસો ઓઝા બેસો.’
‘ના સાહેબ. આપ જમી લો. અમે બહાર બેસીએ છીએ.’ બહાર ઊભેલા બાંધકામ ખાતાના અને જળસિંચનના નાયબ ઇજનેરને ઉદ્દેશીને ઓઝાએ કહ્યું: ‘આપણે લોકો જમીને આવીએ. ત્યાં સુધી સાહેબે પણ જમી લીધું હશે ઓ.કે.?’
ત્રણેય અધિકારીઓ છૂટા પડ્યા બરાબર ત્યાં જ અનુરાગ ત્રિવેદીએ બહાર નીકળીને ડી.ડી.ઓ.ને બૂમ પાડી: ‘મિ. ઓઝા.’
‘જી. હા, સાહેબ.’ ઓઝા હાંફળા હાંફળા થતા નજીક આવ્યા. ‘ફરમાવો સાહેબ.’
‘મારે જી. કે. પરમારનું કામ છે. મળશે?
ઓઝાને આંચકો લાગ્યો: ડી.ડી.ઓ. સાહેબને પરમારનું શું કામ હશે? એ ગડમથલમાં ખોવાઇ ગયા કે અનુરાગ ત્રિવેદીએ એમને ઢંઢોળ્યા: ‘મેં તમને પૂછ્યું ઓઝા કે મારે જી. કે. પરમારનું કામ-’
‘ઓહ યસ. યસ. ત્યાં ઓફિસમાં જ બેઠા હશે.’
‘તો એમને જરા મોકલજો ને મારે તેમનું કામ છે.’
પાંચ મિનિટમાં જ પરમાર આવી ગયા.
‘ચાલો’ ડી.ડી.ઓ.એ કહ્યું, અને પછી અંદર દોરી જતા ધીમેથી બોલ્યા:
ડી.ડી.ઓ. સાહેબ યાદ કરે છે. શું કોઇ પ્રોબ્લેમ? ટ્રાન્સફર માટે? કે પછી’
એ લોકો બંને અંદરો અંદરની વાત પૂરી કરે એ પહેલાં જ રૂમમાં પ્રવેશી જવાયું. એટલે પછી વાત બંધ કરી દીધી.
પરમારની દષ્ટિ અનુરાગ ત્રિવેદી ઉપર પડી. ને તેના પગ તળેથી જમીન સરકી ગઇ. અનુરાગે ડી.ડી.ઓ.ને કહ્યું: ‘ઓઝા તમતમારે નીકળો. જમીને આવો હું રાહ જોઉં છું.’
‘જી હાં.’ કહી ઓઝા બહાર નીકળી ગયા. પરમાર હજી ત્યાં જ ઊભો હતો. ડી.ડી.ઓ. અનુરાગે તેમને કહ્યું: ‘આવો પરમાર. ત્યાં કેમ ઊભા રહી ગયા?’
‘જી હા સાહેબ.’ પરમાર નજીક આવીને ઊભો રહી ગયો.
‘બેસો પરમાર.’ અનુરાગે સહેજ સ્મિત કર્યું. પણ પરમારને એ સ્મિતમાં કટાક્ષ, અભિમાન અને વિજયની નાનકડી લહેર દેખાઇ. એ ધ્રુજી ઊઠ્યો: ‘ના ના સાહેબ હું ઊભો જ છું. ફરમાવો.’
‘અરે બેસો પરમાર. હું તમને કહું છું.’ અનુરાગે સોફા સામે આંગળી ચીંધતા કહ્યું: ‘તમે બેસી શકો છો. અનુમતિ આપું છું.’ પરમાર સાવ સંકોડાઇને અને સંકોચાઇને સોફા પર બેઠો. અનુરાગે તેની આંખોમાં આંખો નાખી. સ્મિત કરીને કહ્યું: ‘ઓળખાણ પડે છે?’
‘જી સાહેબ.’
‘મને એમ કે કદાચ ભૂલી ગયા હશો.’
‘જી ના સાહેબ.’
પરમાર નીચે જોઇ ગયો કે અનુરાગે કહ્યું: ‘ઘણા જ દિવસોની ઇચ્છા આજે બર આવી. માનો ને કે આજ અંજળ આવ્યું. વચ્ચે સાંભળ્યું હતું કે તમે વલ્લભગટ હતા. ત્યાંથી સૂરજપુર પર બદલી થઇને ગયેલા. અને ત્યાંથી અહીં આવ્યા.’
‘જી હા! સાહેબ.’
‘કેવી રહી સફર? તમારા અનુભવો?’
