ધર્મતેજ

રિહર્સલ

ટૂંકી વાર્તા – કિશોર અંધારિયા

દૃશ્ય કરુણ છે. ઘેરા જાંબલી રંગના હળવી ડિઝાઈનવાળા ડે્રસમાં એક અત્યંત સ્વરૂપવાન યુવતી એક પગ વાળી, એક લાંબો કરી જમીન પર બેસેલી છે. તેના ખોળામાં એક યુવાન સૂતો છે. મેલુંઘેલું જિન્સ છે અને વાળ વિખરાયેલા છે. યુવકના કપાળ પર મોટો પાટો છે અને તે રુધિરના લાલ રંગથી ભીંજાયેલો છે. યુવતીનો એક હાથ યુવાનના હાથમાં છે તો બીજો હાથ તેના કપાળ પર લગાડેલા પાટા પર ફરી રહ્યો છે. યુવકે બંધ આંખો સહેજ ખોલી એટલે યુવતી બોલી ઊઠી, `આર યુ ઓ.કે.? કેમ લાગે છે તને હવે?’

ક્ષીણ અવાજે તેણે જવાબ વાળ્યો, બેટર... પણ માથાની સાથે ડાબો હાથ હલાવું તો ત્યાં પણ પેઈન થાય છે...' રિલેક્સ, આટલા મોટા એક્સિડન્ટમાં બીજું કંઈ થયું નહીં એ જ…’ યુવતીની આંખો અશ્રુથી તરલ થઈ.

યુવકે સહેજ કષ્ટ સાથે તેના ખોળામાંથી પોતાનું માથું ઊંચું કર્યું અને જમણા હાથે યુવતીના ગાલ પર આવેલ અશ્રુબિંદુને લૂછતાં કહ્યું: `ડૉન્ટ થીન્ક સો… એમ કંઈ હું સ્વર્ગમાં નહીં ચાલ્યો જાઉં… આફટર ઑલ તારી સાથે મૅરેજ કર્યાં પાછી તારી સાથે રહેવાનું એક સ્વર્ગ તો મને અહીં સદેહે મળી જ ગયું છે ને! સ્વર્ગની અપ્સરા પણ મારી સાથે હોય પછી મારે ક્યાંય જવાની જ ક્યાં જરૂર છે!’

ઓહ માય સ્વીટ! આઈ લવ યુ'. યુવતીએ તેના ગાલ પર ટપલી મારતા કહ્યું. સ્ટોપ, સ્ટોપ! ફરી એક જ ભૂલ…’ એક મોટો ઘેઘૂર અવાજ હૉલમાં ગુંજી ઊઠ્યો. `અરે ભાઈ ગાર્ગી અને વિરાટ… તમે વારંવાર ભૂલ કરો છો. આ રીતે આખું નાટક ફરી કેમ થશે?’

સૉરી સર, સૉરી જયરાજજી.' બોલી તે બન્ને ઊભાં થઈ ગયાં. જયરાજજીએ આગળ ચલાવ્યું,વિરાટ, તારી ગાર્ગીના ખોળામાંથી માથું ઊંચું નથી કરવાનું પણ માત્ર આંખો વડે ઉપર, ગાર્ગી તરફ દૃષ્ટિપાત કરવાનો છે… અને ગાર્ગી, આટલું જોરથી કોઈ પેશન્ટને ટપલી મારે? આફટર ઑલ આ ડ્રામામાં વિરાટ તારો પતિ છે…’
વિરાટ હસ્યો, `સરજી, એનો રોલ મારી વાઈફનો હોય પછી તો મને મારી જ શકે ને!’

