વારસ
ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા
અડધી રાતનો ગજ્જર ભાંગ્યો’તો. જળેય જંપી ગયાં હતાં. એક તો માગશરની માઝમ રાત અને એમાં પાછી મદભર માનુનીના કંકણવંતા હાથની ભીંસ જેવી કડકડતી ટાઢનો ભરડો! શેરીના કૂતરાય ખૂણોખાંચકો શોધીને જંપી ગયેલા. બરાબર એ જ વખતે વખતપરના મેરામણ મુખીનાં પગલાં ગામને છેવાડે આવેલા એક ઘરની ખડકીએ અટક્યાં. આસપાસ જોઈને ખડકીએ સાંકળ ખખડાવી. એક, બે ને ત્રણ વાર! ને અંદરથી કોઈ બાઈ માણસ ઓઢણું સંકોરતું ફળિયામાં આવતાં બોલ્યું: `કોણ છે ઈ?’
આજ બાવીસ-બાવીસ વર્ષેય મેરામણ એ અવાજને ઓળખી ગયો! એ અવાજ સમુનો હતો.
જેને પોતે મીઠડી કહેતો. કોયલ પણ કહેતો! હાથના બંધમાં બંધાઈને પડેલી સમુનાં ઉરેબઘાટનાં કમખામાં છલકાતા જોબનને માણતાં માણતાં મેરામણ તેની ચિબુકને પકડી બચી ભરીને કહેતા: `સમુ, તું તો મારી કોયલ છે. મારા સૂના જીવતરના વેરાનમાં ટહુકતી કોયલ!!!’
કોણ છે. બોલો તો ખરા?' સમુના સાદે મુખી વર્તમાનમાં ફેંકાયા. એ દબાતે અવાજે બોલ્યા:
એ તો હું, મેરામણ! સમુ, હું મેરામણ-‘ એના છેલ્લા શબ્દો પૂરા થાય એ પહેલાં ખડકી ઊઘડી ચૂકી અને સામે મુખીને જોઈને સમુ બે ડગલાં પાછી પણ પડી:’ તમે? અટાણે? આવી રીતે?’
મુખી પળ બે પળ સમુને તાકી રહ્યા. પછી બોલ્યા: `હા, સમુ હું. અટાણે. આવી રીતે, ઓચિંતાનો જ… પણ શું તું મને આવ્યાનો આવકારોય નહીં આપે?’
આવો દબાતે પગલે હાલ્યા આવો...' સમુ દબાતે અવાજે બોલી:
ઓરડામાં રણજિત સૂતો છે. નહીં ને ક્યાંક જાગી જશે તો મરવા જેવું મારે થશે. સમજ્યા?’ કહી આગળ વધી. મુખી વાજોવાજ પાછળ આવ્યા. સમુએ રણજિતના ઓરડાનું બારણું બંધ કર્યું અને પછી પડખેના કોઠાર તરફ જતાં કહ્યું: અહીંયા વહ્યા આવો. ભીંતની ઓથ છે.' વાજોવાજ દોરાતા મુખીય મનમાં બબડ્યા:
આ એ ઓથ તો ગોતવા નીકળ્યો છું ભૂંડી! બાકી, આવા ટાણે તારા ઘરની ખડકી ખખડાવવાનું વખતપરના મુખીને ન શોભે. પણ લોહી, લોહીને ઝંખતું હતું. એક મારા દીકરાને મળવા મારું કાળજું-‘
બોલો...' કળશિયામાં પાણી આપતાં એણે પૂછ્યું:
શું કામે આવ્યા છો? એકાએક-‘
`હું આવ્યો છું મારો દીકરો લેવા સમુ! રણજિતને મારી ભેળો લઈ જવા આવ્યો છું. હું હવે થાક્યો છું. આતમા પોકારી પોકારીને કહે છે. કે દનૈયા (દિવસો) હવે ટૂંકા છે. આ જીવતર તો ચપટી વગાડતાંમાં જ હવે પૂરું થઈ જશે સમુ.’
`તો? તો હું શું કરી શકું? અને રણજિત વાળી વાત શું છે મુખી. સમજણ પાડો.’