‘નોકરી કરી ખાઉં છું. પાંચ પેટ પૂરતો ગુજારો! જે પાંચ સાત હજાર પગાર હાથમાં આવે છે. કુુટુંબનું ભરણ પોષણ થાય છે. આઠેક વરસ બાકી રહ્યા છે. આમ ને આમ નીકળી જાય તો.’
‘હા. પરમાર, બહુ જાળવી જાળવીને ચાલવા જેવું છે! અત્યારે પહેલા જેવા સાથી કર્મચારી મિત્રોય નથી કે નથી વિપત સમયે ખભા પડખે દઇને હૂંફ આપનાર અધિકારીઓ! પંચાયતમાં નોકરી કરવી એ તો તલવારની ધાર પર ચાલવા જેવું કપરું છે. ક્યારે આપણી ઇન્કવાયરી શરૂ થઇ જાય એ ક્યાં કાંઇ નક્કી છે પરમાર?’ અનુરાગ ત્રિવેદી હસીને બોલ્યો ને પરમાર નીચું જોઇ ગયો. ‘સાહેબ, એક વાર મારાથી ભૂલ થઇ ગઇ હતી. મને માફી નહીં આપો?’
‘ભૂલ? શેની ભૂલ?’ અનુરાગે હસીને કહ્યું: ‘મને યાદ છે કે ઘટનાને આજે તમે ભૂલ કહો છો એ જ ઘટનાને તમે તે દિવસે ફરજ કહેતા હતા. મને તો એ બધું યાદ છે પણ તમને યાદ છે?’
‘સાહેબ જ બની ગયું એ બની ગયું. હું એ બદલ માફી માગું છું.’
‘પણ હું માફી આપીને મુક્ત થવા માગતો નથી. પરમાર! મને એ ઘટના છેલ્લા શ્ર્વાસ લગી યાદ રહેશે, અને અત્યાર સુધી મેં રાખી છે કે મેં તમારી નીચે નોકરી કરી હતી. એ મારી જિંદગીનો એક ‘ટર્નિંગ પોઇન્ટ’હતો. કદાચ ઇશ્ર્વરની મરજી પણ એમાં કારણભૂત હતી કે મારે તમારી નીચે જ નોકરી કરવાની આવી નહીંતર તો જગ્યાની ક્યાં કમી હતી?’
બાર તાલુકા પંચાયત, બાંધકામ ખાતું. ઇરિગેશન, આખી જિલ્લા પંચાયતની બત્રીસ શાખાઓ. ચાર પાંચ રેસ્ટ હાઉસમાં પડેલી ખાલી જગ્યાઓ… મેં જ્યારે જુનિયર કલાર્ક માટે અરજી કરેલી ત્યારે બસ્સો નેવ્યાસી જગ્યા ખાલી પડી હતી. હું સિલેકટ થયો પણ બસ્સો અઠયાસીને બાદ કરતા મારે ગઢપુર તાલુકા પંચાયતમાં સબ ઓર્ડિનેટરમાં જ. એકસાથે બે ટેબલ ઉપર કામ કરવાનું આવ્યું પરમાર! ગ્રેજ્યુએટ થયાને ચાર જ મહિના થયેલા. ઊભરતી યુવાની અને મહત્ત્વકાંક્ષીઓના શમણાંની ફાંટ ભરીને હું તાલુકા પંચાયતમાં હાજર થયો ને પહેલે જ દિવસે આપણી વચ્ચે ઘર્ષણના પાયા નખાયા. એ પાયા ઉપર ધીરે ધીરે દીવાલ ચણાતી ગઇ ને હું અંદર પુરાતો ગયો. પંચાયતના કાવાદાવાથી અજાણ મારું ભોળું મનપંખી ક્યારે એમાં સપડાઇ ગયું ને અચાનક, કોઇના હાથે ગુમ થયેલી એક ઇન્કવાયરીની ફાઇલને ગુમ કરી દેવાનું આળ તમે મારી માથે નાખ્યું. પરમાર! ડેપ્યુટી ડી.ડી.ઓ.એ તાત્કાલિક અસરથી મારી બદલી કરી નાખી. મને ખાવડા જેવા અંતરિયાળ ગામમાં રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધકેલી દેવામાં આવ્યો. મારા માનસપટ પર ઊભેલો પેલો સ્વપ્નનો ગઢ કડડડભૂસ કરતો તૂટી પડ્યો પરમાર! મારા ઉપર શું નહિ વીતી હોય! એ વાતની યાદ દેવડાવવા માટે તમને મેં બોલાવ્યા. બોલો, યાદ છે તમને? તમે મને યાદ કરેલો ખરો?’
‘એ મારી ભૂલ હતી સાહેબ. મને ખ્યાલ નહોતો કે મારા એકમાત્ર કાગળનો આવો
અંજામ આવશે. આવો બૂરો અંજામ મેં કલ્પ્યો પણ નહોતો!’