ગાર્ગી જોરથી હસી પડી.
જયરાજજી સાચું કહે છે...' બૅક સ્ટેજમાંથી વૈભવી સાથે બહાર નીકળતા નિસર્ગ બોલ્યો. સ્નેહનો સરવાળો એટલે સ્વર્ગ’ નાટકના રિહર્સલ માટે યુનિવર્સિટીના મિની થિયેટરમાં બધાં એકઠાં થયાં હતાં. વિરાટ, ગાર્ગી, નિસર્ગ અને વૈભવી. ચારેય આર્ટ્સ કૉલેજના બીજા વર્ષના વિદ્યાર્થી. સંગીત અને મંચસજ્જા માટે મદદ કરતા બીજા છ-સાત મિત્રો પણ સાથે જ અભ્યાસ કરતા હતા. મૂળ તો આ નાટક શહેરની આંતર કૉલેજ સ્પર્ધામાં પ્રથમ આવ્યું હતું અને કૉલેજમાં પણ હૉટફેવરિટ થઈ ગયું હતું. હવે તેની એન્ટ્રી ઈન્ટર યુનિવર્સિટી સ્તરે થવાની હતી. વધુ સારું પર્ફોર્મન્સ થાય એ કારણે હવે જયરાજ રાઠોડ ચિંતિત હતા. એ રંગભૂમિને વરેલા કર્મઠ દિગ્દર્શક હતા. આ નાટક લખ્યું પણ તેમણે પોતે હતું.

...તો હો નાય સર ટી બ્રેક!' નિસર્ગે હાથની આંગળીઓથીટી’ની નિશાની બતાવતા જયરાજજીને કહ્યું. તેમણે મંજૂરી આપતા કહ્યું, `ઓ. કે. બટ, એ પછી એક રિહર્સલ ઔર કરના પડેગા. ગાર્ગી અને વિરાટ કેટલીક સિલી મિસ્ટેક કરે છે… નથી જામતું’

જયરાજ રાઠોડ. ઉંમર હશે પંચાવન આસપાસ. એક અનોખું વ્યક્તિત્વ. કાબરચીતરી દાઢી. મોટી ભાવવાહી આંખો, પાછળ ગરદન સુધી ઝૂલતા વાળ અને શામળો પણ પ્રભાવશાળી ચહેરો. તેના ચહેરાનો દેખાવ-ઓશો-રજનીશજીની યાદ અપાવે. બરછટ જિન્સની સાથે એ ક્રિમ કલરની કફની પહેરતા. નાટ્ય કલાકાર વિદ્યાર્થીઓને તેની પાસેથી અભિનયકળાના નિતનવા પાઠ શીખવા મળતા.

વિરાટ, નિસર્ગ, ગાર્ગી અને વૈભવી ચારેય સારા મિત્રો હતા. વિરાટ સામાન્ય કુટુંબમાંથી આવતો હતો. નિસર્ગ તેનો ખાસ મિત્ર હતો અને કરોડપતિ પિતા ઉષાકાન્ત શ્રોફનો એકમાત્ર પુત્ર હતો. વૈભવી નિસર્ગની મિત્ર હતી અને મનોમન નિસર્ગને પસંદ કરતી હતી. વિરાટ જન્મજાત કલાકાર હતો ખૂબ સારું ગાઈ પણ શકતો. નાટકનો ગજબનો શોખ હતો. એવી જ રીતે ગાર્ગી નૃત્ય તથા અભિનય કલામાં પારંગત હતી. એટલે જ વિરાટ-ગાર્ગીની જોડી જામતી હતી. માત્ર શહેર જ નહીં પણ પૂરા રાજ્યમાં નાટ્યકર્મી તરીકે જયરાજ રાઠોડનું નામ બહુ મોટું હતું. રંગભૂમિ સાથે સંકળાયેલા સૌ તેને આદર આપતા, પરંતુ તેના વિશેની એક વાત ખાસ ચર્ચાતી રહેતી. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા જયરાજ રાઠોડે લગ્ન નહોતાં કર્યાં. કૉલેજના પ્રાધ્યાપકો વગેરે દ્વારા માહિતી મળતી રહેતી કે તેમના યૌવનકાળથી જ એ રંગભૂમિ પર રાજ કરતા. કંઈ કેટલીયે અભિનેત્રીઓ તેના તરફ આકર્ષાતી. તેમાંની એક, કોઈ નેહા દીવાનને એ ચાહતા હતા. નેહા દીવાનનો રૂપઠઠ્ઠો પણ જાજરમાન હતો. એ પણ તેમને દિલ લઈ ચૂકી હતી. એક વખત અમેરિકામાં એક સ્ટેજ શૉ યોજાયો. તે વખતે ત્યાંના કોઈ અતિધનાઢ્ય સ્પોન્સરર સાથે તેનો પરિચય થયો. પરિચય ઘનિષ્ટતામાં ફેરવાયો અને એ અચાનક જયરાજ રાઠોડને છોડી તેને પરણી અમેરિકામાં સેટલ થઈ ગઈ. તેઓ આ કારમો આઘાત પચાવી ગયા, પરંતુ તેના માટે શ્રાપિત સાબિત થયેલ રંગભૂમિ તેમણે છોડી નહીં. પ્રેમભગ્ન થયાં પછી લગ્ન ન કરતા આજ પર્યંત તેઓ અવિવાહીત રહ્યા.


