ધર્મતેજ

આ અંકથી શરૂ થાય છે શ્રી ભાણદેવજીની નવી કોલમ”અલૌકિક દર્શન

જીવનનું અમૃત -ભાણદેવ

પ્રસ્તાવના
પરમ પૂજ્ય પરમગુરુને શત-સહસ્ત્ર પ્રણામ.
આપણે અસ્તિત્વના બે ભાગ પાડીએ છીએ: અલૌકિક અને લૌકિક. આપણે તપાસ કરીએ, આપણે આપણી જાતને પ્રશ્ર્ન પૂછીએ- આ લૌકિક ક્યાંથી આવે છે? ઉત્તર સ્પષ્ટ અને નિશ્ર્ચયાત્મક છે- આ લૌકિક અલૌકિકમાંથી જ પ્રગટ થાય છે અને કાર્ય-કારણથી સર્વથા ભિન્ન ન હોઈ શકે. કાર્ય પણ કારણનું જ એક સ્વરૂપ છે- તદનુસાર આપણે જેને લૌકિક કહીએ છીએ તે પણ મૂલત: અલૌકિક જ છે. જેને આપણે લૌકિક કહીએ છીએ. તેમાં પણ અલૌકિક ઓતપ્રોત જ હોય છે.

જો દૃષ્ટિ ખીલે તો લૌકિકમાં પણ આ અલૌકિકના દર્શન થાય છે. આ અલૌકિક દર્શન છે. અલૌકિકના દર્શન માટે સ્થાન બદલવાની જરૂર નથી, પરંતુ દૃષ્ટિ બદલવાની જરૂર છે. અલૌકિક કોઈ સ્થાનવિશેષમાં મર્યાદિત નથી. તે તો આ અસ્તિત્વના રજરજમાં અને કણકણમાં ઓતપ્રોત છે. આંખ ખોલીને જોઈએ તો આ લૌકિકમાં ઓતપ્રોત અલૌકિકનાં દર્શન કઠિન નથી, સુપ્રાપ્ય છે.

અમે આ લૌકિકમાં અલૌકિક શોધીએ છીએ અને ક્યારેક લૌકિકમાં અલૌકિકના દર્શન થઈ જાય છે. આ દર્શન અહીં અભિવ્યક્ત થયેલ છે અને તદનુસાર આ અલૌકિક દર્શન છે.

આપણા કવિવર અને અધ્યાત્મપુરુષ સાંઈ મકરંદ કહે છે:
“ગમતું મળે તો ’લ્યા ગૂજે ન ભરીએ,
ને ગમતાંનો કરીએ ગુલાલ.
તદનુસાર અમે પણ અહીં આ ગમતાંનો ગુલાલ કરીએ છીએ. આ ગમતાંનો ગુલાલ કરવાની પ્રેરણા અમને પૂ. મકરંદભાઈ પાસેથી મળી છે. તદનુસાર આ પુસ્તકમાં પૂ. મકરંદભાઈને પણ બેસાડ્યા છે, બિરાજમાન કર્યાં છે.

આ પુસ્તકમાં સંગ્રહિત બધાં જ પ્રકરણો એક જ વિષયના નથી અને છતાં તેઓ સૌ એક બૃહદ્ વિષયનાં જ પ્રકરણો છે. તે બૃહદ્ વિષય છે, ધર્મ-અધ્યાત્મ-અલૌકિક દર્શન.
પ્રકરણ-૧
દિવ્ય ચેતનાનું પ્રાગટ્ય
આ દિવ્ય ચેતના શું છે? આ દિવ્ય ચેતના અલૌકિક ચેતના છે. લૌકિક ચેતના અને અલૌકિક ચેતના શું છે?

આપણે અત્યારે જેમાં જીવીએ છીએ, તે શરીર-પ્રાણ-મન આ લૌકિક ચેતના છે. મનથી ઉપરની જે ચેતના છે, તેને અલૌકિક ચેતના ગણવામાં આવે છે અને તેને જ દિવ્ય ચેતના પણ કહેવામાં આવે છે. આ અલૌકિક દિવ્ય ચેતનાના પણ અનેક સ્તરો છે, ઊર્ધ્વમન, આલોક્તિ મન, અંત:સ્ફુરણાત્મક મન, અધિમનસ, અતિમનસ, સચ્ચિદાનંદ આદિ.

હવે આપણી સમક્ષ એવો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે આપણાં જીવનમાં આ અલૌકિક ચેતના- દિવ્ય ચેતનાનું શું પ્રદાન છે? આપણે દિવ્ય ચેતનામાં શા માટે પ્રવેશ કરવો જોઈએ? આપણા જીવનમાં આ દિવ્ય ચેતનાનું પ્રાગટ્ય શા માટે થવું જોઈએ? આપણાં જીવનમાં આ દિવ્ય ચેતનાનું શું પ્રદાન છે?

આ દિવ્ય ચેતનામાં જીવવું તે જ ખરું જીવન છે. આપણે આ લૌકિક ચેતનામાં જીવીએ છીએ તે તો અજ્ઞાનમાં જીવન છે, અંધકારમાં જીવન છે. જીવન જ્ઞાનમય હોય, પ્રકાશપૂર્ણ હોય તે જ યથાર્થ જીવન છે અને તે માટે જીવનમાં દિવ્ય ચેતનાનું પ્રાગટ્ય એકમાત્ર ઉપાય છે. દિવ્ય ચેતનામાં જીવવું તે જ યથાર્થ જીવન છે, પ્રકાશમય જીવન છે અને આવા જીવનની પ્રાપ્તિમાં જ જીવનની કૃતાર્થતા છે.
હવે પ્રશ્ર્નો થાય છે-
૧. આ દિવ્ય ચેતના ક્યાં છે?