સમુ, આજથી પાંત્રીસ વરસ પહેલાં રાજગઢના ન્યાત પટેલની મોટી દીકરીને પરણ્યો. પણ ખોળો આઠ-આઠ વરસ લગીય ખાલી રહ્યો. એ પછી એની જ મરજીથી એની નાની બહેનને લાવ્યો. તોય વંશનો વેલો ન ફૂટયો તે ન જ ફૂટયો. એ પછી
ત્રીજું’ ન કર્યું. આ મારો અઢીસો વિઘાનો વાડી-વજીફો, ઘર ખેતર ખોરડું… સંધુંય છે. પણ એનો ભોગવનાર વારસ નથી. પણ મારા લોહીને વંશ નથી એવું તો નથી જ! યાદ છે ને? આજથી બાવીસ વરસ પહેલાંની અષાઢની એ રાત!..? મારો વંશવેલો ફૂટે એને વાસ્તે મારી બેય પત્ની જાતરાએ ગયેલી ને ઈ રાત. ઈ દિવસો! બે મહિના પછી તેં આવીને મને કહેલું કે મુખી, મારા પેટમાં તમારું લોહી ઉઝરી રહ્યું છે. ને હું ચમક્યો હતો. મેં તને એક રસ્તો ચીંધ્યો પણ તું નામક્કર ગઈ…’
`વખત વખતનું કામ કરે છે મુખી. ગરીબાઈ સારી પણ ગરીબ ધણી નહીં સારો. દારૂડિયો સારો પણ માવડિયો નહીં સારો. અરે, બાયડીને પોતે ધોલ-ધપાટ, ઢીંકા-પાટું, ગડદા-ઠોંસા મારી લે. વાંહો લાકડી મારી મારીને સજ્જડ કરી દે એ પોહાય પણ છત્તી આંખે ને છતાં કાને કોઈ પારકું જણ પોતાની બૈરીને કનડતું હોય ને એ સાંખી લે એવા ધણીને બૈરી નથી માફ કરતી. હું ગરીબ માવતરની દીકરી હતી. સાસરિયું દોહ્યલું, નોખાં કાઢી મૂક્યાં. મારા ધણીને ટી.બી.નો ખાટલો ખાતો ચાલ્યો. મૂંઝાણી હતી ને તમે મળી ગયા…’
પછી તો લીલા લહેર જ થઈ ગઈ હતીને? દાણા-પાણી, શાક-બકાલું, ઘી-દૂધ, રૂપિયા રોડા...'
હા, પણ…’ સમુ દરિયામાં અગ્નિ પ્રગટાવે એવો ઊંડો નિહાકો નાખી ને બોલી: `બદલામાં તો મેં પણ તમારી ફૂલ-પથારીની કેટલી સળ ભાંગી’તી મેરામણ મુખી?!’
પણ ત્યારે જ તારી કૂખે જંતરડા જેવો દીકરો થયો ને. તે દિ'તું છતા ધણીએ તનથી તરસી હતી આજ હું પંડ્યના દીકરે વાંઝિયો કહેવાઉં છું. પણ આજ... આજ હું આવ્યો છું મારા વંશને લેવા. વારસને લેવા. દુનિયાને, આપણે મુઠ્ઠીમાં અકબંધ રહેલી અંદરની વાત બતાવવી નથી એટલે તો
દત્તક’ લેવાની કાયદેસરની કાર્યવાહી કરવાનું વિચાર્યું છે. કાગળિયાં તૈયાર કરાવ્યાં છે. મેં મારી બેય પત્નીઓને સાચી વાત હવે કરી દીધી છે. રણજિત સાથે તું પણ મારા ડેલી બંધ ચાર ઓરડાવાળા ઘરમાં આવી જા. તારું સ્થાન પણ ત્યાં જ છે સમુ. હું તને, પેલી બેય કરતાં અદકા હેતથી સાચવીશ અને મારી બેય પત્ની પણ નાની બહેન જેમ તને સાચવશે એ મારું વચન છે.
આજથી તું પણ મારી કાયદેસરની ત્રીજી પત્ની…’નહીં મુખી નહીં...' સમુ આછી ચીસ પાડી ઊઠી:
હું તમારી પત્ની નહીં બની શકું. મારો ધણી- એક જ જેરામ! પણ એ બિચારો સરગા પર (સ્વર્ગમાં) ચાલ્યો ગયો. મુખી, બસ એક અમારા પાપી પેટનો સવાલ હતો ને મારે સાચવવું હતું મારા સૌભાગ્યને! તમારા રૂપયે હું એને જીંથરી ટી.બી. હૉસ્પિટલમાં લઈ ગઈ ને એક દિ’ હણહણતા ઘોડા જેવો કરીને લાવી…’
હણહણતો તો આ ઘરમાં સૂતો ઈ છે ઈ...!' મુખીના ચહેરા પર આછો મલકાટ પથરાયો:
બાકી જેરામ તો તને ક્યાં કશું આપી શકવા સમર્થ હતો? ન તનનું સુખ કે ન મનનું સુખ…’સાંભળશો તો...' સમુ મનમાં જ બબડી. પછી મૌન થઈ ગઈ. મુખીએ મૌનને તોડ્યું:
તે સાંભળ્યું? હું એને દત્તક લેવા માગું છું. મારું લોહી, મારું પંડ્ય, મારું જ બીજું શરીર. મારો વારસ! તું એને મારા હાથમાં સોંપી દે સમુ. એક આટલું માગું છું. આપીશને? જૂનો વખત યાદ કરીને બોલજે. મેં તને ક્યાંયથી પણ ઊણી રહેવા નહોતી દીધી.’
વખત તો સરમ બનીને આપણી વચ્ચેથી વહ્યો ગયો મુખી! મેં તમને પહેલાં જ કીધું એમ મારો સુહાગ-ચાંદલો ભૂંસાઈ ન જાય એટલા માટે રૂપિયાની લાલચે તમારી પાસે હું આવી હતી. નહીંતર મારી જુવાનજોધ કાયાની સામે સૌ ટાંપીને બેઠા'તા. અંતે, ગરીબાઈ અને ધણીની બીમારીથી કંટાળીને એનો ઈલાજ કરવાનો વાસ્તે રૂપિયાની લાલચમાં ને લાલચમાં ઓરડે-ઓરડાનો
શણગાર’ બનવા કરતાં બસ એક તમારા નામનું છત્તર મને મળી ગયું તો હું સૌના હાથથી ચૂંથાતાં બચી ગઈ મુખી. અને મારો જેરામેય બચી ગયો. બાકી, આ લોહી તો જેરામનું છે, જેરામનું! તમને મેં ચોમાસાની સળંગ રાત્યું (રાત) આપ્યા પછીય હું બે વાર નાવણ'માં બેઠી'તી. અને જીંથરીથી સાજા થઈને આવેલા જેરામની અંદરેય એક
આદમી’ બેઠો થયો હતો. આ ઓધાન એનું છે. તમારું નહીં સમજ્યા? વાંક કદાચ તમારી એક પત્નીમાં હોય, પણ બબ્બે સ્ત્રીમાં તો એકસરખી એબ ન જ હોય. બસ એટલું કહું કે હું તમારી પાસે ખોટું બોલી હતી, પણ હકીકત તો એ છે કે મૂળ તમે જ `આદમી’માં-‘
- છાતીમાં એક સબાકો આવ્યો ને મેરામણ મુખી ચીસ પાડી ઊઠ્યા:
નહીં સમુ-'
હા મુખી!’ સમુ બોલી: `કોહવાડ તો તમારા પાણીમાં જ… બગાડ તો તમારામાં જ… નહીંતર બબ્બે બાયડીએ આમ વાંઝિયાપણું ન ભાંગે, કાંઈ?’
પણ સમુ આગળ કશું બોલે એ પહેલાં મુખીએ સમુના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી દીધો: `રાખ્યો તો પછી આયખાના ઉંબરા સુધી ભ્રમમાં જ રાખવો’તો ને? તારે દીકરાને નહોતો આપવો તો કાંઈ વાંધો નહોતો. કોઈ બીજું બહાનું બતાવવું હતું, પણ આમ, ખોટનું સાચ નહોતું કરવું, સમુ! ખોટનું સાચ નહોતું કરવું. મારું જીવતર તો એળે ગયું, મોત પણ…’ કહેતાં મુખીની છાતીમાં બીજો સબાકો આવ્યો અને-