`વિભુ, બોલ શું લઈશ કૉફી, ચા કે કોલ્ડ્રીન્ક?’ નિસર્ગે વૈભવીને પૂછ્યું. બન્ને કૉલેજના બેઝમેન્ટમાં આવેલ કેન્ટિનમાં બેઠાં હતાં.

વેઈટ નિસર્ગ' વૈભવીએ કહ્યું,આપણે અગિયાર વાગ્યે કહ્યું હતું એટલે હમણાં ગાર્ગી અને વિરાટ આવતા હશે…’
ઓ. કે. તો એમ બસ!' નિસર્ગ તું આપણે અહીં આવ્યા ત્યારે કંઈક કહેતો હતો...' હા, આ ઈન્ટર યુનિવર્સિટી કોમ્પિટીશન ફેસ્ટિવલ ઑગષ્ટમાં જ થવાનો હશે ને?’
`ડેફીનેટલી. ઍવરી ઈયર એમ થાય છે… કેમ?’

મારા અંકલે યુ.એસ.માં એક બીજી મોટૅલ પરચેઝ કરી... સપ્ટેમ્બરની વીસ તારીખે તેનું ઉદ્ઘાટન છે. પપ્પાનો ફોર્સ છે મારે પણ સાથે અમેરિકા આવવું... મને જોકે કંટાળો આવે છે. ત્યાં જઈ હું શું કરું?' વૈભવી હસી પડી,કંટાળો તો આવે, હું તો ત્યાં હોઉં નહીં! સોરી સોરી અમે ત્યાં ન હોઈએ ને!’

એક્ઝેટ્લી' તેણે હસ્યા વગર વાત બદલી,તેં ગાર્ગીને પણ કહ્યું હતું ને કે પહેલાં કેન્ટિનમાં મળવાનું છે? … મારે બીજી બધી ઘણી વાત થઈ હતી પણ…’
હજુ નિસર્ગનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ગાર્ગી અને વિરાટ પ્રવેશ્યાં.
હાય!'હાય નિસર્ગ, વૈભવી!’ કહી તે બન્ને પણ ત્યાં જ ગોઠવાયાં.
વેલકમ,સ્નેહનો સરવાળો એટલે સ્વર્ગ’ના હીરો-હિરોઈન, – બેસ્ટ હેપી કપલ!’ વૈભવીએ એમને મઝાક સાથે આવકાર આપ્યો. બધા હસી પડ્યાં. નિસર્ગે ચાર કૉફીનો ઓર્ડર દેતા સવાલ કર્યો: એક વાત પૂછું ગાર્ગી?' કહેને…’ ગાર્ગીએ હકારમાં માથું ધુણાવ્યું. નિસર્ગે વાત આગળ વધારી, આ તો જસ્ટ, આપણાં ડ્રામાની થીમ બાબત... જે રોલ તમે બન્ને ભજવો છો ઑફકૉર્સ પતિ-પત્નીનો, મારો પ્રશ્ન એ છે કે લગ્ન પછી પણ હસબન્ડ-વાઈફ વચ્ચે આટલો પ્રેમ રહેતો હશે? અને બીજું...' વાત વચ્ચે અટકાવી ગાર્ગી બોલી,તું લગ્ન કરી તો જો પહેલાં નિસર્ગ…’
`શું? …એટલે?’ તે ન સમજ્યો હોય એવું લાગ્યું.