‘બૂરો અંજામ?’ અનુરાગ હસી પડ્યો: ‘અંજામ તો બહુ સરસ આવ્યો છે પરમાર. તમે ક્યા અંજામની વાત કરો છો! મારા કે તમારા?’
‘એ બધી તમારી સત્તાની વાત છે. તમારા હાથની વાત છે મને મારવો કે તારવો એ સઘળું તમારી હેસિયતને આધારિત છે! એક વખત મેં જિંદગીમાં ભૂલ કરી નાખી.’ કહી પરમાર સોફા પરથી ઊભો થઇ ગયો અને અનુરાગના પગ આગળ ઢગલો થઇ જતા બોલ્યો: ‘મારા છોકરા હજી નાના છે. બે દીકરીઓ પરણાવવા જોગ છે. મારી ભૂલને તમે માફ નહીં કરો.’
‘અરે પરમાર!’ અનુરાગે તેને ખભેથી બેઠો કરતાં કહ્યું: ‘જે થયું એને તમે કદાચ ભૂલ કહેતા હોય તો એ ભૂલને મેં સુધારી લીધી છે. બીજું કે, એ ભૂલ નહોતી. પણ મારે માટે એક ચેલેન્જ હતી. જે ઘડી જે પળ, આજ આપણી વચ્ચે. એ ગુમ થયેલી ઇન્કવાયરીની ફાઇલને લીધે તીવ્ર ઝઘડો થયો હતો અને જેને પરિણામે મારે ખાવડા જવું પડ્યું હતું. પણ જે ચેલેન્જ મારી સામે આવીને ઊભી હતી તેનો મેં હિંમતથી સામનો કર્યો હતો પરમાર! મેં ત્યારથી જ નક્કી કરેલું કે જિંદગીમાં કદાચ ખાવડા એ મારા માટે છેલ્લું સ્ટેશન હશે. હવે કોઇ દિવસ કારકુની નહીં કરું. ખાવડા પી.એચ.સી. સ્ટેશનેથી જ મેં આઇ.એ.એસ. થવા માટેની તૈયારી આરંભી દીધી ને ત્યાંથી જ સીધો હું દિલ્હી પહોંચ્યો. સવાર પડતું ને તમે મને યાદ આવતા. હું સૂતો’તો પણ તમારી યાદ લઇને!’ આખરે મારી તમન્નાઓની ટ્રેન ખાવડાથી ઊપડીને દિલ્હી ઊભી રહી. હું આઇ.એ.એસ. કેડરમાં ઉત્તીર્ણ થયો! અને આજે, જિલ્લા વિકાસ અધિકારી બનીને તમારી સામે ઊભો છું.’
‘…પણ હું એક બોજ લઇને જીવ્યા કર્યો છું સાહેબ! કે, મેં જાણી જોઇને તમને એ પ્રકરણમાં દોષિત જાહેર કરી લીધા. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે.’
‘તમે ભગવાનનું ખરાબ કર્યું હતું કે મારું.’
‘તમારું! પણ એ તો જુએ છેને-’
‘અરે…’ અનુરાગ ખડખડાટ હસતો બોલ્યો: ‘અરે, એને તો હું જ્યાં નોકરી કરતો હતો એ ખપતું ન હતું. એણે તમને તો માત્ર નિમિત્ત બનાવ્યા. જો તમે ન મળ્યા હોત તો અનુરાગ ત્રિવેદી કરીને એક જુનિયર કલાર્ક જિલ્લા પંચાયતની લોબીમાં આમ તેમ આંટા મારતો રહ્યો હતો! ને એવી જ જિંદગી બસર કરતો હોય! પણ મને ડી.ડી.ઓ.ના હોદ્દા સુધી પહોંચાડનાર તમે છો પરમાર. અને આજ, એને માટે હું આભાર તમારો માનું છું.’ કહી અનુરાગે પરમારની પીઠ થપથપાવી. પણ પછી કહ્યું: ‘પણ હા…
તમે કરેલી ભૂલની સજા હું આપ્યા વગર તો નહીં જ રહું.- બોલો, કેવી સજા ફાવશે?’ બોલો, કેવી સજા ફાવશે?’
‘તમે જે ચાહો તે…’
‘તો પરમાર… આજ તો આપણે બંને સાથે બેસીને જમીએ એ જ સજા ચાહું છું, ફાવશે…?’ કહી બેલ માર્યો. પટ્ટાવાળો બંધ બારણું ખોલીને અંદર આવ્યો ને અનુરાગ ત્રિવેદીએ બે ડીશ તૈયાર કરવાનો હુકમ આપ્યો.