પાશવી આનંદ લેવો કેટલે અંશે યોગ્ય? | મુંબઈ સમાચાર

પાશવી આનંદ લેવો કેટલે અંશે યોગ્ય?

ફોકસ -જુલી સોલંકી

“પરદુ:ખના દુ:ખે સુખી થતો ગયો,
અજાણ્યે પાશવી આનંદ લેતો ગયો.
આધુનિક સમયની માગમાં એક જગ્યાએ માનવી ચોવીસ કલાક કામને આપે છે તો બીજી જગ્યાએ કેટલાક વ્યક્તિઓ એ ચોવીસ કલાકમાંથી મોટા ભાગનો સમય બીજાની પંચાત કરવામાં એટલે કે બીજા શું કરે છે? કેવું જીવન જીવે તેમાં પસાર કરે છે. એમાં જ આનંદ મેળવે છે. ઈન્સ્ટાગ્રામની એક રીલમાં નાનકડી છોકરી હાસ્ય કરતી કહેતી હતી કે, “જો આપણાં જીવનમાં શું ચાલી રહ્યું છે તેની ખબર ન હોય તો પડોશીને પૂછી લેજો એને બધી ખબર હશે. આ વાત થોડી અતરંગી લાગે છે, પરંતુ આ જ વાસ્તવિકતા છે.

કેટલીક વ્યક્તિઓ બીજાનાં જીવનને એટલું મહત્ત્વનું માને છે કે એના દુ:ખી થવા પર આનંદિત થઈ ઊઠે છે, કારણ કે તેનો ભાવ / પ્રકૃતિ ઊંધી વળી ગયેલી હોય છે. બીજાનાં દુ:ખમાં હાસ્ય કલાકાર બનીને પાત્ર ભજવે છે ત્યારે એ પ્રકૃતિને પાશવી કહે છે. પાશવી આનંદ એ અજ્ઞાનતાના કારણે ઊભી થતી દીવાલ છે. સ્ત્રી હોય કે પુરુષ આવો સ્વભાવ કેળવાયેલો ક્યાંક જોવા મળે છે. ઉદા. પડોશીના જીવનમાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ એ વખતે બાજુમાં રહેલ વ્યક્તિ દુ:ખને દૂર તો કરી શકતું નથી, પરંતુ પાશવી આનંદ લઈને દુ:ખમાં મીઠું નાખવાનું કાર્ય કરે છે.

ભીતર જ્ઞાન જાગૃત ન હોય એ સમયે આવાં કાર્યો કરી બેસે છે. ક્યારેક તો કૂવામાંનાં દેડકા જેમ એટલામાં જ ચક્કર લગાવતો હોય છે. એમ કહેવાય છે કે, “હસતાંહસતાં કરેલાં કર્મોનું ફળ રોતાં રોતાં ભોગવવું પડે છે આ ભોગવટો અજાણતાં જ ભોગવવો પડે છે. એનું ધ્યાન સુધ્ધાં હોતું નથી. જો આપણે બીજા પ્રત્યે પોતાનું હકારાત્મક વલણ દાખવીએ તો ક્યારેય ભોગવટો સહન કરવો પડતો નથી. નકારાત્મક વિચારો ત્યજીને પોતાના કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ યોગ્ય કહી શકાય. આમ, પાશવી આનંદ ન કરીને સૌ જીવ પ્રત્યે સહજ રીતે વર્તીને પોતાના કર્મને વળગી રહીએ.

Back to top button