આને કોઈ સમજાવો પ્રેમ એટલે શું?' ગાર્ગીએ આગળ ચલાવ્યું,મેરીડ લાઈફ વિશે નિસર્ગે કેવી વિચિત્ર ગેરમાન્યતાઓ ધરાવતો લાગે છે! પ્રેમ એ પ્રેમ છે, લગ્ન પહેલાંનો કે પછીનો… તેનું માપ વધુ કે ઓછું થોડું થાય? એ તો અમાપ-અનંત છે… પ્રેમ પામવા માટે તેને માપવાનો ન હોય…’
ગાર્ગી સિવાય ત્રણેયે તાળીઓ પાડી. વિરાટે મોટેથી કહ્યું, `બ્રેવો ગાર્ગી, તારે માત્ર નાટક ભજવવાની બદલે ડાયલૉગ લખવાની પણ જરૂર છે… બાકી બોલે છે અદ્લ નાટક જેવું જ!’

હું નાટક જેવું નહીં, સાચુકલું બોલું છું' એ ગંભીર હતી. નિસર્ગે કહ્યું,ગાર્ગી કહે છે એ આપણે વિચારવું પડશે… પણ અત્યારે આ કૉફીને ન્યાય આપીએ.


દરવાજો ખખડવાનો ભાસ થયો એટલે વિરાટ બારણાં તરફ ગયો. શેરીના છેવાડે આવેલું બાપ-દાદા વખતનું જર્જરિત ઘર હતું. ગાર્ગી હતી. બારણું ખોલી અંદર તરફ ખસી તેને આવકારતા એ બોલ્યો, આવ ગાર્ગી.' ચારેબાજુ નજર ફેરવી ખુરશી પર બેસતા એ બોલી: કોઈ નથી ઘરે? ના. મમ્મી બાજુના મંદિરમાં ભાગવત સપ્તાહ ચાલે છે ત્યાં ગઈ છે… હું પાણી લાવું.’
નથી જરૂર.' ગાર્ગીએ કહ્યું.ઍક્ચ્યુલી હું એટલે અત્યારે આવી કે હવે આપણે છેક પરમ દિવસે પ્રેક્ટિસ કરવાના… અને જયરાજ સરે સ્ક્રિપ્ટમાં, મારા ડાયલૉગમાં જે ફેરફાર કર્યાં છે એ તારી પાસ છે… તો હું તે ઝેરોક્સ કરાવી લઉં…’
વિરાટે તેને વચ્ચેથી અટકાવી, કંઈ જરૂર નથી. મેં તારા માટે ઑલરેડી કૉપી કરાવી જ લીધી છે. વિચારતો હતો કે તને પહોંચાડું.' સો નાઈસ ઑફ યુ વિરાટ, થેન્કસ!’
અરે ગાર્ગી, આપણાં વચ્ચે વળી આવીથેન્ક્યુ’ શબ્દની આપ-લે ક્યાંથી આવી?’

એ હસી, `બાત તો સહી હૈ, આપણું આ નાટક પર્ફોમ થયું અને ફર્સ્ટ આવ્યું… આપણે બે-એક વર્ષથી એકબીજાને જાણતાં હતાં પણ આ પ્લેમાં કામ કરતા કરતા કેટલા નજીક આવ્યા!’