૨. આ દિવ્ય ચેતના આપણાં જીવનમાં પ્રગટે કેવી રીતે? તે માટે આપણે શું કરવાનું છે?

૧. આ દિવ્ય ચેતના અહીં-ત્યાં સર્વત્ર છે. આપણા ઘરનાં-આપણાં જીવનનાં બારણાં પાસે જ ઉપસ્થિત છે.

૨.આપણાં જીવનમાં આ દિવ્ય ચેતના પ્રગટે તે માટે આપણે આટલું જ કરવાનું છે- આપણે આપણાં ઘરનું- આપણાં જીવનનું બારણું ખોલવાનું છે!

બારણું બંધ છે, એટલે શું? અને બારણું ખોલવાનું છે, એટલે શું?

આપણું મન સતત માનસિક ક્રિયાઓમાં રમમાણ રહે છે, તલ્લીન રહે છે. અર્થાત્ ચિત્તની વૃત્તિઓ સતત ચાલુ રહે છે. યાદ રહે! ‘યોગસૂત્ર’ પ્રમાણે નિદ્રા પણ ચિત્તની એક વૃત્તિ જ છે! આ ચિત્તવૃત્તિઓ સતત ચાલુ રહે છે- આ બારણું બંધ છે, તેમ ગણાય.

આપણું મન માનસિક ક્રિયાઓમાંથી મુક્ત બને, મનની આ ક્રિયાઓ બંધ થાય, અર્થાત્ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય- આ બારણું ખોલવાની ઘટના છે.

આ સાવ સરલ સીધીસાદી વાત છે! આ સરલ સાદી ઘટના ઘણી કઠિન ઘટના બની ગઈ છે. આમ કેમ બન્યું? આ સરલ ઘટનાને કઠિન બનાવનાર કોણ છે? તે છે આપણું ચંચળ મન! મન વાંદરું છે અને સતત કાંઈક-કાંઈક ક્રિયા કરતું જ રહે છે. તેને ઘડીભર પણ અક્રિય બનવું ગમતું નથી અને તેથી આપણા માટે અલૌકિક ચેતનામાં પ્રવેશનું બારણું બંધ રહે છે.

એક સિદ્ધાંત છે:
“મનની માનસિક ક્રિયાઓ બંધ કરો અને અલૌકિક ચેતનામાં પ્રવેશ કરો.
હવે પ્રશ્ર્ન એ છે કે આ મનની માનસિક ક્રિયાઓ બંધ કરવી કેવી રીતે?

૧. આ માનસિક ક્રિયાઓનું સાક્ષીભાવે દર્શન કરો. આમ કરવાથી બિચારી માનસિક ક્રિયાઓ અદૃશ્ય થઈ જશે. આમ બનવાનાં બે કારણો છે:
(૧)માનસિક ક્રિયાઓ શરમાળ છે. તમે તેમને જુઓ એટલે તરત તેઓ શરમાઈને ચાલી જશે.

(૨) માનસિક ક્રિયાઓ તમારા તેમની સાથેના જોડાણ વિના રહી જ ન શકે. તમે સાક્ષીભાવે તેમના દર્શન કરો એટલે તમારું તેમની સાથેનું જોડાણ બંધ થઈ જાય છે અને પરિણામે બિચારીમાનસિક ક્રિયાઓ બંધ પડી જાય છે.

૨. માનસિક ક્રિયાઓનું સાક્ષીભાવે દર્શન મુશ્કેલ લાગે તો? તો પ્રાણાયામનો અભ્યાસ કરો. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણના પ્રવાહો પર નિયંત્રણ સિદ્ધ થાય છે અને પ્રાણના પ્રવાહો પર નિયંત્રણ સિદ્ધ થવાથી મનના પ્રવાહો અર્થાત્ માનસિક ક્રિયાઓ પર નિયંત્રણ સિદ્ધ થાય છે.

૩.ભગવાનના નામનો જપ કરો. જપ દ્વારા મનથી ઉપરના સ્તરોમાં પ્રવેશ થાય છે અને માનસિક ક્રિયાઓ શાંત થઈ જાય છે. મનની ક્રિયાઓ શાંત થાય પછી અલૌકિક ચેતનાનું પ્રાગટ્ય કેટલું દૂર?

૪. ધ્યાનનો અભ્યાસ કરો! ધ્યાનની અનેક અને અનેકવિધ પદ્ધતિઓ છે. પોતાની રુચિ અને પસંદગી પ્રમાણે ધ્યાનની પદ્ધતિ પસંદ કરો અને તેના અભ્યાસમાં તલ્લીન બની જાઓ.
આટલું કરવા છતાં તમારો અલૌકિક ચેતનામાં પ્રવેશ ન થાય તો?
તો ભાગ્ય તમારા !
છે કોઈ ભાગ્યને બદલનાર ?
હા, છે !
કોણ ?
ભગવાનની કૃપા !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker