ઇષ્ટદેવને પ્રસન્ન કરવા હોય તો આરાધનાને ઉચ્ચ સ્તરે લઈ જવી જરૂરી છે
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘ભગવાન શિવનું માર્ગદર્શન યોગ્ય છે, તેઓ પોતાના ભક્તોનો વધ કઈ રીતે કરી શકે તેમણે એમ જણાવ્યું કે જ્યાં સુધી એ દૈત્યો તેમની ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એ દૈત્યોનો વધ અસંભવ છે. આ દૈત્યો ભક્તિથી દૂર જઈ ધર્મથી વિમુખ બને અને સર્વથા અનાચાર પારાયણ થાય અને વૈદિક ધર્મનો નાશ થાય તો જ એ દૈત્યોનો વધ શક્ય છે.’
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ: ‘હે દેવગણો આ સમયે તો ત્રિપુરાધિપતિ (તારકાસુરનો પુત્ર) મહાન પુણ્ય-કાર્યમાં લાગેલા છે, હું દેવતાઓના બધા કષ્ટોને જાણું છું તેમ છતાં એ દૈત્યો બહુ પ્રબળ છે, બધા દેવતા અને બધા અસુરો મળીને પણ એમનો વધ નહીં કરી શકે. હે દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો એટલે ધર્મદૃષ્ટિએ વિચાર કરીને તમે જ બતાવો કે જ્યારે એ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું, એટલા માટે હે દેવગણો જ્યાં સુધી તે દૈત્યો મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એમનો વધ અસંભવ છે, તેમ છતાં તમે લોકો ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણે જાઓ, તેઓ જ વધુ માર્ગદર્શન આપી શકશે.’
ભગવાન શિવ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં દેવરાજ ઈન્દ્ર અને દેવગણો કૈલાસથી વિદાય લે છે અને તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુનું માર્ગદર્શન લેવા ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે.
ક્ષીરસાગર ખાતે શેષનાગ પર શ્રીહરિ વિષ્ણુ ન દેખાતાં ઇન્દ્રદેવ અને દેવગણો ફરી આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને માતા લક્ષ્મીને કહે છે.
ઈન્દ્રદેવ: ‘માતા લક્ષ્મીનો જય હો, ભગવાન શ્રીહરિ વિષ્ણુ દેખાતા નથી?’
માતા લક્ષ્મી: ‘ત્રિપુરાસુરોના પરાક્રમની ચર્ચા માટે શ્રીહરિ વિષ્ણુ બ્રહ્મલોક ગયા છે.’
દેવરાજ ઈન્દ્ર અને દેવગણો ક્ષીરસાગરથી વિદાય લે છે અને તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુને શોધવા બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે.
બ્રહ્મલોક પહોંચતા દેવગણો જુએ છે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્મદેવ ચર્ચામાં વ્યસ્ત છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને જોઈ ભગવાન બ્રહ્મદેવ કહે છે.
બ્રહ્મદેવ: ‘હું અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ જરાય અચંબિત નથી કે દેવગણો અહીં શું કામ આવ્યા છે, અમને જ્ઞાત જ હતું કે તમે અહીં આવશો. ભગવાન શિવે તમને શું માર્ગદર્શન આપ્યું તે જણાવો.’
દેવરાજ ઈન્દ્ર: ‘ભગવાન શિવે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે તેઓને દેવતાઓના કષ્ટોની જાણ છે, દૈત્યો બહુ પ્રબળ છે, બધા દેવતા અને બધા અસુરો મળીને પણ એમનો વધ નહીં કરી શકે. હે દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો એટલે ધર્મદૃષ્ટિએ વિચાર કરીને તમે જ બતાવો કે જ્યારે એ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું, એટલા માટે હે દેવગણો જ્યાં સુધી તે દૈત્યો મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એમનો વધ અસંભવ છે, તેમ છતાં તમે લોકો ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણે જાઓ, તેઓ જ વધુ માર્ગદર્શન આપી શકશે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘ભગવાન શિવનું માર્ગદર્શન યોગ્ય છે, તેઓ પોતાના ભક્તોનો વધ કઈ રીતે કરી શકે તેમણે એમ જણાવ્યું કે જ્યાં સુધી એ દૈત્યો તેમની ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એ દૈત્યોનો વધ અસંભવ છે. આ દૈત્યો ભક્તિથી દૂર જઈ ધર્મથી વિમુખ બને અને સર્વથા અનાચાર પારાયણ થાય અને વૈદિક ધર્મનો નાશ થાય તો જ એ દૈત્યોનો વધ શક્ય છે.’
દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સમજી ગયા. દેવરાજ ઇન્દ્ર અને દેવગણો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે જેથી અસુરો શૈવ સનાતન ધર્મથી વિમુખ બને અને સર્વત્ર અનાચાર-દુરાચાર વ્યાપી જાય. થોડા જ સમયમાં ત્રિપુર પર અસુરો ધર્મથી વિમુખ થવા માંડયા અને વૈદિક ધર્મનો નાશ થવા માંડયો. અસુરો ઇન્દ્રિયોના વશમાં થઈ ગયા. અસુરો દુરાચારી થઈ ગયા, દેવ આરાધના, શ્રાદ્ધ, યજ્ઞ, વ્રત, તીર્થ, શિવ-વિષ્ણુ-સૂર્ય-ગણેશ આદિનું પૂજન, સ્નાન, દાન વગેરે શુભ આચરણોનો નાશ થઇ ગયો, ત્યારે માયા અને અલક્ષ્મીએ નગરમાં જઈ પહોંચ્યાં. ત્રિપુરાસુરોના તપથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ અને ત્યાં અધર્મનો વિસ્તાર થઇ ગયો. ત્રિપુરાસુર અને દૈત્યોએ પોતાની શક્તિના મદમાં શિવ અર્ચનનો પરિત્યાગ કરી દીધો અને ચારેબાજુ દુરાચાર ફેલાઈ ગયો. હવે યોગ્ય સમય થઈ ગયો હોવાની પ્રતીતિ થતાં બ્રહ્માજી, શ્રીહરિ વિષ્ણુ, દેવરાજ ઈન્દ્ર અને સમસ્તે દેવગણ કૈલાસ પહોંચી સમસ્ત દેવગણે જળમાં ઊભા રહીને ભગવાન શિવનું મનમાં ને મનમાં સ્મરણ કરીને તન્મય થઈ રુદ્રમંત્રનો દોઢ કરોડની સંખ્યા સુધી જપ કરી તેમની સ્તુતી કરવા લાગ્યા
હે મહેશ્ર્વર, આપ પરમોત્કૃષ્ટ આત્મબળથી સંપન્ન છો, તમે જ સૃષ્ટિના કર્તા અને સંહર્તા રુદ્ર છો, પરબ્રહ્મસ્વરૂપ આપને અમારા નમસ્કાર છે. આપ સમસ્ત પ્રાણીઓના ભક્તોની પીડા હરનારા છો. આપ નીલકંઠ, ચિદ્રૂપ અને પ્રચેતા છો. આપ રુદ્રને અમારા પ્રણામ છે. હે અસુરનિકંદન તમે જ અમારી બધી આપત્તિઓનું નિવારણ કરનારા છો, માટે સદાય આપ જ અમારી ગતિ છો, આપ જ સર્વદા અમારા વંદનીય છો. આપ સૌના આદિ છો અને આપ જ સૌના અનાદિ છો, તમે જ આનંદસ્વરૂપ, અવ્યય, પ્રકૃતિ-પુરુષના પણ સાક્ષાત સ્રષ્ટા છો, આપ જ રુદ્ર થઈને જગતના કર્તા, ભર્તા ને સંહારક બનો છો. હે શિવ-શંભો ત્રિપુરવાસી દૈત્યૌએ અમને પ્રાય: નષ્ટ જેવા કરી દીધા છે, તેથી આપ શીઘ્ર જ એ અસુરોનો વિનાશ કરીને અમારી રક્ષા કરો, હે પ્રભો ત્રિપુરવાસી દૈત્યો ધર્મથી વિમુખ થઈ ગયા છે અને વૈદિક ધર્મનો નાશ કરી દીધો છે. તે અસુરો ઇન્દ્રિયોના વશમાં થઈ ગયા છે. અસુરો દુરાચારી થઈ ગયા, દેવ આરાધના, શ્રાદ્ધ, યજ્ઞ, વ્રત, તીર્થ, શિવ-વિષ્ણુ-સૂર્ય-ગણેશ આદિનું પૂજન, સ્નાન, દાન વગેરે શુભ આચરણોનો નાશ કરી દીધો અને અને અંતે તેઓ તમારી ભક્તિ પણ છોડી દીધી છે, તેઓ તેમની શક્તિના નશામાં ચૂર થઇ ગયા છે, એ દૈત્યોએ સંપૂર્ણ ધર્મોનો પરિત્યાગ કરી નાસ્તિ શાસ્ત્રનો આશરો લઈ લીધો છે. હે સર્વજ્ઞાતા આપ તો સદાથી દેવતાઓની રક્ષા કરતા આવ્યા છો એટલે અમે શરણાપન્ન થયા છીએ હવે સૃષ્ટિના યોગ્ય સંચાલન અને દેવતાઓની રક્ષા કાજે આપની જેવી ઈચ્છા હોય એવું કરો.
આટલી સ્તુતી કર્યા બાદ પણ ભગવાન શિવ પોતાના તપમાંથી બહાર આવ્યા નહીં. સમસ્ત દેવગણ અત્યંત વ્યાકુળ અને દુ:ખી થઈ ગયા હોવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું:
ભગવાન શ્રી હરિ વિષ્ણુ: હે દેવતાગણો દુ:ખી શા માટે થાઓ છો? તમારે પોતાના બધાં જ દુ:ખોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. દેવગણોની આરાધના નિષ્ફળ નહીં જાય, ઇષ્ટદેવને પ્રસન્ન કરવા હોય તો આરાધનાને ઉચ્ચ સ્તરે લઈ જવી જરૂરી છે. મહદ્ આરાધનામાં પહેલા મહાન કષ્ટ વેઠવું પડે છે, પછી ભક્તની દૃઢતા જોઈને ઇષ્ટદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. ભગવાન શિવ તો ભોળાનાથ છે તેઓ તુરંત પ્રસન્ન થઈ જાય છે, દેવગણે તેમની આરાધના કરવી જરૂરી છે. તેથી પહેલા ‘ૐ’ નું ઉચ્ચારણ કરીને પછી ‘નમ’નો પ્રયોગ કરવો પછી ‘શિવાય’ કહીને બે વાર ’શુભમ’નું ઉચ્ચારણ કરો. એ પછી બે વાર ‘કુરુ’નો પ્રયોગ કરીને પછી ‘શિવાય નમ’ ‘ૐ’ જોડી દો. (આવું કરવાથી ‘ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ’ મંત્ર બને છે.) હે દેવતાગણો તમે લોકો આ મંત્રના પુન: એક કરોડ જપ કરશો તો ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે.’(ક્રમશ:)