વાસ્તવમાં જયરાજ રાઠોડના દિગ્દર્શનમાં મુખ્ય પાત્ર તરીકે પતિ-પત્નીનો રોલ તેમણે અદ્ભુત ભજવ્યો. સમગ્ર કૉલેજ-કેમ્પસમાં ફેવરિટ કપલ જેમ એ જાણીતાં થઈ ગયાં હતાં. ભલે જયરાજ રાઠોડ તે ખુદ પામ્યા નહોતા, પરંતુ રંગભૂમિ પર તેમણે દામ્પત્યજીવનનું સુખ સજીવન કરી દેખાડ્યું હતું.
તો હું નીકળું?' ઊભા થતા એ બોલી. ઓ.કે. બટ…’ હાથ ફેલાવી વિદાય આપતા વિરાટ પહેલા ક્ષણવાર તો અટક્યો પણ પછી તેના મનમાં અટકાવી રાખેલી લાગણી આખરે અભિવ્યક્ત કરી જ દીધી કે પોતે તેની સાથે એક અંગત વાત કરવા માગે છે એ પણ જલદીથી.

ગાર્ગીએ પણ ત્યારે વાત લંબાવ્યા વગર કહી દીધું, `મળીયે સાંજે છ વાગે, યુનિવર્સિટી પાછળના ગાર્ડનમાં’


સાંજે વિરાટની પણ પહેલાં એ પહોંચી ગઈ હતી. ફેડેડ બ્લૂ ટી શર્ટ અને કાર્બનબ્લેક જિન્સ તેને શોભતું હતું. આંખો પરથી ગોગલ્સ ઉતારી એ હાથ વડે ઘુમાવી રહી હતી. વિરાટ પહોંચ્યો એટલે તરત એ બોલી, `નાઉ ટેલ મી, શું આમ ઓચિંતું આભ તૂટી પડ્યું છે બોલ…!’ અને આપણી વચ્ચે ફોર્માલિટી ક્યાંથી આવી? તું અને હું તો આમેય મળ્યા કરીએ છીએ… ડ્રામા પ્રેક્ટિસમાં ને કૉલેજમાં.’

તેના બોલી લીધા પછી વિરાટે ત્યારે જ સ્ણષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે એ તેને ચાહે છે. નાટકમાં પતિ-પત્નીનો રોલ કરતા કરતા તેને લાગી રહ્યું છે કે એ એની પત્ની બને. નાટકનાં દૃશ્યોમાં જોવા મળ્યો છે તેવો સ્નેહ-સેતુ એકબીજા વચ્ચે સાચુકલો બની રહે. નાટકની અંદર પતિ-પત્નીના પાત્રમાં જે રીતે ગાર્ગી તેને અપાર પ્રેમ કરે છે એ જ તેના વાસ્તવિક જીવનની એષણા છે વગેરે વગેરે…

એક ક્ષણ તો એ કશું બોલી નહીં. પછી હળવેથી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું: મને ખ્યાલ છે વિરાટ, તારા પ્રેમની પરિભાષા હું જાણી ચૂકી છું. સ્ત્રીઓને એક ત્રીજી આંખ હોય છે. ખરું કહું તો એના રુંવે રુંવે આંખો હોય છે... કોઈ વ્યક્તિ તેને સ્પર્શે તો એ સ્પર્શ માત્રનો અર્થવિસ્તાર તુરંત તેના મનમાં થઈ જાય છે...' ગાર્ગી’ એ બોલ્યો, `નાટકના એક દૃશ્યમાં હું તારા ખોળામાં માથું નાખીને સૂતો હોઉં છું. એ ક્ષણે હું સંપૂર્ણ રીતે તારામાં એકાકાર થઈ ગયો હોઉ એવો અનુભવ થાય છે.’

અચ્છા વિરાટ, આઈ ઑનર યૉર લવ એન્ડ ફિલિંગ્ઝ... મને પણ તારી ચાહતનો ખ્યાલ બહુ પહેલાં આવી ગયો હતો... શક્ય છે આપણે બન્ને એકબીજા માટે બન્યાં હોઈએ. તને નહીં પસંદ કરવા માટે મારી પાસે કોઈ કારણ પણ નથી. તું મારા પર ભરોસો રાખજે પ્લીઝ!' થેન્ક્યુ ગાર્ગી, ભલે આપણી વચ્ચે થેન્ક્યુ શબ્દની આપ-લેની જરૂર નથી છતાં પણ…’ એ ગળગળો થઈ ગયો.


રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીના એક એકથી ચડિયાતાં નાટકો રજૂ થયાં. આખરે એ ભવ્ય સમારંભમાં ભારે દબદબા વચ્ચ પરિણામની ઘોષણા થઈ. અહીં પણ `સ્નેહનો સરવાળો એટલે સ્વર્ગ’ પ્રથમ વિજેતા થયું હતું. ટ્રોફી લેવા હાજર હતા દિગ્દર્શક જયરાજ રાઠોડ, મુખ્ય કલાકાર વિરાટ, ગાર્ગી અને સહકલાકાર વૈભવી તથા નિસર્ગ. તાળીઓનો ગડગડાટ થયો. મિત્રોએ સ્ટેજ પર ફૂલોનો વરસાદ વરસાવ્યો.

બીજે દિવસે સવારમાં નાટ્ય સ્પર્ધામાં સ્થાનિક કૉલેજે મેળવેલ સિદ્ધિના સમાચાર પ્રગટ થયા અને સાથે બેસ્ટ એક્ટ્ર-એક્ટે્રસ જાહેર થયેલ વિરાટ તથા ગાર્ગીના ફોટોગ્રાફ્સ પણ. શુભેચ્છા આપવા વિરાટે ગાર્ગીને મોબાઈલ કર્યો. સ્વીચ ઑફ આવતો હતો. ત્યાં જ વૈભવીનો ફોન આવ્યો. હેલ્લો વિરાટ, ખબર પડી?' શેની? કઈ?’ વિરાટે સામો સવાલ કર્યો.
સાંભળ, ગાર્ગી નિસર્ગ સાથે નાસી ગઈ!' શું???’ એના હાથમાંથી મોબાઈલ પડતા રહી ગયો.
`હા, વિરાટ, પાકા સમાચાર છે, નિસર્ગના બીજા મિત્રોના કહેવા પમાણે એ બન્ને લગ્ન કરી લેવાનાં છે… નિસર્ગની જાહોજલાલી અને સંપત્તિથી એ અંજાઈ ગઈ… ખરું કહું તો નિસર્ગે મને પણ દગો દીધો…’

વૈભવીના આગળના શબ્દો તેના કાન સુધી ન પહોંચતા અવકાશમાં ઘૂમી રહ્યા. ગાર્ગીએ પોતાના પ્યારને સ્વીકાર્યો પણ હતો અને તો પણ…? આ તો ફરી જયરાજ રાઠોડ સાથે થયેલ ઘટનાનું પુનરાવર્તન થયું. નેહા દીવાન તેને છોડી ગઈ હતી અને ગાર્ગી પોતાને! જયરાજ રાઠોડ સાથે સંકળાયેલી રંગભૂમિ ફરી એક વખત શાપિત થઈ હતી.

ગાર્ગીનો પ્રેમ માત્ર અભિનયના અંકોડામાં કેદ રહ્યો અને તેની સાથે પોતાના સંબંધનું માત્ર રિહર્સલ જ રહી ગયું. આ તે કેવી કરુણતા! રિહર્સલ થતાં રહ્યાં પણ જીવનની વાસ્તવિક રંગભૂમિ સુધી તો કશું પહોંચ્યું જ નહીં! જીવનના તખ્તા પર સુખનો પડદો કાયમ માટે પડી ગયો. જીવનનું નાટક તો રિહર્સલ પૂરતું જ મર્યાદિત રહ્યું.
વિરાટ ત્યાં જ બેસી પડ્યો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત